પરિક્ષા ના દિવસે સવારે જ મધુકર મહેચ્છા ને બધું જ ભુલી સાવ સામાન્ય રીતે જ પરિક્ષા આપવા માટે સમજાવે છે. આ તરફ નવનીત પણ દિનકર દાસગુપ્તાની સાથે ફોન પર વાતચીત કરી હળવાશ અનુભવે છે. નવનીત ને તો છેક પરિક્ષા હોલ સુધી વાંચન કરવાની ટેવ હતી.
આ પ્રકારની ટેવ તેની પર જ દબાણ વધારતું હતું. જેથી દિનકર દાસગુપ્તા તેને ચોપડીઓ એ દિવસે રૂમ પર જ મુકી જવા માટે સમજાવે છે. પછી બે વખત પોતાના પેપર ને ફરીથી ચકાસણી કરવા માટે સમજાવે છે.
નવનીત તો દિનકર સર ની વાત માનીને કોઈ ચોપડી લીધા વગર જ પરિક્ષા હોલમાં પહોંચી જાય છે. આ તરફ મહેચ્છા પણ મધુકર ની સાથે પરિક્ષા હોલમાં પહોંચી જાય છે. બન્ને એકબીજાને ઓલ ધ બેસ્ટ કહે છે. પછી મધુકર પણ બન્ને ને શુભેચ્છાઓ આપે છે.
આ પ્રિલિમનરી પરિક્ષા જ આગળ ની મુખ્ય પરિક્ષા માટેની સીડી હતી. ખુબ જ ધ્યાનથી નવનીત અને મહેચ્છા પરિક્ષા આપવા માટે લાગી જાય છે. મહેચ્છા નો આ પહેલો પ્રયત્ન હતો પણ તેની અંદર ગજબની પરિપક્વતા હતી.
મહેચ્છા આખું પેપર ખુબ જ ધ્યાનથી સંપૂર્ણ રીતે વાંચી પછી જવાબ આપે છે. ગણિત અને તર્ક ના એક એક દાખલાઓ વખતે એ નવનીત ને યાદ કરી લે છે. આ તરફ નવનીત પણ પોતાની ગતિને મર્યાદિત રાખી બધા જ પ્રશ્નોના જવાબ બે વખત ચેક કરી લે છે.
સમય તો હંમેશા જ વહેતો રહે છે. મહેચ્છા અને નવનીત નું પણ પેપર પુરું થઈ જાય છે. હવે બન્ને જણ બહાર આવી મધુકર અને દિનકર સર સાથે પેપર વિષે વાતચીત કરે છે.
" અરે સર મને તો તમે તરત જ યાદ આવતા. બે વખત પ્રશ્ન વાંચજે.જરા પણ ઉતાવળ ન કરતો. " નવનીત કહે છે.
"મને તો નવનીત જ યાદ આવે. એક એક દાખલાઓ એટલી સરસ રીતે મગજમાં ગોઠવી દીધા કે ભુલ થાય જ નહીં." મહેચ્છા કહે છે.
"ચલો હવે એક મહિના સુધી તમે લોકો બ્રેક ની મજા લો. એક મહિના પછી જ પ્રિલિમનરી પરિક્ષા નું પરિણામ આવી ગયા પછી આપણે મળીને આગળ ની તૈયારી વિષે વાતચીત કરીશું." દિનકર દાસગુપ્તા કહે છે.
"હા એ વાત સાચી. હું પણ કાલથી નોકરી પર જઈશ. મહેચ્છા બિહાર જવાની છે." મધુકર જણાવે છે.
"હું પણ ગુજરાત જવાનો છું. પપ્પા બહુ સમય થી બોલાવે છે. એ જ બહાને પોતાની જવાબદારીઓ પણ પુરી કરતો આવીશ. " નવનીત કહે છે.
"ચલો આજે લંચ હું ખવડાવીશ." દિનકર દાસગુપ્તા કહે છે.
પછી બધા ભેગા મળીને ગરમાગરમ છોલે અને કુલ્ચા નો લંચ કરીને પછી એકબીજાને વિદાય આપે છે. મહેચ્છા પણ ઘરમાં પહોંચી પછી સાંજ પડે જ સુઈ જાય છે. છેલ્લા ત્રણ મહિનાથી એકધારી મહેનત કરી તે શારિરીક કરતા માનસિક રીતે વધુ થાકી ગઈ હતી.
આ તરફ નવનીત પણ ઘરમાં પહોંચી શ્રવણ સાથે તેની પરિક્ષા કેમ ગઈ એ વિષે વાતચીત કરે છે પછી પોતાની ટ્રેન ની ટીકીટ વિષે માહિતી આપે છે. રિતેશને પણ મળવા માટે મસુરી જવાનું કહે છે. રિતેશ તો આઈ.એ.એસ ની તૈયારીઓ માં મસુરી માં મસ્ત હતો.
ઐયર અને મારિયા તો એના કરતા એક વર્ષ આગળ હતા. હવે આઠ મહિના પછી જ ઐયર અને મારિયા ને પોસ્ટિગ મળવાનું હતું. શ્રવણ સાથે થોડી વાતચીત થયા પછી નવનીત નું ધ્યાન વારંવાર તેના મોબાઈલ તરફ જાય છે.
"શું મહેચ્છા ના મેસેજ ની રાહ જોવાય છે?" શ્રવણ પુછે છે.
"અરે ના." નવનીત કહે છે.
"અરે ભાઈ. છેલ્લા ત્રણ ચાર મહિના થી તો સતત મહેચ્છા મહેચ્છા જ કરતા હતા. હવે એક મહિનો શું કરશો?" શ્રવણ પુછે છે.
" એ તો અમે સાથે અભ્યાસ જ કરી રહ્યા હતા. એ ફક્ત સારી મિત્ર છે." નવનીત જવાબ આપે છે.
"ઠીક છે. તમારી મિત્ર જરૂર તમને યાદ કરતી હશે." શ્રવણ હસે છે.
આ તરફ મહેચ્છા પણ રાત્રે જમતી વખતે જ પાણીપુરી ની વાત નીકળતા જ નવનીત ને યાદ કરી લે છે. પણ મહેચ્છા પોતાની જાતને સરિતા આગળ નવનીત ની વાત ન થાય એ ધ્યાન રાખી રોકે છે.
"શું દીકરી? ગામમાં તને બધાં જ જોવા માટે તલપાપડ છે. કેટલાય સમયથી ગામ નથી ગઈ. મમ્મી સાથે લડતી નહીં. " મધુકર મજા કરે છે.
"એ મારી દીકરી છે. ગામમાં જ રહેતા તેને ગમશે તો ત્યાંની જ થઈ જશે." સરિતા કહે છે.ત્રણેય હસી પડ્યા.
રાત્રે સુતી વખતે મહેચ્છા અને નવનીત બન્ને એકબીજાને કોણ પહેલા મેસેજ કરે એમ વિચાર કરે છે તો નવનીત હવે ન રહેવાતા સરકાર ના કોઈ નિયમ ને મોકલી પછી જોવે છે કે મહેચ્છા જવાબ આપશે કે નહીં?
મહેચ્છા પણ તરત જ એ સરકારી નિયમ ને આટલી મોડી રાત્રે મોકલવાની શું જરૂર છે તેમ કહી નવનીત ને પ્રશ્ન કરે છે. પછી બન્ને હસી પડ્યા. લગભગ બે કલાક સુધી બન્ને એકબીજાની સાથે વાતચીત કરતા રહ્યા.
મધુકર ની ઊંઘ ઊડી જતાં મહેચ્છા ચુપચાપ ઓઢવાની ચાદરમાં મોબાઈલ ફોન સંતાડી દે છે. પછી ગુડ નાઈટ નો મેસેજ કરી સુઈ જાય છે.આ તરફ મધુકર અને સરિતા નું ધ્યાન નથી જતું.
બીજા દિવસે તો મધુકર પોતાની નોકરી કરવા માટે નીકળી જાય છે. આ તરફ સરિતા અને મહેચ્છા બિહાર જવા નીકળી જાય છે. નવનીત પણ ગુજરાત જવા નીકળી જાય છે. આ સમય ગાળા દરમિયાન નવનીત અને મહેચ્છા એકબીજાની સાથે ભલેને વધુ નહીં પણ દિવસમાં પંદર વીસ મેસેજ જેટલી વાતચીત તો કરી જ લે છે.
નવનીત ત્યાં થી જ મસુરી માં પોતાના પરમ મિત્ર અને આઈ.એ.એસ ની ટ્રેનીંગ કરી રહ્યા રિતેશને મળવા માટે જાય છે. મસુરી થી નજીક દેહરાદૂન ખાતે બન્ને મિત્રો મળે છે.
નવનીત તો રિતેશને જોઈ હતપ્રભ જ બની જાય છે. સાવ જ જરૂર પુરતા માથાના વાળ સાથે ઈસ્ત્રી કરેલા ફોર્મલ કપડાં અને પોલીશ થી સજ્જ શુઝ!! જાણે કે રિતેશ બન ગયા જેન્ટલમેન!! નવનીત ને રિતેશ નું આ લુક સાવ જ પ્રોફેશનલ લાગે છે.
"ઓ યાર?! આ શું?" નવનીત પુછે છે.
"બસ લાલ બહાદુર શાસ્ત્રી એકેડમી નો અસર છે. મિત્ર આપણા જીવનમાં દરેક વ્યક્તિએ એક વખત તો આઈ.એ.એસ પરિક્ષા જરૂર આપવી જ જોઈએ. જો તમે પાસ થાવ ન થાવ પણ તમને દેશ વિષે, કાયદાઓ વિશે, આપણી સામાજિક સંસ્થાઓ વિષે કેટલી બધી માહિતી મળે છે.
એ બધું જ છોડ મિત્ર.. આપણે એક જાગૃત નાગરિક બની શકીએ છીએ."
"ઓહો ઓહો.. આઈ.એ.એસ ઈન મેકિગ.." નવનીત કહે છે.
"હા. મિત્ર એક વખત તું આઈ.એ.એસ માટે પ્રશિક્ષણ લેવાનું શરૂ કરીશ પછી તું એક અલગ વ્યક્તિત્વ ધારણ કરી લઈશ. તારું અને મહેચ્છા નું શું ચાલે છે?" રિતેશ પુછે છે.
" યાર. આ તો મારે તને પુછવું જોઈએ. તું મારિયા ને કેવી રીતે માફ કરી શક્યો?"નવનીત પુછે છે.
"એ ભુતકાળ છે. બધું ભુલી જા. મને પણ પોતાની જાત પર ઘણી વાર હસવું આવે છે. ઐયર અને મારિયા એકબીજાની માટે જ બનેલા છે. "રિતેશ કહે છે.