ek chhokari name Chaki in Gujarati Fiction Stories by Niyati Kapadia Nirjhar books and stories PDF | એક છોકરી નામે ચકી

Featured Books
Categories
Share

એક છોકરી નામે ચકી

રાતના લગભગ સાડા દસ થયા હતા. ચકી ક્યારનીય એના આંગણામાં આંટાફેરા મારી રહી હતી. એના પગ જરૂર આગળ પાછળ ફરતા હતા પણ એની આંખો...એની આંખો તો ઘરની સામે દેખાતા થાંભલે જઈને અટકી ગઈ હતી! 

ચકીના ઘરની સામે આવેલા કાચા રસ્તા પર રાતના અંધારું ફેલાઈ જતું. એ અંધારા સામે બાથ ભીડવા જ પ્રગટ થયો હોય એમ એ રસ્તા પર આવેલ ઊંચા થાંભલા પર એક પીળો ગોળો આખી રાત ચમકી રહેતો. દરિયામાં દુરથી આવતું જહાજ કિનારો શોધી રહ્યું હોય અને દીવાદાંડી પરનો ચમકતો ગોળો જોતા જ જેમ ખલાસીની આંખોને રાહત થઈ જાય એમ ચકીની આંખોને પણ એ થાંભલાને અજવાળે ચાલ્યા આવતા દેખાતા એક ઓળાને જોઈને રાહત થઈ જતી.આજ તો અગિયાર વાગી ગયા હતા છતાં ચકીની આંખોને એ રાહત નસીબ ન્હોતી થઈ.

એના પગ પણ છેલ્લા કલાકથી આંટા ફેરા મારી થાકયા હતા. પગ કરતાંયે વધારે થાકી હતી એની આંખો જેને હજી ઝાંખા અજવાળામાં પેલો ગમતો ઓળો ચાલી આવતી નહોતો દેખાયો.

“એય ચકલી, હાલ હુઈ જા હવે.” ચકીની દાદીએ રાતના છોકરીને ઘર બહાર આંટા મારતી જોઈ બૂમ મારી હતી. દાદી જાણતી હતી કે આ છોકરી ગમ્મે તે ઘડીએ લક્ષ્મણ રેખા વટાવી ઘરના ઓટલાની બહાર નીકળી જશે. એનું હૈયું ભીતરથી કાંપતું હતું. જુવાન ને રૂપાળી છોકરીઓ માટે રાતના સુમસામ રસ્તા કેટલા સલામત હતા એ તે ડોશી સારી રીતે જાણતી હતી અને તે એય જાણતી હતી કે એમની સમજાવેલી એક પણ વાત આ ચકી કાને ધરવાની નથી.“અલી ઘરમાં આવ ને સૂઈ જા અને ખબરદાર જો રાતના ઘરની બહાર ટાંટિયા કાઢ્યા છે તો..." 

ડોશી હજી તો ખોટો ગુસ્સો કરી છોકરીને દબડાવી જ રહી હતી અને ચકીએ પાંખો ફફડાવી...પગમાં પહેરેલી સ્લીપરનું એક પાંખીયું એના દટ્ટામાંથી બહાર આવી ગયું હતું. ચકી એ એના દુપટ્ટે ભરાવેલી સેફ્ટિપિન કાઢીને એક કુશળ કારીગરની જેમ તૂટેલું સ્લીપર સરખું કર્યું ને પછી દુપટ્ટાનો ગાળિયો ગળે ભેરવી બહાર નીકળી પડી.

“જો, જો પેલી પાછી આવી.”

“એનુંય આ રોજનું થયું."

“મારી હારી કેવી રૂપાળી છે નય.“

પાનના ગલ્લે ઊભેલા બે જણાએ ચકી સામે જોયું ને અંદરોઅંદર ગુસપુસ કરી.

ચકીના ઘરની સામે જ આવેલા થાંભલાને વળોટીને અંધારામાં આગળ વધી જતા એક પાનનો નાનકો ગલ્લો આવતો જ્યાં બે ચાર માણસો ઊભેલા દેખાતા. ત્યાં જ થોડુંક અજવાળું પણ રહેતું પછીથી તો કાળાડિંબાગ રસ્તા પર કોઈ વાહન આવતું જતું હોય એની લાઇટને સિવાય બધે અંધારું જ અંધારું દેખાતું.ચકીની આંખોને એ અંધારું માફ્ક આવી ગયું હતું. એને બીક તો લાગતી એ વાહનોની રોશનીની જેની સ્પીડ ચકી પાસેથી પસાર થતા જ ધીમી પડી જતી હતી. ક્યારેક કોઈ મદદ કરવાનું કહેતું કે ક્યારેક કોઈ લિફ્ટ ઑફર કરતું. ચકી એ સમયે જાણે બહેરી થઈ જતી. એક શબ્દ પણ બોલ્યા વગર એ ઝડપથી ત્યાંથી આગળ વધી જતી.

આજે પણ રસ્તામાં એક જણાએ એને લિફ્ટ ઑફર કરી હતી અને ચકી એની સામે જોયા વગર જ આગળ વધી ગઈ હતી.ગામની બહાર એક નાનકડું બસ સ્ટેન્ડ હતું. ત્યાં પણ એક ઊંચો થાંભલો હતો જેની પર પીળો ગોળો લટકી રહેતો. ચકીની મંજિલ કહો તો મંજિલ અને હદ કહો તો હદ એ બસસ્ટેન્ડના થાંભલે આવીને પૂરી થઈ જતી. આજ એ થાંભલે પહોંચતા જ એને ધ્રાસ્કો પડ્યો...

ત્યાં એ માણસ નહોતો જેને માટે એ આટલે સુધી લાંબી થઈ હતી. અચાનક જ એના ગળે ડૂમો બાઝી ગયો. એ આસપાસ નજર કરી હતી. એની આંખો ચૂઈ રહી હતી. દુપટ્ટાથી ગાલ પર રેલાઈ રહેલા આંસુ લૂછતા એ ફાવે તે દિશામાં થોડુંક ચાલીને બધે જોઈ રહી હતી.અચાનક જ એના સ્લીપર નીચેની સેફ્ટિપિન ખુલી ગઈ ને સ્લીપરની પટ્ટી એની જગ્યાએથી ડગી જતા ચકીનો પગ લથડયો. એ ત્યાં જ નીચે જમીન પર બેસી ગઈ ને પાછું સ્લીપર સરખું કરવા લાગી. અંધારામાં એક બે વાર સેફ્ટિપિન એની નાજુક આંગળીઓમાં વાગી પણ હતી પણ એનું એમાં ધ્યાન જ નહોતું.

આજ સવારના છાપામાં એણે વાંચ્યું હતું કે ઝેરી લઠ્ઠો પીને અમુક માણસો મરી ગયા હતા. એના બાપને પણ તો એની જ આદત હતી. રોજ રાતના એ દેશી દારૂની પોટલી પેટમાં પધરાવે ત્યાર બાદ જ એના પગ ઘર તરફ પધારતા. ગામની બહાર આવેલું આ અવાવરૂ બસસ્ટેન્ડ ચકી ના બાપ માટે પીવાનું સુંદર સ્થાન હતું. એ ત્યાં જ બેસીને દેશી દારૂ ઘટઘટાવતો અને પછી પગ સાથ આપે તો ઘર ભેગો થતો નહીં તો રસ્તામાં જ ક્યાંક લેટી જતો.

ચકીએ જોયું હતું કે એની મા મરી ગઈ ત્યાં સુધી રોજ રાતના એના બાપને શોધવા જતી અને એને ઉઠાવીને ઘરે લઈ આવે પછી જ ઘરના બારણા બંધ થતા. એ નાનકડા ઘરમાં રાત પડી ગઈ હવે પોઢી જાઓ એવો ઇશારો સમય જોઈ ને નહીં પણ ચકીનો બાપ ઘરમાં આવી ગયો કે નહીં એ જોઈને થતો. ચકીને કોઈએ નહોતું કહ્યું કે તારી બાના ગયા બાદ તારે તારા બાપને લેવા જવું પડશે, પણ એ જતી. જે કામ એની બા કરતી હતી એ જ કામ આજ બા હયાત નથી ત્યારે એણે કરવાનું એવું એના બાળમાનશે જાતે જ નક્કી કરી લીધું હતું. એણે સ્લીપર સરખું કર્યું ને જમીન પર પટકી એમાં પગ સેરવ્યો ત્યાં તો દૂરથી એના કાને કોઈનો ઉંહકારો સાંભળ્યો. ઘડીકમાં જ જાણે એનામાં નવચેતના આવી ગઈ હોય એમ એ અવાજની દિશા તરફ ભાગી.

એનો બાપ રસ્તાની ધાર પર એક બાજુએ જમીન પર આડો પડી ગયો હતો ને એક કૂતરું આવીને એનું મોઢું ચાટી રહ્યું હતું. એ કૂતરાને ભગાડવા જ એણે અવાજ કર્યો હતો...

“બાપુ, તમે અહીંયા ક્યાં પડ્યા છો? હું ક્યારની તમને શોધી રહી હતી. હાલો, હવે ઘરે જઈએ." પંદર સોળ વરસની એ બાળાએ એના બાપને ઢંઢોળ્યો ને એને ઊભા થવા મદદ કરવા લાગી. 

“ઓ હો મારી દીકરી આવી ગઈ! મારી ચૈતાલી બેટી. સોરી હોં બેટા, આજ જરાક વધારે થઈ ગયું ને હું અહીં જ... પણ હવે મેં નક્કી કર્યું છે...આજ આ છેલ્લી વારનું હતું. હવેથી દારૂ બંધ. હવે જિંદગીમાં કદી આ દારૂ ને હાથ નહીં લગાડું. તારા માથે હાથ મૂકીને કહું છું હોં...આજ આ છેલ્લી વારનું..." 

બાપ નશામાં રોજની જેમ જ લવારા કરી રહ્યો ને ચૈતાલી જેને હવે સૌ ચકી જ કહે છે એ પોતાના કરતાં ડબલ વજનના બાપને માંડ માંડ જાળવીને ઘર તરફ દોરી રહી. રસ્તામાં આવતા પાનના ગલ્લે હજી પેલા બે જણા એમ જ ઊભા હતા. ચકી ને આવી રહેલી જોતા જ એમાંના એકે કહ્યું,

“લ્યો આવી ગઈ ચકી. હારે એનો બાપ પણ છે. દુકાનનું પાટિયું પાડી દો હવે." 

“કપાતર મારો હાળો, આ સોના જેવી છોડીની પણ સહેજે પડી નથી. એ પાછી ન આવે ત્યાં સુધી મારો જીવ મુઠ્ઠીમાં બંધ રહે છે!" પાનના ગલ્લા વાળાએ દુકાનનો ગોળો બંધ કરી પાટિયું પાડ્યું. 

“ના પાડું છું તોય શું લેવા આને લેવા દોડી જાશ. ભાન આવતા આવત એની મેળે." જ્યાં પહેલા ચકી ઊભી રાહ જોઈ રહી હતી ત્યાં જ હવે એની દાદી ઊભી પૌત્રીની રાહ જોઈ રહી હતી. દૂરથી થાંભલાને અજવાળે ચકીને આવતી જોતા જ એના હૈયામાં હાશકારો થયો ને એ મોટેથી પછી બોલવા લાગી.

પોતાના ઘૂંટણનો દુખાવો ભૂલી ડોશીએ પૌત્રીને એના બાપને ઉઠાવવામાં ટેકો કર્યો. એ ત્રણે અંદર ગયા પછી દરવાજા ભીડાઈ ગયા ને એ ઘરમાં રાતના સૂઈ જવાનું હોય છે એ વાત સૌને યાદ આવી. 

દૂર થાંભલે ચમકી રહેલો ગોળો પણ જાણે એના છેલ્લાં શ્વાસ રોકીને બેઠો હોય એમ ચકીના ઘરમાં જતા જ હોલવાઈ ગયો હતો. હવે આવતીકાલ શું થશે? જ્યાં સુધી એ થાંભલે નવો ગોળો નહીં આવે ત્યાં સુધી ચકી આંગણમાં ફરતા ફરતા રસ્તા પર એક ડોલતો ઓળો આવી રહ્યો છે કે નહીં એ કેમનું જોશે?  - નિયતી કાપડિયા “નિર્ઝર”💃