અને બીજા દિવસથી મારી દોડધામ શરૂ થઈ ગઈ. મારે ઘરેથી સાડા છ વાગ્યે નીકળી જવું પડે જેથી મારી શાળાએ હું સાત વાગ્યા પહેલા પહોંચી શકું. ત્યાંથી નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવી લગભગ પોણા નવ વાગ્યે નીકળી જ્યાં ટ્યુશન કરાવતી ત્યાં જતી અને એ પતાવીને પછી કોલેજ જતી. કોલેજનો સમય સાડા દસથી પાંચ વાગ્યા સુધીનો હતો. હું સવારથી જ ટિફિન લઈ નીકળી જતી. કોલેજમાં બપોરે રિસેષના સમયમાં ખાઈ લેતી. પછી પાંચ વાગ્યે છૂટીને બજારમાંથી કંઈ લેવાનું હોય એ લઈને ઘરે પહોંચી જતી. ઘરે પણ તો સાંજે ટ્યુશન ચાલુ હતું. અને એ પતાવતા મને સાડા આઠ થઈ જતા. પછી ખાઈને પરવારીને આપણા દિકરા દિકરીને ભણાવવા બેસતી. મારે એમની પાછળ વધારે સમય આપવો પડતો ન હતો મોટે ભાગે તેઓ જાતે જ બધું કરી લેતા હતા. આ એ સમય હતો જ્યારે મારી પાસે કંઈ પણ વિચારવાનો સમય ન હતો. ઘડિયાળના કાંટાની જેમ મારું જીવન દોડતું થઈ ગયું હતું. રાતે સાડા દસ થી સવારે પાંચ સુધીમાં જે આરામ મળતો તે જ. પછી આખો દિવસ એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજીથી ત્રીજી જગ્યાએ, ત્રીજી થી ચોથી જગ્યાએ સતત ચાલતા રહેવાનું હતું. પણ મને એનો થાક નહોતો લાગતો કારણ કે મહિનાના અંતે દરેક જગ્યાએથી મને પૈસા મળવાના હતા. જે આપણા દિકરા દિકરીના ભવિષ્ય માટે જરૂરી હતા. ઘરના કામ મમ્મીએ કહ્યું હતું એમ એ બધું જ સંભાળી લેતા હતા. મારે ફક્ત એ મને કહે એટલું લાવી આપવાનું હતું. અને ખરેખર ત્યારથી ઘરમાં મારી જે આવક શરૂ થઈ એનાથી એટલો ફરક પડ્યો કે મમ્મી કંઈ પણ મંગાવે તો મારે વિચારવું પડતું ન હતું. જે મંગાવે તે હું બીજા દિવસે હાજર કરી દેતી હતી. એ જ સમયે મારી ભાભીને સારા દિવસો જતા હતા. બધું સારું હતું. કોઈ જ ટેન્શન ન હતું. તમારે તમારી નોકરી સિવાય બીજું કંઈ વિચારવાનું ન હતું. કારણ કે બધું જ મેં સંભાળી લીધું હતું. રક્ષાબંધન આવી. આ વખતે મમ્મીએ કહ્યું કે હવે તું વધારે કમાય છે તો બેનને રક્ષાબંધનમાં વધારે પૈસા આપજે. મને પણ લાગ્યું કે વાંધો નહીં આપવા જોઈએ અને તમે બેનને વધારે પૈસા આપ્યા હતા. પણ પછી બેન જ્યારે જવા નીકળ્યા ત્યારે મમ્મીએ કહ્યું કે ભાણી અને ભાણાના કપડા લેવા માટે પૈસા આપી દે. તમે તરત જ એમને પૈસા આપ્યા તો બેન બોલ્યા કંઈ નહીં આમાંથી હું એક જણના કપડા લઈ લેવા. એનો મતલબ એવો થયો કે એમને એ પૈસા ઓછા પડ્યા હતા. અને તમે મારી સામે જોયું કે બીજા પૈસા હોય તો આપી દઈએ. અને મારી પાસે જે પૈસા હતા એ તમને આપી દીધા. પણ તમે એમ ન પૂછ્યું કે હવે તારી પાસે બીજા પૈસા છે કે નહીં ? બેન કે મમ્મી પણ એમ ન બોલ્યા કે ના હવે બીજા પૈસા ન આપ. આપણે રક્ષાબંધન નિમિત્તે જે પૈસા બચાવ્યા હતા તેનાથી વધારે વપરાય ગયા. એટલે મેં તમને કહ્યું કે બેન જે મિઠાઈ નું બોક્સ લાવ્યા છે તે જ મારા ઘરે લઈ જઈએ જેથી મિઠાઈના પૈસા બચી જાય. પણ મમ્મીએ ના પાડી. કે ના તું તારા ઘરે બીજી મિઠાઈ લઈ જા. બેન જે લાવે એ મિઠાઈ તો મોંઘી હોય એ નથી લઈ જવાની તારા ઘરે. મને નવાઈ લાગી એમના આ શબ્દોથી. પણ એમની સામે તો કશું બોલાય નહીં. એટલે હું બજારમાંથી સાદા પેંડા લઈ ગઈ હતી મારા ઘરે. મારા ઘરે આમ પણ કોઈ પૂછવાનું ન હતું કે તું કઈ મિઠાઈ લાવી છે ? હું ઘરે જઈને આવી ગઈ. ઘરે બધું સારું હતું. ભાભીને કંઈ કેટલીયે દવા કર્યા પછી સારા દિવસો જઈ રહ્યા હતા એટલે ઘરના બધા જ એને સાચવતા હતા. હું ઘરે આવી ગઈ. મમ્મીએ પૂછ્યું કે ભાભી કેમ છે સારી છે ને ? મેં હા પાડી. તો કહે એમ કંઈ વધારે ખુશ નહીં થવાનું કાલે સવારે ઊઠીને શું થવાનું છે કોઈને ખબર નથી. મને એમના આ શબ્દો થોડા વિચિત્ર લાગ્યા.