Bhagvanana hastakshar in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | ભગવાનના હસ્તાક્ષર

Featured Books
Categories
Share

ભગવાનના હસ્તાક્ષર

ભગવાનના હસ્તાક્ષર

એક ભિક્ષુક ભગવાનને માગે છે, બીજો રાજાને — પરંતુ અંતે જે મળે છે તે અમૃત છે કે ખીર? વાંચો આ અમર વાર્તા, જે તમારા હૃદયમાં વિશ્વાસની દીપક જલાવી દેશે!

 

પ્રાચીન કાળના ગૌરવશાળી સામ્રાજ્યમાં, વિક્રમાદિત્ય નામના એક પ્રજાવત્સલ રાજા રાજ્ય કરતા હતા. તેમનું હૃદય ધર્મ અને કરુણાથી ભરપૂર હતું. દર રવિવારે પ્રાતઃકાળે તેઓ મહાકાલેશ્વર મંદિરમાં પૂજા માટે જતા. મંદિરના પ્રાંગણમાં, દક્ષિણ બાજુએ એક શાંત સ્વભાવનો ભિક્ષુક બેસતો — તેનું નામ હતું ‘દેવદત્ત’. અને વામ બાજુએ બીજો ભિક્ષુક ‘કૃપારામ’ બેસતો.

દેવદત્ત હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતો: “હે જગતપિતા! તેં આ રાજાને અનેક વૈભવ આપ્યા છે, મને પણ તારી કૃપાનો અંશ આપજે.”

જ્યારે કૃપારામ રાજાને જોઈને બૂમ પાડતો: “મહારાજ! ભગવાને તમને બધું આપ્યું છે, મને થોડુંક આપી દો! તમારા ભંડાર માંથી કાઈ નહિ ખૂટે.”

એક દિવસ દેવદત્તે કૃપારામને કહ્યું, “મિત્ર, ભગવાન પાસે માગ! તે સર્વશ્રોતા છે. એજ વિશ્વનિયંતા છે. આપણને એજ આપશે.”

કૃપારામ હસીને બોલ્યો, “ચૂપ રહે, મૂર્ખ! ભગવાન આપે કે રાજા? આપણું સંભાળે કોણ પહેલા? રાજા કે પાષાણ ની મૂર્તિ?”

“न वित्तं न च राज्यं न च सुहृदो न च बन्धुजनः। 

यस्यात्मा न जितः शत्रुः किं तस्य जितेन भवति॥”  ભર્તૃહરિ

 

જેનો આત્મા જીતાયો નથી, તેને ધન, રાજ્ય, મિત્ર કે સગાં-સંબંધીઓથી શું લાભ?

 

દેવદત્ત ને લાગ્યું આની સાથે દલીલ કરવા જેવી નથી.

बोधयन्ति न याचन्ते, भिक्षाद्वारा गृहे गृहे ।
दीयतां दीयतां नित्यं, अदातुः फलमीदृशम् ॥

ભિક્ષુકો (ભિખારીઓ) ઘર-ઘર જઈને માત્ર ભિક્ષા નથી માંગતા, પરંતુ તે પોતાના જીવન દ્વારા સમાજને એક મોટો બોધ (શિક્ષણ) આપે છે. તેઓ આપણને કહે છે કે— "હે મનુષ્યો! તમારી શક્તિ પ્રમાણે દરરોજ કંઈક ને કંઈક દાન આપતા રહો, કારણ કે જેઓ પોતાના પૂર્વ જન્મમાં દાન નથી આપતા, તેમની દશા આજે અમારા જેવી (ભિક્ષા માંગવા જેવી) થાય છે."

રાજા વિક્રમાદિત્યે આ વાત જોઈ. તેમણે મંત્રી ચંદ્રસેનને બોલાવ્યા અને કહ્યું, “દક્ષિણ બાજુનો ભિક્ષુક તો ભગવાન પર વિશ્વાસ રાખે છે. પરંતુ વામ બાજુનો મારી પાસે માગે છે. તેને એક મોટા તાંબાના વાસણમાં ખીર ભરીને તેમાં સોનાના સિક્કા (તે વખત નું ચલન) નાખીને આપી આવો. જોઈએ કે શું થાય છે. સિક્કા વાસણમાં નીચેની બાજુ તળિયામાં ચોટાડી નાખજો. ખબર ન પડે તેવી રીતે.”

મંત્રીએ આજ્ઞા પાળી. આગલા દિવસે કૃપારામને જ્યારે આ સુવાસિત ખીરનું વાસણ રાજા તરફથી મળ્યું મળ્યું, ત્યારે તેના આનંદનો પાર ન રહ્યો. તે ખીર ખાતાં-ખાતાં દેવદત્તને ચીડવવા લાગ્યો: “જો મૂર્ખ! તું કહેતો હતો ‘ભગવાન આપશે’! આ જો, રાજાએ આપ્યું! હા...હા...હા...”

ખીર ખાઈને તેનું પેટ ભરાઈ ગયું. ત્યારે તેણે બાકીની ખીર ભરેલું વાસણ દેવદત્તના હાથમાં મૂક્યું અને કહ્યું, “લે બેવકૂફ, તું પણ ખા! ભગવાન આપશે એમ કહેતો હતો ને!” આમ તેણે ફરી તેની મજાક કરી. “ તું પણ શું યાદ કરીશ કે કેવા મારા જેવા શ્રીમંત જોડે તારી દોસ્તી થઇ છે?”

આગલા દિવસે જ્યારે રાજા મંદિર આવ્યા તો વામ બાજુ કૃપારામ તો બેઠો હતો, પરંતુ દક્ષિણ બાજુ દેવદત્ત ગાયબ હતો.

 

રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, “કૃપારામ, તને ખીરનું વાસણ ન મળ્યું?”

કૃપારામે વિનમ્રતાથી કહ્યું, “મળ્યું હતું હુજૂર! અત્યંત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. મેં પેટ ભરીને ખાધી.”

રાજા: “પછી દેવદત્ત ક્યાં છે?”

કૃપારામ: “બાકી બચેલી ખીર તેને આપી દીધી. તે તો મને હંમેશાં કહેતો હતો — ‘ભગવાન આપશે, ભગવાન આપશે...’”

રાજા વિક્રમાદિત્ય મુસ્કુરાયા અને ગંભીર સ્વરે બોલ્યા, “તો ફરી એક વાર સાબિત થયું કે ભગવાને તેને સાચે જ આપી દીધું!”

મંદિરની બહાર બેસી રહે છે બે જીવ,

એક ભગવાનને પુકારે, એક રાજાને રીઝવે.

એકને મળે છે અમૃત, એકને મળે છે ખીર,

પરંતુ સાચો દાતાર તો એક જ છે — અંતર્યામી!

 

 “यो न विश्वसति विश्वसति न च तस्मिन् 

यो विश्वसति विश्वसति स एव।”  પંચતંત્ર

ગુજરાતી અર્થ: જે વિશ્વાસ નથી કરતો તેને વિશ્વાસ નથી મળતો, પરંતુ જે વિશ્વાસ કરે છે તેને જ વિશ્વાસ મળે છે — એ જ ભગવાન પર વિશ્વાસ છે.

 

આ સંસારમાં રાજા, રાણી, ધનિક કે સમાજ — બધા માત્ર એક માધ્યમ છે. સાચો દાતાર તો એ પરમાત્મા છે, જે સર્વને જાણે છે, સર્વને સાંભળે છે અને સર્વને તેની યોગ્યતા અનુસાર આપે છે.

यच्च किञ्चिज्जगत्सर्वं दृश्यते श्रूयतेऽपि वा ।
अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणः स्थितः ॥ नारायण सूक्तम्

આ બ્રહ્માંડ કે જગતમાં જે કંઈ પણ દેખાય છે (દૃશ્ય) અથવા જે કંઈ પણ સંભળાય છે (શ્રવણ), તે તમામ વસ્તુઓ, જીવો અને તત્વોની અંદર (ભીતર) અને બહાર, બધું જ વ્યાપીને ભગવાન નારાયણ (પરમાત્મા) સદાય બિરાજમાન છે.