આવ નવે ઘેર
લાલિયો: શહેરી સોસાયટીનો પ્રામાણિક, નીતિવાન કૂતરો
ધોળી: ગામડાં કે શેરીની ગામઠી ભાષા બોલતી કુતરી જેને લાલિયો ગમે છે પણ એની નીતિઓ નહીં.
(આ નાટીકા શ્રાવ્ય વધુ છે. રેડિયો નાટકમાં લઈ શકાય. એ સિવાય મહોરું પહેરી કૂતરા-કુતરીનો વેશ કરી શકાય. વાંચીકમ પણ થઈ શકે.)
ઉચ્ચ વર્ગની શહેરી સોસાયટીની શેરીનું દૃશ્ય. ચાર પાંચ ભવ્ય કાર એક લાઈનમાં ઉભી છે. લાલિયો કૂતરો અને ધોળી કુતરી કૂદતાં કૂદતાં શેરીમાં દાખલ થાય છે.
લાલિયો (પૂંછડી પટપટાવતો) : આવતી રહે મારી વાલુડી?’ ગરર...
ધોળી : (ગાતાં ગાતાં) ના ના નહિ આવું… એ છાપરે નહિ આવું… કુદવાનો મને થાક લાગે..
લાલિયો : લે તું તો ગરબાયે ગાવા માંડી? હવે આવતી રે. આપણે દાંડીએ નહિ તો પૂંછડીએ રમીએ.
ધોળી (હાંફતાં) : હૂસ.. હૂસ. ગરર. .. આંય બેસવાની મોકળાશ છે. પહોળી મઝાની ડસ્ટર કાર છે. ઇ લોકો ક્યારેક જ બેસે, આપણા બેસવા માટે તો લીધી છે !
લાલિયો : આપણે તો ઠંડુ મઝાનું આપણું ફ્રન્ટીનું છાપરું વહાલું. પ્રાઇવેટ જગ્યા. ગમે તેમ કુદાય, નીચેથી ઉપર એક કૂદકે ચડી જવાય.આ તારે તો ઊંચે જવા હુડ પર થઈને..
તે હેં અલી, તારી પાતળી કેડ વાળી નાજુકડી કાયા એટલો કૂદકો કેવી રીતે મારી શકે છે ? પેલી છેલ્લે પડી એ લેન્ડરોવર પર તું એવી તો ચડી જાય છે !
ધોળી : મને તો ઓલી ગાડી પરે લખેલું ગમે છે- કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
લાલિયો : મારી ધોળુડી, આ તો તું જ કૂદી શકે. બીજી કુતરીઓ તો એ રીતે બંગલાની વાડ પણ ન ઠેકી શકે.
ધોળી : બેસ મારા પુંછડીયા લાલીયા ! બીજી કુતરીયું હામું ભાળ્યા કરે છે તે.
લાલિયો : જોવાઈ જાય હવે. તો તું મારામાં શું ભાળી ગઈ છે !
ધોળી ( કોઈ કારનાં છાપરે ડાન્સ કરતાં ) : તારી બાંકી તે પૂંછડલીનું ઘુમવું રે, મને ગમતું રે, આ તો કહું છું રે લાલીયા તને અમથું..
લાલિયો : હાઉ હાઉ.. વાલુડી, તું તો કાંઈ બોલવા માંડી છે, કાંઈ ગાવા માંડી છે? મને તો એમ થાય છે.. હમણાં આવું તારી પાસે..
ધોળી : તે કોણ ત્યાં બેસવા કહે છે એકલા એકલા? આવ આ નવે ઘેર.
મૈને પૂંછડી જો ટકરાઈ અબતો આજા તું હરજાઈ..
લાલિયો: એમ? આ આવ્યો
(તડબડ તડબડ કરતો છાપરેથી નીચે ઉતરીને બીજી કાર પરથી છલાંગ લગાવે છે.)
લાલિયો (ચીસો પાડતાં) : વીં..વીં.. વીં..
ધોળી : કાં હું થ્યું ?
(બે કાન અને પૂંછડી ઊંચી કરી જુએ)
લાલિયો : આ પાછળ હુડ પર કાંટાવાળું જાળું રાખી મુક્યું છે. પગમાં પેસી ગયું.
ધોળી : મુઆઓ છાપરે ચડવા આ એક સીડી પણ ખાલી રાખતા નથી. કાર્યું પણ ઊંચી ને ઊંચી કર્યે રાખે છે. ઓલી ગેઇટ કને વેગન આર ઓસી હતી તો ન્યા આ તું કેસ એવી લ્યેન્ડ રુવર ને ફોરડ ને ઇવીંયું.. ને ઇની ઉપર્ય કાંટા! બે માળની બહું (બસો) જેવી કાર્યું રાખો, 'ની ઉપર તાર્યુંનાં ગૂંચળા. કોને હારું? બે દી' રર્યે (રહે) પસી આપણે નઈ તો ઓલા વાંદરા એક કોર ફેંકીને ચડી જ જવાનાં.
આપણને રાતે તો નિરાંતે હુવા જોઈએ ને? લોકો ઘરો બંધ કરી ઉપર બેડરૂમ મઈં સડી જાય સે ઇમ !
તું નીસેે નો બેહ, આંય આવતો રે, પગ ઘસ. મટી જાહે.
લાલિયો : હું અહીં નીચે જ બેસું છું. તું આવ.
ધોળી : હું શું કામ આવું ડસ્ટર મૂકી ત્યાં ડસ્ટમાં બેસવા ? અહીં એઈ ને મઝાનું પતરાંનું છાપરું છે, ઠંડુ ઠંડુ.. મારું પેટ ઠરે છે.
(છાપરાં પર આળોટવા લાગે છે.)
લાલિયો : ને અહીં તો મારા પગમાં લોહી વહે છે ને લ્હાય બળે છે. તને દૂરથી જ જોવી પડશે આહા. માલિકણો પાયલ રણકાવે એમ તારી છાપરે ટકરાઈને ટક ટક વાગતી પૂંછડી.. સાંભળ્યા જ કરું. તુને પૂંછડી જો ટકરાઈ..
(ઓચિંતો પીડાથી ફરી કણસે.) ઓય.. વીં.. વીં .. સત્યાનાશ જાઓ આ કાંટાળું ગુંચળું બોનેટ પર રાખનારનું.
(ધુળમાં પગ ઘસે છે)
ધોળી : એઇ .. લાલીયા. .મારી સામે તો જો?
લાલિયો : વીં..વી.. નહીંતો બીજે ક્યાં જોઉં છું? ઓ બાપ.. અરે રે.. આ ગાય ભેંસના પોદળામાં પગ પડયો .
ધોળી : (આસપાસ નજર કરીને) લે આવતો રે આંય. ન્યાં સામે જો ઓલી કાર ઉપર કવર ઢાંકેલું છે. લે હું તો આ ઉતરી. આ એક કૂદ લગાવી અને પહોંચી ગઈ.
(કૂદકો લગાવી બીજી કાર પર જાય છે.)
લાલિયો : જો તો ખરી, કાર પર ગોબો પડશે તારા કુદવાથી.
ધોળી : તે એમાં થઈ શું ગ્યું? છાપરે તો પડયો છે. આપણે નિરાંતે બેસાય એટલે. એ લોકો મઈં ઘુંસી જવાય એવી ડનલોપની ગાદીયું કરાવે છે તો આપણે આપણી બેસવાની સરખી જગ્યા નો કરીએં?
લાલિયો : જરાય નહીં. આ કાર પર તો નહીં જ. એ લોકો રોજ રોટલી આપે છે, ઘર પાસે બેસવા દે છે.
ધોળી : તે લે, એક રોટલી આલે એમાં ખરીદાઈ ગયાં ? વધ્યું ઘટ્યું તો આપે છે. અરે આવતો રે.
લાલિયો : અરે, વોય.. વોય.. સરખા ચડાતું કે બેસાતું યે નથી. એક આ કવર વચ્ચે આવે છે ! ઠીક છે. પોદળાવાળા પગ થોડા કવર પર લુછાઇ ગયા.
ધોળી : તે બાકીના આ છાપરાં પર ચડી ઈ જ કવર પર લૂછી લે. મસ્ત મઝાનો નેપકીન સમજીને. હવારે તો આંય ઈનો માણહ ધોવા આવશે જ.
(કવર પર પગ ઘસે છે.)
લાલિયો : હાઉ.. હાઉ.. અરે આ તો ફાટ્યું!
ધોળી : હે મારા સ્વામી ભક્ત લાલીયા? એક રોટલીનું ઋણ ચુકવવામાં તું એટલો બધો ખરીદાઈ ગયો?
લાલિયો : ધોળુડી, એક ચુટકી રોટીકી કિંમત તુમ ક્યા જાનો? એ લોકો મને ને હું આપું ત્યારે તો તું ખાય છે.
ધોળી : એ..આઘો રેજે. આ સામેવાળીના ઘરની જાડી રોટલી.. ના ના, વધેલા પરાઠાના ટુકડાએ મારાં પેટમાં ગરબડ કરી છે. અહીં તો તેં બગાડયું છે. લાવ સામે બીજી જૂની કાર પડી છે એની પર જઈ આવું. આમેય કાટનો રંગ એવો જ બ્રાઉન લાગે છે. લે, આજે તો કવર પણ નોય? આમ જ રાખજે બાઈ.
લાલિયો : ઊંહું.. મારે જોવાનું આ ?
ધોળી : તઈં સૂંઘે ને જોવે ને.. લે મારી પાહે બોલાવમાં બધું. અમને યે કઈંક લાજ શરમ જેવું હોય.
લાલિયો : ઊંહું.. છી..છી.. કેવું ગંદુ કર્યું? એ લોકો કેમ કરી સાફ કરશે? શું કહ્યું, પાણીથી? એ તો એમાં જ હોય ને? પણ.. પ્લીઝ.. વેર વસુલ થઇ ગયું એ કાર પર બગાડીને. આ દંડા સાથે ... શું ઘસવા માંડી?
ધોળી : સાફ કરું છું. મને ખબર છે એના કારમાં વાગતા રેડિયોનો એન્ટેના છે. એ પણ ધોવાઈ જશે કારને ફુવારો મારશે એટલે. એઈ.. મારા લાલીયા, આમ તો જો.. અરે ઈ બધું તારા હાટુ તો કર્યું છે ! એને સાફ ન કરત તો તારું શું થાત? આવ આ આપણે ઘેર.
લાલિયો : ચાલ ચાલ. આવી જા જલ્દી એટલે અહીં આ કવર પર ગોઠડીઓ માંડીએ. બપોર થવા આવ્યા છે, છાપરાં હવે ધગધગશે. જો સમજ. રાતે ઠંડીમાં કવર વગરની કાર ગોતવાની ને ગરમીમાં કવર વાળી.
ધોળી : લે તું તો બહુ સમજની વાતું કર છ ને કાઈં ? પણ એવું નથી. જો, શિયાળામાં છાપરું ઠરે તો કવર પર, ઉનાળામાં છાપરું ધગે તો કવર પર. ઈ બગડે તોય વાંધો નૈં, ધોવાઈ જાય. બાકી બેસીએ તો છાપરું તો ગોબાય. હા, ગોબાઉં તો પડે. ઈ તો વાંદરા પણ કૂદીને ક્યાં નથી પાડતા ને આ રસ્તે આજુબાજુ વાહનો હાંકતા બીજા ‘વાંદરાઓ’ સાઇડમાં અડાવી ક્યાં ગોબા નથી પાડતા? તો આપણે એક નાનો ગોબો પાડીએ એમાં હું ઈનું લૂંટાઈ ગ્યું ?
લાલિયો : જો ધોળી, હું તો આ સોસાયટીમાં સારા લોકો વચ્ચે મોટો થયો છું. મારું ચાલે તો નીચે લોકોના ક્યારામાં જ બેસું. પણ કમ્પાઉન્ડોની વંડીઓ આડાં કુંડાઓ મુકી એ રસ્તા પણ બંધ કરી દીધા છે. રસ્તે બેસું પણ કોઈ ને કોઈ સ્કૂટર કે બાઈક આવે અને ઉઠવું પડે. એટલે આ કારો પર બેસું છું. બિચારાં સાચવીને કવરો ઢાંકે છે તે કાર સચવાય.
ધોળી : ઈમ હું લેવા ઢાંકણા જેવાં કવર્યું એટલે લુગડાં સડાવી રાખે છે? ઇમ કવર ચડાવે કાર્યુંના કલર બસતા હશે? ઇમ માનતાં હોય તો ખાંડ ખાય છે. આપણને રોટલી નાખતી ઓલી સોડીયું ગોરી ને દેખાવડી હોય તો કપડાં ઓસાં પેરે ને પોતાને હારી બતાવે. ઇમ કાર રૂપાળી હોય તો કવર વન્યા જ હારી લાગે. હમજ્યો મારા હુધરેલા શ્વાન?
લાલિયો : અરે કાર તો એ લોકોને સાચવવી પડે આપણી જગ્યાઓની જેમ. રોજ રોટલી ખાઉં છું તે હું તો કવર સાચવું હોં ! પવન નહીં સાચવે. એને ફુગ્ગાની જેમ ફૂલીને ઉડતું, ક્યારેક ઉડીને દૂર પડી જતું અટકાવવા ઈંટ મૂકી હોય તો એ ઈંટ ઉછળીને કાર ઉપર જ પડવી, એમાં ગોબા પડવા- આ બધું મારાથી નથી જોવાતું એટલે તો હું ઊંચે કાર પર બેસું છું. તું પણ સાચવતી હો તો લોકો બે રોટલી વધુ આપશે. એ બધા સારા માણસો છે.
ધોળી : ઓહો.. બહુ મોટો હારા માણહું વચ્ચે મોટો થયો. તઈં અમે શેરીમાં જન્મ્યાં એટલે ખરાબ માણસ? આ તારી વાંહે હાલી નોતી આવી. તું મને વાંહે લાળ્યું પાડતો લઇ આવેલો.
(બે પગ વચ્ચે માથું નાખી આંસુ લૂછે)
લાલિયો : અરે પણ.. એટલામાં રિસાઈ ગઈ ! હું તો સાચવીને બેસવા જ કહું છું.
ધોળી : તે ઈ લોકો કવરૂં હું લેવા ઢાંકે જ સે? આ હું ધોળી રુવાંટી વાળી સઉં તો જ તું મારી વાંહે ગાંડો થ્યો તો. એમ જિમ હારી કાર હોય ઇમ ઈને ચામડી હોતી દેખાડવી હારી. કવર તો આજ છે ને કાલ નથ્ય.
લાલિયો : તે કાલે પણ કાર સારી રહે તો આપણે જ વધુ નિરાંતે બેસી શકશું. ભલે રહયાં કવર.
ધોળી : એ ઉપદેશ આલવા વાળા, જો ઓલો સાંઢ આવે સોસાયટીમાં. ભાગ.
(લાલિયો કવર નીચે લપાવા જાય છે)
લાલિયો: અરે આ કવર ઊંચું થતું નથી એટલે પંજો મારી ખેંચું છું. અને લે, નહોતું કરવું તોયે આ લીરો ફાટી ગયો.
ધોળી: તો હવે હું? ઝટ કર. ઓલો બળધીયો આવ્યો. એવડો ઇ લીરો મોંમાં લઇ ફાડી કારને પંજાથી સ્ક્રેચ કરી કવર પાછળ લપાઈ જા જલ્દી.
લાલિયો: લે હું આ લપાઈ ગયો. ધોળી , તું બીજી ફાટેલાં કવરવાળી કાર પર ચડવા જા.
(ધોળીની ચીસો સંભળાય છે.)
ધોળી: ઓય રે .. આ બળદ તો આઇવો અને હું સડવા ગઈ ન્યાં આ કવર મારા પગમાં ભરાયું. આ હું પડી. ઓ માડી રે.. ઓ લાલિયા, ક્યાં ગુડાયો?
(બળદના છીંકોટા)
(ગુસ્સામાં એ બળદ કોઈ કવર મોંએથી ફાડી ખેંચી લાંબા લિરા કરી નાખે એવા અવાજો.)
લાલિયો : (ધીમેથી) અલી જો. સામેથી દોડી આવતા મોટા બળદનાં શીંગડાંમાં કવરનો ચીરો ભરાયો છે અને.. જો, એ ડરીને દોડતો ભાગવા જાય છે.
ધોળી : ( બીજી કાર પાછળ લપાઈને) લે જો. આ ઇ તો ઓલી ચાર બંગડી વાળી કાર સાથે અથડાયો. લે, જો, ઈ કારની સાઇડે મોટો ગોબો પઇડો.
ઓત્તારીની, ઓલું ફાટલું કવર ઈના મોં પર આવી ગ્યું,
(બળદ ભાંભરતો ભાંભરતો ભાગતો હોય એવો અવાજ.)
લાલિયો: ધોળી, કવર ખેંચી ભાગ. બળદ આઘો છે.
(લાલિયો બીજી બાજુથી નીકળી જોરથી ભસતો ભાગે છે)
ધોળી: ઓય, હજી બળદ ગ્યો નથ ન્યાં કોક અજાણ્યો કૂતરો એક ખૂણે બે પગ વચ્ચે પૂંછડી દબાવી મારી કોર દોડે છે, એની દાનત હારી નથ. લાલિયા, હું જોવ છ?
લાલિયો: ઊભો રહે. મારી ધોળી સામે નજર પણ કરી તો..
બીજા કૂતરાનો ભસવાનો અવાજ.
એની સામે ભસતો લાલીયો કૂતરો પગથી જમીન ખોતરવા માંડતો લાગે છે, બેય કૂતરા સામસામે ભસતા રહે છે.
લાલિયો : (આવેશમાં હોય એમ ભસતો દોડવાનો અવાજ )
ભાગ સાલા. લે, તું કૂદકો મારી બીજી કાર પર ચડી જાય છે, એમ? આ બધી અમારી કાર છે. આ ધોળી પણ મારી હદમાં છે. ભાગ. આ અમારું ઘર છે.
(જોરથી ભસતા બે કૂતરા ઝગડતા હોય એવા અવાજો.)
લાલિયો: લે, સાલો નુકસાન કરતો ગયો. રોટલી આપતા માલિકની કાર ને.
ધોળી: પણ ગ્યો ખરો?
લાલિયો: હા વળી. ફરી મારા વાળી કાર પર એણે પગ ઘસતાં એનું નવું જ કવર સીધા પટ્ટામાં ફાટ્યું છે.
(બીજા કૂતરા સામે) આવી જા ત્યારે. (લાલિયો ફરી નીચેથી કવર ખેંચતો કૂદકો મારે છે અને એ નવા કુતરા સામે ધસે છે.)
બીજા કૂતરાનો વીં.. વીં.. કરતો ભાગવાનો અવાજ)
ધોળી: હાઈશ, ગ્યો હાહરીનો.
હું બચી ગઈ. એ આ કોઈ બાઈક આવી. હાલ પાછળ દોડું.
લાલિયો : અને સાચવીને. પેલો બળદ ત્યાં જ છે. જો, અમારા ઝગડાથી, ના, તારા આ વીર લાલીયા થી ડઘાઈને આગળ કોઈનો એંઠવાડ પડેલો સૂંઘતો ને ખાતો એ બળદ આપણા લોકો સામે જોઈ રહયો છે. અરે કહું છું, પાછી છુપાઈ જા. પેલો બીજાં કૂતરાં લઈને આવ્યો.
(ઘણાં કૂતરાં ભસવાના અવાજ)
ધોળી: ઓ મા, આ નવો કૂતરો તો પગ ઘસતો અને ભસતો આગળ ધસે છે. મારી સામે નજર બગાડી છે. લાલિયા, જોઈ શું ર્યો સે? બચાવ તારી ધોળીને.
લાલીયો: ઊભો રહે. તું મોટો કૂતરો છે તો ભલે રહ્યો. આ બીજી કૂતરીની આગળ રહી ભસે છે? બીજા ભાઈઓ ને લાવ્યો છે?:
આવી જાવ બધા. કોની મા એ સવાશેર સૂંઠ રોટલી સાથે ખાધી છે?
(મોટેથી ભસતાં દોડવાનો અવાજ)
લાલિયો નવા કુતરા સામે પ્રતિકાર કરતો ભસે છે. ધોળી કુતરી બે પગ વચ્ચે વધુ જોરથી પૂંછડું દબાવી થોડે દૂર ભાગતી એ નવા કુતરા સામે ભસાભસી કરી મુકે છે.)
નવો કૂતરો કૂદીને એક નવી નક્કોર લેન્ડ
રોવર કારનાં પૈડાં પર પરાણે પગ ઊંચો કરે છે. એ કાર સુંઘી, એના પર ચડી એ લોકો સામે ભસતો ચેલેન્જ આપે છે. પોતાની સરહદ બતાવવા ધોળી, લાલિયો એક એક કારનાં ટાયર પર પગ ઊંચો કરે છે, પેલો કૂતરો વટથી નવી કાર પાસે ઉભી વિજેતાની અદાથી મોટેથી ભસ્યે રાખે છે અને આકાશ સામે જોવે છે. એક તરફથી લાલિયો અને બીજી તરફથી ધોળી એની તરફ એટેક કરે છે. એનો પણ પગ ભરાતાં એ ચીસાચીસ કરતો ભાગે છે.
પૂંછડી દબાવતાં ઉભી ધોળી અને લાલિયો તેની સામે ઘુરકયા કરે છે.
લાલિયો: ધોળી, આવ હવે આ આપણે નવે ઘેર.
(બંને કાર નજીક જઈને બેસે છે. કારોના કવરોના લીરાઓ આમથી તેમ ઉડી રહ્યા છે.
પડદો.
વર્ણન નાં વાક્યો માત્ર શ્રાવ્ય હોય તો પ્રવકતા પાસે બોલાવી શકાય.