Sanatan Dharmni Vaato - 38 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 38 - રામ, કૃષ્ણ અને દુર્યોધન:

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 38 - રામ, કૃષ્ણ અને દુર્યોધન:

પુરાણોનું પુનઃવાંચન: આનંદ નીલકંતન સાથે પૌરાણિક પાત્રોના મનોવિજ્ઞાનની ઊંડી સફર

રામ, કૃષ્ણ અને દુર્યોધન: શું જીવનમાં કશું જ સંપૂર્ણ સાચું કે ખોટું હોય છે? જાણો પૌરાણિક સત્યો

ધર્મ, સત્તા અને સ્ત્રી શક્તિ: આનંદ નીલકંતને પૉડકાસ્ટમાં કરેલા પૌરાણિક કથાઓના ચોંકાવનારા ખુલાસા

 

ભારતીય સંસ્કૃતિમાં પૌરાણિક કથાઓનો ફાળો માત્ર ધાર્મિક પ્રવચનો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે માનવ સંસ્કૃતિના વિકાસ અને નૈતિકતાની પ્રયોગશાળા છે. તાજેતરમાં જાણીતા લેખક આનંદ નીલકંતન (જેમણે ‘અસુરા’, ‘અજયા’ અને ‘બાહુબલી’ શ્રેણી દ્વારા ભારતીય સાહિત્યમાં નવો ચીલો ચાતર્યો છે) એ રાજ શમાનીના પોડકાસ્ટ ‘ફિગરિંગ આઉટ’માં એક અત્યંત દાર્શનિક અને તાર્કિક ચર્ચા કરી. આ ૫૦ મિનિટના સંવાદમાં તેમણે રામાયણ અને મહાભારતને પરંપરાગત ચોકઠામાંથી બહાર કાઢીને એક માનવીય દ્રષ્ટિકોણથી રજૂ કર્યા છે. આ લેખ પૉડકાસ્ટમાં થયેલી તમામ મહત્ત્વની ચર્ચાઓને વિગતવાર આવરી લે છે.

નાયક અને ખલનાયકની કલ્પના પાછળનું મનોવિજ્ઞાન

આનંદ નીલકંતન ચર્ચાની શરૂઆતમાં જ એક પાયાનો મુદ્દો રજૂ કરે છે. આપણી મૂળ સંસ્કૃતિમાં ક્યારેય ‘હીરો’ કે ‘વિલન’ જેવું વિભાજન હતું જ નહીં. આ વિચાર પશ્ચિમી પ્રભાવની દેન છે, જ્યાં ભગવાન અને શૈતાન વચ્ચે યુદ્ધ બતાવવામાં આવે છે. ભારતીય દર્શનમાં ‘ધર્મ’ એટલે ‘કર્તવ્ય’ અને ‘સત્ય’ એ વ્યક્તિલક્ષી છે. લેખક જણાવે છેકે, રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો એટલે મહાન છે કારણ કે તેમાં દરેક પાત્ર જટિલ છે. ટેલિવિઝન શોમાં પાત્રોને બ્લેક એન્ડ વ્હાઇટ બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તેઓ ગ્રે શેડ્સ ધરાવે છે. દરેક વ્યક્તિ પોતાની પરિસ્થિતિ મુજબ નિર્ણય લે છે અને તેને યોગ્ય ઠેરવે છે.

લાક્ષાગૃહની ઘટના અને રાજકીય અનિવાર્યતા

મહાભારતની લાક્ષાગૃહની ઘટના વિશે લેખકે જે વિશ્લેષણ કર્યું તે વાચકોને વિચારતા કરી મૂકે તેવું છે. સામાન્ય રીતે આપણે દુર્યોધનના અન્યાયની વાત કરીએ છીએ, પરંતુ નીલકંતન પાંડવો અને કુંતીના પક્ષે થયેલી રાજકીય ચાલ પર પ્રકાશ પાડે છે. જ્યારે પાંડવોને ખબર પડી કે તેમને બાળી નાખવાનું ષડયંત્ર છે, ત્યારે તેઓએ માત્ર પોતાનો જીવ જ ન બચાવ્યો અને સાથે એક વ્યૂહરચના પણ ઘડી. તે રાત્રે લાક્ષાગૃહમાં એક નિષાદ સ્ત્રી અને તેના પાંચ પુત્રો આવ્યા હતા, જેમને પાંડવોએ દારૂ પીવડાવી બેભાન કરી દીધા હતા. જ્યારે આગ લાગી ત્યારે દુનિયાએ માન્યું કે, પાંડવો અને કુંતી આગમાં બલી ગયા છે, પણ હકીકતમાં તે નિર્દોષ ભીલ પરિવાર હતો જે આગમાં સ્વાહા થઈ ગયો હતો. લેખક સમજાવે છેકે, સત્તાના સંઘર્ષમાં ‘ધર્મ’ જાળવવા માટે પણ ઘણીવાર અધર્મનો સહારો લેવો પડે છે. કોઈ પાત્ર સંપૂર્ણ નિર્દોષ હોતું નથી.

દુર્યોધન અને રાવણ: શું તેઓ ખરેખર નકારાત્મક હતા?

આનંદ નીલકંતને દુર્યોધનનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે, જો આપણે દુર્યોધનની જગ્યાએ હોઈએ તો આપણને પણ પાંડવો હરીફ લાગે. તેના પિતા ધૃતરાષ્ટ્ર મોટા હોવા છતાં અંધાપાને કારણે રાજા ન બની શક્યા, જેનો રંજ દુર્યોધનને હતો. વળી, પાંડવોનો જન્મ જંગલમાં થયો હતો, તેથી હસ્તિનાપુરની પ્રજા માટે તેઓ અજાણ્યા હતા. દુર્યોધન પોતાની પ્રજા માટે અત્યંત લોકપ્રિય અને ન્યાયી રાજા હતો. તેવી જ રીતે રાવણના સંદર્ભમાં પણ, તે એક જંગી સામ્રાજ્યનો સ્વામી અને અજોડ વિદ્વાન હતો. લેખક કહે છેકે, આ પાત્રોને આપણે ‘વિલન’ કહીને તેમની શક્તિઓ અને તર્કને નજરઅંદાજ ન કરવા જોઈએ. જ્યારે તમે સામેવાળાના દ્રષ્ટિકોણથી જુઓ છો, ત્યારે જ સત્યના અનેક સ્તરો સમજાય છે.

રામ અને કૃષ્ણ: આદર્શવાદ અને વ્યવહારિકતા વચ્ચેનો સંઘર્ષ

પોડકાસ્ટનો સૌથી રસપ્રદ ભાગ રામ અને કૃષ્ણની તુલના છે. લેખક જણાવે છેકે, રામ અને કૃષ્ણ એકબીજાના વિરોધાભાસી વ્યક્તિત્વ છે. રામ વિષે તેમણે જણાવ્યું હતું કે, રામ એ ‘સમાજિક નૈતિકતા’ના પ્રતીક છે. તેઓ પ્રજાના સંતોષ માટે પોતાની પત્ની સીતાનો ત્યાગ કરે છે. અહીં રામ એક પ્રેમી તરીકે હારી જાય છે, પણ એક ‘મર્યાદા’ જાળવનાર રાજા તરીકે જીતી જાય છે. તેમનું જીવન બલિદાનની ગાથા છે.

ભગવાન કૃષ્ણને લેખકે લીલા પુરુષોત્તમ તરીકે વર્ણવ્યા છે. તેમણે કહ્યું છેકે, કૃષ્ણ ‘વ્યવહારિકતા’ના પ્રતીક છે. કૃષ્ણ કહે છેકે, જો કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું હોય, તો નાના નિયમો તોડવામાં વાંધો નથી. યુદ્ધમાં તેમણે ભીષ્મ, દ્રોણ અને કર્ણને મારવા માટે જે વ્યૂહરચના અપનાવી તે નૈતિકતાના કાયદા મુજબ ખોટી હોઈ શકે, પણ ધર્મના રક્ષણ માટે જરૂરી હતી. કૃષ્ણ કર્મથી અલિપ્ત છે, જ્યારે રામ કર્મના બંધનોમાં રહીને મર્યાદા જાળવે છે.

ધર્મની જટિલતા અને રાજા શિબિની બોધકથા

લેખકે ધર્મ સમજાવવા માટે રાજા શિબિ, કબૂતર અને બાજની વાર્તા અંગે વાત કરી હતી. આ વાર્તા દ્વારા તેમણે સમજાવ્યું હતું કે, ‘સંપૂર્ણ અહિંસા’ શક્ય નથી. જો રાજા કબૂતરને બચાવે તો બાજ ભૂખ્યો મરે, જે પણ એક જીવની હત્યા છે. આનંદ નીલકંતન કહે છેકે, ધર્મ એટલે ‘પસંદગી’. આપણે જે પણ નિર્ણય લઈએ, તેની એક કિંમત ચૂકવવી પડે છે. આધુનિક સમયમાં પણ આપણે જ્યારે કોઈ એક પક્ષ લઈએ છીએ, ત્યારે બીજા પક્ષે અન્યાય થતો જ હોય છે. ધર્મ એટલે એ સમજવું કે તમે કયા હેતુ માટે કયો પક્ષ પસંદ કર્યો છે.

બુદ્ધ અને ત્યાગ: એક નવો પ્રશ્ન

આનંદ નીલકંતને ભગવાન બુદ્ધના ત્યાગ પર એક નવો જ પરિપ્રેક્ષ્ય મૂક્યો છે. આપણે બુદ્ધની મહાનતા ગાઈએ છીએ, પણ શું આપણે ક્યારેય તેમની પત્ની યશોધરાના મનનો વિચાર કર્યો છે? અડધી રાત્રે પત્ની અને નાના બાળકને ઊંઘતા મૂકીને જવું એ કૌટુંબિક રીતે એક મોટો અન્યાય કહી શકાય. લેખક પ્રશ્ન કરે છેકે, આપણે રામ દ્વારા સીતાના ત્યાગ પર વિરોધ કરીએ છીએ, તો બુદ્ધના ત્યાગને કેમ સહેલાઈથી સ્વીકારી લઈએ છીએ? આ બધું જ આપણે જે પક્ષે ઉભા છીએ તેના પર નિર્ભર છે.

કર્મનું વિજ્ઞાન અને જાગૃતિ

લેખક જણાવે છેકે, પુરાણોનો સૌથી મોટો પાઠ ‘કર્મફળ’ છે. કૃષ્ણ ભગવાન હોવા છતાં ગંધારીનો શ્રાપ સ્વીકારે છે અને યાદવોના વિનાશને જોઈ રહે છે. આનો અર્થ એ કે તમે ગમે તેટલા શક્તિશાળી હો, તમારા દરેક કાર્યનું ફળ તમારે ભોગવવું જ પડશે. જીવનમાં કશું જ મફત મળતું નથી. દરેક સફળતા કે દરેક નિર્ણયની એક પાછલી અસર હોય જ છે. જે વ્યક્તિ આ અસરોને હસતા મુખે સ્વીકારવાની હિંમત રાખે, તે જ ખરો ધાર્મિક છે.

સ્ત્રી શક્તિ અને પરિપ્રેક્ષ્ય

ચર્ચાના અંતિમ ચરણમાં લેખકે સ્ત્રી પાત્રો વિશે વાત કરી. તેઓ અત્યારે રામાયણ અને મહાભારતની સ્ત્રીઓના દ્રષ્ટિકોણથી પુસ્તકો લખી રહ્યા છે. અંબા, શૂર્પણખા, તાડકા અને દમયંતી – આ સ્ત્રીઓ માત્ર પાત્રો નથી, પણ સંઘર્ષના પ્રતીકો છે. દમયંતીની વાર્તા દ્વારા તેઓ સમજાવે છે કે કેવી રીતે એક સ્ત્રી પોતાના ભાગ્ય સાથે લડીને વિજય મેળવે છે. સામાન્ય રીતે પુરાણો પુરુષો દ્વારા પુરુષો માટે લખાયા છે, પણ આનંદ નીલકંતન તેમાં સ્ત્રીઓના અવાજને સ્થાન આપી રહ્યા છે.

આધુનિક જીવનમાં પૌરાણિક કથાઓનું મહત્વ

રાજ શમાનીના પ્રશ્નના જવાબમાં લેખકે કહ્યું કે, આ વાર્તાઓ આપણને જીવનના ગ્રે શેડ્સ સમજવામાં મદદ કરે છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં લોકો તરત જ કોઈને સારા કે ખરાબ કહી દે છે, ત્યાં આ મહાકાવ્યો આપણને ધૈર્ય અને ઊંડો વિચાર કરવાનું શીખવે છે. ધર્મ એ કોઈ પુસ્તકમાં લખાયેલી વાત નથી, પણ તમારા અંતરાત્માનો અવાજ છે.

સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ સાથે તર્કની દ્રષ્ટિ

આનંદ નીલકંતન સાથેનો આ સંવાદ આપણને આપણી સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની સાથે સાથે તર્ક કરવાની દ્રષ્ટિ પણ આપે છે. તેમણે સાબિત કર્યું કે, પૌરાણિક કથાઓ માત્ર શ્રદ્ધાનો વિષય નથી, પણ તે જીવનના જટિલ પ્રશ્નોના ઉકેલ શોધવાની એક પ્રક્રિયા છે. આપણે રામની મર્યાદા અને કૃષ્ણની વ્યવહારિકતા બંનેમાંથી શીખવાની જરૂર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, દરેક વાર્તાની બીજી બાજુ પણ હોય છે, અને એ બીજી બાજુ જાણ્યા વગર સત્ય સુધી પહોંચવું અશક્ય છે.