પ્રકરણ ૬: સિક્કાની બે બાજુ અને પલટાતો દાવ
શનિવારની એ સોનેરી સાંજ ધીમે ધીમે સોસાયટીના કમ્પાઉન્ડ પર પોતાનો રંગ પાથરી રહી હતી. આર્યન, નિખિલ, જુગલ અને બિશન—ચારેય મિત્રો કોમન પ્લોટની ધૂળિયા જમીન પર કુંડાળું વળીને બેઠા હતા. તેમની વચ્ચે નિખિલનું ચળકતું નવું લાકડાનું બેટ પડ્યું હતું. બેટ તો હાજર હતું, પણ ક્રિકેટની રમત શરૂ થઈ શકે તેમ નહોતી, કારણ કે રમતનો અસલી પ્રાણ એટલે કે 'ટેનિસ બોલ' ગાયબ હતો.
બધાએ સવારે શાળાના દરવાજે એવું નક્કી કર્યું હતું કે કોઈ એક વ્યક્તિ પર બોલ લાવવાનું ભારણ નહીં નાખીએ, પણ ચારેય જણા બે-બે રૂપિયા કાઢીને આઠ રૂપિયા ભેગા કરીશું અને કરસન કાકાની દુકાનેથી નવો ટેનિસ બોલ ખરીદી લઈશું. પણ વાસ્તવિકતા અત્યારે મેદાન પર ખુલ્લી પડી ગઈ હતી. જુગલે ફફડતા અવાજે જાહેર કરી દીધું હતું કે તે પપ્પાના ડરથી પોતાના ભાગના બે રૂપિયા લાવી શક્યો નથી.
જુગલની આ ના સાંભળીને, આખા ગ્રૂપમાં ભલે નિરાશા ફેલાઈ ગઈ હોય, પણ આર્યનના મનમાં એક અનોખો અને ગુપ્ત 'હાશકારો' થયો હતો. મનોમન તેને એક મોટુ આશ્વાસન મળ્યું હતું, ‘હાશ! સારું થયું જુગલે ના પાડી દીધી. વાસ્તવમાં ખુદ હું પણ ક્યાં ઘરેથી બે રૂપિયા લાવી શક્યો છું? મારી પાસે પણ ખિસ્સા ખાલી જ છે. જો જુગલ પૈસા લાવ્યો હોત અને બાકીના બધાએ પોતપોતાના રૂપિયા ટેબલ પર મૂક્યા હોત, તો છેલ્લે મારો જ વાંક નીકળત. બધા મિત્રો મને જ જવાબદાર ગણત અને મને જ ઠપકો આપત કે આર્યન તેં પ્લાન બનાવ્યો ને તું જ પૈસા ન લાવ્યો!’ જુગલની લાચારીએ આજે આર્યનની આબરૂ અને તેનો વટ મિત્રોની વચ્ચે બચાવી લીધા હતા.
જો કે, હિસાબ માંડતા પરિસ્થિતિ હજુ પણ ગંભીર હતી. નિખિલે પોતાના ખિસ્સામાંથી ત્રણ રૂપિયા આપ્યા હતા, બિશને પોતાના ભાગના બે રૂપિયા પ્રામાણિકતાથી જમા કરાવ્યા હતા. કુલ મળીને પાંચ રૂપિયા ભેગા થયા હતા. બોલની કિંમત આઠ રૂપિયા હતી, એટલે કે હજુ ત્રણ રૂપિયા ખૂટતા હતા. કરસન કાકા ઉધારમાં બોલ આપે તેમ નહોતા. હવે ક્રિકેટ રમવું કઈ રીતે? બોલ ક્યાંથી લાવવો? શનિવારની આ કિંમતી સાંજ શું આમ જ વેડફાઈ જશે? આ સવાલો સાથે ચારેય મિત્રો ઊંડા વિચારમાં ડૂબી ગયા. બરાબર એ જ સમયે, સોસાયટીની સામે આવેલી સરકારી શાળાના કમ્પાઉન્ડના લોખંડી દરવાજામાંથી એક મોટો કલરવ સંભળાયો. બાજુની સોસાયટીના છ છોકરાઓ અવાજ કરતા, હલ્લો મચાવતા અને એકબીજાને ચીડવતા સ્કૂલના મેદાનમાં પ્રવેશી રહ્યા હતા. ચારેય મિત્રોની નજર અચાનક એ તરફ ખેંચાઈ. એ છોકરાઓના હાથમાં પ્લાસ્ટિકની પટ્ટી મારેલું બેટ હતું અને એક છોકરાના હાથમાં લાલ ચળકતો નવોસવો ટેનિસ બોલ હતો! તેઓ પણ શનિવારની સાંજનો લાભ લઈને ક્રિકેટ રમવા માટે જ ત્યાં આવ્યા હતા.સામે બોલ જોઈને આર્યનની આંખો ચમકી ઉઠી. તેણે આજુબાજુ નજર દોડાવી અને પોતાના મિત્રો સાંભળે તે રીતે ધીમેથી, ચબરાકીથી કહ્યું, "એલા મિત્રો! જુઓ, આપણું કામ થઈ ગયું! શા માટે આપણે પણ આ બાજુની સોસાયટી વાળા છોકરાઓ જોડે જઈને ક્રિકેટ રમવા ન જઈએ?"
જુગલે તરત જ હકારમાં માથું હલાવ્યું, "વાત તો સાચી છે હો તારી આર્યન! જો આપણે એમની સાથે જોડાઈ જઈએ, તો બોલનો પ્રોબ્લેમ પણ સોલ્વ અને આપણને રમવા પણ મળી જશે." પણ નિખિલે થોડો અણગમો બતાવ્યો. તેણે પોતાના નવા બેટ તરફ જોયું અને કીધું, "અરે ભાઈ, એ લોકો આપણને શું કામ રમાડે? તેઓ ઓલરેડી છ જણા છે. તેમની પોતાની આખી ટીમ છે, તો તેઓને આપણી શું જરૂર હોય? તેઓ સીધી ના જ પાડી દેશે."
"અરે યાર નિખિલ! જમવું હોય તો પહેલાં પાટલે બેસવું પડે અને પ્રયત્ન તો કરવો જ પડે ને? કદાચ આપણો આ જુગાડ કામ કરી જાય!" આર્યને હિંમત આપતાં કહ્યું.
ચારેય મિત્રો કમ્પાઉન્ડની નીચી દીવાલ વટાવીને વચ્ચેનો રસ્તો ક્રોશ કરીને સામેની શાળાના મેદાનમાં એ છોકરાઓ તરફ ગયા. તેમને પોતાની તરફ આવતા જોઈને, બાજુની સોસાયટીના છોકરાઓમાંથી રાકેશ નામના એક છોકરાએ સીધો જ મોરચો સંભાળી લીધો અને અણગમા સાથે બોલ્યો, "એ ભાઈ! જુઓ, અમે આ મેદાન પર પહેલા આવી ગયા છીએ, એટલે પિચ પર પહેલો હક અમારો છે. અમે અહીં જ રમવાના છીએ. તમારે રમવું હોય તો બીજે ક્યાંક જઈને પિચ બનાવો અને રમો!"
નિખિલ આ સાંભળીને ઉશ્કેરાઈ ગયો. તેનો પિત્તો ગયો અને તે કંઈક કડક કહેવા જતો જ હતો કે આર્યને તરત જ નિખિલનો હાથ પકડી લીધો. તેની વાત વચ્ચેથી જ કાપીને આર્યને એકદમ શાંત અને રમતિયાળ અવાજે સામેના છોકરાઓને પૂછ્યું, "અરે ભાઈ, ગરમ કેમ થાઓ છો? આપણે બધા પડોશી જ છીએ ને! કેમ આપણે બધા સાથે ભેગા થઈને ના રમી શકીએ? જો સંખ્યા વધારે હશે તો રમવાની પણ બમણી મજા આવશે, અને કોઈને આ તડકામાં બીજે ક્યાંય નવું મેદાન શોધવા જવું નહીં પડે."
સામેની ટીમમાંથી બીજો એક છોકરો બોલ્યો, "ના ભાઈ ના, આ બેટ અને આ નવો બોલ અમે અમારા પૈસાથી લઈને આવ્યા છીએ. અમે અમારી રીતે છ જણા રમી શકીએ તેમ છીએ. તમે તમારી વ્યવસ્થા જાતે કરો."
આર્યનને બે મિનિટમાં પરિસ્થિતિનો અંદાજ આવી ગયો કે આ લોકો સીધી આંગળીએ ઘી નીકળે તેમ નથી અને આપણને એમ ને એમ રમાડવાના મૂડમાં નથી. આ લોકોને રમવા માટે કેવી રીતે રાજી કરવા, તેનો આઈડિયા આર્યનના ભેજામાં ઝબક્યો. તેણે પાંચ મિનિટ માટે પોતાના ત્રણેય મિત્રોને પિચથી થોડે દૂર, સાઇડમાં લઈ જઈને ગુપ્ત ચર્ચા શરૂ કરી.
"જો ભાઈઓ," આર્યને ધીમા અવાજે કહ્યું, "આપણે એક કામ કરીએ. આ લોકો જોડે એક કડક મેચ રમીએ. એમની ટીમ અને આપણી ટીમ સામસામે રમીએ. જે ટીમ જીતે તે અસલી વિજેતા!"
નિખિલને આ વાત સાંભળીને આઈડિયા તો ગમ્યો, પણ તેના મનમાં સવાલ હતો, "અરે આર્યન, તારી વાત સાચી છે, પણ જે લોકો આપણને સાદા પ્લેયર તરીકે રમાડવાની ના પાડે છે, તેઓ આપણી સાથે સ્પેશિયલ મેચ રમવા કેમ તૈયાર થશે?"
આર્યને તો બધું પહેલેથી જ વિચારી રાખ્યું હતું. તેણે રહસ્યમય રીતે હસીને કહ્યું, "આપણે આ મેચમાં એક નાનું ઇનામ—એટલે કે શરત રાખીશું. જે ટીમ વિજેતા બને તેને હારેલી ટીમ પાંચ રૂપિયા રોકડા ઇનામ આપશે!"
"ના ભાઈ ના! આવી ગેમ તો રમાતી હશે કંઈ?" બિશન તરત જ ભડકી ગયો. તેણે પોતાના ખિસ્સા પર હાથ મૂકતા કહ્યું, "આપણે હારી જ જઈશું તો? આપણા પાંચ રૂપિયા પણ જશે! અરે ભાઈ, આ પાંચ રૂપિયા તો આપણે માંડ માંડ ક્રિકેટનો બોલ લાવવા માટે ભેગા કર્યા છે. જો આ પાંચ રૂપિયા પણ આપણે હારી જઈશું, તો નવો બોલ ક્યારેય નહીં આવે! અને ફરી પછી ક્રિકેટ રમવા માટે બોલ લાવવા માટેના પૈસા ક્યારે ભેગા થશે તેની કોઈ ગેરંટી નથી. હું આજે માંડ બે રૂપિયા લાવ્યો છું, નેક્સ્ટ ટાઇમ મારા ઘરેથી ના પણ મળે! છોડને યાર, આપણે બીજું કંઈક રમીએ."
આર્યને બિશનના ખભા પર હાથ મૂક્યો અને તેને સમજાવતાં કહ્યું, "અરે બિશનિયા! તું પહેલેથી જ હારી જઈશું એવું કેમ વિચારે છે? જરા ઊંધું વિચારી જો, જો આપણે આ મેચ જીતી ગયા, તો આપણી પાસે એમના પાંચ રૂપિયા ઇનામના આવશે. આપણા પાંચ અને એમના પાંચ મળીને કુલ દસ રૂપિયા થશે! આપણી પાસે નવો બોલ લાવવાના આઠ રૂપિયા તો નીકળી જ જશે અને ઉપરથી બે રૂપિયા ભવિષ્યમાં નવો બોલ લાવવા માટેના ફંડ તરીકે બચશે! આપણે કાયમ માટે બોલની ચિંતામાંથી મુક્ત થઈ જઈશું."
નિખિલ આ સાંભળીને કૂદી પડ્યો, "વાહ આર્યન! આ તો જોરદાર સ્કીમ છે. અને આપણે જીતી જ જઈશું, ચિંતા શું કામ કરો છો?"
વાત એમ હતી કે નિખિલ પોતે ક્રિકેટનો બહુ સારો ખેલાડી હતો. ગલી ક્રિકેટમાં તેની બોલિંગ અને બેટિંગ બંનેમાં જોરદાર પ્રદર્શન રહેતું. બીજી બાજુ, આર્યન પોતે સ્પીડ બોલિંગ અને ચપળ ફિલ્ડિંગમાં માસ્ટર હતો અને બેટિંગમાં તે મીડિયમ રમી લેતો, એટલે કે તે ટીમનો અસલી ઓલરાઉન્ડર હતો. જુગલ પણ મીડિયમ બોલિંગ અને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ સારી કરતો હતો. પોતાની ટીમની આ તાકાત જોઈને આર્યનને પૂરો ભરોસો હતો. ઘણી હા-ના, દલીલો અને મગજમારી પછી, આર્યને આખરે બિશન અને જુગલને આ 'પાંચ રૂપિયાની શરત' વાળી મેચ રમવા માટે રાજી કરી લીધા.
ચારેય મિત્રો પૂરા આત્મવિશ્વાસ સાથે ફરીથી સામેની સોસાયટીના છોકરાઓ પાસે ગયા. આર્યને જઈને લાઇનસર ઉભેલા એ છયે છોકરાઓ—જેમના નામ હિતેશ, રવિ, યશ, અમિત, રાકેશ અને ભરત હતા—તેમને આખી યોજના સમજાવી.
"જો ભાઈ, પાંચ રૂપિયાની રોકડી શરત. જે જીતે તેના પાંચ રૂપિયા!" આર્યને સિક્કો હવામાં ઉછાળવાનો ડોળ કરતાં પડકાર ફેંક્યો.
પાંચ રૂપિયાની શરત અને મેચ રમવાની વાત સાંભળીને સામેના છોકરાઓને પણ ભારે મજા પડી ગઈ. તેમનો રોમાંચ વધી ગયો અને તેઓ પણ આ શરત સ્વીકારવા તૈયાર થઈ ગયા. પણ અહીં એક નવો નિયમ આડો આવ્યો. ક્રિકેટની મેચ રમવી હોય તો બંને ટીમમાં સરખા સભ્યો હોવા જરૂરી છે. આર્યનની ટીમમાં માત્ર ચાર જ ખેલાડી હતા (આર્યન, નિખિલ, બિશન, જુગલ) જ્યારે સામેની ટીમમાં છ ખેલાડીઓ હતા.
આર્યને તરત જ વિનંતી કરી, "જુઓ ભાઈ, તમારી ટીમમાં છ જણા છે અને અમારી ટીમમાં ચાર. મેચ સરખી કરવી હોય તો તમારામાંથી એક ખેલાડી અમારે ત્યાં રમવા માટે આપવો પડશે."
સામેની ટીમમાં ઉભેલો ભરત વાસ્તવમાં આર્યનની શાળામાં તેની જ સાથે એક જ ક્લાસરૂમમાં ભણતો હતો. આર્યને તરત જ દોસ્તીનો કાર્ડ રમ્યો, "અરે ભરત, તું તો મારો ક્લાસમેટ છે યાર! ચલ, તું અમારી ટીમ તરફથી રમવા આવી જા." ભરત પણ હસતાં હસતાં મિત્રતાના નામે આર્યનની ટીમમાં જોડાવા સંમત થઈ ગયો. હવે બંને ટીમોમાં પાંચ-પાંચ સભ્યો થઈ ગયા હતા.
સામેની ટીમના પાંચેય જણા (રાકેશ, હિતેશ, રવિ, યશ, અમિત) પોતપોતાનો એક-એક રૂપિયો કાઢીને પાંચ રૂપિયાનું ફંડ ભેગું કરવા સંમત થઈ ગયા હતા. ભરતને આર્યનની ટીમમાં આવવાને કારણે પોતાના ખિસ્સામાંથી કોઈ ફાળો આપવાનો રહેતો નહોતો, અને અહીં આર્યનની ટીમ પાસે પણ ઓલરેડી પાંચ રૂપિયા ભેગા થયેલા જ હતા, એટલે ભરત પર કોઈ આર્થિક બોજ નહોતો. તેને તો બસ એક 'ન્યુટ્રલ' પ્લેયર તરીકે પોતાની અસલી રમત બતાવવાની હતી.
મેચ શરૂ થતાં પહેલાં, ગલી ક્રિકેટના એવા અનોખા અને કડક 'દેશી નિયમો' નક્કી કરવામાં આવ્યા, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નિયમો કરતાં પણ વધારે મજબૂત હતા! બંને ટીમના કેપ્ટન—આર્યન અને રાકેશે પિચની વચોવચ ઊભા રહીને એકબીજાની સંમતિથી આ મુજબના કાયદા જાહેર કર્યા:
ગલી ક્રિકેટના કડક દેશી નિયમો:
બેટની જવાબદારી (તૂટે તો દંડ):
રમતી વખતે જો કોઈ બેટ્સમેન અણઘડ રીતે શૉટ મારે અને નિખિલનું નવું લાકડાનું બેટ અથવા સામેની ટીમનું બેટ તૂટી જાય, તો જે તે બેટ્સમેને અથવા તેની આખી ટીમે ભેગા થઈને નવું બેટ ખરીદવાના પૈસા આપવાના રહેશે. કોઈ બહાનું ચાલશે નહીં.
બોલ ખોવાય તો બેટ્સમેનની આફત:
જો કોઈ બેટ્સમેન જોરદાર હિટ કરે અને બોલ સામેના ઝાડી-ઝાંખરામાં, કાંટામાં અથવા ગંદી ગટરમાં જાય, તો બોલ શોધવા જવા માટે કોઈ ફિલ્ડર નહીં જાય! જે તે બેટ્સમેને પોતે જ ગટરમાં હાથ નાખીને કે કાંટા સહન કરીને બોલ શોધીને બહાર લાવી આપવાનો રહેશે.
બોલ ફાટી જાય કે તૂટી જાય કે ખોવાઈ જાય તો?:
રમતા રમતા જો ટેનિસ બોલ ફાટી જાય, તેની રબરની સિલાઈ તૂટી જાય અથવા સાવ રમાય એવો ન રહે અથવા ખોવાઈ જાય, તો જે-તે ટીમનાં ખેલાડી દ્વારા અથવા તેની ટીમ દ્વારા નવો બોલ લાવી આપવાનો રહેશે.
દલીલો અને અમ્પાયરનો આખરી નિર્ણય:
પિચની પાછળ ઉભેલો લેગ-અમ્પાયર જે નિર્ણય આપશે તે જ આખરી ગણાશે અને એમ્પાયર પણ બેટિંગ કરનાર ટીમનો જ રહેશે પણ તેની ફરજ એક ન્યુટ્રલ વ્યક્તિ તરીકે જ બજાવશે. એલ.બી.ડબલ્યુ. (LBW) જેવો કોઈ નિયમ ગલી ક્રિકેટમાં રાખવામાં આવ્યો નહોતો, માત્ર બોલ્ડ, કેચ અને રન-આઉટ જ માન્ય ગણાશે.
આ નિયમો સાંભળીને બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સામે જોઈને હામી ભરી, કારણ કે આ નિયમો જ ગલી ક્રિકેટની અસલી મજા અને રોમાંચ હતા!
બંને ટીમો તમામ નિયમો પર સંમત થઈ ગઈ. આર્યનની ટીમનો કેપ્ટન ખુદ આર્યન બન્યો અને સામેની ટીમનો કેપ્ટન રાકેશ બન્યો. ગલી ક્રિકેટના નિયમ મુજબ સૌથી પહેલાં તો ટીમના કડક નામ રાખવાના હતા.
આર્યને ગર્વથી પોતાની ટીમનું નામ રાખ્યું: 'નીલકંઠ વોરિયર્સ' (તેમની સોસાયટીના નામ પરથી).
જ્યારે રાકેશે પોતાની ટીમનું નામ રાખ્યું: 'સ્વસ્તિક ફાઇવ'. (આ પણ તેમની સોસાયટીના નામ પરથી).
હવે સમય હતો મેચની શરૂઆતનો—એટલે કે ટૉસ ઉછાળવાનો. રાકેશે પોતાના ખિસ્સામાંથી પચાસ પૈસાનો એક ઘસાયેલો સિક્કો કાઢ્યો. આર્યને 'છાપ' માંગી. સિક્કો હવામાં ગોળ-ગોળ ફરતો નીચે ધૂળમાં પડ્યો. રાકેશે ધૂળ હટાવીને જોયું તો તેના પર 'કાટો' આવ્યો હતો!
ટૉસ જીતતાં જ કેપ્ટન રાકેશના ચહેરા પર વિજયનું સ્મિત આવી ગયું અને તેનો ઉત્સાહ બેવડાઈ ગયો. તેણે જરાય સમય બગાડ્યા વગર મોટેથી જાહેરાત કરી, "અમે ટૉસ જીતી ગયા છીએ અને આ પિચ પર અમે પહેલા બેટિંગ કરીશું! તમે લોકો ફિલ્ડિંગમાં ગોઠવાઈ જાઓ." આર્યનને મેચની પહેલી જ પળમાં નિષ્ફળતા મળી હતી, પણ તેનો ઉત્સાહ ઓછો નહોતો થયો. તેણે પોતાના મિત્રોને ઈશારો કર્યો, "કાંઈ વાંધો નહીં ભાઈઓ, ફિલ્ડિંગ કડક ભરીશું!"
પ્રથમ ઇનિંગ્સ: 'સ્વસ્તિક ફાઇવ'ની આક્રમક બેટિંગ (૧૦ ઓવરની મેચ)
બંને ટીમો વચ્ચે ૧૦-૧૦ ઓવરની કડક ગલી મેચ નક્કી થઈ હતી. શાળાના મેદાનની પિચ પર ઈંટો ગોઠવીને ત્રણ વિકેટ બનાવવામાં આવી હતી. આર્યને પોતાની ટીમ 'નીલકંઠ વોરિયર્સ'ને મેદાન પર ગોઠવી દીધી. જુગલને બાઉન્ડ્રી પર લોન્ગ-ઓન તરફ મોકલ્યો, બિશનને લેગ-સાઇડમાં ઊભો રાખ્યો અને ન્યુટ્રલ પ્લેયર ભરતને પોઇન્ટ પર ગોઠવ્યો. નિખિલે પહેલી ઓવર ફેંકવા માટે નવો ટેનિસ બોલ હાથમાં લીધો.
સામેની ટીમ 'સ્વસ્તિક ફાઇવ' તરફથી કેપ્ટન રાકેશ અને હિતેશ ઓપનિંગ બેટિંગમાં આવ્યા. નિખિલે રન-અપ લીધો અને પહેલો બોલ ફેંક્યો. રાકેશે બેટ ઘુમાવ્યું પણ બોલ સીધો આર્યનના હાથમાં ગયો—ડોટ બોલ!
"શાબાશ નિખિલ! એવો જ રાખ, રન આપવાના નથી!" આર્યને વિકેટ પાછળથી બૂમ પાડી.
પરંતુ ત્રીજા બોલે રાકેશ સેટ થઈ ગયો. નિખિલના શોર્ટ-પીચ બોલ પર રાકેશે જોરદાર ફટકો માર્યો અને બોલ સીધો શાળાના કમ્પાઉન્ડની દીવાલની બહાર—જોરદાર સિક્સર! સામેની ટીમના છોકરાઓ તાળીઓ પાડવા લાગ્યા, "ઓહોહો... રાકેશભાઈ... જબરદસ્ત!"
પહેલી ૩ ઓવરમાં 'સ્વસ્તિક ફાઇવ'નો સ્કોર વગર વિકેટે ૨૪ રન થઈ ગયો. રાકેશ અને હિતેશ ફોર્મમાં દેખાતા હતા. ગલી ક્રિકેટના નિયમ મુજબ જો બોલ ગટરમાં જાય તો જેણે માર્યો હોય તેણે જ શોધવા જવું પડતું, એટલે હિતેશે એકવાર બોલ ઝાડીઓમાં માર્યો ત્યારે તેને શોધવામાં પાંચ મિનિટ બગાડવી પડી.
ચોથી ઓવરમાં આર્યન પોતે બોલિંગ કરવા આવ્યો. તેનો અવાજ જેટલો ઘેરો હતો, તેની બોલિંગ પણ એટલી જ ધારદાર હતી. તેણે પહેલો જ બોલ એકદમ ફાસ્ટ અને યોર્કર ફેંક્યો. હિતેશ કઈ સમજે તે પહેલાં બોલ સીધો ઈંટોની વિકેટ સાથે અથડાયો—ખખડધડ! વિકેટ પડી ગઈ!
"આઉટ હોઓો... ચલ ભાઈ, ચાલતો થા!" બિશન અને જુગલ રાડ પાડી ઉઠ્યા. 'નીલકંઠ વોરિયર્સ'ને પહેલી સફળતા મળી.
ત્યારબાદ બેટિંગમાં અમિત આવ્યો. અમિતે આવતાની સાથે જ સિંગલ-ડબલ રન લેવાનું શરૂ કર્યું. ૬ ઓવરના અંતે સ્કોર ૧ વિકેટે ૪૮ રન હતો. મેચ ખૂબ જ રસાકસી ભરી ચાલી રહી હતી. દરેક બોલ પર ગલી ક્રિકેટ જેવી દલીલો થતી હતી—
"એય! આ વાઇડ બોલ છે, અમ્પાયર સરખો જો ને!" સામેની ટીમનો રવિ બહારથી બૂમ પાડતો.
"શાનો વાઇડ? લાઇન પરથી જ ગયો છે, બેટિંગ નથી આવડતી તો વાઇડના બહાના શું કામ કાઢો છો?" બિશને લેગ-અમ્પાયર તરીકે કડક અવાજે દલીલ કાપી.
૮મી ઓવરમાં જુગલે એક શાનદાર કેચ પકડ્યો. રાકેશે હવામાં મોટો શૉટ માર્યો હતો, પણ લોન્ગ-ઓન પર ઉભેલા જુગલે પાછળ દોડીને હવામાં કૂદકો મારીને અદ્ભુત કેચ પકડી લીધો. રાકેશ 3૫ રન બનાવીને આઉટ થયો.
છેલ્લી ૨ ઓવરમાં યશ અને રવિએ થોડી આક્રમક બેટિંગ કરી. તેમણે નિખિલની ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા. આખરે ૧૦ ઓવર પૂરી થઈ ત્યારે 'સ્વસ્તિક ફાઇવ'ની ટીમે ૨ વિકેટ ગુમાવીને કુલ ૭૫ રન બનાવ્યા હતા અને 'નીલકંઠ વોરિયર્સ'ને જીતવા માટે ૭૬ રનનો મજબૂત ટાર્ગેટ આપ્યો હતો. ગલી ક્રિકેટના હિસાબે ૧૦ ઓવરમાં ૭૬ રન ચેઝ કરવા એ કોઈ નાની વાત નહોતી.
દ્વિતીય ઇનિંગ્સ: 'નીલકંઠ વોરિયર્સ'નો વળતો પ્રહાર
બંને ટીમો વચ્ચે પાંચ મિનિટનો નાનો બ્રેક પડ્યો. આર્યનની ટીમના પાંચેય ખેલાડીઓ ભેગા થયા. ૭૬ રનનો સ્કોર જોઈને બિશનના ચહેરા પર ફરી ચિંતાની રેખાઓ દેખાવા લાગી, "યાર આર્યન, ટાર્ગેટ બહુ મોટો છે. જો આપણે હારી જઈશું તો આપણા પાંચ રૂપિયા..."
"અરે બિશન, તું હજુ પણ એ પાંચ રૂપિયા પર જ અટકેલો છે?" નિખિલે પોતાનું બેટ હવામાં ફેરવતાં આત્મવિશ્વાસથી કહ્યું, "૭૬ રન કંઈ બહુ મોટા નથી. હું ઓપનિંગમાં જઈને સ્કોર લાઇન પર લાવી દઈશ, તું ચિંતા ના કર."
આર્યને ઓપનિંગ બેટિંગમાં નિખિલ અને ન્યુટ્રલ પ્લેયર ભરતને મોકલ્યા. સામેની ટીમ તરફથી પહેલી ઓવર ફેંકવા અમિત આવ્યો.
નિખિલે સ્ટ્રાઇક લીધી. અમિતના પહેલા જ બોલને નિખિલે ઓન-ડ્રાઇવ કરીને સીધો શાળાના ઓટલા પર મોકલી દીધો—ભવ્ય ચોગ્ગો!
"જીઓ નિખિલ! ફાડી નાખ આજે!" કમ્પાઉન્ડ ના એક ખૂણે થી ઝાડ નીચે બેઠેલાં જુગલે રાડ પાડી.
બીજા બોલ પર નિખિલે બે રન લીધા. પરંતુ ત્રીજા બોલે અમિતે એક સુંદર ઇન-સ્વિંગ બોલ નાખ્યો અને નિખિલ મોટો શૉટ મારવાની લાલચમાં ક્લીન બોલ્ડ થઈ ગયો! 'નીલકંઠ વોરિયર્સ'નો સૌથી મોટો બેટ્સમેન માત્ર ૬ રન બનાવીને પેવેલિયન (ઝાડ નીચે) પાછો ફર્યો. ટીમ પર અચાનક દબાણ આવી ગયું.
હવે ત્રીજા નંબરે ખુદ કેપ્ટન આર્યન બેટિંગ કરવા આવ્યો. સામે ભરત ઉભો હતો. બંનેએ સમજી-વિચારીને રમત આગળ વધારી. ભરતે અમિતની ઓવરમાં એક સિક્સર મારીને રન રેટ જાળવી રાખ્યો. ૫ ઓવરના અંતે 'નીલકંઠ વોરિયર્સ'નો સ્કોર ૧ વિકેટે ૩૮ રન હતો. જીતવા માટે હજુ ૫ ઓવરમાં ૩૮ રનની જરૂર હતી.
૬ઠ્ઠી ઓવર ફેંકવા રાકેશ પોતે આવ્યો. તેણે પોતાની ઓવરના બીજા જ બોલ પર ભરતને કેચ આઉટ કરાવી દીધો. ભરત ૧૮ રન બનાવીને આઉટ થયો. હવે મેદાન પર બિશન આવ્યો. બિશન બેટિંગમાં સાવ કાચો હતો, પણ તે બોલને રોકવામાં (ડિફેન્સ કરવામાં) માસ્ટર હતો. તેણે આર્યનને સિંગલ રન આપવાનું ચાલુ રાખ્યું. ૮ ઓવર પૂરી થઈ ત્યારે સ્કોર ૨ વિકેટે ૫૮ રન હતો.
હવે છેલ્લી ૨ ઓવર (૧૨ બોલ) બાકી હતી અને જીતવા માટે ૧૮ રનની જરૂર હતી! મેદાન પર ભારે તણાવ હતો. બંને ટીમના છોકરાઓના જીવ તાળવે ચોંટ્યા હતા.
૯મી ઓવર નાખવા રવિ આવ્યો. રવિનો પહેલો બોલ વાઇડ ગયો.
"એય! આ વાઇડ છે!" આર્યને બેટ ઊંચું કરીને અમ્પાયરને કહ્યું.
"હા, વાઇડ છે!" અમ્પાયરે પણ ઈશારો કર્યો. સામેની ટીમ થોડી નારાજ થઈ, પણ નિયમ એ નિયમ હતો.
આગળના બોલ પર આર્યને મિડ-વિકેટ તરફ જોરદાર ચોગ્ગો ફટકાર્યો! હવે ૯ બોલમાં ૧3 રનની જરૂર હતી. પણ રવિએ કમબેક કર્યું અને પછીના ત્રણ બોલ ડોટ નાખ્યા. ઓવરના છેલ્લા બોલ પર બિશન સિંગલ લેવા દોડ્યો, પણ સામેની ટીમના ફિલ્ડરે ડાયરેક્ટ થ્રો માર્યો અને બિશન રન-આઉટ થઈ ગયો! બિશન રડમસ ચહેરે બહાર ગયો અને હવે છેલ્લા નંબરે જુગલ બેટિંગમાં આવ્યો. ૯મી ઓવર પૂરી થઈ ત્યારે સ્કોર હતો ૬૩ રન.
હવે છેલ્લી ઓવર (૬ બોલ) માં જીતવા માટે ૧૩ રનની અતિ કટોકટીની જરૂર હતી. સામેની ટીમ તરફથી છેલ્લી ઓવર ફેંકવાની જવાબદારી કેપ્ટન રાકેશે પોતે લીધી. ક્રિકેટની અસલી ગલી ફાઇટ હવે શરૂ થવાની હતી.
પહેલો બોલ: રાકેશે ફાસ્ટ બોલ નાખ્યો. આર્યને લેગ સાઇડમાં બેટ ઘુમાવ્યું, પણ બોલ બેટની કિનારી લઈને પાછળ ગયો. આર્યન અને જુગલે દોડીને ફટાફટ બે રન પૂરા કર્યા. (હવે ૫ બોલમાં ૧૧ રન)
બીજો બોલ: રાકેશે શોર્ટ બોલ નાખ્યો. આર્યને પોઝિશન લીધી અને પૂરી તાકાતથી હવામાં શૉટ માર્યો. બોલ હવામાં બહુ ઊંચો ગયો અને સીધો સ્કૂલની અગાશી પર... જોરદાર સિક્સર!!! "ઓ હો હો... આર્યન તેં તો કમાલ કરી દીધી!" ઝાડ નીચેથી નિખિલ અને બિશન હવામાં કૂદકા મારવા લાગ્યા. સામેની ટીમના ચહેરા ઉતરી ગયા. (હવે ૪ બોલમાં ૫ રન)
ત્રીજો બોલ: રાકેશે પ્રેશરમાં આવીને યોર્કર નાખવાનો પ્રયત્ન કર્યો, પણ બોલ ફુલટોસ થઈ ગયો. આર્યને તેને સીધો સ્ટેટ ડ્રાઇવ માર્યો. બોલ બાઉન્ડ્રી તરફ ગયો પણ ફિલ્ડરે અદ્ભુત ફિલ્ડિંગ કરીને ચોગ્ગો રોક્યો. આર્યને દોડીને બે રન લીધા. (હવે ૩ બોલમાં ૩ રન)
ચોથો બોલ: રાકેશે કમબેક કર્યું. એકદમ ઓફ-સ્ટમ્પની બહાર બોલ નાખ્યો, આર્યન બીટ થયો—ડોટ બોલ! સામેની ટીમમાં ફરી જીવ આવ્યો, "શાબાશ રાકેશ! બસ બે બોલ બાકી છે!" (હવે ૨ બોલમાં ૩ રન)
પાંચમો બોલ: રાકેશના આ બોલ પર આર્યને સિંગલ લેવા માટે બોલને હળવા હાથે રમ્યો. જુગલ ક્રીઝની બહાર દોડી આવ્યો. સામેના ફિલ્ડરે બોલ પકડીને વિકેટ પર માર્યો પણ જુગલ ડાઇવ મારીને બચી ગયો. એક રન મળી ગયો, પણ હવે સ્ટ્રાઇક પર જુગલ આવી ગયો હતો! (હવે ૧ બોલમાં ૨ રનની જરૂર)
મેદાન પર શ્વાસ રોકી દેનારો માહોલ હતો. છેલ્લો ૧ બોલ અને જીતવા માટે ૨ રન, જો ૧ રન થાય તો મેચ ટાઇ થાય. આખી મેચની બાજી હવે જુગલના હાથમાં હતી જે ઓલરેડી ભારે દબાણમાં હતો.
રાકેશે રન-અપ લીધો અને મેચનો છેલ્લો બોલ ફેંક્યો. જુગલે આંખો બંધ કરીને પૂરી તાકાતથી બેટ હવામાં આડેધડ ફેરવ્યું. બોલ બેટની મધ્યમાં બરાબર અથડાયો—ટનન્ન... અને બોલ કવર્સની ઉપરથી હવામાં ઉડ્યો. સામેની ટીમનો ફિલ્ડર બોલની પાછળ દોડ્યો, પણ બોલ તેના હાથમાં ન આવ્યો અને બાઉન્ડ્રી લાઇનને સ્પર્શી ગયો—જોરદાર ચોગ્ગો!!!
"જીતી ગયાાા... અમે જીતી ગયા!!!" નિખિલ, બિશન અને ભરત દોડતા મેદાનની અંદર આવી ગયા અને જુગલને ઊંચકી લીધો. 'નીલકંઠ વોરિયર્સ' એ કટોકટીની પળોમાં રાકેશની ટીમ 'સ્વસ્તિક ફાઇવ' દ્વારા આપેલો ૭૬ રનનો સ્કોર ચેઝ કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો.
સામેની ટીમના કેપ્ટન રાકેશે ભારે હૈયે પણ ખેલદિલી બતાવી. તેણે પોતાના ખિસ્સામાંથી ભેગા કરેલા પાંચ રૂપિયા (એક-એક રૂપિયાના પાંચ સિક્કા) કાઢ્યા અને વિજેતા ટીમના કેપ્ટન આર્યનના હાથમાં મૂક્યા.
"ખૂબ સરસ રમ્યા યાર તમે લોકો, ખાસ કરીને આર્યનની એ સિક્સર અને જુગલનો છેલ્લો ચોગ્ગો જોરદાર હતો," રાકેશે હસીને પીઠ થાબડી.
આર્યને એ પાંચ રૂપિયા હાથમાં લીધા ત્યારે તેના ચહેરા પર સુપરહીરો 'જૂનિયર-જી' જેવો જ વિજયી સંતોષ હતો. તેણે પોતાના ખિસ્સામાં રહેલા પહેલાના પાંચ રૂપિયા (જે નિખિલ અને બિશનના હતા) અને આ જીતેલા પાંચ રૂપિયા ભેગા કર્યા. કુલ મળીને હવે તેમની પાસે દસ રૂપિયા રોકડા થઈ ગયા હતા!
"જોયું બિશનિયા!" આર્યને સિક્કા હવામાં રણકાવતા કહ્યું, "આપણે જીતી પણ ગયા, ક્રિકેટ રમવાની મજા પણ આવી ગઈ અને હવે આપણી પાસે નવો બોલ ખરીદવા માટે દસ રૂપિયા પણ છે!"
બિશન અને જુગલના ચહેરા પર હવે કોઈ ડર નહોતો, બસ જીતનો અનોખો ઉત્સાહ હતો. શનિવારની એ સાંજ હવે અંધારામાં ફેરવાઈ રહી હતી અને આકાશમાં તારા ચમકવા લાગ્યા હતા. ચારેય મિત્રો પોતાના હાથમાં બેટ અને ખિસ્સામાં વિજયી સિક્કા લઈને હસતા-હસતા, વાતો કરતા પોતપોતાના ઘર તરફ રવાના થયા. આવતીકાલે રવિવારની આખા દિવસની આઝાદી તેમની રાહ જોઈ રહી હતી અને હવે તેમની પાસે પોતાનો નવો બોલ ખરીદવાના પૈસા પણ હતા! બાળપણની એ સાંજ ખરેખર સોનાની બની ગઈ હતી.
પ્રકરણ ૬ નો અંત. (ક્રમશ: )