ભારતનો ઇતિહાસ : ઋગ્વેદનું સત્ય
શું આપણે ૨૨,૦૦૦ વર્ષ જૂની ભવ્ય વિરાસતને ભૂલી ગયા છીએ?
હડપ્પા-મોહેં-જો-દડોથી પણ હજારો વર્ષ જૂની આપણી સભ્યતા, વિજ્ઞાનનો કોડ અને રાણીઓના શાસનનું સત્ય
આપણને શાળાના પાઠ્યપુસ્તકોમાં હંમેશા એવું ભણાવવામાં આવે છેકે, ભારતીય સંસ્કૃતિની શરૂઆત સિંધુ ખીણની સભ્યતા એટલે કે હડપ્પા અને મોહેં-જો-દડોથી થઈ હતી. આપણને એમ કહેવામાં આવે છેકે, તે પહેલાં ભારત કદાચ પછાત કે જંગલી અવસ્થામાં હતું. પરંતુ, શું આ ખરેખર સત્ય છે? તાજેતરમાં પ્રસિદ્ધ પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના શો ટીઆરએસ પર રૂપા ભાટીએ અનેક ખુલાસા કર્યા છે. રૂપા ભાટી છેલ્લા ૩૦ વર્ષથી માત્ર ઋગ્વેદ પર સંશોધન કરી રહ્યા છે. તેણે વૈશ્વિક ઈતિહાસકારોની ઊંઘ ઉડાડી દીધી છે. તેમના મતે, ભારતનો ઇતિહાસ લાખો વર્ષ જૂનો છે અને સનાતન ધર્મ એ પૃથ્વી પરનું સૌથી મોટું વિજ્ઞાન છે.
ઋગ્વેદ: માત્ર પ્રાર્થનાઓ નહીં, પણ વિજ્ઞાનનો એનક્રિપ્ટેડ કોડ
સંશોધક રૂપા ભાટીએ જણાવ્યું હતું કે, ઋગ્વેદ એ માત્ર ભગવાનના ગુણગાન ગાતી કવિતાઓ નથી, પણ તે એક વિજ્ઞાન કાંડ છે. તેમાં રહેલા મંત્રો વાસ્તવમાં કોડ એટલે કે એનકોડેડ રિયાલિટી જેવુ જ છે. જો તેને યોગ્ય રીતે ઉકેલવામાં આવે તો તેમાં ખગોળશાસ્ત્ર, પરમાણુ વિજ્ઞાન અને ભૂગોળની અત્યંત સચોટ વિગતો મળે છે.
૨૨,૦૦૦ વર્ષ જૂની સ્મૃતિઓ અંગે તેમણે જણાવ્યું હતું કે, ઋગ્વેદમાં તારાઓની એવી સ્થિતિ અને ગ્રહ નક્ષત્રોનું વર્ણન છે જે આધુનિક ખગોળીય ગણતરીઓ મુજબ ૨૨,૦૦૦ વર્ષ પહેલાંની સ્થિતિ સાથે મેળ ખાય છે. આનો અર્થ એ થયો કે આપણા પૂર્વજો ૨૦,૦૦૦ વર્ષ પહેલાં પણ આકાશનું અવલોકન કરી તેનું દસ્તાવેજીકરણ કરી રહ્યા હતા.
ભાષાના રહસ્ય વિષે તેમણે પોતાના સંશોધન અનુસાર જણાવ્યું હતું કે, ઋગ્વેદની ભાષાને છંદ ભાષા કે આર્ષ ભાષા કહેવામાં આવે છે. તે આધુનિક સંસ્કૃત કરતા પણ ઘણી ગહન છે. સમય જતાં જેમ ટેકનોલોજી અપડેટ થાય છે, તેમ ભાષાઓ પણ બદલાતી ગઈ અને ઋગ્વેદની તે ગૂઢ ભાષા પાછળથી અદ્રશ્ય થઈ ગઈ.
ભારતમાં રાણીઓનું શાસન હતું? (માતૃસત્તાક સભ્યતા)
આપણી સભ્યતા વિશે એક મોટો ખુલાસો કરતા સંશોધક રૂપા ભાટીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક ભારતીય સંસ્કૃતિ માતૃસત્તાક હતી. એટલે કે, પરિવાર અને રાજ્યમાં મહિલાઓનું વર્ચસ્વ અને શાસન રહેતું હતું. નદીઓના નામની સાક્ષી અંગે તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં લગભગ તમામ પવિત્ર નદીઓના નામ સ્ત્રીઓ પરથી રાખવામાં આવ્યા છે. જેમકે સરસ્વતી, ગંગા, યમુના, નર્મદા, ઈલા, ભારતી. આ નદીઓ વાસ્તવમાં તે સમયની શક્તિશાળી રાણીઓના માનમાં નામ પામી હતી.
પરિવર્તનના કાળ બાબતે રૂપા ભાટીએ જણાવ્યું હતું કે, આશરે ૧.૫ લાખ વર્ષ સુધી ભારતમાં મહિલાઓ સર્વોપરી હતી. પરંતુ દશરાજન યુદ્ધ એટલે કે બેટલ ઓફ 10 કિંગ્સ અને ત્યારબાદના યુદ્ધોને કારણે સમાજ પિતૃસત્તાક બનતો ગયો કારણ કે યુદ્ધમાં પુરુષોનું મહત્વ વધતું ગયું.
રામાયણ કાળનું વિજ્ઞાન: કલ્પના કે હકીકત?
શું રામાયણ કાળ અત્યારની ટેકનોલોજી કરતા પણ વધુ અદ્યતન હતો? આ પ્રશ્નના ઉત્તરમાં સંશોધક રૂપા ભાટીએ કેટલીક ચોંકાવનારી વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રામાયણમાં પુષ્પક વિમાનનું જે વર્ણન છે, તેમાં વિમાન ઉડતી વખતે કેવો અવાજ કરે છે, આસપાસના ઝાડ-પાન કેવી રીતે હલે છે અને તે કઈ ગતિએ ઉડે છે તેનું ચોકસાઈપૂર્વક વર્ણન મળે છે. આ વર્ણન આજના અત્યાધુનિક જેટ વિમાનના ઉડ્ડયન જેવું જ છે. આ કોઈ કવિની અતિશયોક્તિ નહીં પણ તે સમયની વાસ્તવિકતા હોઈ શકે છે.
હનુમાનજીનું વાસ્તવિક સ્વરૂપ: વાનર કે માનવ?
આપણી માન્યતા મુજબ હનુમાનજી એક વાનર (વાંદરા) ના સ્વરૂપે હતા. પણ રૂપા ભાટી આ ગેરસમજને પાયામાંથી હલાવી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, વાનર શબ્દનો અર્થ વન-નર એટલે કે વનમાં રહેનારા શક્તિશાળી મનુષ્યો થાય છે. પ્રાચીન સમયમાં યોદ્ધાઓ દુશ્મન સેનામાં ભય પેદા કરવા માટે સિંહ, વરાહ કે વાનરના મુખૌટા પહેરતા હતા. હનુમાનજી અને તેમની આખી સેના હકીકતમાં અત્યંત બુદ્ધિશાળી અને આધુનિક શસ્ત્રો ચલાવતા વનવાસી માનવો જ હતા. વાલ્મીકિ રામાયણમાં પણ ઉલ્લેખ છેકે, યુદ્ધ પૂર્ણ થયા બાદ વાનરોએ પોતાના મુખૌટા ઉતાર્યા હતા.
શિવલિંગ અને પશુપતિની આધ્યાત્મિક ટેકનીક
શિવલિંગની પૂજાને લોકો માત્ર શ્રદ્ધા સાથે જોડે છે, પણ તે વાસ્તવમાં પ્રકૃતિને નિયંત્રિત કરવાની એક પદ્ધતિ હતી. એક કિસ્સાની વાત કરતાં અંશોધક રૂપા ભાટીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ભારતના જંગલોમાં આજે પણ એક અનોખી પ્રથા છે. મધમાખીઓના ભયાનક ઝુંડ વચ્ચેથી જો મધ કાઢવું હોય, તો ત્યાંના સ્થાનિક લોકો એક પથ્થર જેની શિવલિંગ સ્વરૂપની સ્થાપના કરી તેના પર ભસ્મ કે લેપ લગાવી પશુપતિ ભગવાનને પ્રાર્થના કરે છે. આ પ્રાર્થના પછી મધમાખીઓ તે લોકો પર હુમલો કરતી નથી. આ સાબિત કરે છેકે, શિવ ઉપાસના એ પ્રકૃતિ અને જીવજંતુઓ સાથે સંવાદ કરવાની એક પ્રાચીન પદ્ધતિ હતી.
દશરાજન યુદ્ધ
મહાભારત અને રામાયણ સિવાય ભારતનો ત્રીજો સૌથી મોટો ઈતિહાસ એટલે દશરાજન યુદ્ધ. આ યુદ્ધ આશરે ૩૦,૦૦૦ વર્ષ પહેલાં ઉત્તર ભારતમાં ખેલાયું હતું. જેની માહિતી આપતા રૂપા ભાટીએ જણાવ્યું હતું કે, આ યુદ્ધમાં રાજા સુદાસે ૧૦ શક્તિશાળી રાજાઓના સંઘને હરાવ્યો હતો. આ યુદ્ધના કારણે જ ભારતની ભૌગોલિક સીમાઓ અને સંસ્કૃતિમાં મોટા ફેરફારો આવ્યા. ભારત દેશનું નામ જેમના પરથી પડ્યું છે તે ભરત કુળ આ યુદ્ધના વિજય પછી જ સમગ્ર આર્યાવર્તમાં પ્રબળ બન્યું હતું.
આધુનિક વિજ્ઞાન અને ભારતનું કનેક્શન
સંશોધક રૂપા ભાટીએ જણાવ્યું હતું કે, પશ્ચિમી જગતે આપણા જ્ઞાનને પોતાની રીતે રજૂ કર્યું છે. ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિઓ પણ ભારતની જ એક શાખા હતી. ઋગ્વેદમાં જે રીતે અણુ અને પરમાણુની ચર્ચાઓ છે, તે જોઈને આધુનિક વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા છે. દયાનંદ સરસ્વતીજીએ પણ વર્ષો પહેલા ઋગ્વેદના ભાષ્યમાં વિજ્ઞાનના આ જ પાસાઓ પર ભાર મૂક્યો હતો.
નિષ્કર્ષ: વારસાનું ગૌરવ અને જાગૃતિ
આ પોડકાસ્ટ આપણને એક જ સંદેશ આપે છે, આપણા મૂળ તરફ પાછા ફરો. આપણે જો પશ્ચિમી ઈતિહાસકારોની આંખે જ આપણો ઈતિહાસ જોતા રહીશું, તો આપણે ક્યારેય એ જાણી નહીં શકીએ કે આપણે કેટલા મહાન હતા. ઋગ્વેદ એ માત્ર જૂના જમાનાનું પુસ્તક નથી, પણ તે ભવિષ્યનું માર્ગદર્શન છે. જો આપણે અત્યારે જાગૃત નહીં થઈએ અને આપણા શાસ્ત્રોને વિજ્ઞાનની નજરે નહીં જોઈએ, તો આપણે આપણી આવનારી પેઢીને એક ખોટો અને પરાધીન ઈતિહાસ ભણાવતા રહીશું. સનાતન સંસ્કૃતિ એ માત્ર મંદિરો પૂરતી મર્યાદિત નથી, પણ તે અનંત બ્રહ્માંડને સમજવાની એક શક્તિશાળી ચાવી છે.