"સર મારી ઉત્કંઠા ને શાંત કરવા માટે આપ જણાવો તો સારું." મહેચ્છા કહે છે.
"આપ જેટલું કહેવામાં આવે એટલું જ કરો. તમારી માટે ખુબ જ મહત્વપૂર્ણ કામ છે." રોનક શ્રીવાસ્તવ કહે છે.
"સર શું કામ છે?" મહેચ્છા પુછે છે.
"આપણા જીલ્લા માં સરકારની " જ્ઞાનકોશ યોજના" હેઠળ કેટલા બાળકો આવે છે એની એક યાદી તૈયાર કરો." રોનક શ્રીવાસ્તવ કહે છે.
"સર આ કામ તો અમિત પારેખ નું છે. મારું કામ આ યાદી સાચી છે કે ખોટી અને કોને લાભ મળ્યો કે નથી એ ચકાસણી કરવાનું છે. " મહેચ્છા કહે છે.
" તમે મને સમજાવશો કે શું છે તમારું કામ?" રોનક શ્રીવાસ્તવ ગરમ થાય છે.
"તમે મને આદેશ આપ્યો એટલે કામ તો હું પુરું જ કરીશ. પણ બસ તમને યાદ અપાવતી હતી કે હું પણ ડેપ્યુટી કલેકટર છું." મહેચ્છા જવાબ આપે છે.
"ઠીક છે." રોનક શ્રીવાસ્તવ પોતાના ગુસ્સા પર કાબુ રાખે છે.
મહેચ્છા ઓફીસ ની બહાર નીકળી અમિત પારેખ ને બોલાવે છે. અમિત પારેખ કોઈ બીજા કામમાં વ્યસ્ત હોય થોડીવાર પછી આવવા માટે કહે છે. મહેચ્છા ને તો આ જ તક જોઈતી હતી.
એ અમિત પારેખ ને પોતાની ઓફીસમાં બોલાવે છે. પછી કહેવા લાગી:
"હું ડેપ્યુટી કલેકટર છું. જ્યારે તમને કોઈ કામ માટે બોલાવવામાં આવે છે તો કેમ થોડીવાર પછી આવીશ એમ જવાબ આપો છો.
હું કોઈ મારા વ્યક્તિગત કામ માટે નહીં પણ રોનક સર ના કામ થી તમને બોલાવી રહી છું. "
"જી મેડમ." અમિત પારેખ સમજી જાય છે.
" જ્ઞાન કોષ યોજનાના લાભાર્થી માટેની યાદી મને બે કલાક પછી આ ટેબલ પર જોઈએ." મહેચ્છા કહે છે.
"જી." અમિત પારેખ ગભરાઈ જાય છે.
"હવે શું મોઢું જોવો છો? જાવ.." મહેચ્છા કહે છે.
મહેચ્છા ના આવા અણધાર્યા આક્રમણ થી અમિત પારેખ નો અહં ઘવાઈ જાય છે.એ ગમે તેમ કરીને રોનક શ્રીવાસ્તવ ને ફરિયાદ કરે છે. રોનક શ્રીવાસ્તવ ફરીથી મહેચ્છા ને બોલાવે છે.
"મેડમ તમે હજી નવા છો. શું કામ આટલો ગુસ્સો કરો છો?"
"હું તો સર આપના જ હુકમ નું પાલન કરી રહી હતી. એક ડેપ્યુટી કલેકટર તરીકે યાદી બનાવવા માટે મારી નીચે મુખ્ય સચિવ છે. એણે આવવા માટે મોડું કરતા મેં એમને થોડી કડક ભાષામાં સમજાવ્યા. " મહેચ્છા કહે છે.
"ઠીક છે. પણ થોડું વ્યવહારમાં નમ્રતા રાખવી." રોનક શ્રીવાસ્તવ કહે છે.
" એ તો સર હું તમને જોઈ જ શીખી રહી છું." મહેચ્છા કહે છે.
"ઓકે." રોનક શ્રીવાસ્તવ કહે છે.
મહેચ્છા સમજી ગઈ હતી કે ઘા સાચી જગ્યાએ પડયો હતો. અમિત પારેખ પણ ચુપચાપ જ પોતાના કામમાં લાગી જાય છે. આ તરફ મહેચ્છા લંચ બ્રેક દરમિયાન નવનીત ને ફોન કરે છે.
"શું છે નવનીત?" મહેચ્છા પુછે છે.
"હું તો જયપુર એક ઈમરજન્સી મીટિંગ માટે જાઉં છું. રાત્રે પાછો આવી જાઉ પછી તારી સાથે જ રહીશ." નવનીત સમજાવે છે.
"ઠીક છે." મહેચ્છા ફોન મુકી દે છે.
બપોર પછી રોનક શ્રીવાસ્તવ ફિલ્ડ વીઝીટ માં નીકળી જાય છે. મહેચ્છા જવા માંગે છે પણ જ્યાં સુધી રોનક શ્રીવાસ્તવ તેને કહે નહીં ત્યાં સુધી એ ન જઈ શકે. આખરે અમિત પારેખ યાદી તૈયાર કરી મહેચ્છા ને આપી દે છે.
મહેચ્છા આખી યાદી નું પૃથક્કરણ કરી પછી તેમાં થી અમુક વિસ્તારમાં જ જ્ઞાન કોષ યોજનાના લાભાર્થી રહે છે એ તારણ પર આવે છે. એ પૃથક્કરણ પ્રમાણે સિરોહી જિલ્લાના ઘણા ગામડાઓમાં આ યોજના પહોંચી જ ન હતી.
મહેચ્છા પાઈ ચાર્ટ તૈયાર કરી ખુબ સરસ રિપોર્ટ બનાવી રોનક શ્રીવાસ્તવ ને મોકલી આપે છે. સાંજ પડે સમય થતાં મહેચ્છા પોતાની લાલ બત્તી ની કારમાં ઘર તરફ નીકળી જાય છે.
આજે મહેચ્છા સાતમા આસમાને હતી. પોતાનો સરકારી આવાસ માતા પિતાને ફોન ઉપર બતાવવા માંગતી હતી.પણ સરિતા તો ખુબ ગુસ્સે હતી. એણે મહેચ્છા નો ફોન જ ન ઉપાડ્યો.
મહેચ્છા દુ:ખી થઈ જાય છે. પછી ઘરનો વીડિયો બનાવી મેસેજ થકી મોકલી દે છે. સરકારી આવાસ ની જેમ જ આગળ ખુબ મોટી જગ્યા હતી. મોટો બગીચો સાથે બે માળીઓ પણ હતા.
દસ થી બાર રૂમનું આખું ઘર ત્રણ માળનું હતું. મુખ્ય દરવાજા ની આગળ જ બે કાર પાર્ક થઈ શકે એટલી જગ્યા હતી. મહેચ્છા આવડા મોટા ઘરમાં સાવ એકલી ન હતી. તેની સાથે બે સિક્યોરિટી ગાર્ડ અને ત્રણ નોકર આપેલા હતા.
મધુકર ના સપના ની ખરી કિંમત તો હવે મહેચ્છા જ વસુલી રહી હતી. ઘણા દિવસ થી બહાર નું જ ખાવાનું હોવાથી મહેચ્છા જીરા રાઈસ અને દાલ ફ્રાય બનાવવા માટે કહે છે.
આ તરફ નવનીત જયપુર પહોંચી જાય છે. રસ્તામાં લંચ કરીને પછી સાંજ થી રાજસ્થાન રાજ્યના નાણામંત્રી સાથે તેની મુલાકાત હતી. નવનીત પ્રીતમ સિંહ ને પોતાની સાથે લઈ ગયો હતો.
પ્રીતમ સિંહ રસ્તામાં નવનીત ને આ મીટીંગ નો એજન્ડા સમજાવે છે.
" દરેક રાજ્ય સરકાર ને પોતાની જમીન વાપરનારા ઉઘોગ પાસેથી કર અને રોયલ્ટી રૂપે અમુક રકમ મળતી હોય છે.
ઘણીવાર કેન્દ્ર સરકાર પોતાના નિયમો માં ફેરફાર કરી આ કર અને રોયલ્ટી બદલી નાખે છે. રાજસ્થાન રાજ્યના મુખ્ય આવક નો સ્ત્રોત તરીકે પર્યટન છે. જો પર્યટન દ્વારા થતી કમાણી પર કેન્દ્ર સરકાર વધુ ટેક્સ જાહેર કરે તો રાજય સરકાર ને નુકસાન થાય.
આ જ ગડમથલ ઉકેલવા માટે નવનીત સાથે નાણાં મંત્રી વાતચીત કરવા માંગતા હતા. નવનીત હજી સાવ નવો સવો જ રેવન્યુ અધિકારી બની ગયો હોવાથી એ કદાચ રાજ્ય ની તરફેણમાં ચુકાદો આપે એ પણ એક કારણ થઈ શકે એમ હતું.
નવનીત હવે મીટિંગ માં પહોંચી જાય છે. નાણામંત્રી પોતાના સચિવ સાથે નવનીત ની મુલાકાત કરાવે છે. નવનીત કદાચ પહેલીવાર જ આવડી મોટી મીટિંગ માં ભાગ લઈ રહ્યો હતો.
એક પછી એક પ્રેઝન્ટેશન ચાલુ થઈ જાય છે. પછી એ જ આંકડાઓ નો ખેલ. રાજ્ય સરકાર પોતાના નફા ને ગમે તેમ ઓછું કરવા માંગતી નથી અને નવનીત ને કેન્દ્ર સરકાર તરફથી થોડો વિચાર કરવા માટે સમજાવી મીટિંગ પુરી કરી દે છે.
નવનીત પણ રાહતનો શ્વાસ લે છે. પહેલીવાર જ આટલી મોટી મીટિંગ માં કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં જો કોઈ ભૂલ થાય તો બહુ મોટી સજા મળી શકે. પણ નવનીત હવે સમજી જાય છે કે આ ક્ષેત્રમાં તેના હાથમાં અધધધ રૂપિયા છે.
ઘણા મોટા મોટા લોકલ બિઝનેસમેન નવનીત સાથે મુલાકાત કરે છે. કેન્દ્ર સરકાર ને ટેકસ તથા રોયલ્ટી ઘટાડવા માટે સમજાવવા નો પ્રયત્ન કરે છે.નવનીત બધા ને યોગ્ય સમયે બધું જ થશે એમ સમજાવે છે.
જ્યારે નવનીત કારમાં પ્રીતમ સિંહ સાથે પાછો બેસી જાય છે તો અઢળક ગીફ્ટ જોઈ હતપ્રભ બની જાય છે. પ્રીતમ સિંહ સામે જોઈ પુછે છે:
"આ બધું શું છે?"
"સર આ અમુક બિઝનેસમેન નો પ્રેમ કરવાની સ્ટાઈલ છે. આ ખુબ સામાન્ય છે. આપ પૈસા ની ચાવી છો. આપનો એક નિર્ણય ખુબ કિમંતી છે." પ્રીતમ સિંહ કહે છે.