Sarkari Prem - 27 in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 27

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 27

"કોલેજ પણ સાંજ પછી પુરી થઈ જાય છે. દિનકર સર પણ હવે સેલ્ફ સ્ટડી કરવા પર જ ધ્યાન આપવા માટે કહે છે. હવે તો સાથે મળીને અભ્યાસ કરવાનો‌ કોઈ જ વિકલ્પ નથી. પણ નવનીત ને ચોખ્ખા શબ્દોમાં ના કેવી રીતે પાડી શકાય?" મહેચ્છા પોતાની મનની વાત એકલામાં કહે છે.

મધુકર ખાસ એક અઠવાડિયા ની રજા લઈ મહેચ્છા ની તૈયારીઓ કરાવવાનો હતો. મધુકર ને પ્રિલિમનરી પરિક્ષા નું વધુ ટેન્શન હતું. કારણકે જો ગમે તે રીતે મહેચ્છા પ્રિલિમનરી પરિક્ષા પાસ કરી શકે અને ટોપ મેરિટ મુજબ આવે તો મુખ્ય પરિક્ષા માટે તે સારી એવી તૈયારી કરી ચુકી હતી.

"મહેચ્છા આવ તો એક સેમ્પલ પેપર સેટ છે. હું તારી તૈયારીઓ જોઈ લઉ. " મધુકર કહે છે.

મહેચ્છા માટે આ જ એક તક હતી. એ ગમે તે રીતે તો પોતે જ કોઈ તક પેદા કરી શકે એમ‌‌ હતી. મહેચ્છા જાણી જોઈને ધીમે ધીમે પેપર સેટ ના દાખલાઓ ગણી રહી હતી. લગભગ કલાક પછી મધુકર મહેચ્છા ને બોલાવે છે.

"શું થયું? પેપર કેટલું થયું?" 

" પપ્પા હજી તો અડધું જ થયું છે. આ દાખલાઓ ગણવામાં ભુલ ન થાય એ ધ્યાન રાખવું પડે છે. બાકી બીજા બધા ફટાફટ પતી જાય છે. " મહેચ્છા જવાબ આપે છે.

"જો દીકરી એક એક સવાલ અને એક એક જવાબ પર હજારો ઉમેદવાર હોય છે. તને ગણિત વિજ્ઞાન તરફ તકલીફ છે તો દિનકર સર ને કહેવાય ને.." મધુકર થોડો ગુસ્સો કરે છે.

"પણ એટલે જ તો‌ હું અને નવનીત સાથે તૈયારી કરતા હતા. નવનીત નું આ પાસું ખુબ તાકતવર છે. એણે મને ઘણા શોર્ટકર્ટ્સ શીખવ્યા છે કે જેથી સાચો જવાબ ટૂંકા સમયમાં શોધી શકાય. " મહેચ્છા કહે છે.

"તો હવે શું તકલીફ?" મધુકર પુછે છે.

" હવે તો ક્લાસ બંધ થઈ ગયા છે. તો હવે અમે સાથે કેવી રીતે અભ્યાસ કરી શકીએ?" મહેચ્છા ભોળપણથી પુછે છે.

" જો નવનીત ને કોઈ તકલીફ ન હોય તો એને આજથી રોજ સાંજે એક કલાક ઘરે જ આવવાનું કહી દે. હું પણ એની સાથે શીખીશ." મધુકર જણાવે છે.

"શું? ખરેખર? " મહેચ્છા તો ખુબ ખુશ થાય છે.

"હા દીકરી. આ નવો જમાનો છે. તમે લોકો તો અભ્યાસ કરો છો કોઈ ખોટું કામ થોડી કરો છો?" મધુકર કહે છે.

"હા પપ્પા. હું તમારો વિશ્વાસ ક્યારેય પણ નહીં તોડું." મહેચ્છા કહે છે.

થોડીવાર પછી જ મહેચ્છા નવનીત ને મેસેજ થકી આ વાત ની જાણ કરે છે તો નવનીત પણ ખુબ ખુશ થઈ જાય છે. એ હવે બમણા જોશ સાથે પ્રિલિમનરી પરિક્ષા ની તૈયારી માં લાગી જાય છે.

સાંજ પડે નવનીત મહેચ્છા ના ઘરમાં પહોંચી જાય છે. મહેચ્છા ની મમ્મી સરિતા દરવાજા આગળ જ ઊભી હતી. નવનીત તો કોઈ સંસ્કારી યુવાન ની જેમ જ સરિતા ના પગ અડી આશિર્વાદ લે છે.

નવનીત ને તો મધુકર થી મળવું હતું. પણ મધુકર તો અંદરના રૂમમાં કોઈ વિધાર્થી ની જેમ જ પહેલા થી હાજર હતો. નવનીત જેમ જ રૂમમાં પ્રવેશ કરે છે તો મધુકર ને પણ પેન પેન્સિલ સાથે તૈયાર બેઠો જોઈ હતપ્રભ બની જાય છે.

"અરે અંકલ તમે?" નવનીત પુછે છે.

" જો દીકરા શીખવા માટે કોઈ પણ ઉંમરે શીખવાની જિજ્ઞાસા હોવી જોઈએ. હું પણ તારો વિધાર્થી જ છું. મહેચ્છા તારી ઘણી પ્રશંસા કરી રહી હતી. એટલે જ હું પણ તમારી સાથે જ તૈયારી કરીશ. જેથી મહેચ્છા ને ગમે ત્યારે મદદ કરી શકાય." મધુકર કહે છે.

નવનીત પણ પગ અડી પછી તૈયારી શરૂ કરાવે છે. મહેચ્છા પણ મધુકર ના આવા નિર્ણય થી હતપ્રભ બની જાય છે પણ તે બન્ને સાથે મળીને અભ્યાસ કરી રહ્યા હતા એ જ મહેચ્છા માટે ઘણું હતું.

નવનીત નવી નવી દાખલાઓ ની પધ્ધતિ સમજાવે છે. મધુકર પણ કોઈ જિજ્ઞાસુ વિધાર્થી ની જેમ જ બધી તૈયારી કરી રહ્યો હતો. લગભગ કલાક તો વીતી ગયો પછી સરિતા અચાનક જ દરવાજો ખખડાવી રૂમમાં પ્રવેશ કરે છે.

"શું તમે‌ પણ? હવે ભણવાનું બંધ અને પેટ પુજા ની તૈયારી કરો." 

"હા મને પણ ખુબ ભુખ લાગી છે." મહેચ્છા કહે છે.

" આન્ટી મારે ભુખ નથી. હું તો શ્રવણ સાથે જ રૂમમાં પહોંચી ને જ જમીશ." નવનીત કહે છે.

"શું કામ શરમાય છે?" મધુકર કહે છે.

"હા એ જ ને. " મહેચ્છા કહે છે.

"અંકલ હું એક વાત ચોખ્ખા શબ્દોમાં કહી દઉ કે હું નીચી જાતિનો છું. જો આપના ઘરમાં એવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય તો જ હું ખાઈશ." નવનીત કહે છે.

"હા. જરૂર." મધુકર કહે છે.

પછી તો મહેચ્છા અને નવનીત સાથે મધુકર પણ ગરમ ગરમ નાસ્તો કરે છે. નવનીત માટે તો જાણે કેટલાય સમય પછી તેણે ઘરનું બનેલું ખાવાનું ખાધું હતું. આ તરફ મહેચ્છા તો ખુબ ખુશ હતી. 

નવનીત ખુબ સરસ રીતે બધાની સાથે વાતચીત કરી પછી નીકળી જાય છે. આ તરફ સરિતા હજી મહેચ્છા નવનીત ની વાટકી અડવા માટે જાય છે ત્યારે જ રોકી દે છે. પછી કહે છે:

" હવે તારી પરિક્ષા ની વાત છે તો ઠીક છે પણ આ નીચલી જ્ઞાતિ વાળા ને‌ તો આપણે ઘરમાં પણ ન ઘુસવા દઈએ. જે વાટકી માં એણે ખાધું પીધું એ અલગ જ રાખવી."

"શું મમ્મી? કેવા વિચાર છે?" મહેચ્છા કહે છે.

"હા સરિતા. આ તું શું બોલે છે?" મધુકર પણ‌ હતપ્રભ બની જાય છે.

"નવનીત ની આગળ તો તું ખુબ જ સારી રીતે વ્યવહાર કરી રહી હતી. પણ તારી મનની અંદર આ વાત હતી?" મહેચ્છા પુછે છે.

"નવનીત ખુબ સરસ અને સંસ્કારી યુવાન છે. પણ‌ કોઈ જાતિની વાત આવે તો હું તો ન જ ચલાવું. " સરિતા કહે છે.

"પણ મમ્મી આપણો દેશ.." મહેચ્છા કહે છે.

" એ બધું ચોપડીઓ માં જ છે." સરિતા કહે છે.

"પણ સરિતા?" મધુકર કહે છે.

"જેને જે સમજવું હોય એ સમજે પણ‌ હું તો એમ જ વર્તન કરવાની છું." સરિતા કહે છે.

મધુકર ઈશારો કરી મહેચ્છા ને શાંત રહેવા માટે સમજાવે છે. મહેચ્છા એ જ દિવસે મેસેજ થકી નવનીત ને બધી હકીકત જણાવી દે છે. નવનીત એ રાત્રે ખુબ રડ્યો. 

પછી બીજા દિવસથી એ રાબેતા મુજબ જ મહેચ્છા ના ઘરમાં તો જતો પણ એણે કોઈ પણ વસ્તુ ખાવા પીવાની ના પાડી દીધી. સરિતા મનોમન તો સમજી જ જાય છે પણ મહેચ્છા ની પરિક્ષા હોવાથી ચુપ રહેવાનું નક્કી કરે છે.

આ તરફ અભ્યાસ ની રીતે સાત દિવસ સુધી મધુકર પણ મહેચ્છા અને નવનીત સાથે ખુબ સરસ રીતે અભ્યાસ કરે છે. મહેચ્છા અને નવનીત મહેનતમાં કોઈ કચાશ નથી છોડતા.

આખરે પ્રિલિમનરી પરિક્ષા નો દિવસ પણ આવી જાય છે.આ મહેચ્છા ની પ્રથમ પરિક્ષા હતી. જ્યારે નવનીત માટે તો આ છેલ્લી તક હતી. શું આ વખતે નસીબ આ બન્ને ની તરફ હતું?