Chalava - 2 in Gujarati Horror Stories by kumar maahika books and stories PDF | છલાવા - ભાગ 2

Featured Books
Categories
Share

છલાવા - ભાગ 2

" તો દીકરા કિશન આ હતી મારી આંખે જોયેલી અને અનુભવેલી છલાવાની વાત " ઈકબાલ ચાચાએ પોતાની જેમ ઘોડાં ગાડી ચલાવતા એક નવજુવાન યુવક જેનું નામ કિશન હતું એને આપવીતી સંભળાવતા કહ્યું અને બીડી મોઢામાં મૂકી દીવાસળી સળગાવી.કિશન પણ ઈકબાલ ચાચાની જેમ ચાંચેલાવ સ્ટેશન થી દેવગઢ બારીયા નજીકના ગામડાઓમાં મુસાફરોને ઘોડાં ગાડી મારફતે મંઝીલે લઈ જઈ ગુજરાન ચલાવતો. પછી શું થયું ઈકબાલ ચાચા ફરી કદી આવો કડવો અનુભવ થયો આપને? કિશને ઉત્સુકતાથી પૂછ્યું. ના બેટા ફરી કદી પણ અમાસની રાતે મેં એકલા બહાર જવાની હિંમત નહોતી કરી. પણ મારો દીકરો માજીદ ટ્રક ડ્રાઈવર છે અને એને તો અમાસ હોય કે પૂનમ એજ ભયાનક રસ્તે આવવું અને જવું પડે. પણ માજીદ આ બધી ઘટનાઓથી જાણીતો છે એટલે એને ખબર છે કે આ સંકટ સામે કેમ કરી લડવું?

તો શું માજીદ ભાઇને આ છલાવાનો કોઈ અનુભવ થયેલો? "હા" એક વજનદાર અને ઘેરા અવાજ સાથે માજીદ ઈકબાલ ચાચાનુ ટિફિન લઈને હાજર થયો." માજીદ એક ત્રીસ વર્ષીય કદાવર પઠાણનો દીકરો હતો અને આંખમાં આંજેલો સુરમો અને પઠાણી પહેરવેશ તેને વધારે આકર્ષક બનાવી રહ્યો હતો.અરે માજીદ ભાઈ હમણા તમારી જ વાત કરતા હતાં ને તમે હાજર " કિશનને હવે છલાવાની વાતમાં રસ જાગેલો."અલા માજીદ પેલી હાઇવે વાળી વાત તો કહે આ કિશનને એટલે કોઇક દિવસ એ પણ ત્યાંથી નીકળે તો ચેતીને નીકળે. કિશનની ઉત્સુકતા સાતમે આકાશે હતી એ જાણવા માટે આતુર હતો કે આખરે હાઇવે ઉપર એવું શું બન્યું હશે?

છલાવાની વાત આ પંથકમાં છાની નથી અને એ શું બલા છે અને શું કરી શકે છે કેવો ભ્રમ પેદા કરે છે અને કેવા કેવા રુપ લઈને લોકોને શિકાર બનાવે છે એ દેવગઢનું બચ્ચું બચ્ચું જાણે છે પણ... માજીદ અટક્યો. પણ શું માજીદ ભાઈ? કિશને પૂછ્યું. પણ બહારની વ્યક્તિઓ જે આ ખૌફનાક હકિકતથી અજાણ છે એ લોકોને તો આ રસ્તે અને આ જંગલમાં છલાવા મળીજ જાય છે. આવોજ એક બનાવ બન્યો હતો જેનો સાક્ષી હું અને બીજાં ઘણા લોકો હતાં.

એ દિવસે પણ આવી અમાસ હતી માજીદે ચા ની ચુસ્કી લેતા લેતા વાત માંડી. અને આવી કાળીડીબાંગ રાત્રે હું અને મારો સાથી કન્ડક્ટર ઇન્દોરથી માલ ખાલી કરી દાહોદ લીમખેડા વાળા રસ્તે દેવગઢ બારિયા આવવા થયાં. ભૂખ બહું લાગી હતી એટલે સંત્રોડ સ્ટેશન ઉપર અમે જમવા બેઠા એટલી વારમાં ત્યાં એક છોકરો અને છોકરી સ્કૂટર ઉપર ત્યા આવી ચડ્યા અને એમણે પણ જમવાનું ઓર્ડર કર્યુ. છોકરો માંડ 25 વર્ષનો હશે અને શહેરમાં ભણતો હોય અને અહિયાં કોઈ કામે આવ્યો હોય એવું લાગતું હતું અને છોકરી પણ સારા ઘરની હતી અને માથામાં સિંદૂર જોઈ લાગી રહ્યું હતું કે બંને પરણિત હતાં. પણ મને કઈક ગડબડ લાગેલું ત્યારે. "શું?" આ વખતે ઈકબાલ ચાચાને પણ વારંવાર સાંભળેલી વાતમાં ફરીથી રસ જાગેલો. જ્યારે અમે ટ્રક લઈને આવતા હતા ત્યારે એ યુગલ અમારી પાસેથી પસાર થયેલું પણ છોકરાના શરીર ઉપર એક પણ ઘા નાં નિશાન નહોતા પણ જેવા અમે જમવા બેઠાં અને એ લોકો આવ્યા ત્યારે છોકરો ઝખમી હાલતમાં હતો. મોઢા ઉપર ઘાવ હતાં પણ હા છોકરી સહી સલામત હતી. મને થયું કે લાવ પૂછું પણ એટલામાં પાછળ બે ટ્રેક્ટર ભરી આદિવાસી આવી ચઢ્યા અને બધાનાં હાથમાં લાકડી અને ભાલા હતા.

હું સમજી ગયો કે માનો નાં માનો આ લોકો ઘરેથી ભાગીને આવ્યા છે અને આ લોકોએ જ પેલાને ઇજા પહોંચાડી હશે. ટ્રેકટરમાં આવેલા આદિવાસીઓ ટગર ટગર આ બંન્ને જણને જોઈ રહ્યાં હતાં. છોકરી આ લોકોને જોઇને ડરી ગઈ હોય એમ લાગ્યું એણે છોકરાને આ જગ્યા છોડી દેવા આગ્રહ કર્યો અને પેલાં આદિવાસી લોકો કઈક કરે એ પેહલા સ્કૂટર સ્ટાર્ટ થયું ને બંને જણ હાઇવે બાજૂ પલાયન થઈ ગયાં. એટલામાં પીપલોદ ગામના સરપંચ પણ પોતાની જીપમાં આવી ચડ્યા. " ક્યાં ગયાં એ લોકો?" સરપંચ ગુસ્સામાં હતાં અને એ બંને જણનો પીછો કરી રહ્યાં હતા. જલ્દી જાઓ પીછો કરો એ લોકોનો એમ કહી સરપંચે હુકમ કર્યો.

આ ટ્રક કોનો છે? સરપંચે પૂછ્યું. મેં કહ્યું મારો છે પણ કામ શું છે?  અરે ભાઈ અમારી પાસે ટ્રેક્ટર છે અને જીપનું ડીઝલ પતી ગયુ છે ને અમારે એ છોકરા અને છોકરીનો પીછો કરવો જરૂરી છે નહી તો અનર્થ થઈ જશે. શું થઈ જશે? અરે એ બધો સમય નથી અત્યારે પહેલા ટ્રકમાં આ માણસો ભરો અને એ લોકોનો પીછો કરો અને અમારી મદદ કરો. સરપંચે હાથ જોડયા. મને મામલો ગંભીર લાગ્યો એટલે બધાં આદિવાસી લોકો અને સરપંચને બેસાડી મેં ટ્રકને એ દિશામાં દોડાવ્યો જે દિશામાં એ યુગલ સ્કૂટર ઉપર ગયેલું. થોડીક દૂર ગયાં અને અમને એ યુગલ દેખાઈ ગયુ. છોકરો સ્કૂટર ચલાવી રહ્યો હતો અને છોકરી દુપટ્ટો ઓઢીને છોકરાના ખભે માથું મૂકીને જાણે સૂઈ ગઈ હોય એવું લાગ્યું.

ભાઈ આ હથિયારો લઈને ટ્રકમાં બેઠા છો તો આ લોકોને મારી નાખવા તો નહીને? ભાઈ તું પ્રશ્ન કર્યા વગર એમની આગળ તારી ટ્રક ઉભી કર જલ્દી અને આ લોખંડનો સળિયો લાવ જલ્દી. બધું એટલું જલ્દી જલ્દી થઇ રહ્યું હતુ કે મને કંઈ સમજાયું નહી. સરપંચ અને બીજાં આવેલા લોકોએ નીચે ઉતરી તરતજ ઘા કરી દિધો.

ઘા કરી દિધો? એટલે શું છોકરા અને છોકરી બંને મારી નાખ્યાં? ના માર્યા ન્હોતા પણ બચાવ્યો. કોને? પેલાં છોકરાને.

સરપંચ સળિયો લઈને ઉતર્યા એવો હું પણ કંઈ અનિષ્ટ નાં બને એ માટે નીચે ઉતર્યો પણ જે જોયું એ જોતાજ આંખો ફાટી પહોળી થઈ ગઈ. પેલી છોકરી ખરેખરમાં ખભે માથું મૂકીને સૂઈ નહોતી રહી પણ ધીરે ધીરે પેલા છોકરાનુ લોહી ચૂસી રહી હતી. અને જે એની પત્ની હતી એની લાશ ખેરા નાકા પાસેથી આ લોકો ટ્રેકટરમાં લાવેલા અને એજ લાશ મારી ટ્રકમાં પણ મુકેલી.

સરપંચ નાં કહેવા મુજબ પીપલોદ ખેરા નાકા ઉપરજ છલાવા નીલગાય બની એમનો અકસ્માત કરેલો ત્યારબાદ છોકરો અને છોકરી બંને ઘાયલ થયેલા જેમાં છોકરી ત્યાંજ મરણ પામી હતી પણ છલાવાએ ભ્રમ ઊભો કરેલો અને આ છોકરાની પ્રેમિકાનું રુપ લઈને એની જોડે આવેલો જેથી આને પણ શિકાર બનાવી શકે.

પણ એ દિવસે માણસાઈ જીતી ને બુરાઈ હારી . એ પછી એ છોકરાનુ શું થયું એ ક્યાંનો હતો મને કંઈ જ ખબર નથી.એટલામાં ટ્રેનની વિસલ વાગી અને બધાં તંદ્રા માંથી બહાર આવ્યા અને ઈકબાલ ચાચાએ ફરીથી બીડી સળગાવી ટ્રેન સામે નજર કરી. દિવસે માણસોની અવર જવર વાળું આ સ્ટેશન એક રાત્રે એમને ભયાનક લાગેલું