Sanatan Dharmni Vaato - 22 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 22 - સનાતન રહસ્યમંજરી

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 22 - સનાતન રહસ્યમંજરી

ભારતવર્ષનો ભવ્ય ભૂતકાળ

શું આપણે ૨.૨ લાખ વર્ષ જૂના જ્ઞાનના વારસદાર છીએ?

સંશોધક રૂપા ભાટીના ૩૦ વર્ષના ગહન મંથન દ્વારા જાણો ઋગ્વેદના રહસ્યમય કોડ

ભારતની સ્ત્રી-શાસિત સભ્યતા, રામાયણની જેટ ટેકનોલોજી અને જનીન વિજ્ઞાનનું અકલ્પનીય સત્ય

ભારતનો ઇતિહાસ એ માત્ર તારીખો કે રાજાઓના વિજયની વાર્તાઓ નથી, પણ એ માનવ ઉત્ક્રાંતિ અને જ્ઞાનનો એવો મહાસાગર છે જેની ઊંડાઈ માપવી હજી બાકી છે. શાળાના પુસ્તકોમાં આપણને શીખવવામાં આવે છેકે, માનવ સભ્યતાની શરૂઆત ઇજિપ્ત, મેસોપોટેમિયા અને સિંધુ ખીણની સભ્યતાથી થઈ. પરંતુ તાજેતરમાં પ્રસિદ્ધ પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના શો ટીઆરએસ પર ઇતિહાસકાર અને સંશોધક રૂપા ભાટીએ જે ખુલાસા કર્યા છે, તેણે વૈશ્વિક ઇતિહાસના પાયા હચમચાવી દીધા છે. તેમના મતે, ભારતની સંસ્કૃતિ માત્ર ૫,૦૦૦ વર્ષ જૂની નથી, પણ તેની યાદો અને સ્મૃતિઓ ૨,૨૦,૦૦૦ વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન છે. ચાલો, પોડકાસ્ટમાં ચર્ચાયેલી તમામ વિગતોને અત્યંત સરળ ભાષામાં અને ઉદાહરણો સાથે સમજીએ.

ઋગ્વેદ : પ્રાર્થનાનું પુસ્તક નહીં, પણ વિજ્ઞાનનો એન્ક્રિપ્ટેડ કોડ

રૂપા ભાટી જણાવે છેકે, ઋગ્વેદ પૃથ્વી પરનો સૌથી જૂનો દસ્તાવેજ છે જેને કોડ (ઇન્ક્રિપ્ટેડ) ભાષામાં લખવામાં આવ્યો છે. તે માત્ર ધાર્મિક મંત્રો નથી, પણ વિજ્ઞાન ખજાનો છે. આ મંત્રોના અનેક સ્તરો છે. એક જ મંત્રમાંથી તમને ભૌગોલિક સ્થિતિ, ઇતિહાસ અને ખગોળશાસ્ત્રની વિગતો મળી શકે છે.

જેનું ઉદાહરણ આપતા રૂપા ભાટીએ જણાવ્યું હતું કે, જેમ આપણે કમ્પ્યુટર કે મોબાઇલ ખોલવા માટે પાસવર્ડ જોઈએ, તેમ ઋગ્વેદના મંત્રો તે સમયની હકીકતોને ઉકેલવાની ચાવી છે. ઋગ્વેદની ભાષા છંદ ભાષા હતી, જે આજે આપણે બોલીએ છીએ તે સંસ્કૃતનું અત્યંત પ્રાચીન અને જટિલ સ્વરૂપ હતું. તે સમયે ઋષિઓએ (જેને દ્રષ્ટા કહેવાય છે) બ્રહ્માંડમાં જે જોયું અને અનુભવ્યું તેને આ મંત્રોમાં કાયમી માટે લોક કરી દીધું જેથી આવનારી પેઢીઓ તેમાં કોઈ છેડછાડ ન કરી શકે.

માતૃસત્તાક ભારત : જ્યારે દેશ પર રાણીઓનું શાસન હતું

આ પોડકાસ્ટનો સૌથી ક્રાંતિકારી મુદ્દો એછેકે, ભારતની પ્રારંભિક સભ્યતા માતૃસત્તાક હતી. ઇતિહાસના એક બહુ મોટા સમયગાળા સુધી ભારતમાં રાજાઓનું નહીં પણ રાણીઓનું શાસન ચાલતું હતું. ઋગ્વેદમાં ૨૭ જેટલી સ્ત્રી ઋષિઓ એટલે કે ઋષિકાનો ઉલ્લેખ છે, જેમણે મંત્રોની રચના કરી હતી. તે સમયે નદીઓના નામ રાણીઓના નામ પરથી રાખવામાં આવતા હતા. જેમ કે, દૃષદ્રવતી, ઇક્ષુમતી અને નર્મદા નદીનું પ્રાચીન નામ પુરુકુત્સાની હતું. આ સાબિત કરે છેકે, તે સમયના સમાજમાં સ્ત્રીઓનું સ્થાન સર્વોચ્ચ હતું.

રામાયણની જેટ ટેકનોલોજી અને પુષ્પક વિમાનનું રહસ્ય

શું રામાયણના વિમાનો માત્ર કવિઓની કલ્પના હતી? રૂપા ભાટી કહે છેકે, ના, તે વાસ્તવિક વિજ્ઞાન હતું. રામાયણમાં પુષ્પક વિમાનના ઉડાનનું જે રીતે વર્ણન છે, જેમ કે વિમાન ગતિ પકડે ત્યારે થતો વિશિષ્ટ અવાજ અને પક્ષીઓની પાંખો ફફડે ત્યારે નીચેના પાંદડાઓ જે રીતે હલે તેવું સચોટ વર્ણન પણ છે. તે આજના અદ્યતન જેટ વિમાનના ટેક-ઓફ જેવું જ છે. આ સાબિત કરે છેકે, તે સમયે ટેકનોલોજી અત્યંત ઉચ્ચ કક્ષાએ હતી, જે પાછળથી કોઈ મહાપ્રલયમાં લુપ્ત થઈ ગઈ.

શિવલિંગ અને જ્યોતિર્લિંગ : બ્રહ્માંડની ઘડિયાળ

શિવલિંગ માત્ર પૂજાનું માધ્યમ નથી, પણ તે ખગોળશાસ્ત્ર અને પૃથ્વીના નમન સાથે જોડાયેલું વિજ્ઞાન છે. ભારતના મુખ્ય જ્યોતિર્લિંગો પૃથ્વીના એવા ચોક્કસ રેખાંશ પર આવેલા છે, જ્યાં સૂર્યના કિરણોની અસર અને પૃથ્વીની ધરીનું ગણિત સચોટ બેસે છે. પૃથ્વીની ધરી દર ૪૦,૦૦૦ વર્ષે બદલાય છે. રૂપા ભાટી મુજબ, એક સમયે કર્કવૃત્ત કાશી વિશ્વનાથ પરથી પસાર થતું હતું, જે આજે ઉજ્જૈનથી પસાર થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ ભારતમાં આજે પણ એક એવી વિદ્યા છે જેમાં પથ્થર પર તિલક લગાવી વનદેવતાની પૂજા કરવામાં આવે છે. જ્યારે આદિવાસીઓ મધ લેવા જાય ત્યારે આ પ્રાર્થના કરે છે અને આશ્ચર્યજનક રીતે તેમને એક પણ મધમાખી કરડતી નથી.

દશરાજન યુદ્ધ અને ભારતનું નામકરણ

મહાભારત પહેલા પણ ભારતીય ભૂમિ પર એક ભયાનક વિશ્વયુદ્ધ ખેલાયું હતું જેને દશરાજન યુદ્ધ કહેવાય છે. આ યુદ્ધ રાજા સુદાસ અને દસ રાજાઓના ગઠબંધન વચ્ચે પંજાબથી લઈને અફઘાનિસ્તાન સુધીના વિસ્તારમાં થયું હતું. આ યુદ્ધમાં રાજા સુદાસનો વિજય થયો અને ત્યારબાદ જ ભારતવર્ષમાં સૂર્યવંશ અને ચંદ્રવંશના ફાંટાઓ પડ્યા. રૂપા ભાટીના સંશોધન મુજબ, આ યુદ્ધ ૩૦,૦૦૦ ઈ.સ. પૂર્વે થયું હોવાના જ્યોતિષીય પુરાવા મળે છે.

જનીન વિજ્ઞાન : વિશ્વનું ઉદગમ સ્થાન ભારત

આપણને હંમેશા એવું શીખવાડવામાં આવ્યું છેકે, આર્યો બહારથી આવ્યા હતા અને તેમણે દ્રવિડોને દક્ષિણ તરફ ખસેડ્યા. પણ રૂપા ભાટી જનીન વિજ્ઞાનના આધારે આ વાતને તદ્દન ખોટી સાબિત કરે છે. વિશ્વમાં આજે જે ગોરી ત્વચા એટલે કે ફેર સ્કીન ધરાવતા લોકો છે, તેમના મૂળ ૩૦,૦૦૦ વર્ષ પહેલાં ભારતીય ઉપખંડમાં વસતા એક જ પૂર્વજમાં જોવા મળે છે. ચાઈનીઝ, જાપાનીઝ અને રશિયન લોકોના જનીનો પણ ભારતના ઉત્તર-પૂર્વ ભાગના લોકો સાથે મળે છે. એટલે કે ભારતમાંથી જ લોકોએ સમગ્ર વિશ્વમાં સ્થળાંતર કર્યું હતું.

પ્રાણીઓનો અજાણ્યો ઇતિહાસ : હાથી અને વાઘ

પ્રાચીન સમયમાં વિશ્વમાં હાથીની અનેક પ્રજાતિઓ હતી. પરંતુ ભારતમાં હાથીને ગણેશજીનું પ્રતીક માનીને તેનું માંસ ખાવાની મનાઈ હતી. આ જ કારણ છે કે આજે દુનિયાના અન્ય ભાગોમાં હાથીઓ લુપ્ત થયા પણ ભારતમાં તે બચી ગયા. આશ્ચર્યની વાત એછેકે, આખા ઋગ્વેદમાં ક્યાંય પણ વાઘ (વ્યાઘ્ર) શબ્દનો ઉલ્લેખ નથી, માત્ર સિંહનો ઉલ્લેખ છે. વાઘ ભારતમાં આશરે ૧૬,૦૦૦ થી ૨૦,૦૦૦ વર્ષ પહેલાં ચીન અને ઇન્ડોનેશિયાના રસ્તે પ્રવેશ્યા હતા.

ઇન્દ્રદેવ અને વરસાદ લાવવાનું વિજ્ઞાન

આજે આપણે ઇન્દ્રદેવને માત્ર પૌરાણિક પાત્ર માનીએ છીએ, પણ રૂપા ભાટીએ ૧૯૭૧માં કેરળમાં થયેલા અતિરાત્રમ યજ્ઞનું ઉદાહરણ આપ્યું. આ યજ્ઞમાં જ્યારે મંત્રોચ્ચાર સાથે છેલ્લી આહુતિ આપવામાં આવી, ત્યારે વિદેશી વૈજ્ઞાનિકોની હાજરીમાં આકાશમાં અચાનક વીજળી થઈ અને ૧૫ મિનિટમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઘટના કેમેરામાં કેદ છે અને સાબિત કરે છેકે, વૈદિક મંત્રોમાં પ્રકૃતિના તત્વો પર નિયંત્રણ મેળવવાની શક્તિ હતી.

નિષ્કર્ષ : નવી પેઢી માટે સંદેશ

આ પોડકાસ્ટ આપણને એક જ વાત શીખવે છે, આપણે આપણા ઇતિહાસને પશ્ચિમી લેખકોની આંખે જોવાનું બંધ કરવું પડશે. ઋગ્વેદ એ માત્ર પુસ્તક નથી, પણ આપણા ભવ્ય અને અદ્યતન વિજ્ઞાનનો સાક્ષી છે. આજના યુવા સંશોધકો માટે ઋગ્વેદ, જનીન વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રને જોડીને સત્ય શોધવાની એક સુવર્ણ તક છે. ભારત હંમેશાથી જગતગુરુ હતું અને તેના પુરાવા આપણા જ જનીનો અને ગ્રંથોમાં છુપાયેલા છે.