જાણમાં રહેલી પૌરાણિક વાર્તાઓ કેટલી સાચી અને કેટલી કાલ્પનિક?
ટેલિવિઝન સીરિયલોમાં ન બતાવાયેલા મહાભારતના ગૂઢ રહસ્યો અને પાત્રોના વાસ્તવિક પાસાઓ અને લેખિકા અને સંશોધક અમી ગણાત્રાના તાર્કિક વિશ્લેષણ
હજારો વર્ષોથી ભારતવર્ષના માનસપટલ પર જેની ઊંડી અસર રહી છે તેવું મહાકાવ્ય એટલે મહાભારત. આપણે સૌએ નાનપણથી દાદી-નાનીની વાર્તાઓમાં, લોકનાટકોમાં કે ટેલિવિઝનના પડદે મહાભારતને નિહાળ્યું છે. પરંતુ, શું આપણે જે જોયું કે સાંભળ્યું છે તે જ સાચું મહાભારત છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા પ્રસિદ્ધ લેખિકા અને IIM અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અમી ગણાત્રા જણાવે છે કે, મૂળ વ્યાસ રચિત મહાભારત અને પ્રચલિત વાર્તાઓ વચ્ચે મોટું અંતર છે. મૂળ હસ્તપ્રતોના આધારે તૈયાર થયેલો આ અહેવાલ આપણને જીવનના ગૂઢ સત્યો તરફ દોરી જાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ : એક આદર્શ મનુષ્ય અને રણનીતિકાર
આપણને લાગે છેકે, કૃષ્ણ એટલે ચમત્કારોનો પર્યાય, પણ અમી ગણાત્રાના મતે કૃષ્ણએ પરફેક્ટ મનુષ્યનો અવતાર છે. કૃષ્ણની સૌથી મોટી વિશેષતા તેમની ભાવનાત્મક સ્થિરતા હતી. તેમણે પોતાની નજર સામે આખા યદુવંશને નષ્ટ થતો જોયો, પોતાના ભાઈ બલરામ અને પુત્રોને પણ વિખૂટા પડતા જોયા, છતાં તેઓ સ્થિર રહ્યા. તેઓ જાણતા હતા કે પરિવર્તન સંસારનો નિયમ છે અને દરેક વ્યક્તિએ પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. આ યોગસ્થતા જ તેમને ભગવાન બનાવે છે.
ઘણાને પ્રશ્ન થાય છેકે, મથુરાના રાજા હોવા છતાં કૃષ્ણ દરિયાકાંઠે દ્વારકામાં કેમ વસ્યા? હકીકતમાં મગધના રાજા જરાસંઘના સતત આક્રમણોથી મથુરાની જનતા પીડાતી હતી. પોતાની પ્રજાને વારંવારના યુદ્ધોથી બચાવવા માટે કૃષ્ણે સુરક્ષિત દ્વારકા નગરી વસાવી હતી. આ તેમનો પ્રજા પ્રત્યેનો પ્રેમ અને ઉત્તમ રણનીતિ હતી.
૧૬,૦૦૦ પત્નીઓનું સામાજિક સત્ય કોઈ ભોગવિલાસનો કિસ્સો નહોતો. નરકાસુરના કારાવાસમાંથી મુક્ત થયેલી આ હજારો સ્ત્રીઓને તે સમયનો પુરુષપ્રધાન સમાજ સ્વીકારવા તૈયાર નહોતો. તે સ્ત્રીઓને લાંછન મુક્ત જીવન અને સામાજિક પ્રતિષ્ઠા અપાવવા માટે કૃષ્ણએ તેમને પોતાની પત્નીનો દરજ્જો આપ્યો અને તેમનું રક્ષણ કર્યું.
ટેલિવિઝન દ્વારા થયેલો ઇતિહાસનો અન્યાય
અમી ગણાત્રાએ પોડકાસ્ટમાં પુરાવા સાથે જણાવ્યું છેકે, કેવી રીતે મનોરંજન માટે મૂળ કથામાં ફેરફાર કરવામાં આવ્યા છે. દ્રૌપદી અને દુર્યોધનના પ્રસંગ અંગે તેમણે જણાવ્યું હતું કે, આપણે સૌએ સીરિયલોમાં જોયું છેકે, જ્યારે દુર્યોધન ઇન્દ્રપ્રસ્થના મહેલમાં પાણીમાં પડે છે, ત્યારે દ્રૌપદી મહેલની અટારીમાંથી હસીને કહે છે, અંધે કા પુત્ર અંધા. ગણાત્રા જણાવે છેકે, મૂળ સંસ્કૃત મહાભારતમાં દ્રૌપદીએ આવું કોઈ જ વાક્ય ક્યારેય કહ્યું નથી. આ માત્ર દ્રૌપદીના પાત્રને બદનામ કરવા અથવા નાટકમાં મસાલો ઉમેરવા માટે ઘડી કાઢવામાં આવેલી ઘટના છે. વાસ્તવિકતામાં દ્રૌપદી અત્યંત જ્ઞાની અને ગંભીર સ્ત્રી હતી.
ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ : અધર્મના છૂપા સાથીઓ?
આપણી નજરમાં ધૃતરાષ્ટ્ર એક બિચારો અંધ પિતા છે અને ભીષ્મ એક મહાન પ્રતિજ્ઞાધારી પિતામહ. પરંતુ તાર્કિક દૃષ્ટિએ જોઈએ તો વાત કંઈક જુદી જ છે. ધૃતરાષ્ટ્ર ઈચ્છતા તો મહાભારતનું યુદ્ધ અટકાવી શક્યા હોત. પણ તેમનો પુત્રમોહ આંધળો નહોતો, તે સ્વાર્થી હતો. તેમણે સત્તાના લોભમાં દુર્યોધનની દરેક ભૂલને આશીર્વાદ આપ્યા હતા. ભીષ્મ પિતામહ જેવા શક્તિશાળી યોદ્ધા જ્યારે ભરી સભામાં દ્રૌપદીનું અપમાન થતું જોતા રહ્યા, ત્યારે તેઓ પોતાના ધર્મથી ચ્યુત થયા હતા. અમી ગણાત્રા કહે છે કે, કોઈ પણ પ્રતિજ્ઞા સ્ત્રીના સન્માનથી મોટી હોતી નથી. ભીષ્મ પિતામહે પોતાની ગરિમા બચાવવા માટે સત્યનો સાથ છોડી દીધો હતો.
કર્ણ અને તેની દાનવીરતા પાછળનું પડખું
કર્ણને હંમેશા બિચારો ગણીને અન્યાયના શિકાર તરીકે બતાવવામાં આવે છે. કર્ણ દાનવીર હતો એ વાતમાં શંકા નથી, પરંતુ તે એટલો જ ઈર્ષ્યાળુ અને ક્રોધી પણ હતો. દ્રૌપદીના ચીરહરણ વખતે તેને વેશ્યા કહેનાર વ્યક્તિ કર્ણ હતો. તે જંગલમાં પાંડવોના ઘર સળગાવવાના કાવતરામાં પણ સામેલ હતો. અમી ગણાત્રાના મતે, માત્ર દાનવીર કહીને તેના અપરાધો પર પડદો પાડી શકાય નહીં. ઇતિહાસ તેને તેના કર્મોના આધારે જ મૂલવે છે.
ભીમની અપ્રતિમ શક્તિનો વિજ્ઞાન
ભીમ પાસે ૧૦૦૦ હાથીઓ જેટલું બળ હોવાની વાર્તાઓ પાછળ એક પૌરાણિક કિસ્સો છે. જ્યારે ભીમ શિશુ અવસ્થામાં હતા, ત્યારે કુંતી માતા તેને જંગલમાં લઈને બેઠા હતા. અચાનક વાઘની ગર્જના થતા કુંતી ગભરાઈને ઉભા થયા અને બાળક ભીમ નીચે પથ્થર પર પડ્યો. અચરજની વાત એ હતી કે બાળકને કંઈ ન થયું પણ તે પથ્થરના ટુકડા થઈ ગયા! આ બતાવે છે કે પાંડવોનો જન્મ જ કંઈક વિશેષ ઉદ્દેશ્ય અને અસાધારણ શક્તિઓ સાથે થયો હતો.
૧૮ દિવસનો ભયાનક નરસંહાર : આંકડા બોલે છે
મહાભારતનું યુદ્ધ એ વિશ્વનું સૌથી મોટું યુદ્ધ હતું, જેના આંકડા આજે પણ હચમચાવી દે છે. ૧૮ અક્ષોહિણી સેના એટલે કે અંદાજે ૪૭ લાખથી વધુ સૈનિકોએ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કર્યું હતું. ૧૮ દિવસના અંતે આટલા લાખો લોકોમાંથી માત્ર ૧૧ યોદ્ધાઓ જીવતા રહ્યા હતા. આ યુદ્ધે આખા ભારતવર્ષને વિધવાઓ અને અનાથોનો દેશ બનાવી દીધો હતો.
અમી ગણાત્રાનો અભ્યાસ આપણને એ શીખવે છે કે, કોઈ પણ વાર્તાને આંધળુકિયા કરીને સ્વીકારવાને બદલે તેના મૂળ સુધી પહોંચવું જોઈએ. મહાભારત આપણને શીખવે છે કે ધર્મ એટલે માત્ર પૂજા-પાઠ નહીં, પણ આપણી નૈતિક ફરજ. મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે જ્ઞાનીઓ પણ મૌન રહી જાય છે, ત્યારે કેવી વિનાશક અસરો થાય છે, તે મહાભારતનો સૌથી મોટો પાઠ છે. આજના યુગમાં પણ આપણે આપણી આસપાસ અનેક ધૃતરાષ્ટ્ર, ભીષ્મ અને શકુની જોઈએ છીએ. તેમની વચ્ચે રહીને કૃષ્ણ જેવી સ્થિરતા અને પાંડવો જેવો ન્યાયપ્રિયતાનો ગુણ કેળવવો એ જ સાચું જીવન છે.