Haunted 3D in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | હોન્ટેડ 3D

Featured Books
Categories
Share

હોન્ટેડ 3D

હોન્ટેડ 3D
-રાકેશ ઠક્કર

         બોલિવૂડમાં હોરર ફિલ્મો બનાવવી અને દર્શકોને સાચે જ ડરાવવા એ હંમેશાં પડકારજનક રહ્યું છે. વિક્રમ ભટ્ટના પ્રોડક્શન હેઠળ અને મિમોહ ચક્રવર્તીના મુખ્ય અભિનય સાથે હોરર થ્રિલર ફિલ્મ ‘હોન્ટેડ 3D’ ના હકારાત્મક પાસાઓની વાત કરીએ તો આ ફિલ્મમાં 3D સિનેમાનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે તે થિયેટરમાં ચશ્મા પહેરીને મોટા પડદા પર જોવો ગમે તેવો છે. કેમેરાના કેટલાક એંગલ્સ અને ફ્રેમિંગ 3D ઇફેક્ટને ન્યાય આપવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. આ ઉપરાંત હોરર ફિલ્મોની જાન ગણાતા બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સાઉન્ડ ઇફેક્ટ્સ પર સારું કામ થયું છે. થિયેટરના સાઉન્ડ સ્પીકર્સમાંથી આવતા અચાનક ડરામણા અવાજો, ચીસો અને રહસ્યમય સંગીત દર્શકોને સીટ પર જકડી રાખવામાં કે ક્યારેક ચમકાવવામાં સફળ નીવડે છે. મિમોહ ચક્રવર્તીએ સારું કામ કર્યું છે. અલબત્ત નબળા લેખન સામે તે બહુ ઓછું કરી શક્યો છે. ચેતના પાંડે ઠીક છે. તેણીને હજુ પણ તેના અભિનયમાં સુધારો કરવાની જરૂર છે. હેમંત પાંડે અને પ્રણીત ભટ્ટે સારું કામ કર્યું છે. મનવીર ચૌધરી અને શ્રુતિ પ્રકાશ પોતપોતાની ભૂમિકામાં સારા છે. ડરના દ્રશ્યોમાં કલાકારોના ચહેરાના હાવભાવ ઘણી જગ્યાએ વાસ્તવિક લાગે છે અને તેઓ દર્શકો સાથે કનેક્ટ થવાનો પૂરો પ્રયત્ન કરે છે.

         આ સારા પાસા સામે ફિલ્મના નરસા કે નબળા પાસાઓનું પલ્લું ઘણું વધારે ભારે દેખાઈ આવે છે. સૌથી મોટી ખામી તેની સાવ ઘસાઈ ગયેલી અને આઉટડેટેડ વાર્તા છે. એ જ વર્ષો જૂની પુરાણી હવેલી, તેના બંધ રૂમ, રખડતી આત્માઓ, પુનર્જન્મોનું કનેક્શન અને આ બધાની વચ્ચે વગર કારણે વણી લેવામાં આવેલો બોલ્ડ સીન્સ અને હવસનો તડકો દર્શકોને બિલકુલ નવું કશું જ આપી શકતો નથી. આજના ડિજિટલ યુગમાં દર્શકો આ પ્રકારના વિષયોથી કંટાળી ચૂક્યા છે. વાર્તામાં લોજિક એટલે કે તર્કનો ભારે અભાવ વર્તાય છે.

         વાર્તામાં તર્ક (Logic) ની ભારે કમી છે. ફિલ્મનો હીરો પોતાના જીવનનું કોઈ મોટું દુઃખ ભુલવા માટે અને લોકોથી દૂર એકલા રહેવા માટે કોઈ શાંત રિસોર્ટ કે હોટલ બુક કરવાને બદલે, સીધો ૨૦૦ રૂમવાળો એક વિશાળ અને મોંઘો મહેલ ભાડે રાખે છે, જે વાત ગળે ઉતરવી મુશ્કેલ છે. આટલું ઓછું હોય તેમ મહેલમાં કોઈ નકારાત્મક ભૂતિયા શક્તિ હોવાની શરૂઆતની પાંચ જ મિનિટમાં ખબર પડી જવા છતાં પાત્રો પોતાની હિરોપંતી બતાવવા ત્યાં જ રોકાઈ રહે છે, જે જોઈને ડરવાને બદલે દર્શકોને હસવું આવી જાય છે.

         સૌથી નબળું અને ચોંકાવનારું પાસું તેનું VFX એટલે કે ગ્રાફિક્સ વર્ક છે. આજના આધુનિક સિનેમાના જમાનામાં જ્યાં ગ્રાફિક્સ ખૂબ જ ઉચ્ચ સ્તરના જોવા મળે છે, ત્યાં આ ફિલ્મમાં બતાવાયેલી ગાડી, રસ્તાઓ, હોસ્પિટલનો સીન કે રસ્તા પરની નાની ચાની ટપરી પણ સ્પષ્ટપણે નકલી દેખાય છે. આ આખા દ્રશ્યો ગ્રીન સ્ક્રીન અથવા ક્રોમા સ્ટુડિયોમાં શૂટ કરીને પાછળથી કમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવ્યા હોય તેવા એટલા નબળા લાગે છે કે દર્શક ફિલ્મ સાથે એકરૂપ થઈ શકતો નથી.

         આ ફિલ્મ જોયા પછી થિયેટરમાંથી જ્યારે હાઉસફુલ પબ્લિક બહાર નીકળે છે, ત્યારે તે ડરીને નહીં પણ કંટાળીને કે માથું પકડીને બહાર આવતી દેખાય છે. કન્ટેન્ટના મામલે આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી નથી ઉતરી. આજના સ્માર્ટ દર્શકો હવે નબળા કન્ટેન્ટને સ્વીકારવા તૈયાર નથી. ટૂંકમાં કહીએ તો, આ ફિલ્મ ડરાવવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે ખરી પણ તેનું નબળું પ્રદર્શન, વાર્તાની ખામીઓ અને નકલી વિઝ્યુઅલ્સના કારણે તે એક કોમેડી સમાન ભાસે છે. થિયેટરમાં ચશ્મા પહેરીને મોટા પડદા પર હોરર સીન્સ જોવાનો અનુભવ સામાન્ય ફિલ્મો કરતાં કંઈક અલગ અને રોમાંચક લાગે છે. માત્ર 3D ચશ્મા પહેરીને સાદો મનોરંજનનો અનુભવ કરવો હોય તો જ આ ફિલ્મ જોવા જેવી છે. બાકી પોતાના સમય અને પૈસા બચાવવા માટે આ ફિલ્મથી દૂર રહેવું જ હિતાવહ છે.