Luck and struggle in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | નસીબ અને સંઘર્ષ

Featured Books
Categories
Share

નસીબ અને સંઘર્ષ

નસીબ અને સંઘર્ષ

उद्योगिनं पुरुषसिंहं उपैति लक्ष्मीः दैवं हि दैवमिति कापुरुषा वदंति।

दैवं निहत्य कुरु पौरुषं आत्मशक्त्या यत्ने कृते यदि न सिध्यति न कोऽत्र दोषः॥

ઉદ્યમી પુરુષને – જે સિંહ સમાન બળવાન અને નિર્ભીક હોય – તેની પાસે લક્ષ્મીજી સ્વયં પધારે છે. કાયર પુરુષો તો બસ એમ જ કહેતા રહે છે કે "ભાગ્યમાં જે લખાયું હોય તે જ મળે છે." ભાગ્યને બાજુએ મૂકી દઈ, પોતાની અંતર્ગત શક્તિ દ્વારા પુરુષાર્થ કર – મહેનત કર, પરિશ્રમ કર. જો તું પૂરેપૂરો યત્ન કરીને પણ સફળ ન થાય, તો તેમાં તારી કોઈ ભૂલ કે દોષ નથી – એમાં ચિંતા કરવાનું કંઈ નથી.

એક વખતની વાત છે, અમદાવાદના એક પ્રતિષ્ઠિત કોન્વેન્ટ સ્કૂલમાં એક સાદો માણસ રામજી નામનો કામ કરતો હતો. તેનું કામ હતું રોજ સવારે, બપોરે અને સાંજે સ્કૂલ નો ઘંટ વગાડવાનું –ટન્... ટન્... ટન્... એ ઘંટના અવાજ ની સાથે  સમયનો સખ્ત સેનાપતિ જેવો બધાને શિસ્તમાં રાખતો. બાળકો વર્ગમાંથી દોડતા, શિક્ષકો પુસ્તકો બંધ કરતા, અને રામજીની ઘંટડી જીવનના એક નિયમિત લયને જીવંત રાખતી.

એક દિવસ નવા પ્રિન્સિપાલ સાહેબ આવ્યા. તેઓ ઉચ્ચ શિક્ષિત, ડિગ્રીઓના ઢગલા સાથેના વિદ્વાન માણસ હતા. તેમની નજર રામજી પર પડી. તેમણે પૂછ્યું, “તમે કેટલું ભણ્યા છો?”

રામજીએ નમ્રતાથી કહ્યું, “સાહેબ, હું તો અભણ  છું. બસ, ઘરમાંથી શીખેલું કામ કરું છું.”

પ્રિન્સિપાલને થોડું વસમું લાગ્યું. આટલા મોટા નામાંકિત સ્કૂલમાં ઘંટ વગાડનાર અભણ ? તેને થયું  આવા અભણને અહીં રાખવું આપણી સ્કૂલ માટે શોભાસ્પદ નથી. તેમણે તરત જ રામજીને બે શબ્દો ભારે કહી નોકરીમાંથી કાઢી મૂક્યો. જતાં જતા કહ્યું કે “ જો તુ ભણ્યો હોત તો મારી જેમ મોટા પગાર પર હોત અને ગણા પૈસા કમાતો હોત.”

રામજીને થયું પૈસા જ જીવનનું મહત્વ છે? સું ભણનાર વ્યક્તિ જ પૈસા કમાઈ સકે? પ્રતિષ્ઠા પામી સકે? તેનું જીવન અકારું થઈ ગયું. ઘરમાં બાળકોની ભૂખી આંખો, પત્નીની ચિંતા... ભૂખે મરવાની નોબત આવી. ત્યારે એક પડોશીએ સલાહ આપી, “ભાઈ, ફલાણા રસ્તા ના ખૂણા પર સમોસા વેચ. થોડું તો કમાઈશ.” રામજીએ નાનકડું ખોમચું લીધું, તેલ ગરમ કર્યું, મસાલા ભેળવ્યો અને સમોસા તળવા માંડ્યા. તેની પત્ની પણ તેને સાથ દેવા લાગી.

उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।

क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥ કઠોપનિષદ્

ઉઠો, જાગો અને જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ન અટકો

મહેનતનો ફળ મીઠું

લોકોને તેના સમોસાનો સ્વાદ ગમ્યો. એક દિવસ બે, બેમાંથી ચાર, ચારમાંથી દસ... એક નાનું રોપેલું મહેનતનું બીજ ધીરે ધીરે વટવૃક્ષ બનવા લાગ્યું. રેકડી માંથી નાની દુકાન અને તેમાંથી મોટી દુકાન..

અને પછી તો જાણે ઈશ્વરની કૃપા વરસી. રામજીની દુકાન શહેરની સૌથી મશહૂર સમોસા-ની દુકાન બની ગઈ. લોકો દૂરથી આવતા, લાઈન લાગતી. તેણે પોતાના બાળકોને કામમાં જોડ્યા, નવા ધંધા શરૂ કર્યા – ચા, ભજિયાં, ફાફડા... ધીમે ધીમે એક નાનકડી દુકાનથી શહેરના જાણીતા સેઠ બની ગયો. ઘણી દુકાનો, મકાનો, કારખાનાં... સફળતાની ઊંચી ચોટી પર પહોંચ્યો. મહેનત થી કમાવેલા પૈસા થી સત્કાર્યો કરવા લાગ્યો. ગૌ સાળા બનાવી . ડોનેસન આપ્યા હવે તે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ બની ગયો હતો.

એક દિવસ એક પ્રખ્યાત પત્રકાર તેનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો. ઘણી વાતો પછી પત્રકારે પૂછ્યું, “સેઠ રામજી, આપ કેટલા ભણ્યા છો?”

રામજીએ હસીને કહ્યું, “ભાઈ, હું તો અભણ  જ છું.”

પત્રકાર આશ્ચર્યચકિત થઈ ગયો. “આટલો મોટો બિઝનેસ, આટલી સફળતા... અને અભણ ? જો આપ ભણ્યા હોત તો આજે શું કરતા હોત?”

 

રામજીએ એક ઊંડો શ્વાસ લીધો અને શાંતિથી કહ્યું, “તો હું આજે પણ સ્કૂલમાં ઘંટ વગાડતો હોત... ટન્... ટન્... ટન્...”

પછી તેને પોતાની આહી જીવન વાર્તા કહી.

લોકો જયારે તમારા જીવનની એક બારી બંધ કરી દે છે ત્યારે ભગવાન હજાર દરવાજા ખોલી દે છે.

આત્મવિશ્વાસ અને ઈશ વિશ્વાસ એજ જીવનનો સાચો વિકાસ છે.

માત્ર વિદ્યા જ નહીં, પુરુષાર્થ અને કર્મનું મહત્વ અનન્ય છે.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥

તારો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર કદાપિ નહીં. ફળનું હેતુ કરીને કર્મ ન કર, અને અકર્મણ્યતામાં પણ આસક્તિ ન રાખ.

અક્ષરોની દુનિયામાં ન ભણ્યો હોય તો શું, 

હૈયામાં હિંમત હોય તો શિખર પણ છૂએ છે. 

ઘંટડીનો અવાજ બદલાઈને સમોસાની સુગંધ બન્યો, 

મહેનતના માર્ગે માણસ સેઠ બની જાય છે.

કર્મની આગમાં તપીને સોનું બને છે, અને સોનું બનવા માટે ડિગ્રીની મોહરની જરૂર નથી, બસ નિષ્ઠા અને પરિશ્રમ જોઈએ છે. આજના યુગમાં પણ આ વાર્તા હજારોને પ્રેરણા આપશે કે સાચી સફળતા અક્ષરોમાં નહીં, કર્મોમાં વસે છે.