મને ભાણીની વાત સાંભળીને જાણે આધાત લાગ્યો. કે બેનથી ભાણીના વાળની ગૂંચ પણ ન નીકળે કે એને માર્યા કરે. મારા મનમાં હજારો વિચારો આવી ગયા કે લગભગ ત્રણ થી સાડા ત્રણ વરસ ભાણી આપણા ઘરે રહી. મમ્મી જ એનું માથું ઓળતા, કોઈક જ વાર મારા ભાગે આવતું પણ કોઈ દિવસ આમ ગૂંચ ન નીકળી હોય કે એના કારણે એને ખીજવાયા હોય એવું પણ મને યાદ નથી. આ બાજુ બેનનું બોલવાનું તો ચાલુ જ હતું કે આને કોઈ પાર્લર વાળી ને ત્યાં લઈ જાવ અને વાળ કપાવી આવો. મેં કહ્યું કે જરા શાંતિ રાખો. વાળ કપાવવાની કોઈ જરૂર નથી. હું કરું છું કંઈ. ને મેં ભાણીને મારી પાસે બેસાડી અને વાળમાં થોડું થોડું કોપરેલ નાખીને એક એક વાળ હાથથી સરખા કરવા લાગી. આ જોઈને બેન કહે કે આમ તો તમે ક્યારે ગૂંચ કાઢી રહેશો મારું માનો એના વાળ કપાવી આવો. પણ મેં ન પાડી કે હું કરું છું તમે શાંતિ રાખો. લગભગ અઢી કલાકે હું ભાણીના વાળ સરખા કરી રહી. ભાણી કહે સારું થયું મામી તમે આવી ગયા નહીતર મમ્મી તો મારા વાળ કપાવી જ નાખતે અને મારતે તે અલગ. મને એ દિવસે બેનનું વર્તન જરા પણ ન ગમ્યું. પોતાની દિકરી માટે કોઈ આવું કેવી રીતે કરી શકે ? ઘરે આવીને મેં મમ્મીને વાત કરી તો મમ્મી કહે એણે કોઈ દિવસ ભાણીના વાળ ઓળખાનો વખત જ નહીં આવ્યો ને. એ લોકો ગામ રહેતા હતા ત્યાં તો કામવાળા જ આ બધું કામ કરી લેતાં ને છેલ્લે ત્રણ વરસથી તો આપણી સાથે રહી એટલે એના ભાગે ભાણીનું માથું ઓળવાનો સમય જ નહીં આવ્યો. મને મમ્મીની વાત સાંભળી ને પણ નવાઈ લાગી કે સમય આવે કે ન આવે પણ જ્યારે પોતાની દિકરીનો સવાલ હોય તો આમ ન કરે કે પછી મારાથી ન થાય તે થોડું ચાલે. પણ હું કંઈ બોલી નહીં. તમે પણ આ વાત સાંભળીને કંઈ બોલ્યા નહીં. એટલે મેં પણ એ વાત ત્યાં જ પડતી મૂકી. આમ કરતાં કરતાં દિકરો સાતમા ધોરણમાં આવી ગયો અને દિકરી બીજા ધોરણમાં. વેકેશન હતું એટલે બેન આવ્યા હતા રહેવા માટે. દિકરા દિકરી ના રિઝલ્ટ દર વખતની જેમ સારા જ આવ્યા હતા. આ વખતે રિઝલ્ટના દિવસે બેન ભાણી, ભાણો બધા જ ઘરે હતા. દિકરા નું રિઝલ્ટ જોઈને ખુશ થવાની જગ્યાએ ભાણાએ કહ્યું કે એમાં શું ? એ તો આગળના ધોરણમાં લાવે તો ખરો કહેવાય. આ તો બધાનું સારું જ આવે. ભાણાના આ શબ્દો પર બેન કે મમ્મી કોઈએ પણ એને ટોક્યો ન હતો કે આવું ન બોલાય. મમ્મીનું તો મને ખબર જ હતી કે ભાણા નું રિઝલ્ટ ખરાબ આવે એટલે એમને આપણા દિકરાના સારા રિઝલ્ટની ખુશી થતી જ ન હતી પણ આ વખતે તો જોયું કે બેન કે ભાણો કોઈ ખુશ ન હતા. ભાણી ખુશ હતી એ આપણે ત્યાં રહી ને ગઈ એટલે કે કેમ ખબર નહીં પણ એણે તરત જ ભાણાને કહ્યું હતું કે બધાના આવે તો તારે બતાવવું જોઈએ ને આટલા માર્કસ લાવીને. દર વખતની જેમ હું આ વખતે પણ બધી વાતો પર ધ્યાન આપવા કરતાં બીજા કામે લાગી ગઈ. વેકેશન પછી શાળા ચાલુ થવાની હતી ને તમારા ફોઈના કોઈ ઓળખાતા હતા એમને કોલેજમાં સ્ટાફની જરૂર હતી તો ફોઈએ મને કહ્યું હતું કે તું મળી આવજે એકવાર. કદાચ ત્યાં નોકરી મળી જાય. ને હું ત્યાં મળવા ગઈ હતી. એમણે મને તરત જ ત્યાં કામ ચાલુ કરવાનું કહી દીધું. પણ મેં કહ્યું કે મને એકાદ અઠવાડિયાનો સમય આપો મારે મારા દિકરાને લાવવા લઈ જવાનું ગોઠવવું પડશે. અત્યાર સુધી તો અમે સાથે જ આવતા ને જતા હતા. પણ કોલેજનો સમય સવારે વહેલો હતો એટલે મારે દિકરા માટે કંઈ વ્યવસ્થા તો કરવી પડે ને. વળી જે શાળામાં હું જતી હતી ત્યાં પણ મારી જગ્યાએ કોઈ બીજા શિક્ષકની વ્યવસ્થા કરવાનું કહેવું પડે.