Bad days and fear! in Gujarati Motivational Stories by Hitesh Bhalodia books and stories PDF | ખરાબ દિવાસો અને ડર!

Featured Books
Categories
Share

ખરાબ દિવાસો અને ડર!

ખરાબ દિવસો અને ડર!

આપણા જીવનમાં બે પ્રકારના દિવસોને આપણે મહત્વ આપતા હોઈ છીએ, એક સારા દિવસો અને બીજા ખરાબ દિવસો. સારા દિવસોમાં તો આપણે મજાથી રહીએ છીએ પરંતુ ખરાબ દિવસો જ્યારે આવે છે ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ અને અંદરથી ડરી જઈએ છીએ. આ ડરના કારણે જે એ ખરાબ દિવસોની સાથે કે વચ્ચે એકાદ સારો દિવસ આવે છે તો પણ આપણે એનો આનંદ લઈ શકતા નથી. આપણા જીવનમાં આવતા આ ખરાબ દિવસો આપણને અંદથી એટલા તોડી નાખે છે કે આપણે એનાથી ડરવા લાગીએ છીએ અને આવા દિવસો આપણા જીવનમાં ના આવે એ ડર સાથે આપણે જીવીએ છીએ, સાથે બીજી બાજુ એ પણ છે કે આપણે જો ધારીએ તો આ ખરાબ દિવસોમાંથી ઘણું શીખી શકીએ છીએ.

કહેવાયું છે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે પરંતુ આ મનુષ્ય નામનું સામાજિક પ્રાણી ક્યારે એકાકી થઈ જાય છે એ એને ખબર પડતી નથી. આપણે આ આપણા જીવનમાં આવતા ખરાબ દિવસોથી એટલા માટે વધારે ડરીએ છીએ કારણ કે આ ખરાબ દિવસોમાં મનુષ્ય એકલો થઈ જાય છે. એની આજુબાજુ રહેતા લોકો આ ખરાબ દિવસોમાં ક્યાં છુમંતર થઈ જાય છે એ એને જ ખબર પડતી નથી. આપણા સારા દિવસોમાં આપણી આજુબાજુ મંડરાયેલા લોકો આપણા ખરાબ દિવસોમાં અચાનક અંતરધ્યાન થઈ જાય છે. સમયની સાથે લોકો બદલાય છે એનું દર્દ વધારે મહેસૂસ થાય છે.

આપણે આપણા ખરાબ સમયમાં આપણી નજીકના લોકોને જરૂરત કરતા વધારે મહત્વ આપવા માંડીએ છીએ અને એની તરફ જરૂરત કરતા વધારે આશા રાખવાનું ચાલુ કરી દઈએ છીએ. જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે જ આપણને દર્દ વધારે મળે છે. આપણા ખરાબ સમયમાં બીજા સામે હાથ ફેલાવવાને બદલે કે બીજા સામે આશા રાખવાને બદલે એનો હિંમતથી સામનો કરવો જોઈએ. આપણે આવું કરીશું ત્યારે આપણને જોવાવાળા લોકો આપણને મજબૂત માનશે અને તમારી સાથે કઈ કરતા પહેલા હજારવાર વિચારશે. આ દુનિયામાં નબળાને દબાવે છે પરંતુ મજબૂત માણસને કોઈ ઇઝિલી બોલતું નથી. પેલી કહેવત છે ને કે સીધું લાકડું પહેલા કપાઈ છે!

આપણે સારા દિવસોની આશામાં લોકો સાથે એટલો કોમ્પ્રોમાઈઝ કરીએ છીએ કે લોકો આપણને અંદરથી તોડી નાખે છે એની આપણને ખબર પડતી નથી.આપણે આપણી જિંદગીને સમજવા કરતા એને સારી રીતે કેમ પસાર કરવી એના વિચારોમાં સમય બરબાદ કરીએ છીએ અને સતત એના વિશે વિચારતા રહીએ છીએ. આપણે જ્યારે કોઈ પણ વિશે વધારે વિચારીએ છીએ ત્યારે એની નેગેટિવ બાજુ પહેલા આપણા મનમાં આવી જાય છે. જિંદગીની આ નેગેટિવ બાજુને વિચારવામાં આપણે આપણો સમય એટલો વેડફી નાખીએ છીએ કે જેને કારણે આપણે એની પોઝિટિવ બાજુની ખબર પડતી નથી. જિંદગીને નેગેટિવ રીતે જોવામાં આપણી આજુબાજુ અને આપણી નજીકના લોકોનો ફાળો સહવિશેષ હોય છે. મોટાભાગના આપણી નજીકના લોકો આપણે એની પાછળ રહી જઈએ એવું ઇચ્છતા હોય છે. આવા લોકો ક્યારેય આપણી અંદર પોઝિટિવિટી લાવતા હોતા નથી, માટે પહેલા આપણે સકારાત્મક વિચારો કરવા જોઈએ પછી નકારાત્મક.

તમે કોઈ પણ વિશે વધારે વિચારશો ત્યારે એમાં વધારે ઊંડા ઉતરતા જશો. તમે જ્યારે કોઈ વસ્તુ કે બનાવને વધારે પડતો વિચારો છો ત્યારે તમને એની અંદર નકારાત્મકતા વધારે દેખાશે. જેમ જેમ તમને એની અંદર નકારાત્મકતા વધારે દેખાશે એમ એમ તમારું મન એમાંથી બહાર નીકળી શકશે નહીં. ધારો કે તમારા ઘરમાં કોઈ બીમાર છે અને તમે એની બીમારીને તમારા ઉપર વધારે હાવી થવા દેશો કે એના વિશે વધારે વિચારશો તો તમે પણ બીમાર પડશો. બીમાર વ્યક્તિની ચિંતા કરવી જોઈએ પરંતુ માપની, તમારી ચિંતા કરવાથી એની બીમારી જવાની નથી અને તમે વધારે ચિંતા કરશો તો એનો હલ પણ સહેલાઈથી મળશે નહીં.

ખાલી શ્વાસ લેવાને આપણે જો જિંદગી કહેતા હોઈશું તો એ આપણા માટે ખૂબ ખરાબ છે. આપણી જિંદગીમાં ઉમ્મીદ અને આશા પણ હોવા જોઈએ આ ઉમ્મીદ અને આશા ત્યારે જ આવશે જો આપણે આપણા જીવનમાં આવતા ખરાબ દિવસોને રડવામાં કાઢવાને બદલે એનો મક્કમતાથી સામનો કરીશું. આપણે આપણા ખરાબ દિવસોનો મક્કમતાથી સામનો કરીશું તો જ આપણને એમાંથી નવી દિશા અને નવી આશા મળશે સાથે બીજા આવનાર ખરાબ સમય આપણને એકદમ હળવો લાગશે, બીજીવાર આપણે આ વખતે તૂટ્યા એવા તૂટીશું નહીં.

જીવનમાં બધો ખેલ આપણા વિચારોનો જ છે.ખરાબ દિવસો આપણા જીવનમાં આવે છે ત્યારે આપણે અંદરથી એટલા તૂટી ગયેલા મહેસૂસ કરીએ છીએ કે આપણે કોઈને કોઈનો સહારો શોધવા લાગીએ છીએ. જ્યારે આપણે બીજાના સહારે ચાલવા લાગીએ છીએ ત્યારે આપણા પ્રોબ્લેમના સમાધાન મળવાની જગ્યાએ આપણે બીજાના પ્રોબ્લેમ પણ આપણી જિંદગીમાં લાવીએ છીએ અને આપણી જિંદગીને અઘરી બનાવી દઈએ છીએ. બીજા ક્યારેય પોતાની સફળતાનું રહસ્ય તમારી સામે ઉજાગર નહીં કરે. બીજા લોકો એની સફળતાને વધારે ચડાવીને તમારી સમક્ષ રજૂ કરશે પરંતુ એ સફળ કેવીરીતે થયો એ નહીં કહે. એના સારા દિવસો અને એની સફળતાને તમે જોવા લોગો છો ત્યારે તમે તમારી જાતને વધારે નબળી સમજો છો અને તમે વધારે હતાશ થઈ જાવ છો. તમે બીજાને સાંભળો પરંતુ એમાંથી હતાશ થવાને બદલે એણે એવું તો શું કર્યું કે એ આજે સુખી છે એ જાણી એમાંથી પ્રેરણા લો અને તમારી જિંદગીમાં એને ઇમ્લિમેન્ટ કરો.

તમારા ખરાબ દિવસોમાં પણ જો કોઈ તમારા વખાણ કરે તો એનાથી તરત ચેતી જાવ. ખરાબ દિવસોમાં થતા આપણા વખાણ એ કોઈ વખાણ નથી પરંતુ આપણી ખુશામત છે. વખાણ અને ખુશામતમાં બહુ ફરક છે. વખાણ તમારા કામના અને સાચી સફળતાના થાય છે જ્યારે ખુશામત તમે જે નથી કર્યું એની થાય છે. જ્યારે આપણે કઈ નથી કર્યું એની ખુશામત થાય છે ત્યારે આપણે અંદરથી ફુલાઈ જઈએ છીએ. જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આપણા ખરાબ સમયમાં જે કરવાનું હોય એ કરી શકતા નથી! જે જગ્યાએ મહેનત કરવાની હોય એ જગ્યાએ આવી ખુશામત આપણને અટકાવી દે છે. આવી ખુશામતખોરીને લીધે જ આપણા રજવાડા નાશ પામ્યા હતા.

મીઠું મીઠું બોલાવવાળા લોકોથી ખાસ ચેતજો. તમારી સામે આવા લોકો તમારા સારા સમયે જે મીઠું બોલશે એવું જ મીઠું ખરાબ સમયમાં પણ બોલશે. જ્યારે ખરાબ સમયમાં તમારી સાથે કોઈ મીઠું બોલે છે ત્યારે એના મીઠા બોલ આપણને સારા લાગે છે. આપણે એમા એટલા ખોવાઈ જઈએ છીએ કે જે કરવાનું હોય એ આપણે કરી શકતા નથી અને જે નથી કર્યું એમાં પેલા બોલને લીધે ખોવાય જઈએ છીએ. આવા મીઠા બોલા લોકોની એક એવી ખાસ ખાસિયત હોય છે કે આવા લોકો આપણી સામે બોલે છે કઈ અને કરે છે કઈ, માટે આવા લોકોથી ખાસ ચેતજો. જે લોકો તમારા મોં સામે બોલે છે એ લોકો ભલે તમને ખરાબ લાગે પરંતુ એ તમારી પરિસ્થિતિ જોઈને બોલતા હોઈ છે. આવા બે મોઢાવાળા લોકોથી જેટલા દૂર રહેશો એટલો તમને ફાયદો થશે.

જિંદગીમાં જ્યારે તમારી સામે કોઈ પડકાર આવે છે ત્યારે કોઈનો હાથ પકડવાને બદલે એનો તમારી રીતે સામનો કરીને આગળ વધો. જો સંજોગો એવા સર્જાય અને કોઈનો હાથ પકડવાનો વારો આવે તો સમજી વિચારીને એનો હાથ પકડો અને એમાંથી લેવાય એટલું જ લેવાનો પ્રયત્ન કરો. બધા પાસેથી બધું લેવા જેવું હોતું નથી. આપણી જિંદગીમાં આવતા બધા જ લોકો કઈ સારા હોતા નથી. આજનો જમાનો એવો છે કે કોઈ પણ આપણું મન જોઈએ આપણી સાથે આવતું નથી પરંતુ આપણું મકાન જોઈને આપણી પાસે આવે છે. માટે આપણા મનને પણ આપણા મકાન જેવું બનાવો અને આપણા મકાનમાં હર કોઈ પ્રવેશી શકતું નથી એમ આપણા મનમાં પણ હરકોઈ પ્રવેશે નહીં એનું ધ્યાન રાખો.આ દુનિયા ખૂબ હોશિયાર અને ચાલાક છે. આપણા આપણા કહીને આપણા ખરાબ સમયમાં આપણને ક્યારે પરાયા કરી નાખે છે એની આપણને ખબર પડતી નથી. જે આપણા ખરાબ સમયમાં આપણા સાથી એજ આપણા સાચા લોકો. હું તો એવું કહું છું કે આપણા ખરાબ સમયમાં આપણો સાચો સાથી આપણું મન જ છે. સમય પ્રમાણે આપણે આપણા મનને કેવું ઇંધણ આપીએ છીએ એ નક્કી કરે છે કે આપણે કઈ દિશામાં જવાના છીએ!


અસ્તુ.