Aavo Bhajavie - 7 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આવો ભજવીએ - 7

Featured Books
Categories
Share

આવો ભજવીએ - 7

ફેન્સી ડ્રેસ

પાત્રો- 

    નમન : ફેન્સીડ્રેસમાં ભાગ લેતો કિશોર

       નિર્ઝરી : નમનની મમ્મી

       નિકુંજ : નમનના પપ્પા

       હરજી : વેલ્ડીંગ કારીગર

   ભેજાવાલા : મધ્યવયસ્ક પારસી. 'ધ ઇતિહાસ મ્યુઝિયમ'ના ક્યુરેટર

      ડો. વૈદ્ય : ડોક્ટર

 જમાદાર જાલમસિંહ: પોલીસ જમાદાર

  મિઠુસિંઘ :  શીખ કયુરેટર,  સંસ્કાર   મ્યુઝિયમ.

(પડદો ખુલતાં ઉચ્ચ મધ્યમ વર્ગનું દિવાનખાનું. સુંદર સોફા, ટીપોય, દીવાલ પર સુશોભિત ચિત્રો. નમન, એક કિશોર કુદકા મારતો દાખલ થાય છે, હાથમાંની બેગનો સોફા પર ઘા કરી ફેંકે છે.)

નમન : (પગ લંબાવી બેસતાં) મમ્મી, ઓ મમ્મી.. અરે નાસ્તો આપ જલ્દી. થોડા પૈસા પણ આપ. મારે ફેન્સી ડ્રેસ હરીફાઈ  માટે બખ્તર લેવા જવું છે.

(અંદરથી મમ્મી, નિર્ઝરી  આવે.  સપ્રમાણ સુંદર કાયા, આશરે 35 વર્ષ જેવી ઉમર પણ સલવાર કમીઝ અને છુટા, કોરા વાળની પોનીમાં સુંદર અને નાનાં લાગે છે. નમનને એક વાત્સલ્યભર્યું સ્મિત આપે.)

નિર્ઝરી : બેટા, ફેન્સી ડ્રેસ હરીફાઈ હોય એટલે આપણું બેસ્ટ જ આપવું જોઈએ. હું પણ સ્કૂલમાં પરી, દુર્ગા,  વગેરે બનેલી. ડ્રેસવાલામાં એને લગતા ડ્રેસ સહેલાઈથી મળતા. હા. દુર્ગાનું ત્રિશૂળ લેવા સાચા મંદિરની પ્રોપર્ટી માંગી જોવી પડેલી. તેમણે ના પાડી.

નમન : પછી તેં શું કર્યું ,મમ્મી?

નિર્ઝરી: ઝાડુના દંડા ઉપર પેલું એલ્યુમિનિયમ ફોઈલ વીંટયું. ઉપરના અર્ધચંદ્ર માટે ઝાડુની જ સળીઓ કાઢી નાખી. બુદ્ધિ કોના બાપની?

નમન : શું તું પણ મમ્મી? એ નજીકથી ખબર પડી જાય. કઈંક તો રિયાલિટી લાગવી જોઈએને!

નિર્ઝરી  : તો તું શું બન્યો છે?

નમન : સેનાપતિ. પ્રાચીન લશ્કરનો.

નિર્ઝરી : હમણાનાં  લશ્કરનો બન્યો હોત.. અરે જનરલ માણેકશા,  કઈં નહીં તો હોટ ટોપિક અભિનંદન.. નવું ને નવું અને ડ્રેસની પણ કડાકૂટ ઓછી.

નમન :  એટલે જ આ હરિફાઈને ફેન્સી ડ્રેસ કહે છે. રોજ કે ઇવન ફોટામાં પણ અવારનવાર ન દેખાતો હોય તેવો. તો જ ધ્યાન ખેંચાય, લોકો કોઈ એબ્સર્ડ વસ્તુ જલ્દી યાદ રાખે છે. તું જોજે તો ખરી? ઇનામ લઈને જ આવીશ.

નિર્ઝરી : જરૂર લાવીશ. દીકરો કોનો?  તું ભલે કહે કે એબ્સર્ડ થીમ વગેરે, સાદા લેબાશમાં  પણ પરફેક્ટ એક્ટિંગ કરી હું તો  ઇનામ લાવતી. યોદ્ધા કે સેનાપતિનું ચિત્ર જોયું છે ને?

નમન : હા. જો પેલાં મેગેઝીનમાં. અને મારી  હિસ્ટ્રીની  ટેક્સ્ટબુકમાં. માથે ધાતુનો ટોપો,  શરીરે ધાતુનું બખ્તર અને હાથમાં ભાલો. તું જોજે. ફેસબુક અને  ઈન્સ્ટાગ્રામ પર ફોટો મુકીશ ત્યારે કેટલી ધડાધડ લાઇક્સ આવશે?

નિર્ઝરી : તું એમ માને તો એમ.  પણ મને લાગે છે કે બખ્તર ને ભાલો ને એવું ડ્રેસવાલાને ત્યાં મળશે જ નહીં. તો પણ ઓલ ધ બેસ્ટ. એમ કર, તારા પપ્પાને ફોન કરી એમને પણ સાંજે જુનો ભંગાર વેંચતી  બજારમાં થઈ  આવવા કહે.

(નિર્ઝરી  એક ડીશમાં નાસ્તો  ટીપોય પર મૂકે છે અને ફર્નિચર લુછવા લાગે છે. નમન અંદર જાય છે.)

(અંધકાર. સંગીત. 

 પ્રકાશ થતાં નિર્ઝરી  સોફા પર બેઠી શાક સમારે છે. પાસે પડેલો મોબાઈલ રણકે. નિર્ઝરી   મોબાઈલ ઉપાડે. )

નિર્ઝરી : હા. બોલો નિકુંજ. તમે જઈ આવ્યા કબાડી માર્કેટમાં? ન મળ્યું ને? મેં  એને કહ્યું કે  અત્યારે લોકો પહેરતા હોય એવો ડ્રેસ પસંદ કરે. બખ્તર, ભાલો અને ટોપો ઓર્ડરથી જ બનાવવું પડે.  એમ કહોને, ડ્રેસવાલાને ત્યાં ભાલો મળી ગયો. એ પણ મેટલનો. નહીંતો મારી જેમ ઝાડુ ઉપર તમારા ટીફીનનું એલ્યુમિનિયમ ફોઈલ વીંટવું પડત. તો હવે શું?  હા ભઈ હા. સમજાવ્યો. એને કાંઈ એબ્સર્ડ  કેરેક્ટર જ કરવું છે.  ઠીક. તો ઘરે આવો. 

શું.. રવિવારે ગુજરી જશો? ના ભઈ ના. અરે મને વિધવા તો  ફેન્સી ડ્રેસ કે નાટકમાં પણ થવું નહીં ફાવે. શું તમેય તે? મઝાક. તે કેમ અમે મઝાક ન કરી શકીએ? ઈશ્વર તમને લાબું જીવાડે. એટલું લાબું કે આપણા પૌત્રો, પૌત્રીઓ  ફેન્સી ડ્રેસ હરીફાઈમાં આપણે  પહેરતાં હોય તે  પહેરી સ્ટેજ પર જતાં જોઈએ.  બાપુજીના બેલબોટમ કે બાની સાડીની જેમ. 

તો  ફાઇનલ. ગુજરી બજાર રવીવારે બેય બાપદીકરો જજો.

ઓકે. લવ યુ. નહીં તો હવે કોને લવ કરવાના હતા? સારું. કુકરની સીટી વાગી. હું મુકું. આવો જલ્દી.

(ફોન મૂકે).

(ફરી અંધકાર. સંગીત. પ્રકાશ થતાં નિકુંજભાઈ પરસેવો લૂછતા, હાંફતા હાંફતા ઘરમાં દાખલ થાય છે.

આશરે ચાલીસની ઉંમર. સામાન્ય સુદૃઢ બાંધો. ચપ્પલ જોરથી ઉતારી  બારણાંને ધક્કો મારે.)

નિકુંજ: હા. આવો. અહીં જ. સાચવીને. અરે દાદરા ઉપરથી આડો કરી લઇ આવો. આખો સોફા એમ આવેલો. એક બખ્તર નહીં આવે?  નમન બેટા, સહેજ આગળ આવી હાથ દેજે. ટોચાય નહીં.

(બખ્તર ઊંચકી એક મજૂર અને નમન ઘરમાં દાખલ થાય.)

નિર્ઝરી : બખ્તર કેમ આખેઆખું, ટોપો, છાતી, પગ એમ આખું છે? આમ તો લાવવું અઘરું પડ્યું હશે.

નિકુંજ : હા.  અને સ્કૂલમાં લઈ જવું પણ અઘરું પડશે. આ તો આખું જ મળી ગયું.

નમન : મળ્યું એમ કહોને? કેટલું રખડયા. ગુજરી બજારમાં તો ન જ મળ્યું. આખરે પિત્તળની એન્ટિક વસ્તુઓ વેંચનાર  પાસેથી મળ્યું. 

નિર્ઝરી : પણ આ છે કોનું?

નમન : શો પૂરો થાય ત્યાં સુધી આપણું.

નિર્ઝરી : એ તો સમજી. પણ કયા રાજા કે સેનાપતિ આ પહેરતા?

નિકુંજ : એ તો પહેરનારને ખબર. નમન, ચાલ આ તારી ઉપર ટ્રાય કર.

નિર્ઝરી : તે ત્યાં ટ્રાય નથી કર્યું?

નમન : ઓહ, મમ્મી! ત્યાં બજાર વચ્ચે શો રૂમ ને એમાં બહાર એક કબાટમાં પૂતળાં પર આ બખ્તર પહેરાવેલું. એને કાઢતાં જ વાર થઈ. પછી આખેઆખું ત્યાંથી કારની પાછલી સીટમાં સુવાડી લઈ આવ્યા.  ત્યાં પહેરવું કેમ?

નિર્ઝરી : અરે પણ તારી હાઈટ અને પહોળાઈ પ્રમાણે થવું તો જોઈશે ને? આ થોડી મોલમાંથી લીધેલી જીન્સ છે કે કાપકૂપ કરી  રિફીટ કરાય?

નિકુંજ : આમતો તારી વાત સાચી છે. ભાડે એ આપતો ન હતો અને પછી પાછું લે, એની કિંમત કરાવવી અને એ બધી ધડ કૂટવામાં રહી ગયું. હા. નમનને બાજુમાં ઉભો રાખી ખભાથી ને હાઈટથી માપેલું.

નમન : ચાલો બધાં. મારૂં ડ્રેસ રિહર્સલ.  પપ્પા, તમે પાછળના સ્ક્રુ ખોલો. હું ગોઠણ પાસેથી ખોલું છું.

નિકુંજ :(બોલ્ટ ફેરવવા રૂમાલનો ઉપયોગ કરે, ખુલે નહીં.) આ તો ચસકતું નથી.

નિર્ઝરી : લાવો. એવાં બધાં કામ અમારાં. અંદરથી તેલ લઈ આવું. તમે સ્ક્રુ ડ્રાઈવર લાવો.

(અંદર જઈ વાટકીમાં તેલ લઈ આવે છે. ડ્રેસનો છેડો તેમાં બોળી બોલ્ટ પર લગાવે છે. નિકુંજ સ્ક્રુ ડ્રાઇવર ફેરવે છે.)

નિકુંજ : ખુલ જા સીમસીમ. અરે.. ખુલ.. તારી માને તો.. 

નિર્ઝરી : (સિસકારો કરે) હં હં.. સહેજ તો ભાન રાખો! લ્યો હથોડી. થોડું આ જગ્યાએથી અંદર તરફથી ટીચો.

(હથોડી લાવી આપે. નિકુંજ હથોડી ઠોકી ફરી એક નજીક પડેલો નેપકીન લઈ જોર કરતો આખો ઝૂકે.)

નિકુંજ : એ.. આ ખુલ.. ઓ.. મા..રે..

(મોંમાં આંગળી નાખી ચૂસે, ઠેકડા મારે)

નમન : સોરી પપ્પા. હં. હવે ખુલ્યું. થેન્ક્સ ટુ બોથ. અને.. હીયર ઇઝ.. બખ્તર પ્રવેશ ઓફ મિ. નમન..

(બખ્તરની પાછળથી અંદર પ્રવેશે)

નમન : મમ્મીની વાત સાચી. પગ પાસે થોડું લાંબુ છે. હવે?  આને કાંઈ ફોલ્ડ ન થાય.

નિકુંજ : (આમતેમ તપાસતાં)  આ ગોઠણ પાસે તો ક્રિકેટનાં પેડ જેવું છે.  એ છોડીને સહેજ ઉપર લે.

(નમન તેમ કરે છે.)

નમન  : પપ્પા, આ ખુલી તો ગયું પણ ઊંચું કરું તો સાથળવાળું  પેડ પણ ઊંચું કરવું પડે. ડુંટી સુધી ઊંચું કરી પહેરું તો પેટ દબાય. હશે. વાગે નહીં એટલે અંદર ગોદડાંનો ડૂચો ખોસી દઈશ. રેડી.

(બખ્તર સેટ કરી પહેરે છે.)

લો. મમ્મી, ભાલો આપો હાથમાં. 

(નિર્ઝરી ભાલો લઈ આવી આપે.)

નિર્ઝરી : સ્ટેજ પર મમ્મીને નહીં બોલાવતો.

નમન : હોંશિયાર.. ખબરદાર.. મહારાજા નમનસિંહ પધાર રહે હૈ..

(બખ્તર પહેરી ચાલે. નિર્ઝરી, નિકુંજ તાળીઓ પાડે.)

નિર્ઝરી : વાહ. જામે છે. એકદમ ટટ્ટાર રોબોની જેમ નહીં ચાલવાનું, ટટ્ટાર પણ રિલેક્સ. જુસ્સામાં ચાલ.

(નમન ચાલ સુધારે છે.)

નિર્ઝરી :  પરફેક્ટ. હવે ડાયલોગ બોલ.

નમન : (ભાલો પછાડતાં)  તાકત વતનકી હમ સે હૈ, ઈજ્જત વતન કી હમસે હૈ.. ઇન્સાન કે  હમ રખવાલે..

(નિકુંજ અને નિર્ઝરી  ફરી તાળી પાડે.)

નિર્ઝરી: વાહ મારો સેનાપતિ દીકરો જામ્યો ને કઈં! 

(ભેટવા જાય ત્યાં બખ્તર ઘસાતાં સિસકારો કરી દૂર થઈ જાય.)

નિકુંજ : વેલડન. રોજ રિહર્સલ કરજે. એબ્સર્ડ કેરેક્ટર હોઈ  ઇનામના ચાન્સ છે.

નિર્ઝરી : ચાલો તો હવે શહેનશાહ, બખ્તર મુક્ત થાઓ એટલે સોનારુપાની થાળીમાં ઢોકળાં ને લંગડો કેરીનો રસ નામદારને આરોગવા પીરસું. રવિવારનો સારો ઉપયોગ થઈ ગયો.

(નમન બખ્તર કાઢવા જાય છે.)

નમન : મમ્મી, ઓહ, હેલ્પ કર ને? આ પાછળથી સ્ક્રુ ખૂલતો નથી.

(નિર્ઝરી સ્ક્રુ ખોલવા જાય.)

નિર્ઝરી : એ.. આ ખોલ્યા.  નાનકડી દીકરી હોત તો તેના ફ્રોકનાં બટન પાછળથી આમ જ ખોલી આપતી હોત. બસ બેટા. આ ખભા પાસેનો સ્ક્રુ રહ્યો. આ રાજા લડવા નીકળે ત્યારે રાણી ફીટ કરી આપતી હશે?

ઓહ, આ  ખભા અને ટોપ વચ્ચેનો  સ્ક્રુ તો  ઉપર ટોપામાં ભરાઈ ગયો. હવે?

નમન : (પાછળ હાથ લેતાં) લે. હું પકડી રાખું. તું લુઝ કર.

(નિર્ઝરી પ્રયત્ન કરે.)

નિર્ઝરી : અરે, આ તો બરાબરનો સલવાયો. બેટા, હવે તું ડોક સીધી જ રાખજે. નહીં તો મૂંડીમાં સ્ક્રુ ભોંકાશે.

(બખ્તરનો ટોપવાળો ભાગ નીચે ઉતરે છે. નમનનાં મોં આડે આવે.)

નમન : (અસ્પષ્ટ અવાજે) મમ્મી, હું બોલી શકતો નથી. અરે કોઈ કાંઈક કરો જલ્દી.

નિકુંજ : બેસી જા થોડી વાર. હું ટ્રાય કરું.

(પાછળ જઈ ટોપ ઊંચો કરવા જાય છે. નમન બેસી શકતો નથી.)

નમન : પપ્પા, આ તો ઉભા ને ઉભા રહેવું પડશે. ઓહ, બખ્તરમાં ગરમી પણ બહુ થાય છે.

નિકુંજ : બહુ ટાઈટ છે. એમ કરો. હું શેરીનાં નાકેથી વેલ્ડીંગ અને પતરાં કાપવાનું કામ કરે છે એ હરજીભાઈને બોલાવી આવું.

(નિકુંજ દોડતો બહાર જાય છે. નિર્ઝરી નમનને પાણીનો ગ્લાસ આપે.)

નમન : ઓ..મા.. આ તો મૂંડીમાં વાગે છે. ઓ મા..

નિર્ઝરી  :  લે બેટા, પાણી પી. થોડો સ્વસ્થ થા.

(પાણી આપે)

નમન : અરે.. મોં ખુલે તો પાણી પીઉં ને? પેટ પાસેથી પણ ખૂંચે છે.

(નિર્ઝરી તેને વાંસે પંપાળે છે. નિકુંજ હરજી કારીગર સાથે આવે છે.)

હરજી : લે. ભાઈને આ શું ફીટ થઈ ગયું? આ માથાની પાછળ જ ને? ઈ ઓલા જુના ઇસ્ક્રુ કાટ ખાઈ જ્યાય ન્યા ઇવું થાય. (પાછળ જઈ) એ..આ હથોડી મારી અને આ બાર્ય  આઇવું.

(પાછળ જઈ હથોડી  લઈને બખ્તરમાં ભરાવે અને ડિસમીસ ટોપમાં ખોસે)

નમન : (પગ પછાડતાં) એ અંકલ, તમે મારા ડોકના મણકા ડિસમીસથી વાળી રહ્યા છો. ઓ.. મરી ગયો..

હરજી :  ઇ વના ક્યોંય નો થાય. ક્યોંકથી વાળવું તો પડે ને?  અમે તો સ્કુટરનાં પતરાં વાળીએ. આ માણા કાપવાનું પેલી વાર જોયું.

નિકુંજ : તો હવે?  તમે તો હોંશિયાર કારીગર છો. વિચારો.

હરજી : ઇ.. આ વેલ્ડીંગનું મશીન લઈ આવું. ભાઈની પીઠે ફ્લેમ મારી પતરું કાપું.

નિર્ઝરી : હરજીભાઈ, એ તો વિચારો કે વેલ્ડીંગની ફ્લેમ મારશો તો ભાઈ કેટલો દાઝી જશે? ને એમાંયે આ પિત્તળ લાગે છે. એકદમ ધગી જાય. સમજો છો? હા. બોલ્ટ કટાયા છે એટલે બોલ્ટમાં જૂનું લોખંડ હોય. પણ જીવતા માણસને એમ વેલ્ડીંગથી થોડો કપાય?

હરજી : ઇ.. ન્યા કઉં સું ઓલા જાદુ વાળા સોકરી કાપે સે ને? આંય તો નઈં પણ આઘે  ન્યા ઓલા તંબુ બાંધીને  જાદુના ખેલ હાલે સે. ઈને બોલાવો. બાપલા મારૂં કામ નોય. તકલીફ માફ.

નમન : (બખ્તર માંથી)  એ લોકો થોડી સાચી છોકરી કાપે છે? આ તો સાવ નકામી વાત કરી.

અંકલ, તમે જાવ.

હરજી : તે જઈશ જ. આ તો પાડોશી સે તી મી કું મદદ કરીએ. કેમ કરી ખુલ્યું ઇ કેજો હોં! મારે કામ આવે. 'પતરાં સાથે માણસ કાપવાનો સ્પેશિયાલિસ્ટ'  એવું બોર્ડ મારીને વધુ કમાવાય.

લ્યો ત્યારે રામરામ.

(જાય. નિકુંજ તોબાની મુદ્રામાં હાથ જોડે)

નિકુંજ : શું કરવું? જે કરવું તે આને જલ્દી મુક્ત કરે એવું કરવું પડશે. 

(આમથી તેમ ઝડપી આંટા મારે.)

નિર્ઝરી : તમે જ્યાંથી લીધું તેને જ બોલાવો. જોઈએ તો બોલાવી આવો. ફોન નં. છે ને?

નિકુંજ : હા. એ તો લીધો જ છે. પાછો તેને જ વેંચવા.

નિર્ઝરી : તો ફોન કરો અને કહો કે બખ્તરમાં છોકરો ફસાઈ ગયો છે. જલ્દી એનાં સાધનો લઈને આવે. એણે બખ્તર એસેમ્બલ તો કર્યું જ હશે.

નિકુંજ : (ફોન ઉઠાવતાં) હેલ્લો,  બી.ટી. બ્રાસવાલા? હા. હું તમારે ત્યાંથી પેલું બખ્તર લઈ ગયેલો. હવે પહેરવા ટ્રાય કરતાં છોકરો તેમાં ભરાઈ ગયો છે. એને પાછળથી..

હા. એ બોલ્ટ ખોલવા જતાં જ ઊંધો બોલ્ટ માથા પાછળ બોચીને અડી ફીટ થઈ ગયો છે. હા, પેટ પાસે તો બેલ્ટ બાંધ્યો ને ખોલ્યો. તમે સ્યોર છો, છોકરાને પટકવાથી બોલ્ટ ઢીલા થશે?  અરે પણ પીઠભર કેમ પટકાય? પેલો બોલ્ટ બોચીને અડી રહ્યો છે એ ગળું ફાડી મગજના ભાગમાં ઘુસી જાય. ના. આગળ કોઈ ફીટ કરવાની જગ્યા નથી. ચાલો તમે કહો તેમ.

(ઓચિંતી નમનને બેઠક પર જોરથી લાત મારી પટકે. નમનની ચીસ.)

હા. એની જ ચીસ હતી. ન થયું. હવે તમે આવો છો? ફોન પર બહુ થયું.

(નમન ને) બેટા, બહુ વાગ્યું? જોઉં કોઈ બોલ્ટ ઢીલો થઈ હલ્યો હોય તો. 

(નમનને વાંસે બન્ને હાથ ફેરવે. નમન કણસે. બન્ને તેને ઉભો કરે).

નમન : ઓહ. હવે તો પેટ પાસે પણ ફીટ થાય છે. અરે કોઈ ન આવે તો મને ઊંચકીને હોસ્પિટલ લઈ જાઓ.

(ફોન રણકે)

નિકુંજ : બોલો બ્રાસવાલા.   તમે ખૂબ કુશળ વેપારી અને એન્ટિક ચીજોના જાણકાર છો. હવે કોઈ ઉપાય ન સુચવતા. અરે અમે હોસ્પિટલ લઈ જઈએ છીએ. છોકરાને મરવા થોડો દેવાય?

શું કહ્યું?  તમે  ધ ઇતિહાસ મ્યુઝિયમમાંથી લીધેલું? બોલો ક્યુરેટરનો નંબર. હા. લખ્યો. ( દોડતો જઈ પેન લઇ આવી પાસે પડેલ છાપાં પર લખે છે.) બરાબર? એ કાંઈ કરી શકે તો બોલાવું.

(નિર્ઝરી પોતાનો મોબાઈલ ઉપાડી ફોન કરે)

નિર્ઝરી : હેલો ડો. ઊંટ વૈદ્ય? સોરી. યુ. ટી. વૈદ્ય? હા. નિર્ઝરી બોલું છું. સોરી રવીવારે બોલાવવા પડે છે. મારો દીકરો નમન એક બખ્તરમાં ફસાઈ ગયો છે. બહુ મૂંઝાય છે. હા. અમે વેલ્ડીંગવાળા હરજીને બોલાવ્યો. એનાથી કાંઈ થયું નહીં. જલ્દી આવો. પેશન્ટનો જીવ જોખમમાં છે.

અરે પોલીસ શું, જેને ફરિયાદ કરવી હોય તેને કરો.

અમને પોલીસને બોલાવવાનો ટાઈમ નથી અને ચોરી નથી કરી કે પોલીસ બોલાવીએ.

અરે પ્લીઝ ડો. …, તમે જલ્દી આવો.

(ફોન મૂકે.)

 

(બેલ વાગે. નિર્ઝરી દોડીને બારણું ખોલે. 

એક આધેડ વયના પારસી  ભેજાવાલા દાખલ થાય છે.)

ભેજાવાલા : (નિકુંજ તરફ હાથ લંબાવતાં) હેલો. હું ભેજાવાલા. ક્યુરેટર ધ ઇતિહાસ મ્યુઝિયમ. (નિકુંજ હાથ મિલાવે) આય પેલો બરાસવાલો બપોરના બરકયો કે બાબાને બખ્તર બવ બરે છે?

નિકુંજ : વેલકમ સર. તમે કઈંક કરી શકો તો.

(ભેજાવાલા નમન તરફ જાય. તેને પકડે)

ભેજાવાલા : તો આય સ્ટેચ્યુ ઘરમાં  વચ્ચે કાય લેવા રાખ્યું? આમ રૂમની વચ્ચે ની હોય. એ જુઓ આમ પેલા ખૂણે મુકો ની! 

(નમનને ઊંચકે) 

આય તો બઉ ભારી મલે ને કાંઈ? લે કર વાત. આય તો હાલે ચાલે છે!

નિકુંજ : સર, એ સ્ટેચ્યુની જેમ ઉભેલો મારો બાબો છે. તમને બ્રાસવાલાએ કહ્યું તે જ બાબો.

ભેજાવાલા : લે કર વાત. બાબો ને પાંચ ફૂટનો મલે? મી કું ચડ્ડી બાબાસૂટમાં કોઈ પોયરો હુસે.

નિકુંજ : સર, મૂળ વાત પર આવીએ. અમે બ્રાસવાલા પાસેથી આ બખ્તર લીધું. છોકરાને ફેન્સી ડ્રેસમાં સેનાપતિ બનાવવા. ટ્રાય કરતાં એ ભરાઈ ગયું છે ને નીકળતું નથી. તમે બખ્તર જોઈ કાંઈ કહો કે એ કેમ ખુલે.

ભેજાવાલા : લે કર વાત.  બખ્તરમાં આદમી ફસાઈ ગયો જાણું? કેમ કરતાં?

નિકુંજ : આપને કહ્યું તો હશે જ. પ્લીઝ. અરજન્સી છે.

(ભેજાવાલા ખિસ્સામાંથી બિલોરી કાચ કાઢે. ચારે તરફ ફરી બખ્તરને ટકોરા મારે. એકદમ નજીક જઈ પગથી માથા સુધી બખ્તર જુએ.)

ભેજાવાલા: લે કર વાત. આ તો..

નિકુંજ : નથી કરવી કોઈ વાત. આપ કાંઈ કરી શકો તેમ છો? નહીં તો ટેક્ષી બોલાવું. મારી કાર આને હોસ્પિટલ લઈ જવા બીઝી છે.

ભેજવાલા :  ક્વાએત.  આ બખ્તર તો 17મી સદીનું છે. મારા મ્યુઝિયમમાં આવું નહોતું. પણ નિકરે તો આપણે સોદો કરીએ. સોજજા પૈસા આવશે.

નિકુંજ : નથી કરવો કોઈ સોદો. આપ જઈ શકો છો. આપને આ કેમ ખૂલે તેની ખબર લાગતી નથી.

ભેજાવાલા : લે કર વાત. ન કરવી હોય તો પણ કર. 

(નિકુંજ કાનમાં આંગળી નાખી સાઈડમાં જુએ)

આય તો જો, સાઈઝમાં નાનું મલે. એટલે ટૂંકી હાઈટના રાજાનું છે. 17મી સદીના  ટૂંકી હાઈટના રાજા કોણ હતા? વારુ. યાદ કરું. 

(લમણે આંગળી રાખી વિચાર કરે.)

ઓ.. રાજપૂત જેવી ડિઝાઇન ને  પ્રાચીન ગુજરાતીમાં કઈંક લખ્યું છે. પન એ ઊંધું કાય મલે?  

(નમનનો કાંઠલો પકડી જોરથી હલાવે. નમન ચીસ પાડે.)

લે કર વાત. આય તો રાજા સિદ્ધરાજ જયસિંહનું મલે. જુઓ, મારા ગૂગલ ફોટોમાં છે. પન એ આટલું ટૂંકું કેમ મલે?

નમન :  એના બાળપણનું હશે.

ભેજાવાલા : ગ્રેટ જોક. ના. હોઈ શકે. ટૂંકો રાજા પણ વધે કે 'ની?  આ એની 16 વર્ષની ઉંમરે.. જ્યારે એણે મીનળને જોઈ હોતી..

(નિકુંજ તેમનો હાથ પકડી દરવાજા તરફ જાય)

ભેજાવાલા : ક્વાએત. અરે એ ઊંધું પહેર્યું છે. પીઠનો ભાગ આગળ ને છાતીનો પાછળ છે. એટલે અક્ષરો ઊંધા દેખાય છે. એ એવનના આર્મીનું નામ હુસે. એટલે તમે ખોતું ફિટ કેધું.  સાઇડમાં ભરાવવાની કડી ઊંઘી ફિટ કેધી જાણું.  હવે ખોલવા હાથ અંદર ની જાય. 

હવેતો બાવા, ખોદાયજી આવીને ખોલે તો ભલે. 

લે કર વાત.

નિકુંજ : સર, નથી કરવી કોઈ વાત. આપ ક્વાએટ રહો.

ભેજાવાલા :  તમે કો તો ક્વાએત. હું કઈં બોલીશ નઈં. આ ગુપચુપ ઉભો. મારા માણસો તો કાલે આવે. 

(ખૂણામાં સોફા પર બેસી જાય. ઊંડો વિચાર કરે. ઓચિંતો જંપ મારી નિર્ઝરીનો ફોન ઉઠાવે. ડાયલ કરે.)

હેલો. સત શ્રી અકાલ.  મીઠુસિંઘ મહેરાનવાલે? હા સર. તમે સંસ્કાર  મ્યુઝિયમના ક્યુરેટર કે 'ની? હા. હું ભેજાવાલા.  ધ ઇતિહાસ મ્યુઝિયમ વાલો. અહીં એક પોયરાને બખ્તર ફીટ થઈ ગિયું છે. ઊંધું પેર્યું છે. અમારા મ્યુઝિયમમાં આવું બખ્તર ની મલે. એક  સ્ટેચ્યુ હતું પીઓપીનું.  એને આવું બખ્તર ક્યારેક પેરાવેલું. એ પડીને તૂટી ગયું. બખ્તર બી વેંચી મારેલું. પણ આ તો 17મી સદીનું જોઉં.  જલ્દી આવો.  લે કર વાત. તમારી પાસે બી  આવું હોતું કે? તમારું હોય તો રૂબરૂ વાત. અરે પોયરો મરવા પડયો છે. મને બહુ દયા આવે છે પણ  ઊંધું પહેરેલું કેમ ખોલવું તે હું જાણું 'ની. આવો. તમારું હશે તો તમને માલુમ હોસે કે કેમ ખોલવું. અરે  ચિંતા નહીં કરો. બાર તો ક્યારના વાગી ગયા. બે વાગ્યા છે. એડ્રેસ વોટ્સએપ કરું. કોઈ કારીગરને બી લાવો તો સારું.

(ફોન રાખે)

તમે જુવાન લોહી ને પાછાં માબાપ મૂઆં.  ચિંતા હોય તે ગરમ થાઓ પણ હું તો પારસી. મદદ મારો મઝહબ. હું બેઠો છું.

(ફરી ડોર બેલ.  નિકુંજ દરવાજો ખોલે. 

ડો. વૈદ્ય અને જમાદાર જાલમસિંહ   દાખલ થાય.)

જાલમસિંહ  : ક્યાં છે મુદ્દામાલ?

નિકુંજ : એટલે શું જમાદાર? અહીં કોઈ ચોરી થઈ એમ તમારું કહેવું છે?

જાલમસિંહ  : ખામોશ. હું  કોણ?

ડો. વૈદ્ય  : જમાદાર જાલમસિંહ.

નિકુંજ : પણ આમને શા માટે લાવ્યા?

ડો. વૈદ્ય : બખ્તર ક્યાંથી આવ્યું તેની ફરિયાદ તો કરવી પડે ને? અને પેશન્ટનો જીવ જોખમમાં છે એમ તમે લોકોએ જ કહ્યું છે. ન કરે નારાયણ..

નિર્ઝરી : શટ અપ. સોરી. સાહેબ, એની હાલત ખરાબ છે. એમ જ મારૂં કહેવું હતું. અને આ બખ્તર અમે ખારીશીંગની પોળમાં બ્રાસવાલાને ત્યાંથી રોકડા આપીને લાવ્યાં છીએ. કાંઈ ચોરી નથી કરી.

જમાદાર : એ તો બધા એમ જ કહે. લાવો બિલ ખરીદીનું.

નિકુંજ : સર, એક તો માંડ વસ્તુ મળતી હોય પછી વેપારી રોકડા માંગે તો આપવા પડે ને? બિલ નથી.

જમાદાર : ચોરીનો કેઇસ. કલમ 327. શારીરિક ત્રાસ. કલમ 322.  અને જરૂર પડયે ઇસમનું પોસ્ટમોર્ટમ..

નિકુંજ  : (મોટેથી) ચૂપ.  કોનું પોસ્ટમોર્ટમ? કોણ મરવાનું છે? કોન્સ્ટેબલ સાહેબ, તમે ખોટો ધક્કો ખાધો. આ છોકરો બખ્તરમાં ફસાયો છે. એને કાઢવા આ ડો. વૈદ્યને ફોન.કર્યો. તેમણે જરૂર વિના તમને..

જમાદાર :  ખામો..શ. હું  કોણ?

ડો. વૈદ્ય :  જમાદાર જાલમસિંહ.

જમાદાર : (મૂછ આમળતાં) મારે એ બખ્તર જોવું પડશે. ક્યાંથી ને કેમ આવ્યું, ઇસમનો ઈરાદો એમાં ફસાઈ આપઘાતનો હતો કે એ પહેરી લોકોને વ્યથા પહોંચાડવાનો. હું કોણ?  જમાદાર જાલમસિંહ. ભલભલા કેસની ગૂંચ  ચપટીમાં ઉકેલું.

(મૂછો આમળે. બીડી સળગાવી કસ ખેંચી સોફા ઉપર ખંખેરવા જાય. નિર્ઝરી અંદરથી એક રકાબી લઈ તેને આપે.)

નિર્ઝરી :  સાહેબ, અમે કોઈ સિગરેટ કે બીડી પીતાં નથી એટલે એશ ટ્રે નથી. આમાં નાખો. અને જુઓ. આ બખ્તર. એમાં ફસાયેલો મારો છોકરો.

જાલમસિંહ : તો ગુનાહિત બેદરકારી. કોઈક ને કોઈક ગુનો  દાખલ કરી ને જ રહીશ. હું કોણ?

ડો. વૈદ્ય : જમાદાર જાલમસિંહ.

જાલમસિંહ : ત્યારે? ભલભલાને પેશાબ કરાવી દઉં.

નમન (ઓચિંતો બખ્તરમાંથી)  :  ઓહ. અંકલ, મને ક્યારની લાગી છે. પ્લીઝ કરાવી દો ને? ટોઇલેટ આ તરફ..

જાલમસિંહ : (લાકડી પછાડતાં)  ખામો..શ. હું ઇસમને અને મુદ્દામાલને જોઈ લઉ.

(ભેજાવાલા ઉભો થાય)

ભેજાવાલા : મેં મુદ્દામાલ પન જોયો છે. આય મારા મ્યુઝીયમ વાસ્તે હોતું. મૂળ સ્ટેચ્યુ તૂટી ગેયું. એનું બખ્તર અમે ભંગારમાં વેંચી માર્યું હોસે.. ના.  વેંચ્યું હોતું. આય પોયરો તો આપ જેવો બહાદુર (જાલમસિંહ મૂછ આમળે.) સેનાપતિ બનવા વાસ્તે લાવેલો. એ ડોક્ટર, કાય કર ની?

ડો. વૈદ્ય :  હું તો કરીશ જ. ખબર છે, એક વાર હું જામનગર મેડીકલમાં હતો..

નિકુંજ : હા. તમે એક  આખા શરીરે પીઓપી પ્લાસ્ટરમાં વીંટળાઈ ગયેલા પેશન્ટને બચાવેલો. તમે દર વખતે એ વાત કરો છો.

ડો. વૈદ્ય : તો આજ બીજી વાત કહું. (સ્ટેથોસ્કોપ કાઢે)

જાલમસિંહ : તો આજની વાત. આ ભાઈને ઉભા કરો એટલે બીજા સો પેશન્ટને કહેવા થાય.

ડો. વૈદ્ય : આ પેશન્ટના ધબકારા કેમ માપવા?

નમન  (ધીમેથી) : બખ્તરમા ભૂંગળી ઘુસાડીને.

ડો. વૈદ્ય : આમ તો હું દરેક પેશન્ટનું બીપી પણ માપું છું. આનો હાથ બહાર નીકળે તો. (સાધન કાઢતાં) એકવાર હું જામનગર મેડીકલમાં ભણતો..

નિર્ઝરી: સાહેબ, આપ ત્યાં બહુ સારું ભણ્યા છો. એટલે તો આપનો અનુભવ વાપરી આને એકવાર બખ્તર મુક્ત કરો.

ડો. વૈદ્ય : એ તો મારા ડાબા હાથનો ખેલ છે. આ સ્પિરિટ લગાવ્યું ને આ..

ભેજાવાલા : ઓ વિદ્વાન દાક્તર, સ્પિરિટ ક્યાં મઈં લગાવીશ? આખું શરીર બખ્તરમાં મલે.

ડો. વૈદ્ય : તો પહેલાં મારી કાતરથી  એ બખ્તર કાપું. અરે ઘણા અઘરા પાટા ને વીંટા કાપ્યા છે. એકવાર હું..

નમન : જામનગર મેડીકલમાં ભણતા..

ડો. વૈદ્ય : બરાબર. તે.. ઠીક. પછી વાત. લે. આ સ્પિરિટ નહીં તો સ્પિરિટ લેમ્પ સળગાવી ફેરવું ને ત્યાં પતરું કાપું.

(સ્પિરિટ લેમ્પ સળગાવે અને નમનના હાથ પાસે ફેરવે. કાતર લે. કાપવા પ્રયત્ન કરે. તેની કાતર બખ્તરમાં ફસાય. આડી અવળી ફેરવે.)

ડો. વૈદ્ય : ઓ.. મા.. આ કાતર વળી ગઈ. મને પણ પતરું વાગ્યું. આ લોહી પણ નીકળ્યું. ઓ.. મા..

નિર્ઝરી : લાવો ઘરમાંથી હળદર લગાવી આપું ને પાટો બાંધી આપું. 

(જલ્દીથી અંદર જઈ કપડું અને વાટકીમાં હળદર લઈ આવે.)

નિર્ઝરી  : ડોક્ટરની સારવાર પેશન્ટના ઘરનાં કરે એવું ક્યારે બને? લો. આ ધોઈને હમણાં લગાવી દઉં. 

મને આવું ફાવે હોં!  એકવાર કોલેજમાં હતી ત્યારે- જામનગર નહીં હો? ભાવનગરમાં પ્રાથમિક સારવારનો કેમ્પ કરતી હતી..

(બોલતાં બોલતાં ડો. વૈદ્યને પાટો બાંધે.)

ડો. વૈદ્ય : બસ. લોહી નથી નીકળતું. મારી કાતર ગઈ.

ભેજાવાલા : લે કર વાત. કપાયું નહીં ને? આ તો પિત્તળ જેવી ધાતુ છે. ભાલાની અણી ન કાપી શકે એને તારી કાતર કેમની કાપે?

ડો. વૈદ્ય : અને પેશન્ટ ભૂખ્યો અને ઢીલો લાગે છે. એને ખાવા આપવું પડશે. ગ્લુકોઝ ચડાવું પણ નળી અંદર ભરાવું કેવી રીતે?

નમન: (બખ્તરમાંથી) એ તમે જામનગર મેડીકલમાં એકેય વાર નહોતું કર્યું?

નિર્ઝરી : બેટા, લે તને મોંમાં ચમચી આપી ખવરાવું. 

(અંદર હળદરની વાટકી મૂકી આવે. ડીશ અને ચમચી લઈ આવે.) 

આસ્તેથી મોં ખોલ જોઉં! અરે, આ બખ્તર મોં આડું આવે છે. પેલી જાળી ટાઈટ પડે છે. (ભેજાવાલા સામે જોતાં) સાહેબ, આ શિરસ્ત્રાણ સહેજ, બસ સહેજ ઊંચું કરો.

(ભેજાવાલા નજીક આવી ધીમેથી ટોપો હલાવે. સહેજ પાછળ કરે. નિર્ઝરી ચમચીથી મોંમાં કઈંક ખવરાવે)

ખવાયું ને? મા હોઈએ એટલે ગમે તે ઉંમરનું સંતાન હોય, અમને કોઈ ને કોઈ રસ્તો એનું પેટ ઠારવા મળી આવે.  સાહેબ, સૈનિકો લડાઈમાં ખાતા તો હશે. આનો કોઈ રસ્તો?

ભેજાવાલા : ડીકરી, એ લડાઈમાં તો મરવું મારવું જ હોય. હા. રાતે બખ્તરો કાઢી નાખે.  પછી છાવણીઓમાં બેસીને ખાય. આને તો બખ્તર બી ભરાઈ ગેયું છે. કાંઈ નહીં. મેં ટોપો પકડી રાખ્યો, તો તેં થોડુ મોં માં ઓરિયું ને! 

હવે આ પતરું કેમ કાપવું એ વિચારું છું. પિત્તળ નથી પણ મિશ્ર ધાતુ છે.  એને વેલ્ડરની કટર બી કશું ન કરી શકે. (નિકુંજ તરફ જોઈ) તમે જોર અજમાવીયું ને? 

નિકુંજ : હા. પાછળથી ધક્કો મારેલો. પડીને બોલ્ટ લુઝ થઈ નીકળે તો.

ભેજાવાલા : પણ બખ્તર ઊંધું છે. અંદરનું બાર ને બાર નું અંદર. એટલે કડી પણ  હવે અંદરથીજ બંધ થાય અને ખૂલે. એ બારથી આંગળીથી બંધ કરવાની હોય. લો, મને વાઈફાઇનો  પાસવર્ડ આપો. નેટ સર્ચ કરૂં.

નિકુંજ : પણ એના કરતાં છોકરાને હોસ્પિટલ ભેગો જ કરીએ તો?

જાલમસિંહ : મને ટ્રાય કરવા દો. આ લાકડી મારી. આ ટીપ્યો ને આ છૂટ્યો. 

(લાકડી જોશથી નમનના પગે, પીઠ પર ને સાઈડમાં ફટકારે છે. બખ્તર ખેંચે છે. નમન ચીસો પાડે છે. નિર્ઝરી દોડી તેનો હાથ પકડી લે.)

નિર્ઝરી : હેવાન છો? પોલીસ કસ્ટડીમાં મારો એમ મારો છો? શરમ નથી આવતી?

જાલમસિંહ : મારે આમેય પંચકયાસ કરવો પડશે. આ ઇસમે પ્રાચીન બહુમૂલ્ય બખ્તર સરકારી ખજાનામાંથી ઉપાડ્યું છે.  એને ચોકી પર લઈ જઈ એની પાસેથી વિગતો કઢાવીશ.

નિકુંજ : નથી બોલતા ત્યાં સુધી? ન જોઈ હોય તો વિગત વાળી!

જાલમસિંહ :  ખામો..શ. હું કોણ? 

નિકુંજ : નિષ્ફળ પોલીસ. વરદીના નામે ધબ્બો.

જાલમસિંહ : (જોરથી શ્વાસ લેતાં)  શું કહ્યું? મને? મને જમાદાર જાલમસિંહને કહ્યું?   તારી વાત છે. આવી જા. 

(લાકડી ઘુમાવવા માંડે. ભેજાવાલાના હાથ પર એક વાર લાકડી વાગે. તે હાથ ઝટકાવી ફરી હાથ ઊંચો કરી લાકડી પકડી લે. ખેંચવા પ્રયત્ન. બેય સામસામે લાકડી ખેંચે. ઓચિંતા બેય સામસામી બાજુ પડે. જાલમસિંહ  નમન પર પડે. લાકડી વેગથી બહાર ફેંકાય. )

(બહારથી ચીસ.  મિઠુસિંઘ  હાથ પંપાળતા અંદર પ્રવેશે. શીખ પહેરવેશ. શીખ પાઘડી પહેરી છે. માથે હાથ મૂકી દાખલ થાય.)

મીઠુસિંઘ : ઓહ.. મરી ગયો.  સારું છે વાહે ગુરુ આ પાઘડી પહેરાવે છે, નહીં તો માથું ફૂટી ગયું હોત. આ તે મ્યુઝિયમ છે કે સમરાંગણ?

ભેજાવાલા :  આય તો એવનનું ઘર છે. આ એક બખ્તર પોયરાને હેરાન કરે છે. તમે કઈંક કરી કાઢો ની!

નિકુંજ : કહેવું પડે સર. આપને ગુજરાતી સારું આવડે છે.

મીઠુસિંઘ : ગુજરાતમાં જ નોકરી કરી એટલે. પણ મને ફારસી, પાલી ને  અર્ધમાગધી જેવી પ્રાચીન ભાષાઓ પણ આવડે. બોલો.

નમન : લાગે છે જ પ્રાચીન મોડેલ જીવતું થઈ આવ્યું હોય તેવા.

મીઠુસિંઘ : લાવો, પહેલાં બખ્તર જોઉં. 

(બખ્તર પાસે જાય છે.  બિલોરી કાચથી ચારે તરફ બખ્તર જુએ. નમનનો હાથ ઊંચકે. નીચે બેસી નીચેથી જુએ.)

મીઠુસિંઘ : (ઉત્સાહથી) અરે! ફેરો સફળ. જુઓ જુઓ. આ બખ્તર કોનું છે એ ખબર છે?

ભેજાવાલા : રાજપૂત શૈલીનું અને ઊંધું છે એટલે વંચાતું નથી. પણ કદાચ ખુદ સિદ્ધરાજ જયસિંહનું.

મીઠુસિંઘ : આપે  આર્કિઓલોજીની ડીગ્રી ક્યાંથી લીધેલી?

ભેજાવાલા : વડોદરાથી. કેમ?

મીઠુસિંઘ : મેં દિલ્હીથી. મારી  કોલેજ તમારાથી સુપીરિયર કહેવાય. એટલે જ હું આ ઓળખી શક્યો.

ભેજાવાલા : અરે અમને તો એવી સઘન તાલીમ આપેલી..

સુપિરિયર તો અમારી વડોદરાની કોલેજ. તમારી  દિલ્હીની સુપિરિયર કેવી રીતે?

મીઠુસિંઘ : દિલ્હી વડોદરાથી મોટું છે એટલે.

ભેજાવાલા : ટોટલી રબીશ. આ દેખાઈ આવ્યું. છાતી પાસે રાજપૂત ચિન્હ છે. એ તમે જોયું? (ધીમેથી)  સુપિરિયર ના જોયો હોય તો.

મીઠુસિંઘ : તમે જોયું? બખ્તર ઊંઘી બાજુથી પહેર્યું છે. લખાણ ઉર્દુમાં છે.

ભેજાવાલા : જૂની હિન્દી માં.

મીઠુસિંઘ : ઉર્દુમાં.

ભેજાવાલા : હિન્દી.

મીઠુસિંઘ : ( ત્રાડ નાખી) ઉર્દુ.

(બન્ને "હિન્દી", "ઉર્દુ" ની ત્રાડ નાખ્યા કરે.)

જાલમસિંહ : ખામો..શ. ચાલો. હિન્દી, ઉર્દુ, ગુજરાતી, બંગાળી, ચીની, જાપાની કે જે  હોય તે રાખીએ. એનાથી આ છોકરો બચવાનો? એ  ઇસમ કયું બખ્તર ઉઠાવી આવ્યો એ કેમ ખબર પડે?

નિકુંજ: મોં સંભાળીને બોલો જમાદાર. ઉઠાવી આવ્યા એટલે? વધુ બોલ્યા છો તો તમને જ ઉઠાવી ફેંકી દઈશ.  રોજ યોગ ને સૂર્યનમસ્કાર કરું છું. (બાવડાં ફુલાવે)

મીઠુસિંઘ :  આપણે પછી લડીએ. આ તો કોનું બખ્તર છે, ખબર છે?

નમન : બ્રાસવાલાનું.

મીઠુસિંઘ : અરે ખુદ બાદશાહ અહમદશાહનું છે. તેઓ મરાઠા સૈન્ય સામે આ પહેરી લડેલા. આ અક્ષરો ઊંઘેથી, ઉર્દુમાં છે. એમાં એમના સૈન્યની છાપ આ કોણી નીચે રહી.

નિકુંજ : એ હાઈટમાં ઠીંગણા હતા? 15 વર્ષના આ છોકરા જેવડાં?

મીઠુસિંઘ : ના. એકવાડિયા બાંધાના. અને કેટલાક રાજાઓને હાથ ઘૂંટણ સુધી પહોંચે. આજાનબાહુ.  જ્યારે અહમદશાહના પગ લાંબા હતા.  ચાદર ઇતની હોય  જીતને પેર.. એ કહેવત એમના પરથી..

નિર્ઝરી : (વચ્ચેથી તેમની વાત કાપી)  અહીં સહુ પોતે બીજાને ઈમ્પ્રેસ કરવામાં પડ્યા છે. મારા છોકરાનો જીવ જાય છે. તમને સહુને પુરીને હું હોસ્પિટલ ભેગી થઈ જાઉં છું.

ભેજાવાલા : મહેરાનવાલે સાહેબ, તમે ખુબ વિદ્વાન છો તે સમજ્યા. તમારા અગાધ જ્ઞાનનો ઉપયોગ કરી આ છોકરાને મુક્ત કરો.

મીઠુસિંઘ : મને ચેલેન્જ? સરદાર મીઠુસિંઘ ને? અરે આ પ્રોપર્ટી તો રાષ્ટ્રીય સંરક્ષણ ધારા નીચે સરકારની ગણાય. છોકરાને હું મ્યુઝિયમમાં લઈ જાઉં અને કાલે સવારે એનું બખ્તર વિશેષ સાધનોથી કાપું. આ તો અમારી માલિકી કહેવાય. અમારૂં સરકારી મ્યુઝિયમ છે એટલે.

(નમનને હલબલાવે).

 અરે, બાદશાહના મુગટનાં રત્નો પણ એના ટોપામાં આગળ છે. આ તો રાષ્ટ્રીય સુરક્ષાધારો..

જાલમસિંહ :  ડફોળ, એ તો ટેરરિસ્ટ ને એવા માટે હોય. આ તારો સંરક્ષણ ધારો. 

(મૂછ આમળતાં) મને કાયદાની ખબર પડે હોં! લોકોને ફીટ કરી દેવા કઈ કલમ લગાવવી એ મોઢે હોય. હું કોણ?

ડો. વૈદ્ય:  જમાદાર જાલમસિંહ.

મીઠુસિંઘ : જે હોય તે. આ સરકારી પ્રોપર્ટી થઈ ગઈ એટલે સરકારી અધિકારી તરીકે તેને હસ્તગત કરવી મારી ફરજની રુએ..

ભેજાવાલા : નહીં જોઈ હોય સરકારવાળી. પહેલાં હું આવીયો હુતો. આવું સ્ટેચ્યુ અમારા મ્યુઝિયમમાં હોતું. પડીને અંદરનું સ્ટેચ્યુ તૂટી ગયું ને બખ્તર રાખેલું.

નિકુંજ : પણ આપે તો કહેલું કે અમે વેંચી દીધેલું?

ભેજાવાલા : એ બીજું વેંચેલું. આય કોઈના પગ લગભગ ધડ જેટલા જોયા? દુકાનમાં રાખેલાં મોડેલ સીવાય? એ સાચા માણસનું ની, પેલાં સ્ટેચ્યુનું જ બખ્તર છે. અમારી પ્રોપર્ટી છે. હું પોયરાને મારે ઘેર લેઇ જાવસ ને કાલે  ખાલી પાછળનો બોલ્ટ તોડી પોયરાને છોડાવતો. આજે સાધન વગર હેલ્પલેસ છેઉં. 

(નમનને ઊંચકવા જાય)

નિકુંજ : ખબરદાર. કોઈ અડશે નહીં મારા છોકરાને. હું એને હોસ્પિટલ લઈ જાઉં છું.

ડો. વૈદ્ય : પણ એ લોકોયે બખ્તર કાપશે શેનાથી?  એમની પાસે પણ પાટા કાપવાની જ કટર હશે.

એના કરતાં લાવો. મારી કારમાં પેશન્ટને મારે ઘેર લઇ જાઉં.  વ્હીલ જેવી કટર ઓર્થોપેડિક વાપરે તેવી મારી પાસે છે. જરૂર પડયે  ભલે ચામડી છોલાતી. અરે પગ થોડો કપાય તો પણ જીવશે તો ખરો? મારી હોસ્પિટલમાં એનો ઈલાજ છે.

જાલમસિંહ : ખબરદાર. આ ઇસમ  એન્ટિક વસ્તુની ચોરીનો ગુનો કરીને ચોરીના માલ સાથે ઝડપાયો છે. એને મારી કસ્ટડીમાં લઈ જાઉં.

નિકુંજ : અડી તો જુઓ?  

(યોગ ક્રિયાઓ કરતાં હાથ પગ વીંઝે છે.)

જાલમસિંહ : (લાકડી ગોળ ફેરવતાં)  ખબરદાર. કોઈની મા એ સવાશેર  સૂંઠ ખાધી હોય તો..

(નિર્ઝરી લાકડી પકડી લે)

નિર્ઝરી : લે. આ  એક માએ તું કહે તેટલી સૂંઠ ખાધી છે.

(નિર્ઝરી  જાલમસિંહના  હાથમાંથી લાકડી લઈ લે. નિકુંજ એ લાકડી લઈ લે.)

 નિકુંજ : (લાકડી ઉપર બેસી)

દાદાનો ડંગોરો લીધો. એનો તો મેં ઘોડો કીધો..

(કુદકા મારતો બહાર જઈ લાકડી ફેંકી આવે)

જાલમસિંઘ : સરકારી હથિયાર ઝુંટવી  લેવાનો પ્રયત્ન. ફરજમાં રુકાવટ. કલમ..

મીઠુસિંઘ : (તેના મોં પર હાથ દાબી એક થપ્પડ મારતાં) હું મોટો સરકારી અધિકારી છું. આ બેશકીંમતી સરકારી પ્રોપર્ટી પર હું સંસ્કાર મ્યુઝિયમનો ક્યુરેટર દાવો કરું છું..

(નમનને ધસડતાં) 

રૂકાવટની એસી તેસી.  હું સરદાર છું. પંજાબના ચણા ખાધા છે.

ભેજાવાલા : (તેના હાથમાંથી નમનને ખેંચતાં) તેં પંજાબના ચણા ખાધા છે તો મેં દેશી ઈંડાંની આમલેટ. અડી તો જો?  

(પ્રેક્ષકોને) પારસી મર્યા પછીએ બીજાને  જાત ખવરાવી જન્નતમાં  જાય. આ તો સાચુકલા માણસને બચાવવો છે.  રત્ન ગયાં  તેલ લેવા. એને હું અત્યારે જ ખાસ કારીગરો પાસે બખ્તર કપાવીને છોડાવશે. આવી જાઓ.

(નમનના બે હાથ ભેજાવાલા પકડી ખેંચે. બે પગ જાલમસિંહ ખેંચે. સામસામી ખેંચાખેચીમાંથી નમનને છોડાવવા નિકુંજ કૂદે અને  નમનને કમરેથી જોરથી વળગી ખેંચી રાખે.  ડો. વૈદ્ય સ્ટેથોસ્કોપ  હવામાં ઝુલાવી બધાને મારવા લાગે અને "અરે છોડો. મારો કેઇસ કોમ્પ્લિકેટ થઈ જશે."  એવી બુમો પાડે.  

(રાડારાડ અને ખેંચાખેંચ વચ્ચે)  

નિર્ઝરી : યા.. હુ..  આ આવી ઝાંસીની રાણી..  સાચો ફેન્સી ડ્રેસ..

(હાક પાડતી બે હાથ પહોળા કરી બધાને બેય બાજુએથી મારતી વચ્ચે ઝુકાવે.  

નાનું છોકરું બે હાથમાં તેડે તેમ નમનને  માથા આગળ નીચે એક હાથ ને બીજો તેની બેઠક નીચે રાખી નીચે ખેંચે.

ઓચિંતું બખ્તર પગ અને કમર પાસેથી કડાક અવાજ સાથે તૂટે. 

જમાદાર નમનને માથે મુક્કો મારવા જાય. માથું નિર્ઝરીએ પકડયું હોઈ પાછળનો બોલ્ટ તડિંગ.. અવાજ સાથે નીચે પડે. 

નમન ભેજાવાલાના હાથને ઝટકો મારે અને નીચે પટકાય. બોલ્ટ તૂટી જતાં ઢીલો થયેલો ટોપો માથેથી ખેંચી ઉતારે.)

સહુ એક સાથે : હેઈ.. બખ્તર ખુલ્યું.

જાલમસિંહ :  મુદ્દામાલ. ટોપો. લાવો. અમૂલ્ય રત્ન..

(ટોપો લેવા જાય. ભેજાવાલા તેના હાથમાંથી ઝુંટવે. મીઠુસિંઘ એ બેયનાં માથા અથડાવી ટોપો અને બખ્તર લઈ ભાગવા જાય.  ભેજાવાલા તેના પગમાં આંટી ભરાવે. મુગટ પડીને ગોળ ગોળ ઘૂમે. રત્ન  ટોપામાંથી છૂટું પડી દૂર દડે.)

નિકુંજ: બસ અંત આવ્યો. મારા વ્હાલા દીકરાની યાતનાનો અંત આવ્યો. (સહુ સામે હાથ જોડી) આપ સહુનો આભાર. આપ જઈ શકો છો.

મીઠુસિંઘ : આ બખ્તર?  એ તો સરકારી પ્રોપર્ટી. એ લઈ જાઉં.

ભેજાવાલા : એ ધ ઇતિહાસ ની પ્રોપર્ટી હતી. ખોટી રીતે વેંચેલી. એ મારી છે  ને હું લઈ જાઉં.

(બંને ઝઘડતા બહાર દોડે. જાલમસિંહ તેમને પકડવા દોડે. ડોક્ટર વૈદ્ય બેગ લઈ ઉભા થવા જાય ત્યાં નિર્ઝરી તેની બેગ લઈ માનભેર બહાર મુકી આવે અને એના હાથમાં પૈસા આપી દે. ડોક્ટર બહાર જતાં જ બારણું અંદરથી બંધ કરી દે.)

નિકુંજ : (બે લમણે હાથ મૂકી બેસતાં)  હાશ! એ બખ્તર અહમદશાહનું  હોય કે સિદ્ધરાજનું. માથેથી ઘાત ગઈ.

નિર્ઝરી : લાવો. નમન બેટા,  તારે માથે ભીનો ટુવાલ મુકું. અંદર જા.  એસી ચાલુ કરું.

(આસપાસ જોતાં) બેટા નમન, ક્યાં ગયો?

નમનનો અંદરથી અવાજ : મમ્મી, ટોયલેટ.

(નમન બહાર આવે. )

નિકુંજ : તો બેટા, ફેન્સી ડ્રેસમાં હવે શું બનીશ? પોલીસ, ડોક્ટર,શિક્ષક, કે..

નિર્ઝરી : ના. મારો દીકરો બીજાથી કઈંક અલગ જ   કરશે.  હવે તો બાદશાહ અકબર જ બનજે. બખ્તર હું પ્લાસ્ટિક અને પુંઠાનું  બનાવી આપીશ.

નમન : સાચું મમ્મી. ફેન્સી ડ્રેસમાં તો કેવું લાગવું જોઈએ?

ત્રણે એક સાથે, પ્રેક્ષકો સમક્ષ જોતાં : આપણો ધ બેસ્ટ. ફેન્સી ડ્રેસ.

(પડદો).

-સુનિલ અંજારીયા