કબીર એક સરસ કોફી શોપમાં બેઠો હતો. આજે તેણે ફુલ સ્લીવ બ્લેક શર્ટ અને બ્લ્યુ ડેનિમ જીન્સ પહેર્યું હતું. તેમા તેની પર્સનાલિટી જ કંઈક અલગ લાગતી હતી. તેના પહોળા ખભા પર તેનો બેગ લટકતો હતો. આજે શોપમાં તે એકલો જ બેઠો હતો. તેના હાથમાં એક ગુલાબનું ફૂલ હતું. અને તે ફુલ ની ડાળખીને અંગુઠા અને તર્જનીથી પકડીને ફેરવી રહ્યો હતો. અને એના મનમા વિચારોનું પૂર આવી રહ્યું હતું.
“આજે તો ફાઈનલી મારે એને પ્રપોઝ કરી જ દેવુ છે.”
“પણ એ ના પાડી દેશે તો?”
“હા પણ પાડી શકે છે.”
“ના પણ પાડી શકે છે.”
“એ હા પાડશે?”
“એ ના પાડશે?”
“હા પાડશે.!”
“ના પાડશે.!”
“એ બીજા કોઈને લાઇક કરતી હશે?”
અચાનક કબીરને કોઇના પગલાંનો અવાજ સંભળાયો. તેણે માથું ઉંચકીને જોયું. એ જોતો જ રહી ગયો. સામેથી પુજા આવી રહી હતી.
દરરોજની જેમ આજે પણ પૂજા બેહદ ખુબસુરત લાગી રહી હતી. પિંક કલરના સલવાર કમીઝમાં તેને જોઇને અપ્સરા પણ શરમાય જાય. કબીર ઉભો થઇ ગયો. તેણે હજી પેલું ગુલાબ હાથમાં પકડેલુ હતું.
પૂજા કબીરની સામે આવી ને ઉભી રહી. તેણી અદબ વાળીને પ્રશ્નાર્થ નજરે કબીર સામે તાકી રહી. કબીર ઘડીભર તેની સુંદર ભૂરી આંખોમાં તાકી રહ્યો. પછી તેણે એક ઊંડો શ્વાસ લીધો અને લાલ ગુલાબનું ફૂલ આગળ ધરી હિંમત કરી ને પૂછી લીધું, “પૂજા... આઇ લવ યુ... વિલ યુ... વિલ યુ મેરી મી...?”
પુજા એ ઘડીકવાર ફુલ સામે જોયું અને પછી કબીર સામે જોઇને અકળાઈ હોય તેમ બોલી, “કબીર ઊઠી જા.”
“હેં..! ઊઠી જા?!! પણ હું તો ઉભો જ છું...!અને આ પૂજા નો કોયલ જેવો અવાજ આમ કાગડા જેવો કેમ થઇ ગયો...?”
“કબીર જલ્દી ઉઠ કેટલીવાર કેવુ પડે!!!”
ફરી પાછો એ જ ઘેરો અવાજ..! કબીરને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે.. તે કંઈ સમજે તે પહેલા જ પૂજાએ અચાનક એની પીઠ પર એક જોરદાર ધબ્બો માર્યો. તેની પીઠમાં ઝણઝણાટી ઉપડી ગઈ.. જાણે કોઇએ મણ એક નો પથ્થર ન માર્યો હોય....
.... અને એ સફાળો બેઠો થઇ ગયો. તેની પીઠ હજી તમતમી રહી હતી. તેણે આંખો ચોળીને આજુબાજુ જોયું. તેની સામે એક લગભગ 45 વર્ષની સ્ત્રી ઉભી હતી.
“મમ્મી..., તને કેટલી વાર કહ્યું છે કે આમ ખુલ્લી પીઠમાં ધબ્બા ન માર... લાગે છે..” કબીરે મોં બગાડતા કહ્યું. એ હજુ પોતાના રૂમમાં જ હતો. હવે તેને સમજાણું કે તે સપનું જોઇ રહ્યો હતો. તેનો હાથ હજુ તેની પીઠ પર હતો. પણ કેવું સુંદર સપનું હતું?! હકીકતમાં તો ઠીક પણ સપનામાં પણ એને પૂજાનો ઉત્તર જાણવા ન મળ્યો.
“હા તો ટાઈમસર ઉઠવા માં ખબર નથી પડતી?” કબીરની મમ્મી એ કબીરને ટોણો મારતા કહ્યું. તેમના હાથમાં જે સાવરણી હતી તેને કબીર તરફ કરતા તેઓએ કહ્યું, “જ્યારે જ્યારે વેકેશન પડે ત્યારે તારી અંદર તો જાણે કુંભકર્ણની આત્મા ઘુસી જાય છે. જ્યારે જોય ત્યારે બસ સુતો જ હોય.”
“ઓફ્ફો મમ્મી... એટલિસ્ટ વેકેશનમાં તો શાંતિથી સુવા દે.” આમ કહી તે પાછો પથારીમાં પડી ગયો. અને ચાદર માથા પર ઓઢી લીધી.
“પણ તારે દસ વાગ્યે તારા મિત્રોને મળવા જવાનું હતું ને?” રૂમમાં સાવરણી ફેરવતા તેના મમ્મી એ પુછ્યું.
“હા પણ હજી તો દસ વાગવા માં ઘણી વાર છે.” કબીર ચાદર ઉઠાવ્યા વગર જ બોલ્યો.
“હા.. હજી તો પંદર મિનિટની વાર છે.” તેના મમ્મી પંદર મિનિટ જાણે બે કલાક લાંબી હોય એમ રમુજ કરતા બોલ્યા.
કોઇએ ૪૪૦ વોલ્ટનો ઝટકો આપ્યો હોય એમ કબીર પથારીમાંથી એક ઝાટકે ઉભો થઇ ગયો. અને સીધ્ધુ સામે લટકાવેલી દીવાલ ઘડિયાળમાં જોયું. “હેં...! પોણા દસ થઈ ગયા..? મમ્મી યાર મને વહેલો ના ઉઠાડાય.. મોડું થઈ ગયું મારે..”
“હા તો અડધી કલાકથી તો તને ઉઠાડતી હતી. ચાલ ફ્રેશ થઈને નીચે આવ હું નાસ્તો બનાવું છું.” કહી તેના મમ્મી રૂમ માથી ચાલ્યા ગયા.
કબીરે પથારી માથી ઉભા થઇ એક મોટી અંગડાઈ લીધી. પછી તે પોતાના રૂમના બાથરૂમ તરફ ગયો. બાથરૂમના દરવાજા અને કબાટ વચ્ચે તેના કદ જેવડો જ એક અરીસો હતો. તેણે અરીસામા પોતાના પ્રતિબિંબ પર એક નજર કરી. એક ચુસ્ત પાતળી કમર, સિક્સ પેક એબ્સ, મજબૂત છાતી, પહોળા ખભા, મોટા અને માંસલ હાથ અને ગૌરવર્ણો ચહેરો જોઈને તેને ઘડીવાર પોતાના પર અભિમાન થઈ આવ્યુ. પછી તે બાથરૂમમાં ચાલ્યો ગયો.
કબીર જ્યારે ફ્રેશ થઈને નીચે આવ્યો ત્યારે તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ગૌતમ, પૂજા, રીના, રજત બધા જ તેના ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. તે બધાને સાથે પોતાના ઘરે જોઈને કબીર ને આશ્ચર્ય થયું. “તમે બધા અહીં? પણ આપણે તો તારા ઘરે મળવાના હતા ને રજત?” કબીરે રજતને પુછ્યું.
“હા અમે બધા મારા ઘરે જ હતા પણ દસ થવા આવ્યા અને છતાં પણ તુ ન આવ્યો એટલે મે તને ફોન કર્યો. પણ તારો ફોન નોટ રિચેબલ આવતો હતો. એટલે મે આન્ટીને ફોન કર્યો તો એમણે કહ્યું કે તું તો હજી હમણાં જ ઉઠ્યો છો એટલે તુ હજી આવ્યો નથી. પછી આન્ટીએ અમને કહ્યું કે તમે બધા અહી આવી જાવ હું બધા માટે આલુ પરાઠા બનાવી દઇશ.”
“અને તને તો ખબર જ છે કે તારી મમ્મીના બનાવેલા વર્લ્ડ ફેમસ આલુ પરાઠા ને કોઇ ના નથી કહી શકતું. એટલે અમે બધા આવી ગયા.” ગૌતમે કહ્યું. તેના મોંમાં પાણી આવી ગયું.
“હા આ તમે બરોબર કર્યું.” કબીરે પણ હસતા હસતા કહ્યું. તે બધા સાથે ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો. એટલામાં તેના મમ્મી જ્યોતિ બેન બધા માટે નાસ્તો લઇ આવ્યા. બધાએ ભરપેટ નાસ્તો કર્યો. પછી કબીરે રસોડામાં જઈને તેની મમ્મીને કહ્યું, “મમ્મી અમે બધા મારા રૂમમાં છીએ કંઈ કામ હોય તો કેજે.”
“હા ઓકે બેટા.” જ્યોતિબેને જવાબ આપ્યો. કબીર રસોડાની બહાર નીકળ્યો હશે ત્યારે અચાનક કંઇક યાદ આવ્યું હોય એમ તેઓ બોલ્યા. “અરે કબીર સાંભળ...”
કબીરે પાછળ વળી જોયું. તેના મમ્મી બોલ્યા, “આજે ન્યૂઝ પેપર મોડું આવ્યું છે જરા જો તો બહાર પડ્યું હશે.”
કબીર હકારમાં માથું હલાવી ઘરની બહાર તરફ ગયો. ઘરની બહાર ડેલાની પાસે જ ન્યૂઝ પેપર પડ્યું હતું. કબીર એ ઉપાડીને ચાલવા લાગ્યો. અચાનક એની વચ્ચેથી એક કવર જમીન પર પડ્યું. કબીરનું ધ્યાન જતાં એણે એ ઉપાડીને જોયું. તેમા અંદર એક એન્વેલપ હતો. સફેદ રંગના એ એન્વેલપ માથે કોઇ સરનામું કે મોકલનાર નુ નામ ન હતું. ફક્ત બે જ શબ્દો લખેલા હતા. “ફોર કબીર. ( કબીર માટે).”
કબીરે આજુબાજુ જોયું. કોઇ ન હતું. પછી તેણે લીફાફો ધ્યાનથી જોયો અને વિચાર્યું, “કોણે મોકલાવ્યો હશે આ?” ઘણી વાર વિચાર્યા પછી અંતે તેણે ખભા ઊલાળી વિચારવાનું બંધ કરી ઘર અંદર ચાલવા લાગ્યો. તેનો રૂમ પહેલા માળે હતો. જ્યારે તે તેના રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે જ્યોતિબેને તેને પાછળથી પુછ્યું, “છાપું આવી ગયું હોય તો ટીપોઇ પર રાખી દેજે.”
“એ.. હાં...” બોલીને કબીર પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યો. વીચારી રહ્યો હતો કે એના મમ્મીને એન્વેલપ વિશે જણાવવું જોઈએ કે નહીં. પછી અંતે એ કંઇ પણ બોલ્યા વગર નીકળી ગયો.
* * * * *
“હેલ્લો બોસ.., પાર્સલ એની જગ્યાએ પહોંચી ગયું છે. હવે મારા માટે શું ઓર્ડર છે?” એક કોટ પહેરેલા વ્યક્તિએ ફોન પર કોઇકને પુછ્યું. એના ચહેરા પર સફળતાની મુસ્કાન ફરકી રહી હતી.
“સરસ.. તો સામાન પેક કરી રાખ તારે હમણા જ ક્યાંક જવાનું થશે.” સામે છેડે થી જવાબ આવ્યો.
“ક્યાં બોસ?”
“એ થોડીવારમાં તને ખબર પડી જશે.” આટલું બોલીને સામે છેડેથી ફોન કટ થઈ ગયો. પેલા વ્યક્તિએ ફોન ખિસ્સામાં મૂકીને કબીરના ઘર તરફ નજર કરી. અને બોસના ફોનની વાટ જોવા લાગ્યો.
* * * * *
કબીર પોતાના રૂમમાં આવ્યો ત્યારે એના મિત્રો ફોનમાં કઇ જગ્યા ફરવા લાયક છે એ જોઇ રહ્યા હતા. સૌપ્રથમ પૂજાનું ધ્યાન કબીર પર ગયું. કબીરની નજર એના હાથમાં રહેલા કવર પર હતી. અને એ કંઈક વિચારી રહ્યો છે એવું પુજાને લાગ્યું. એણે કબીરને પુછ્યું, “શું થયું કબીર? શું વિચારે છે?”
પુજાના આમ પુછતાં બાકીના લોકોની નજર પણ કબીર પર પડી. કબીરે પુજાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, “ખબર નહીં.. કોઇ અજાણ્યા વ્યક્તિએ આ કવર મોકલ્યું છે. મારા માટે..” કબીરના હાથમાં રહેલા કવર પર બધાનું ધ્યાન ગયું. અચાનક ગૌતમને મસ્તી સૂઝતા એણે કહ્યું, “ઓ.. હો... કોઇ ગુમનામ પ્રેમિકાનો પ્રેમ પત્ર આવ્યો લાગે છે..” ગૌતમની આ વાત પર બધા હસવા લાગ્યા. કબીરે એને આંખ દેખાડતા કહ્યું, “મારા ક્યા એવા નસીબ..” કહીને એ ગૌતમની પાસે પડેલા સ્ટુલ પર બેસી ગયો. અત્યારે બધા મિત્રો વર્તુળાકાર સ્થિતિમાં બેઠા હતા. કબીરે એમની વચ્ચે એક સ્ટુલ મુક્યું. અને કવર ખોલીને એને સ્ટુલ પર ઊંધું વાળી દીધું. એમાથી બે ત્રણ કાગળો સ્ટુલ પર પડ્યા. બધાને આ જોઈને આશ્ચર્ય થયું.
રીનાએ કબીરને પુછ્યું, “શું છે આ કબીર?”
કબીરે કહ્યું, “મને શું ખબર..? ચલો જોઇએ આમા શું છે..” કહીને એણે એક કાગળ ઉપાડ્યો. અને બીજો ગૌતમે.
એ કાગળો વાળેલા હતા અને દેખાવમા તો પંદર વીસ વર્ષ જૂના લાગતા હતા. તે પેપરની હાલત જોઈને પૂજાએ બધાને કહ્યું, “ફ્રેન્ડ્સ મને આ પેપર્સની હાલત બવ ખસ્તા લાગે છે. તો જરા ખોલવામાં ધ્યાન રાખજો.”
“હા તારી વાત સાચી છે.” કહી ગૌતમે ખુબ કાળજી પુર્વક એક કાગળ ઉપાડ્યુ. અને ધીરેથી તેણે એ કાગળને ખોલવા માંડ્યું ત્યારે ખબર પડી કે તે એક નહીં પણ બે કાગળો વાળેલા છે. ગૌતમ બંને માંથી એક પણ કાગળ તુટે નહી તેમ ધ્યાનથી તેને ખોલવા લાગ્યો. કાગળ એકદમ ઘાટા પીળા કલરનું અને કોઇ જુની બુક કે કોઇ ડાયરીનુ પેજ હોય તેવું લાગતું હતું. ગૌતમે જ્યારે બંને પેજ ને અલગ અલગ કર્યા ત્યારે તેને ખબર પડી કે બંને પન્ના પર કંઇક લખેલું છે. પેપરને ફોલ્ડ કરવાથી જે ગડી પડી ગઇ હતી તેને લીધે અમુક શબ્દો ભૂંસાઈ ગયા હતા. પણ બાકીનું લખાણ વાંચવું વધારે અઘરું નહોતું કારણ કે આખું લખાણ ગુજરાતી ભાષામાં હતું.
આ દરમિયાન કબીર અને રજત બીજા એક કાગળને તપાસી રહ્યા હતા. એ કાગળ પણ ઘાટા પીળા કલરનો જુનો પુરાણો લાગતો હતો. રીના અને પુજા અધ્ધર શ્વાસે તે કાગળ તરફ તાકી રહી હતી. કબીરે સાવધાની પૂર્વક કાગળ ને ખોલ્યું અને વચ્ચે ના સ્ટુલ પર મુક્યું. બધાએ એકસાથે એ કાગળ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. કાગળ પર ચીત્ર દોરેલુ હતું જેમાં કાગળ પર તેના કદ થી થોડુ નાનુ લંબચોરસ દોરેલું હતું. આ લંબચોરસ ની જમણી ઉભી લાઇન ના મધ્યમાંથી એક રેખા નીકળી રહી હતી જે નીચે તરફના ખુણાથી થોડે ઉપર સુધી લંબાયેલી ત્યાંથી તે ડાબી બાજુ વળીને લંબચોરસ ની નીચેની રેખાને સમાંતર જઇ તેના નિચેના ખુણા પાસે પુરી થતી હતી. અને તે લાઈનની નીચે લખ્યું હતું, “દમ્પાયા.”
બધાએ પ્રશ્નાર્થ નજરે એકબીજા સામે જોયું. બધાના મનમાં એક જ પ્રશ્ન હતો. આ દમ્પાયા વળી શું હશે?
ચિત્ર ના મધ્યથી થોડુ નીચે એક આકૃતિ દોરેલી હતી જે પર્વત જેવી લાગતી હતી. અને પર્વતની આજુબાજુ નાના નાના વૃક્ષો દોરેલા હતા. પર્વતની ઉત્તર પુર્વ બાજુ એ એક વિચિત્ર આકૃતિ બનેલી હતી. આખુ ચિત્ર જોતાં તો લાગતું હતું કે કોઇ નકશો છે. પણ ક્યાંનો? એ પ્રશ્નને સાઇડમાં રાખીને બધાએ ચિત્રના બીજા ભાગનું અવલોકન કરવા માંડ્યું. તેમાથી રીનાનું ધ્યાન એક ચિત્ર પર ગયું.
તે ચિત્ર લંબચોરસ ના ઉપરના ભાગમાં જમણા ખુણા પર બનાવેલ હતું. જેમાં એક બિંદુ માથી ચારે તરફ નાના તીર નીકળી રહ્યા હતા. તેમાંથી ઉપર તરફ જતા તીરની ઉપર એક અક્ષર લખેલો હતો, “N”. રીના એ બધાનું ધ્યાન એ તરફ દોર્યું. “દોસ્તો આ જુઓ.” રીના એ પોતાની આંગળી એ ચિત્ર પર મૂકી. બધા એ રીના ના ઇશારા તરફ નજર ફેરવી.
“આ તો ઉત્તર દિશા દર્શાવતું હોય એવું લાગે છે.” રજતે આકૃતિ જોઇને કહ્યું.
“અને આવી આકૃતિ તો મોટેભાગે નકશામા જોવા મળે છે.” પૂજા એ રજતની વાત પુરી કરતા કહ્યું.
“તો પાક્કુ આ એક નકશો જ છે.” કબીરે કહ્યું. તેના અવાજમા આશ્ચર્ય ભળેલું હતું.
“એ ખાલી નકશો નહીં, ખજાનાનો નકશો છે.” ગૌતમે વિસ્ફોટ કરતા કહ્યું. તેની આશ્ચર્ય થી પહોળી થઈ ગયેલી નજર હજુ પેલા લખાણ વાળા કાગળ પર ચોંટેલી હતી.
ગૌતમના આ ધમાકાને કારણે બધા સ્તબ્ધ થઈ ગયા. ખજાનાનો નકશો? કોઇ ખજાનાનો નકશો કબીરને શું કામ મોકલશે? બધાને આ જ સવાલ થઈ રહ્યો હતો.
“ગૌતમ આ તુ શું કહી રહ્યો છે? આ ખજાનાનો નકશો છે? તને કેમ ખબર પડી?” કબીરે પોતાના આશ્ચર્યને કાબુમાં રાખી પુછ્યું.
“હાં આમા લખ્યું છે જો હું વાંચીને સંભળાવું છું..” ગૌતમે ફરી પોતાની નજરો નાખીને વાંચવા લાગ્યો.
“તારીખ : 13-3-1982,
સાત વર્ષની મહામહેનતે આજે હું અને મારી ટીમ અમારી મંજીલ સુધી પહોચ્યા છીએ. આજે અમે એ અલ્ય... સોરી.. અમુલ્ય લખેલું છે.. કદાચ.. એ અમૂલ્ય ખજાનો શોધી કાઢ્યો છે જેના વિશે પુરાણોમાં ઉલ્લેખ કરાયો છે. આ ઇતિહાસની સૌથી મોટી ખોજ હશે. આ શોધ વિશે જ્યારે આખી દુનિયાને જાણ થશે ત્યારે હું, ગજેન્દ્રપાલ સિંહ આખી દુનિયામાં મશહૂર થઇ જઇશ.”
ગજેન્દ્રપાલ સિંહનું નામ સાંભળીને કબીર ચોંકીને ઉભો થઇ ગયો. “શું નામ લીધુ તે?... ગજેન્દ્રપાલ સિંહ?” કબીરે ગૌતમને પુછ્યું. તેના શ્વાસોશ્વાસ ની ગતિ વધી ગઈ હતી. એને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો.
કાગળમાં લખેલું નામ સાંભળીને કબીરના આવા પ્રતિભાવ જોઇ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. “હા.. કાગળમાં આ જ નામ લખેલ છે.” ગૌતમે ફરી એક વાર લખાણ ચેક કરી જોયુ.
કબીરના આશ્ચર્યનો પાર ના રહ્યો. આવુ કેવી રીતે બની શકે? એમનુ નામ આ કાગળમાં?
“કબીર, તું ઓળખે છે ગજેન્દ્રપાલ સિંહને?” પુજાએ અચકાતા અવાજે કબીરને પુછ્યું.
“હા.... એ મારા દાદાજી નું નામ હતું...”
(બીજું જ ચેપ્ટર છે એટલે એક સ્પોઇલર આપું છું. ગજેન્દ્રપાલસિંહ વિક્રમના પિતા છે. અને વિક્રમ કોણ છે એ જાણવા વાચક મિત્રો તમારે મારી રચના ‘એક શ્રાપિત ખજાનો’ વાંચવી પડશે.)
(ક્રમશઃ)