Life path - 53 in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | જીવન પથ ભાગ-53

Featured Books
  • કોપીપેસ્ટ

    ડૉ.નભ M.s પછી સુપર સ્પેશીયલાઈઝેશન માટે U.S.A ગયા.ત્યાં ડૉ જલ...

  • સંગત થી રંગત

    મારી સંગત માં ,મારી પાસે આવનાર લોકો ને સ્વસ્તિ,શાંતિ, પ્રસન્...

  • કાયામત: અંતિમ આશ્રય - 9

    પ્રકરણ ૯: ગુપ્ત સંદેશ અને શંકાની સોયસમય: ટકરાવના ૧૫ દિવસ પછી...

  • ભ્રમજાળ - 4

    #ભ્રમજાળ​ભાગ ૪: કઠપૂતળીનો ખેલ​હોસ્પિટલના એ અંધારા ઓરડામાં દૂ...

  • ગોળધાણા ઉજવણી

    લગ્ન માટે ઘણાખરા કેસમાં વડીલો દ્વારા શોધવામાં આવેલ સામેનું પ...

Categories
Share

જીવન પથ ભાગ-53

જીવન પથ
-રાકેશ ઠક્કર
ભાગ-૫૩
 
        ‘જીવનમાં જો શાંતિ જોઈતી હોય તો બીજાની પંચાત કરવાને બદલે પોતાના પર પંચાયત બેસાડો.’
 
        આજના ડિજિટલ અને દેખાડાના યુગમાં એક જાદુઈ લાકડી જેવો આ વિચાર છે. જે આપણા જીવનની અડધી મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકે છે. આપણે બધા જ બીજાના જીવનના 'જજ' બની ગયા છીએ અને પોતાના જીવનના 'વકીલ'. આપણે બીજાની નાની અમથી ભૂલ પકડવામાં એટલા માહિર છીએ કે જાણે આપણી પાસે ટેલિસ્કોપ હોય પણ જ્યારે પોતાની ભૂલ જોવાની વાત આવે ત્યારે આપણે અચાનક 'ગાંધારી' બની જઈએ છીએ.
આજના જમાનામાં ઓટલા પંચાત ઓછી થઈ ગઈ છે પણ તેની જગ્યા 'વોટ્સએપ ગ્રુપ' અને 'સોશિયલ મીડિયા' એ લઈ લીધી છે. આપણે બીજાના સ્ટેટસ જોઈને નક્કી કરી લઈએ છીએ કે તેમનું જીવન કેવું ચાલી રહ્યું છે અને પછી આપણા ફ્રી ટાઈમમાં એના વિશે ગહન ચર્ચાઓ કરીએ છીએ. વાસ્તવમાં ‘બીજાના ઘરે દીવો કરવા જઈએ ત્યાં આપણું ઘર અંધારે ન રહી જાય’ એ વાત આપણે ભૂલી જઈએ છીએ. કહેવાય છે કે ‘ખાલી ચણો વાગે ઘણો.’ જે લોકો પાસે પોતાના જીવનમાં કોઈ નક્કર લક્ષ્ય નથી હોતું તેઓ જ બીજાના જીવનમાં ડોકિયું કરવાની વધુ કોશિશ કરતા હોય છે.
આજના યુગમાં પર્સનલ સ્પેસની વાતો બહુ થાય છે પણ સાચી પર્સનલ સ્પેસ તો એ છે જ્યાં તમે બીજાના વિચારોને તમારા મગજમાં ભાડે રહેવા ન આપો. આપણે હંમેશાં એ વાતમાં અટવાયેલા રહીએ છીએ કે ‘પેલો શું કરશે?’ અથવા ‘તેણે મને આવું કેમ કહ્યું?’ પણ જો આપણે આ જ ઉર્જા એ વિચારવામાં વાપરીએ કે ‘હું શું કરી શકું?’ તો પ્રગતિના દ્વાર આપોઆપ ખૂલી જાય છે. આપણી જીભ બીજાની ટીકા કરવામાં જેટલી ઝડપી ચાલે છે, જો આપણું મન પોતાની ખામીઓ સુધારવામાં એટલું જ ઝડપી ચાલે તો આપણે દેવતા બની જઈએ.
         ગુજરાતીમાં એક સુંદર કહેવત છે, ‘પોતાની પીઠ પોતાને ન દેખાય.’ એટલે કે આપણને પોતાની ભૂલો દેખાતી નથી પણ જો આપણે આપણા મન પર એક પંચાયત બેસાડીએ અને રોજ રાત્રે સૂતા પહેલા પોતાને સવાલ પૂછીએ કે આજે મેં મારી જાતને સુધારવા માટે શું કર્યું? તો ખરેખર જીવન સ્વર્ગ બની જાય.
        આ વાતને એક ખૂબ જ માર્મિક અને પ્રેરક પ્રસંગ દ્વારા સમજીએ જે આપણને દ્રષ્ટિકોણની શક્તિ સમજાવશે. એક નાનકડા શહેરમાં શાંતિલાલ નામના એક વૃદ્ધ ગૃહસ્થ રહેતા હતા. શાંતિલાલનો સ્વભાવ થોડો વિચિત્ર હતો. તેમને આખી દુનિયામાં ખામીઓ જ દેખાતી. તેઓ નિવૃત્ત હતા એટલે આખો દિવસ ઘરની બારી પાસે બેસીને બહારની દુનિયાનું નિરીક્ષણ કર્યા કરતા. તેમની સામેના ઘરમાં એક નવું પરણેલું યુગલ રહેવા આવ્યું હતું. શાંતિલાલ રોજ સવારે પોતાની બારીમાંથી સામેના ઘરની બાલ્કનીમાં જોતા અને પોતાની પત્ની કુસુમબેનને કહેતા, ‘જો કુસુમ, આ નવા પાડોશીઓને કપડાં ધોતા પણ નથી આવડતું. જો તો ખરી, બાલ્કનીમાં સુકવેલા કપડાં કેટલા મેલા અને ડાઘાવાળા છે! મને લાગે છે કે આ યુગલ બહુ આળસુ છે અથવા તેમને ચોખ્ખાઈની કંઈ પડી જ નથી.’
        કુસુમબેન બધું સાંભળતા પણ કશું બોલતા નહીં. તેઓ શાંતિથી પોતાનું ઘરકામ કર્યા કરતા. આ સિલસિલો ઘણા દિવસો સુધી ચાલ્યો. રોજ સવારે શાંતિલાલ બારીએ બેસે અને પાડોશીના કપડાંની બૂરાઈ કરે. ક્યારેક કહેતા કે સફેદ શર્ટ પીળો પડી ગયો છે, તો ક્યારેક કહેતા કે ચાદર પર હજુ પણ ડાઘ દેખાય છે. તેમને થતું કે આટલી મોટી ઉંમરના હોવા છતાં તેઓ કેટલા જાગૃત છે અને આ આજની પેઢી કેટલી બેદરકાર છે! તેમને પોતાની ચોકસાઈ પર ગર્વ થવા લાગ્યો અને પાડોશીઓ પ્રત્યે તિરસ્કાર.
        એક દિવસ સવારે શાંતિલાલ ઉઠ્યા અને જેવી બારી પાસે બેસીને સામે જોયું તો તેઓ ચોંકી ગયા. આજે પાડોશીની બાલ્કનીમાં સુકવેલા કપડાં એકદમ દૂધ જેવા સફેદ અને ચમકતા હતા! એક પણ ડાઘ નહોતો. શાંતિલાલ બૂમ પાડીને બોલ્યા, ‘અરે કુસુમ, જલ્દી અહીં આવ! જો આજે આ પાડોશીઓએ જાદુ કર્યો છે કે શું? આજે એમના કપડાં એકદમ ચોખ્ખા છે. લાગે છે કે આજે કોઈકે તેમને કપડાં ધોતા શીખવ્યું છે અથવા તેમણે નવો સાબુ વાપર્યો છે.’
        કુસુમબેન હસીને પાસે આવ્યા અને બોલ્યા, ‘ના રે ના, પાડોશીઓએ કંઈ નથી કર્યું. આજે વહેલી સવારે મેં આપણી બારીનો કાચ સાફ કરી નાખ્યો છે જે ઘણા સમયથી ધૂળિયો હતો!’
        શાંતિલાલ સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજાયું કે અત્યાર સુધી જે ડાઘા તેઓ પાડોશીના કપડાં પર જોતા હતા તે ખરેખર પાડોશીના કપડાં પર નહીં પણ પોતાની જ બારીના કાચ પર હતા. ધૂળ પોતાની બારી પર હતી અને તેઓ પાડોશીને મેલા ગણતા હતા. આ એક નાનકડી ઘટનાએ શાંતિલાલની આંખ ખોલી નાખી. તેમને સમજાયું કે આપણે જ્યારે બીજાની પંચાત કરીએ છીએ ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી જોવાની દ્રષ્ટિ પણ ધૂંધળી હોઈ શકે છે.

(વધુ આવતા ભાગમાં)