Sanatan Dharmni Vaato - 15 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 15 - કાળના પ્રવાહમાં અમર એવા સનાતન પાત્રો

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 15 - કાળના પ્રવાહમાં અમર એવા સનાતન પાત્રો

શું ચિરંજીવીઓ આજે પણ આપણી વચ્ચે મોજૂદ છે?

શું ચિરંજીવીઓનું મૃત્યુ પણ નિશ્ચિત છે?

આપણો ભારત દેશ માત્ર ભૌગોલિક સીમાઓનો બનેલો નથી, પણ તે હજારો યુગોની ગાથાઓ અને આધ્યાત્મિક રહસ્યોનો સંગમ છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય છેકે, શું હજારો વર્ષ પહેલાં થઈ ગયેલા પૌરાણિક પાત્રો આજે પણ જીવંત હોઈ શકે? શું કોઈ મનુષ્ય કાળના બંધનો તોડીને સદીઓ સુધી અમર બની શકે? આ સવાલોના જવાબો મેળવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. લેખક અને પૌરાણિક કથાઓના સંશોધક ડો. વિનીત અગ્રવાલના એક પોડકાસ્ટમાં આ પ્રશ્નોના જવાબો આપવાનો તેઓ દ્વારા તેમના સંશોધનના આધારે પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં કલ્કિ અવતારનું રહસ્ય, અશ્વત્થામાનું ભવિષ્ય અને હનુમાનજીના આધુનિક નિવાસસ્થાન વિશેના ચોંકાવનારા સત્યો સામે આવ્યા છે.

સવાલોના તાર્કિક જવાબ આપતા પ્રસિદ્ધ લેખક ડો. વિનીત અગ્રવાલ જણાવે છેકે, આપણા શાસ્ત્રોમાં ચિરંજીવી એટલે કે અમર આત્માઓનો ઉલ્લેખ માત્ર કોઈ દંતકથા નથી, પણ તે એક ગૂઢ વિજ્ઞાન અને અટલ સત્ય છે. ધ આવારા મુસાફિર શોમાં થયેલી તેમની ચર્ચામાં તેમણે અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે.

ચિરંજીવી એટલે કોણ? અને તે કેટલા છે?

ડો. વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આપણે સપ્ત ચિરંજીવી વિશે સાંભળ્યું છે. જેમાં અશ્વત્થામા, રાજા બલિ, મહર્ષિ વેદવ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય અને ભગવાન પરશુરામનો સમાવેશ થાય છે. ચિરંજીવીઓની સંખ્યા વિશે વિદ્વાનોમાં અલગ-અલગ મતો પ્રવર્તે છે. કોઈ આઠ ચિરંજીવી માને છે, જેમાં માર્કંડેય ઋષિને પણ ઉમેરવામાં આવે છે, તો કોઈ ૧૨ કે ૨૧ હોવાનો પણ દાવો કરે છે. ચિરંજીવી એટલે એવા જીવાત્માઓ જેમને કાં તો કોઈ દિવ્ય વરદાન મળ્યું છે અથવા તો કોઈ ખાસ ઉદ્દેશ્ય માટે તેમને આ કલ્પ એટલે કે સમયના એક મોટા ચક્રના અંત સુધી જીવિત રહેવાની આજ્ઞા મળી છે. આ પાત્રો પૃથ્વી પર અલગ-અલગ અદ્રશ્ય સ્થાનોએ રહીને સતયુગના આગમન સુધી ધર્મની રક્ષાનું કાર્ય કરી રહ્યા છે.

અશ્વત્થામા અને વેદવ્યાસ: ભવિષ્યના ગુરુઓ

ડો. વિનીત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, મહાભારતના પાત્ર અશ્વત્થામા વિશેની વાર્તાઓ હંમેશા રહસ્યમય અને રોમાંચક રહી છે. આજે પણ ઘણા લોકો દાવો કરે છે કે તેમણે નર્મદા કિનારે કે કોઈ પ્રાચીન ગુફામાં એક ઊંચા કદના, તેજસ્વી અને માથા પર ઘા ધરાવતા માણસને જોયો છે.

શા માટે અશ્વત્થામા અમર છે?

ડો. વિનીત અગ્રવાલ આ પાછળનું એક બહુ મોટું કારણ સમજાવે છે. પૌરાણિક માન્યતા અને પુરાણો મુજબ, આવનારા મનવંતર એટલે કે આગામી યુગ ચક્રમાં અશ્વત્થામા વ્યાસનું પદ સંભાળશે. એટલે કે, જે રીતે આ યુગમાં મહર્ષિ વેદવ્યાસે વેદોનું વિભાજન કર્યું અને જ્ઞાન આપ્યું, તે જ રીતે અશ્વત્થામા ભવિષ્યમાં જ્ઞાનના પ્રસારનું કાર્ય કરશે. આ જ કારણે તેઓ વેદવ્યાસના સાનિધ્યમાં બદ્રિકાશ્રમમાં નિવાસ કરે છે અને ભવિષ્યની તૈયારી કરી રહ્યા છે.

કલ્કિ અવતાર: ક્યાં અને કેવી રીતે થશે પ્રાગટ્ય?

ભગવાન વિષ્ણુના દસમા અને છેલ્લા અવતાર કલ્કિ વિશે ભક્તોમાં હંમેશા જિજ્ઞાસા રહી છે. ડો. વિનીત અગ્રવાલે આ બાબતે ગહન પ્રકાશ પાડ્યો છે. સંભલ નગરીનું રહસ્ય બાબતે ડો. વિનીત અગ્રવાલ અને આપણા શાસ્ત્રો મુજબ, કલ્કિ ભગવાનનો જન્મ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં થશે. શાસ્ત્રોમાં આ સ્થળને શમ્ભાલા તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. અહીં એક પ્રાચીન હરિહર મંદિર પણ આવેલું છે જે આ પવિત્ર ભૂમિની સાક્ષી પૂરે છે.

ડો. વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે, એવું મનાય છેકે, કલ્કિ ભગવાનનો જન્મ વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ત્યાં થશે અને તેમના લગ્ન લંકા એટલે કે, સિંહલ દ્વીપની રાજકુમારી પદ્માવતી સાથે થશે. તેઓ દેવદત્ત નામના સફેદ ઘોડા પર સવાર થઈને તલવાર વડે અધર્મનો નાશ કરશે.

ઘણા પૂછે છેકે, શું કલ્કિ અવતાર શ્રી કૃષ્ણ કરતાં વધુ શક્તિશાળી હશે? જે બાબતે ડો. વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે, દરેક અવતારની શક્તિ તેના કાર્ય પર નિર્ભર હોય છે. કૃષ્ણ પ્રેમ અને રણનીતિના અવતાર હતા, જ્યારે કલ્કિ કઠોર ન્યાય અને સંપૂર્ણ સંહારના અવતાર હશે.

હનુમાનજી અને રામસેતુ: શું સીરિયલોમાં બતાવાય છે તે સાચું છે?

હનુમાનજી આજે પણ સદેહે પૃથ્વી પર જીવિત છે અને રામ નામનો જાપ કરે છે તે વાત આપણી સંસ્કૃતિના મૂળમાં વણાયેલી છે. ત્યારે હનુમાનજી ક્યાં છે, તે સૌથી મોટો પ્રશ્ન છે. જે બાબતે ડો. વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે, ભાગવત પુરાણના સ્પષ્ટ ઉલ્લેખ મુજબ, હનુમાનજી પૃથ્વીના નવ ખંડો પૈકીના કિમ પુરુષ વર્ષ નામના પવિત્ર સ્થાને રહે છે. આ એક એવો દુર્ગમ પ્રદેશ છે જ્યાં સામાન્ય મનુષ્યની પહોંચ અશક્ય છે.

ટીવી સીરિયલોમાં આપણે જોઈએ છીએ કે વાનર સેનાએ પથ્થર પર રામ નામ લખ્યું અને પથ્થર તરવા લાગ્યા. પરંતુ ડો. વિનીત અગ્રવાલ અહીં એક મહત્વનો વળાંક આપે છે. તેઓ કહે છેકે, મૂળ વાલ્મીકિ રામાયણમાં પથ્થર પર નામ લખવાનો કોઈ ઉલ્લેખ નથી. વાસ્તવમાં, નલ અને નીલ નામના વાનરો પાસે સ્થાપત્ય અને એન્જિનિયરિંગનું એવું જ્ઞાન હતું કે તેમણે લાકડાં, વૃક્ષો અને વિવિધ પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરીને એક સુવ્યવસ્થિત સેતુ બનાવ્યો હતો.

સપ્તઋષિ નક્ષત્ર અને બ્રહ્માંડનું વિજ્ઞાન

આકાશમાં રાત્રે દેખાતા સાત તારાનો સમૂહ જેને આપણે સપ્તઋષિ કહીએ છીએ, તેનું રહસ્ય આપણા પૂર્વજો જાણતા હતા. ડો. વિનીત અગ્રવાલ સમજાવે છેકે, આ સાત ઋષિઓ માત્ર તારા નથી, પણ તે દિવ્ય શક્તિઓ છે જેઓ એક અલગ લોકમાં રહીને સમગ્ર બ્રહ્માંડના નૈતિકતા અને ધર્મનું સંતુલન જાળવે છે. પશ્ચિમી જગત તેને બીગ ડીપર કહે છે, પણ ભારતીય વિજ્ઞાન તેને સૃષ્ટિના સાત જ્ઞાન સ્તંભો માને છે.

ડો. વિનીત અગ્રવાલનો આ વિમર્શ આપણને એ શીખવે છે કે આપણે આપણી સંસ્કૃતિને માત્ર ચમત્કારોની નજરે ન જોવી જોઈએ. આજના સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના યુગમાં આપણી પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર ઉપલબ્ધ છે. આપણે પોતે આપણા મૂળ ગ્રંથો વાંચવા જોઈએ અને સત્યને સમજવા માટે તાર્કિક બનવું જોઈએ. ચિરંજીવીઓનું અસ્તિત્વ આપણને આશા આપે છે કે આ પૃથ્વી પર ધર્મ અને સત્ય ક્યારેય નાશ પામતા નથી, તે માત્ર સમય અને સ્વરૂપ બદલીને આપણી આસપાસ જ હોય છે.