આધ્યાત્મિક રહસ્યલોક : કાશીના કોટવાળ કાલ ભૈરવ
માયાના બંધનથી મોક્ષના દ્વાર સુધીની રહસ્યમય યાત્રા
જાણો કાલ ભૈરવને સમયના સ્વામી કેમ માનવામાં આવે છે?
તંત્ર સાધના પાછળનું સાચું વિજ્ઞાન અને જીવનના 'લો ફેઝ' માંથી બહાર નીકળવાનો આધ્યાત્મિક માર્ગ
ભારતીય આધ્યાત્મિકતાની સૌથી પ્રાચીન અને જીવંત નગરી એટલે કાશી જેને વારાણસી પણ કહેવામાં આવે છે. અહીંની ગલીઓમાં ગુંજતો હર હર મહાદેવનો નાદ અને ગંગાના કિનારે પ્રજ્વલિત રહેતી ચિતાઓ આપણને જીવન અને મૃત્યુના અંતિમ સત્યનો અહેસાસ કરાવે છે. તાજેતરમાં પ્રસિદ્ધ પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના ટીઆરએસ શોમાં કાશીના કાલ ભૈરવ અને તંત્ર સાધના વિશે નિષ્ણાત શિશિર કુમારે સાથે જે ગહન ચર્ચા થઈ, તેણે લાખો યુવાનોને સનાતન ધર્મના એક ગૂઢ પાસા તરફ આકર્ષ્યા છે. ચાલો, આ સંવાદની તમામ વિગતોને અત્યંત સરળ ભાષામાં સમજીએ.
કાલ ભૈરવ: કાશીના અદ્રશ્ય શાસક અને રક્ષક
કાશી વિશે કહેવાય છેકે, અહીં ભગવાન શિવ સાક્ષાત્ બિરાજમાન છે, પણ આ નગરીની વ્યવસ્થા અને સુરક્ષાની જવાબદારી કાલ ભૈરવ સંભાળે છે. તેમને કાશીના કોટવાળ કહેવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ, જ્યારે બ્રહ્માજીના અહંકારને કારણે શિવ ક્રોધિત થયા, ત્યારે તેમના દક્ષિણ મુખમાંથી ભૈરવ પ્રગટ થયા હતા. તેઓ માત્ર સંહારક નથી, પણ તારણહાર છે. ભૈરવ એટલે એ શક્તિ જે ભયનો નાશ કરે છે અને અધર્મીઓને દંડ આપીને ન્યાયની સ્થાપના કરે છે. જે લોકો કાશી આવે છે, તેમના માટે વિશ્વનાથના દર્શન પહેલાં કાલ ભૈરવની પરવાનગી લેવી અનિવાર્ય માનવામાં આવે છે.
માયા અને સફળતાનું આધ્યાત્મિક વિજ્ઞાન
આપણે આખી જિંદગી શોહરત, પૈસા અને પદ પાછળ દોડીએ છીએ, પણ પોડકાસ્ટમાં એક અત્યંત સચોટ વાત કહેવામાં આવી છે, સફળતા એ પણ ભૈરવની જ એક માયા છે. જો તમને અઢળક સફળતા મળે છતાં તમે અહંકારના ખાડામાં નથી પડતા, તો સમજવું કે તમારા પર ભૈરવની કૃપા છે. માયાનું કામ આપણને પછાડવાનું છે, પણ જો આપણી આસ્થા મક્કમ હોય તો એ જ માયા આપણને બ્રહ્મત્વ તરફ દોરી જાય છે.
જીવનમાં આવતા ખરાબ સમય એટલે કે લો ફેઝ વિશે જણાવતા નિષ્ણાત શિશિર કુમારે કહ્યું હતું કે, જ્યારે માણસ બધી બાજુથી હારી જાય છે ત્યારે જ તે ઈશ્વરની સાચી શોધ શરૂ કરે છે. લો ફેઝ ખરેખર આપણને ઇવોલ્વ એટલે કે વિકસિત કરવા માટે આવતો હોય છે. ભૈરવ આપણને હાથ પકડીને આ માયાજાળમાંથી બહાર કાઢે છે.
કાશીની ગંગા: રહસ્યમય અને પવિત્ર ઉત્તરવાહિની
વારાણસીમાં વહેતી ગંગા નદી વિશ્વના અન્ય સ્થળો કરતા અલગ છે. અહીં ગંગા ઉત્તરવાહિની છે, એટલે કે તે દક્ષિણથી ઉત્તર તરફ વહે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ અત્યંત મહત્વનું છે કારણ કે અહીં નકારાત્મક ઉર્જાઓ કે પ્રેત આત્માઓ રોકાઈ શકતા નથી. આ જ કારણ છેકે કાશીમાં દેહત્યાગ કરનારને સીધો મોક્ષ મળે છે. સંધ્યા સમયે થતી ગંગા આરતી એ શિવ અને શક્તિના મિલનનું પ્રતિક છે, જ્યાં એક બાજુ ભભકતી ચિતાઓ છે અને બીજી બાજુ દેવ-આરતીનો નાદ જે એક આધ્યાત્મીક વાતાવરણ ઊભું કરે છે.
સામાન્ય વ્યક્તિ માટે ભૈરવ સાધનાના સરળ નિયમો
તંત્ર અને ભૈરવ સાધના વિશે સમાજમાં ઘણી ગેરસમજ અને ડર ફેલાયેલો છે. પોડકાસ્ટમાં સામાન્ય લોકો ઘરે બેસીને કરી શકે તેવી સરળ ભક્તિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. સંશોધક અને નિષ્ણાત શિશિર કુમારે જણાવ્યું હતું કે, કાલ ભૈરવનો કાલ્પનિક સ્કેચ કે ભૈરવ યંત્ર ક્યારેય ઘરમાં ન રાખવું જોઈએ. જો રાખવો હોય તો કોઈ સ્થાપિત મંદિરના વિગ્રહનો ફોટો રાખી શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભૈરવની પૂજામાં ચૌમુખી દીવો એટલે કે ચાર જ્યોત વાળો દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ છે. તેમાં સરસવ, તલ અને ચમેલીના તેલનું મિશ્રણ વાપરવું જોઈએ. ચમેલી ભૈરવને અત્યંત પ્રિય છે. તે ઉપરાંત વધુમાં તેમણે કહ્યું હતું કે, ભૈરવને કાળા તલના વડા, ચણા અને જલેબી અત્યંત પ્રિય છે. પૂજામાં લાલ અથવા જામુડી રંગના ફૂલો ચઢાવવા જોઈએ. નામ જાપ બાબતે તેમણે ઉમેર્યું હતું કે, જો કોઈ ગુરુ દ્વારા મંત્ર ન મળ્યો હોય, તો ભૈરવનું પ્રથમ નામ કાલરાજ છે. માત્ર કાલરાજ... કાલરાજ... નો જ જાપ કરવાથી પણ ભૈરવ તમારી સુરક્ષા કરે છે.
શરણાગતિનો ભાવ: સરન્ડર વિથ ફન
નિષ્ણાંત શિશિર કુમારે જણાવ્યું હતું કે, ભૈરવ સાધનાનો સૌથી મોટો મંત્ર છે, સંપૂર્ણ સમર્પણ. આપણે ઘણીવાર ભગવાન પાસે નાની નાની વસ્તુઓ માંગીએ છીએ, પણ જો આપણે આપણી બધી ચિંતાઓ ભૈરવને સોંપી દઈએ, તો તેઓ આપણને આપણી અપેક્ષા કરતા વધુ ભવ્ય સફળતા અપાવે છે. તેઓ પિતા, મિત્ર અને ગાર્ડિયન ત્રણેય ભૂમિકા ભજવે છે. નિષ્ણાત શિશિર કુમાર કહે છેકે, ભૈરવ પાસે જઈને ડરવાની જરૂર નથી, પણ તેમની હાજરીનો આનંદ માણવો જોઈએ.
અષ્ટ ભૈરવ અને દશ મહાવિદ્યાનું જોડાણ
નિષ્ણાંત શિશિર કુમારે જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં શક્તિપીઠો છે ત્યાં દેવીના રક્ષણ માટે ભૈરવ હંમેશા હાજર હોય છે. કાશીમાં આઠ દિશાઓના રક્ષણ માટે અષ્ટ ભૈરવની સ્થાપના થયેલી છે. તંત્રમાં ચંદ્રનું પણ વિશેષ મહત્વ છે. જે લોકો બીજી મહાવિદ્યા માતા તારાની સાધના કરે છે, તેમના માટે ચંદ્રના મંત્રો અને સાધના અનિવાર્ય છે, કારણ કે ચંદ્રને તારાના પ્રેમી અને સહાયક માનવામાં આવે છે.
ભૈરવ અને આધુનિક યુગ: કેમ શક્તિ પાછી જગી રહી છે?
નિષ્ણાંત શિશિર કુમારે જણાવ્યું હતું કે, પાછલી બે-ત્રણ પેઢીઓમાં રુદ્ર દેવતાઓની પૂજા ઓછી થઈ ગઈ હતી, જેને કારણે માનસિક અસ્થિરતા વધી છે. હવે ફરીથી યુવા પેઢી તંત્ર અને ભૈરવ તરફ વળી રહી છે કારણ કે ભૈરવ એ સાક્ષાત્ દેવતા છે જે આ કળિયુગમાં પૃથ્વી પર વિચરે છે. હનુમાનજીએ જેમ પંચકોષ ધારણ કર્યો હતો, તેમ ભૈરવ એ શિવનું એવું સ્વરૂપ છે જે કોઈપણ સમય (કાલ) માં ભરણ-પોષણ કરવા સક્ષમ છે.
કારણ પ્રસાદ (મદિરા) પાછળનું તર્ક શું છે?
નિષ્ણાંત શિશિર કુમારે જણાવ્યું હતું કે, ઘણા લોકો ભૈરવને દારૂ ચઢાવવાની પ્રથા પર સવાલ ઉઠાવે છે. જેને ‘કારણ પ્રસાદ’ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. તંત્ર માર્ગમાં તે મનને સ્થિર કરવા અને બાહ્ય માયાના વિચારોને દબાવવા માટે વપરાય છે. જો કે, તે માત્ર સાધકો માટે જ છે અને તે પણ અત્યંત મર્યાદિત અને શિસ્તબદ્ધ રીતે. સામાન્ય વ્યક્તિએ તેને દારૂ પીવાના બહાના તરીકે ન વાપરવો જોઈએ.
ભય અને લાજ: જ્ઞાનનો અભાવ
નિષ્ણાંત શિશિર કુમારે જણાવ્યું હતું કે, આપણે ઘણીવાર ભૈરવના ઉગ્ર સ્વરૂપથી ડરીએ છીએ અથવા તેમની પૂજા પદ્ધતિને લઈને શરમ અનુભવીએ છીએ. ડર અને લાજએ જ્ઞાનની કમીને કારણે છે. જ્યારે તમે જાણી લો છો કે ભૈરવ એ તમારા આત્માના રક્ષક છે, ત્યારે બધો જ ભય દૂર થઈ જાય છે. આજના જજ, ડોક્ટર અને એન્જિનિયર જેવા સોફિસ્ટિકેટેડ વ્યવસાયના લોકો પણ હવે ગુપ્ત રીતે ભૈરવ સાધના અપનાવી રહ્યા છે.
નિષ્કર્ષ: શાંતિમાં જ ઈશ્વર છે
કાલ ભૈરવ એ માત્ર એક ઉગ્ર દેવતા નથી, પણ તે સમયના સર્વોચ્ચ સ્વામી છે. જે વ્યક્તિ પોતાના સમયની કિંમત સમજે છે અને સત્યના માર્ગે ચાલે છે, તેની રક્ષા સાક્ષાત્ કાલ ભૈરવ કરે છે. વારાણસીમાં મહાશ્મશાનની વચ્ચે બેસીને આપણે એટલું જ શીખીએ છીએ કે શાંતિ જ ઈશ્વર છે. આજના ભાગદોડ ભર્યા યુગમાં ભૈરવ તત્વની સમજ માણસને માનસિક સ્થિરતા અને અસીમ નિર્ભયતા પ્રદાન કરે છે.