ક્યારેક ઘટનાઓ આપોઆપ ઘટતી હોય છે અને ક્યારેક તે ઘટનાઓની પાછળ કોઇનો હાથ રહેલો હોય છે.અકસ્માતો હંમેશા ઘટતા રહે છે પણ આયોજનપુર્વક કરેલ ગુનાઓ અલગ જ તરી આવતા હોય છે.આ પ્રકારનાં ગુનાઓ ક્યારેક રહસ્યમય બની રહેતા હોય છે અને જેમ જેમ સમય વીતતો જાય છે તેનાં પરનું રહસ્યનું આવરણ વધારેને વધારે ઘેરુ બનતું જાય છે અને તે એક અનસોલ્વ્ડ મિસ્ટ્રી બની જાય છે.
૧૯૮૮ની ૨૩મી ડિસેમ્બરે ટીનેજનું એક ગૃપ ભયંકર અનુભવોમાંથી પસાર થયું હતું.કેનેથ લીન ડંગી, લેવર્ન એલન, કેનેથ ન્યુકિર્ક અને ડારિયસ બેનરમેને ત્યારે ગ્રીનબોરોથી રાલિ જવાનો પ્લાન બનાવ્યો હતો.તેઓ પોતાની કારમાં ઇન્ટરસ્ટેટ ૪૦ પરથી પસાર થઇ રહ્યાં હતા ગાડી એલન ચલાવતો હતો.ત્યારે તેમની પાસેથી એક કાર પસાર થઇ હતી જે ગ્રેડી એલકઝાંડર ચલાવતો હોવાનું તેમને જણાયું હતું.આ કાર તેમની ખુબ જ નજીક હતી અને તેમને લાગ્યું કે તે તેમની કાર સાથે ટકરાઇ જશે અને તેનાથી બચવાનો પ્રયાસ તેમણે કર્યો હતો પણ પાછળની કાર સ્વીપ થઇ ગઇ હતી અને તે કારનો ડ્રાઇવર ઢળી પડ્યો હતો અને તેની કારની ટક્કર તેમની કાર સાથે થઇ રહી હતી.એલને પોતાની કારને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો પણ તે તેમ કરી શક્યો ન હતો અને તેમની કાર એક ખેતરમાં ઢસડાઇ ગઇ હતી.કેનેથ ડંગી તો ત્યાંજ મોતને ભેટ્યો હતો અને કેનેથ ન્યુકિર્કનો પગ ભાંગી ગયો હતો અને ખોપડીમાં પણ ફ્રેકચર થયું હતું.ડારિયસ બેનરમેનનું કાંડુ તુટી ગયું હતું અને તેના ચહેરા પર ઘણી ઇજાઓ થઇ હતી.લેવર્ન એલન આ કારનાં કાટમાળમાંથી અડધો કલાક પછી બહાર નિકળ્યો અને તેને ત્યારબાદ તેનો પગ કપાવવો પડ્યો હતો.જે વ્યક્તિને કારણે આ અકસ્માત થયો હતો તે ત્યાં પહોંચ્યો હતો અને ત્યાંથી પોતાની મહિલા મિત્ર સાથે નિકળી ગયો હતો.આ વ્યક્તિ ક્યારેય પોલીસનાં હાથમાં આવ્યો ન હતો.આ અકસ્માતની ઘટનાને આમ તો હેટ ક્રાઇમ ગણાવવામાં આવે છે પણ તે એક રહસ્યમય ઘટના જ બની રહી છે અને આજે પણ તે ઇન્ટરનેટ ફોરમ પર ચર્ચાનો વિષય બનેલી છે.
૧૩ માર્ચ ૧૯૬૭નાં દિવસે સાઉથ આફ્રિકન એરવેઝની ફલાઇટ ૪૦૬ જહોનિસબર્ગનાં એરપોર્ટ પરથી ઉડી હતી પણ તે તરત પાછી પરી હતી કારણકે તેના નોઝવ્હીલમાં ટેકનિકલ ક્ષતિ હતી.જો કે ત્યારબાદ તે ફરીથી તેના ગંતવ્યસ્થાન માટે ઉડી હતી અને બપોરે તે લંડનમાં ઉતરી હતી અને ત્યાંથી પણ તે ટુંક સમયમાં ઉડ્ડયન માટે નિકળી હતી.આ પ્લેન એક પક્ષી સાથે ટકરાયું હતું અને તે પોર્ટ એલિઝાબેથ ખાતે ઉતર્યુ હતું અને તેની તપાસ કરાઇ હતી અને ત્યારબાદ તેને ઉડવાની પરવાનગી આપવામાં આવી હતી.પ્લેન પોર્ટ એલિઝાબેથથી જહોનિસબર્ગ પહોંચ્યું હતું જ્યાં પાયલોટે ફ્યુઅલ પુરાવ્યું હતું ત્યારે તેમને ઇસ્ટ લંડન જવાનું હતું પણ ત્યાંનું વાતાવરણ થોડુ ખરાબ હતું છતાં પાયલોટે ઉડ્ડયનનો આગ્રહ રાખ્યો હતો.પ્લેન પોર્ટ એલિઝાબેથથી ૪.૪૧ કલાકે ઉડ્યું હતું અને તેમને ૪.૫૮ કલાકે છેલ્લો વેધર અપડેટ મળ્યો હતો.જ્યારે પ્લેન પોર્ટ એલિઝાબેથનાં ટાવર પાસે પહોંચ્યું ત્યારે પાયલોટે સંદેશો આપ્યો કે તેઓ ત્યાંથી વીસ માઇલ દુર છે.ત્રણ મિનિટ બાદ પાયલોટનો છેલ્લો સંદેશો મળ્યો હતો જેમાં તેણે કિનારાથી બે હજાર ફુટ દુર હોવાનું જણાવ્યું હતું અને તેની એક મિનિટ બાદ જ તે પ્લેન ક્રેશ થયાની માહિતી મળી હતી.આ અકસ્માતમાં પ્લેનમાં હાજર રહેલા પચ્ચીસ પેસેન્જર માર્યા ગયા હતા.આ ઘટનાના એક સાક્ષીએ વિમાનને નીચે તરફ આવતા જોયુ અને તેણે તરત જ પોલીસને આ અંગે જાણ કરી હતી.પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને વિમાનનો થોડો જ કાટમાળ મળ્યો હતો અને ત્યાંથી કોઇ મૃતદેહ મળ્યા ન હતા.આ વિમાન કયા કારણોસર ક્રેશ થયું તેના કારણોની ત્યારબાદ ક્યારેય જાણ થઇ ન હતી.
૧૩ વર્ષનો ડેવિડ ગુરેરા બહુ પ્રતિભાશાળી બાળક હતો અને તેને પેઇન્ટિંગમાં ખુબ જ રસ હતો તે સ્પેનમાં આર્ટ એકેડેમીની સતત મુલાકાત લેતો રહેતો હતો.જો કે શરમાળ હોવાને કારણે તે પોતાના ભાઇ કે માતા પિતા સાથે જ વધારે વાતચીત કરતો હતો જો કે ડેવિડને ૧૯૮૭માં તેની પેઇન્ટિંગનું પ્રદર્શન લા મેઇસન આર્ટ ગેલેરીમાં કરવાની તક મળી હતી ત્યારે ત્યાંના સ્થાનિક રેડિયોએ પણ તેની મુલાકાત લેવાની વાત કરી હતી.રેડિયોનાં હોસ્ટ અને ડેવિડ વચ્ચે મુલાકાતની વાત ગોઠવાઇ હતી અને સ્કુલબાદ તેમની મુલાકાતનું નક્કી થયું હતું.જો કે તેના પિતા તેને ત્યાં લઇ જઇ શકે તેમ ન હોવાને કારણે તેમણે ડેવિડને કહ્યું હતું કે તે ઇન્ટર્વ્યુ બાદ ત્યાં જ રોકાઇ જાય તે ત્યાંથી તેને પરત લઇ જશે.છઠ્ઠી એપ્રિલ ૧૯૮૭નાં રોજ ડેવિડ રેડિયો સ્ટેશન જવા માટે ચાલીને બસ સ્ટોપ પર પહોંચ્યો હતો અને ત્યારબાદ તે ગુમ થઇ ગયો હતો.જ્યારે તેના પિતા એકેડેમી પહોંચ્યા ત્યારે તેમને ડેવિડ ક્યાંય મળ્યો ન હતો.ગેલેરીવાળાઓએ પણ જણાવ્યું હતું કે તેમણે ડેવિડને ત્યાં જોયો ન હતો.તેમને લાગ્યું કે તે ઘેર ચાલ્યો ગયો હશે એટલે તેઓ ઘેર પહોંચ્યા પણ ત્યાંયે ડેવિડ મળ્યો ન હતો.તેઓ ત્યારબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેના ગુમ થયાની ફરિયાદ કરી હતી.પોલીસે તેની તપાસ દરમિયાન ઘણાં લોકોની મુલાકાત લીધી હતી પણ ડેવિડ ક્યાં ચાલ્યો ગયો તે અંગે પોલીસને કોઇ જાણકારી મળી ન હતી અને ત્યારબાદ વર્ષો સુધી તેની કોઇ ભાળ મળી ન હતી આજે પણ ડેવિડ ગુરેરા મિસિંગ કેસ એક અનસોલ્વ્ડ મિસ્ટ્રી બની રહ્યો છે.
૨૦૦૬માં જોસેફ પ્રાઇસ, વિકટર જેબ્રોસ્કી અને ડિલન વાર્ડ વોશિંગ્ટનમાં રહેતા હતા.ત્યારે રોબર્ટ એરિક વોન બીજી ઓગસ્ટ ૨૦૦૬માં તેમને ત્યાં એક રાત રોકાવા માટે આવ્યો હતો.એક કલાક બાદ સ્વાન સ્ટ્રીટનાં રહેવાસીઓએ એક દર્દનાક ચીસ સાંભળી હતી જે વોનની હોવાનું ત્યારબાદ માલુમ પડ્યું હતું.વિકટર જેબ્રોસ્કીએ ૯-૧-૧ને કોલ કર્યો અને માત્ર પાંચ મિનિટમાં પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી.પોલીસને વોનનો મૃતદેહ પથારીમાં મળી આવ્યો હતો.તેના શરીર પર પુરેપુરા કપડા હતા અને તેની છાતીમાં ઘા લાગેલા હતા.જો કે તેની પથારી પર કોઇ સંઘર્ષનાં ચિહ્નો જણાયા ન હતા.જ્યારે તેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો ત્યારે તબીબોને તેના શરીર પર સોયનાં સાત જેટલા નિશાન મળ્યા હતા જેનો તેમની પાસે કોઇ જવાબ ન હતો.જેબ્રોસ્કીએ જણાવ્યું કે કદાચ કોઇ વ્યક્તિ તેમના ઘરમાં ઘુસી ગયો હતો જેણે વોનને મોતને ઘાટ ઉતાર્યો હશે.જો કે પોલીસને તેની વાત ગળે ઉતરી ન હતી અને પોલીસે પ્રાઇસ, જેબ્રોસ્કી અને વોર્ડની હત્યાનાં આરોપમાં ધરપકડ કરી હતી.અદાલતમાં તેમની વિરૂદ્ધ પોલીસ કોઇ નક્કર પુરાવા રજુ કરી શકી ન હતી અને તેમને ૨૦૧૦માં નિર્દોષ જાહેર કરાયા હતા.જો કે તે રાત્રે શું થયું હશે તેની કોઇને જાણ થઇ ન હતી.
અંગોલાના લુઆન્ડા ખાતેથી ૨૫ મે ૨૦૦૩માં ક્વાર્ટ્રો ડી ફેવેરિરો એરપોર્ટ પરથી બોઇંગ ૭૨૭-૨૨૩ ચોરાયું હતું.ત્યારે વિમાનમાં અમેરિકન પાયલોટ બેન સી.પાડિલા અને કોન્ગોનો મિકેનિક જહોન એમ. માટાન્ટુ હાજર હતા.વિમાન કોઇપણ પ્રકારનાં સંપર્ક વિના કન્ટ્રોલ ટાવર પહોંચ્યું હતું અને લાઇટ ચાલુ કર્યા વિના જ વિમાન ત્યાંથી ઉડી ગયું હતું અને એટલાંટિક મહાસાગર પર ગાયબ થઇ ગયું હતું.પાડિલાની બહેને ૨૦૦૪માં એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે બેનની મરજી વિના જ તેનું અપહરણ કરાયું હશે અને ત્યારબાદ તેને આફ્રિકામાં તોડી પાડવા માટે ફરજ પડાઇ હશે.અન્ય એક થિયરી અનુસાર આ વિમાનનો ઉપયોગ આતંકવાદી હુમલા માટે કરાયો હશે.અમેરિકાએ આ વિમાનને એક કરતા વધારે દેશોમાં શોધવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમને સફળતા હાથ લાગી ન હતી.આ વિમાન અને તેના પર સવાર બંને વ્યક્તિઓ આજે પણ એક રહસ્ય જ બની રહ્યાં છે કારણકે ત્યારબાદ તેમને કોઇ એ ક્યાંય જોયા નથી.
૨૦૧૮થી ઓગસ્ટ ૨૦૧૯નાં સમયગાળા દરમિયાન એક મહિલાનાં ઘરે લગભગ પાંચસો જેટલા લોકો કોઇપણ કારણ વિના તેમને હેરાન કરવા માટે જતા હોવાનું નોંધાયું છે.આ ઘટના પાછળ લોરેન ઓકામુરા નામની મહિલા હતી.આ મહિલાએ તો તે ઘરનું એડ્રેસ ક્રેગલિસ્ટ પર પણ મુક્યુ હતુ અને ત્યાં ડ્રગ ડિલર અને પ્રોસ્ટીટ્યુટને પણ મોકલી હતી.આ મહિલાએ તે મહિલાને ઇમેલ દ્વારા પણ તેને ધમકીઓ મોકલી હતી.પેલા પરિવારે તો તેમનાં ઘરની બહાર કોઇ પણ અજાણ્યા વ્યક્તિ માટે ઘરમાં પ્રવેશ વર્જિત હોવાનો સંદેશ લગાવી દીધો હતો.જો કે ત્યારબાદ તેમને હેરાન કરનાર વ્યક્તિની નવેમ્બર ૨૦૧૯માં હવાઇમાં ધરપકડ કરાઇ હતી પણ આ પ્રકારનું કૃત્ય તેણે કેમ કર્યુ તે અંગે તેણે કોઇ ખુલાસો કર્યો ન હતો.
૩૧ વર્ષની મેડિકલ ઇન્ટર્ન સ્નેહા એની ફિલિપે ૧૦ સપ્ટેમ્બર ૨૦૦૧માં પોતાની માતા સાથે બે કલાક સુધી વાર્તાલાપ કર્યો હતો અને ત્યારબાદ તે શોપિંગ કરવા માટે બહાર નિકળી હતી.જો કે તેનો પતિ રોન જ્યારે મધરાતે ઘેર પાછો ફર્યો ત્યારે સ્નેહા ત્યાં ન હતી.જો કે તેને ત્યારે કોઇ ચિંતા થઇ ન હતી કારણકે મોટાભાગે તેની આન્ટને ત્યાં આ રીતે રાત રોકાતી હતી.ત્યારબાદ તે બીજી સવારે રાબેતા મુજબ કામ પર પહોચ્યો હતો.ત્યારે જ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વિમાની હુમલાનાં અહેવાલો ફેલાયા ત્યારે તેણે ઘેર ફોન કર્યો પણ તેની પત્નીએ તેનો ફોન ઉપાડ્યો ન હતો.ત્યાબાદ પણ તેણે ઘણીવાર ફોન કર્યા મેસેજ મોકલ્યા પણ તેનો કોઇ જવાબ મળ્યો ન હતો અને તે કારણે જ તેને ચિંતા થવા માંડી હતી.તે પેલા હુમલામાં મારી ગઇ હોવાની વાત ત્યારે ફેલાઇ હતી પણ તેના ભાઇએ તે વાત ખોટી હોવાનું જણાવ્યું હતું તેના કહેવા મુજબ જ્યારે આ હુમલો થયો ત્યારે તેની તેની બહેન સાથે વાત થઇ હતી અને તે ત્યારે ટાવરમાં રહેલી વ્યક્તિઓની મદદ કરતી હતી.જો કે ૨૦૦૪માં તેનું નામ ત્યાં માર્યા ગયેલ વ્યક્તિઓની યાદીમાંથી દુર કરાયું હતું.ત્યારે કહેવાયું હતું કે સ્નેહા ખરેખર તો બેવડા પ્રકારનું જીવન જીવતી હતી અને તેનું મોત આ હુમલા પહેલા જ થઇ ગયુ હતું.જો કે રોન ફિલિપે ત્યારબાદ તેની પત્નીને ક્યારેય જોઇ ન હતી અને તેને એ વાતની પણ ખબર નથી પડી કે તેની સાથે વાસ્તવમાં થયું શું હતું.
૨૦૧૬ની બીજી જાન્યુઆરીએ અમેરિકન સ્ટુડન્ટ ઓટ્ટો ફ્રેડરિક વાર્મબિયરની નોર્થ કોરિયામાં ધરપકડ કરાઇ હતી તેના પર પ્રોપેગન્ડા પોસ્ટર ચોરીને હોટલમાં લગાવવાનો આરોપ લગાવાયો હતો અને તેના માટે તેને સખત કારાવાસની પંદર વર્ષની સજા કરાઇ હતી.માર્ચ ૨૦૧૬માં તેને ગંભીર ઇજા થઇ હતી અને તે કોમામાં ચાલ્યો ગયો હતો અને તેને જુન ૨૦૧૭માં મુકત કરાયો હતો જો કે ત્યારે પણ તે કોમામાં જ હતો.નોર્થ કોરિયાથી તેને અમેરિકાનાં મેડિકલ સેન્ટર પર સારવાર માટે મોકલાયો હતો.જો કે તે યુવક ત્યારબાદ ક્યારેય ભાનમાં આવ્યો જ નહી અને છ દિવસ બાદ જ તેનુ મોત થયું હતું.અમેરિકાની અદાલતે આ માટે ઉત્તર કોરિયાની સરકારને જવાબદાર ઠેરવી હતી.તેના મોત માટે તેના માથાની ઇજાને જવાબદાર ગણાવવામાં આવી હતી અને આજ સુધી એ ખબર પડી નથી કે તેને આ ઘાતક ઇજા કેવી રીતે થઇ હતી.તેના શરીર પર પણ ઇજાના કે ટોર્ચરિંગનાં કોઇ નિશાન મળ્યા ન હતા.
૨૯ વર્ષની ન્યુયોર્કની રહેવાસી ક્લાઉડિયા કિર્ચોકને ૨૦૦૦માં ક્યુબાના રિસોર્ટમાં રહેવાની અને કામ કરવાની ઓફર મળી હતી.આ ઓફર આપનાર તેને મોન્ટેગો બેમાં ૨૪ મે ૨૦૦૦માં મળ્યો હતો પણ ત્યારે વીઝાની સમસ્યાને કારણે તે જમૈકામા જ ફસાઇ ગઇ હતી અને તે ન્યુયોર્ક પાછી ફરી શકી ન હતી.કલાઉડિયા અને તેને ઓફર આપનાર ત્યારબાદ નેગ્રીલનાં એક રિસોર્ટમાં પહોંચ્યા હતા અને ત્યાં ત્રણ દિવસ રહ્યાં હતા.ત્યારે તેમણે ત્યાંથી જમૈકા જવાનુ નક્કી કર્યુ પણ કલાઉડિયા ત્યારે જવા માટે તૈયાર ન હતી.તેણે અને તાનિયાએ ત્યારે બ્રેકફાસ્ટ સાથે કર્યુ હતું અને બપોરે કલાઉડિયા બીચ પર ગઇ હતી અને ત્યાંથી જ તે ગુમ થઇ ગઇ હતી.તેના માતાપિતાએ ત્યારબાદ તે જ્યાં નોકરી કરતી હતી તે જગાએ સંપર્ક કર્યો હતો.તેમને ત્યારે એ ખબર પડી કે કલાઉડિયા કામ પર પાછી જ આવી ન હતી.જ્યારે કલાઉડિયાનાં રૂમની તપાસ કરાઇ તો ત્યાંથી તેનો પાસપોર્ટ, ફોન અને ફલાઇટ ટિકીટ મળી આવ્યા હતા.તપાસમાં જણાયું હતું કે કલાઉડિયા ત્યાંના એક બાર ટેન્ડરનાં સંપર્કમાં હતી.જો કે કલાઉડિયા ગુમ થયા બાદ તે કામ પર આવ્યો ન હતો જ્યારે પોલીસ તેની પાસે પહોંચી ત્યારે તેણે જણાવ્યું હતું કે તે અને કલાઉડિયા ૨૬ મેએ સાથે હતા પણ તેણે તેના ગુમ થવા સાથે તેનો કોઇ પણ સંબંધ હોવાનો ઇન્કાર કર્યો હતો.પોલીસને તેનો કોઇ પણ પત્તો લાગ્યો ન હતો અને આખરે તેને ૨૦૦૨માં મૃત જાહેર કરાઇ હતી.જો કે તે ક્યાં ગુમ થઇ ગઇ તેનો કોઇ ખુલાસો પોલીસ પાસે પણ નથી.
૨૦૦૧નાં સપ્ટેમ્બરમાં થેમ્સ નદીનાં પાણીમાં કેટલાક લોકોએ કોઇ ઓરેન્જ કલરની વસ્તુ તરતી જોઇ હતી અને આ અંગે જ્યારે પોલીસને જાણ કરાઇ ત્યારે તેમને તપાસમાં નદીનાં પાણીમાં એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસને જણાયું કે મૃતદેહ પરથી હાથ, પગ અને માથુ કોઇ ધારદાર હથિયારથી કાપી નાંખવામાં આવ્યા હતા.એ વાતની પણ જાણ થઇ હતી કે આ બાળકની હત્યા કરતા પહેલા તેને ઝેર પણ આપવામાં આવ્યુ હતું.તેના આંતરડામાંથી કોઇ છોડનાં અવશેષ મળ્યા હતા જે પશ્ચિમ આફ્રિકામાં મળી આવે છે.તેના શરીર પરથી મળી આવેલ શોર્ટ જર્મની કે ઓસ્ટ્રીયામાંથી ખરીદાયાનું જણાયું હતું.જો કે આ મામલો ત્યારે બાળકોનાં ટ્રાફિકિંગનો જણાયો હતો અને ઘણાં લોકોને પકડવામાં પણ આવ્યા હતા પરંતુ આ બાળકની હત્યા માટે જવાબદાર કોઇ વ્યક્તિ પકડાયો ન હતો.પોલીસે આ બાળકને આદમ નામ આપ્યું હતું અને તેના અવશેષો સાઉથવાર્કનાં કબ્રસ્તાનમાં દફનાવી દીધા હતા.પોલીસ તપાસમા એક મહિલા જોયસ ઓસાગેઇડેની પુછપરછ કરાઇ હતી જેના ઘરમાંથી ઓરેન્જ શોર્ટની એક સમાન જોડી મળી આવી હતી જે પેલા મૃતદેહ પર મળી આવી હતી.જો કે તેની વિરૂદ્ધ પોલીસને કોઇ નક્કર પુરાવા મળ્યા ન હતા અને તેને નાઇજિરિયા ડિપોર્ટ કરાઇ હતી.દસ વર્ષ બાદ તેણે એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે તે બાળકનું નામ પેટ્રીક અર્હાબોર હતું અને તે તેને કિંગ્સલે ઓજો નામની વ્યક્તિએ આપ્યો હતો.ઓજોની ૨૦૦૪માં ટ્રાફિકિંગનાં મામલે ધરપકડ થઇ હતી પણ આદમની હત્યામાં તેનો કોઇ સંબંધ હોવાનું પુરવાર થયું ન હતું.આજે પણ આ ભયંકર હત્યાકાંડમાં કોઇની ધરપકડ થઇ નથી કે તે બાળક ખરેખર કોણ હતુ તેની જાણ થઇ નથી.