Vaank Kono? in Gujarati Women Focused by કૃષ્ણપ્રિયા books and stories PDF | વાંક કોનો? - પ્રસ્તાવના

Featured Books
  • एक राजा ऐसा भी

    ---### *एक राजा ऐसा भी*  #### _मनकापुर रियासत का संक्षिप्त इ...

  • तुम और मैं - 7

    21 जनवरी की वो सुबह कुछ अलग थी। कान्हा बाइक लेकर आए थे और उन...

  • Bayaan - Part 18

    Part 18  डायरी का आखिरी पन्ना...मेरे हाथ अब काँपने लगे थे। प...

  • मंदिर में तुम - 7

    रात का समय था…कोरिया में लाइट्स चमक रही थीं…और सुनामी अपने क...

  • Sirf Tumhara - 6

    **Sirf Tumhara**  **Part 6**रुद्र की मुट्ठियाँ इतनी जोर से भ...

Categories
Share

વાંક કોનો? - પ્રસ્તાવના

વાંક કોનો?


ઘણી વાર જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ માત્ર એક પરિવારની નથી રહેતી; તે આખા સમાજને અરીસો બતાવી જાય છે. વર્ષો સુધી લોકોની વચ્ચે રહીને, અનેક સ્ત્રીઓના મૌન, અનેક માતા-પિતાની લાચારી અને અનેક બાળકોની નિઃશબ્દ પીડા જોઈ છે. દરેક ઘટનાના અંતે એક જ પ્રશ્ન મારા મનમાં ઊભો થતો રહ્યો, "વાંક કોનો?"

શું વાંક માત્ર વ્યક્તિનો હોય છે? કે પછી એ નિર્ણયોનો, જે આપણે પોતાના ન હોવા છતાં સ્વીકારી લઈએ છીએ? શું વાંક સમાજના રૂઢિચુસ્ત વિચારોનો છે? શું માતા-પિતાના અતિશય દખલનો છે? શું બદલાતા સમયનો છે? કે પછી આપણાં પોતાના મૌનનો?

આ નવલકથા કોઈ એક વ્યક્તિને દોષી ઠેરવવા માટે લખાઈ નથી. જીવનમાં બહુ ઓછા પ્રસંગો એવા હોય છે, જ્યાં એક જ માણસ સંપૂર્ણપણે સાચો કે સંપૂર્ણપણે ખોટો હોય. ઘણી વાર એક નિર્ણય પાછળ અનેક સંજોગો, અનેક માન્યતાઓ, અનેક સંબંધો અને અનેક મજબૂરીઓ કામ કરતી હોય છે. પરંતુ એ બધાની વચ્ચે સૌથી મોટું નુકસાન ઘણી વખત એ લોકોને થાય છે, જેઓનો કોઈ વાંક જ હોતો નથી.

આ વાર્તામાં તમને પ્રેમ મળશે, પરંતુ પ્રેમ કરતાં વધુ જવાબદારી મળશે. સંબંધો મળશે, પરંતુ સંબંધોની કસોટી પણ મળશે. માતૃત્વનું મૌન મળશે, પિતૃત્વનો પસ્તાવો મળશે, સમાજના પ્રશ્નો મળશે અને અંતે કદાચ પોતાની જાતને પૂછવા જેવો એક સવાલ પણ મળશે.

આ પુસ્તક વાંચતી વખતે હું માત્ર એક વિનંતી કરું છું, કોઈ પાત્રને તરત જ દોષી કે નિર્દોષ જાહેર કરશો નહીં. દરેક અધ્યાય સાથે તેમનાં મન સુધી પહોંચવાનો પ્રયત્ન કરશો. કદાચ અંત સુધી પહોંચતાં તમારો જવાબ બદલાઈ જાય.

જો આ નવલકથા વાંચ્યા પછી એક પણ વાચક પોતાના ઘરમાં સંવાદનું એક બારણું ખોલશે, એક પણ માતા-પિતા સંતાનની લાગણીઓને વધુ સમજવાનો પ્રયત્ન કરશે, એક પણ દંપતી પોતાના અહંકાર કરતાં સંતાનનું ભવિષ્ય મોટું માનશે, અથવા એક પણ સ્ત્રીને પોતાની અંદરની હિંમત પર ફરી વિશ્વાસ આવશે. તો હું માનિશ કે આ પુસ્તક લખવાનો મારો હેતુ સફળ થયો.

આ વાર્તા માત્ર નિલાની, વિહાનની કે ધીરા નથી. આ વાર્તા આપણા સમાજની છે. અને કદાચ, આ વાર્તામાં ક્યાંક આપણે પણ છીએ.

સમય બદલાયો છે. લોકો બદલાયા છે. સંબંધો બદલાયા છે. પરંતુ એક પ્રશ્ન આજે પણ એ જ છે, શું ખરેખર માણસની વિચારસરણી પણ એટલી જ બદલાઈ છે?

એક સમય હતો, જ્યારે યુવક અને યુવતી એકબીજાને લગ્ન પછી જ ઓળખતાં. જીવનની દરેક ઋતુ સાથે તેઓ એકબીજાને સમજતા, સ્વીકારતા અને પ્રેમ કરતા. આજે સમયની ગતિ બદલાઈ ગઈ છે. ઓળખાણ પહેલાં થાય છે, મિત્રતા થાય છે, પ્રેમ થાય છે, સપનાઓ ગૂંથાય છે અને પછી લગ્નની વાત આવે છે.

મિત્રતા પોતે ક્યારેય ખોટી નથી હોતી. બે મનુષ્યો વચ્ચેનો નિર્દોષ વિશ્વાસ, એકબીજાની લાગણીઓ સમજવાની ક્ષમતા અને જીવનના સુખ-દુઃખ વહેંચવાની ઇચ્છા, આ બધું મિત્રતાનું સૌંદર્ય છે. પરંતુ જ્યારે આ મિત્રતા પરિપક્વ સમજણ વિના માત્ર આકર્ષણમાં બદલાઈ જાય, ત્યારે ઘણી વાર સંબંધોનું વાસ્તવિક સ્વરૂપ ધૂંધળું પડી જાય છે.

આજના યુગમાં જીવનસાથી પસંદ કરતી વખતે સુંદર ચહેરા પર વધુ ભાર મૂકાય છે, જ્યારે સુંદર હૃદય ઘણી વાર નજરઅંદાજ થઈ જાય છે. ચહેરાની ચમક સમય સાથે ઓછી થાય છે, પરંતુ સ્વભાવ અને સંસ્કાર આખી જિંદગી સાથ આપે છે. કદાચ એટલા માટે જ અનેક લગ્નો થોડાં વર્ષોમાં જ તૂટી પડે છે. સંબંધોની ઇમારત માત્ર આકર્ષણ પર ઊભી રહેતી નથી; તેને વિશ્વાસ, સમજણ અને ત્યાગના પાયા જોઈએ.

ઘણા યુવક-યુવતીઓ મિત્રતાના દિવસોમાં એકબીજાને જીવનસાથી તરીકે જોવા લાગે છે. ભવિષ્યના સુંદર સપનાઓ બાંધે છે, સાથે જીવવાની કસમો ખાય છે અને મનથી એકબીજાને સ્વીકારી લે છે. પરંતુ ઘણી વાર આ સપનાઓની સામે સમાજની દિવાલ ઊભી થઈ જાય છે.

આ દિવાલનું નામ છે, રૂઢિચુસ્ત વિચારધારા.

ઘણા માતા-પિતા પોતાના સંતાનોને પ્રેમ તો ખૂબ કરે છે, પરંતુ તેમની પસંદગી પર વિશ્વાસ કરી શકતા નથી. વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓ, સમાજનો ડર, સગાં-સંબંધીઓ શું કહેશે એની ચિંતા અને પોતાની પ્રતિષ્ઠા જાળવવાની હોડમાં તેઓ સંતાનની લાગણીઓને ગૌણ ગણી બેસે છે.

સંતાનો પણ માતા-પિતાના ઉપકાર અને લાગણીઓ વચ્ચે દબાઈ જાય છે. એક બાજુ પોતાનો પ્રેમ હોય છે, તો બીજી બાજુ માતા-પિતાની ઇચ્છા. અંતે મોટાભાગે તેઓ પોતાનું મન મારીને એ જ જગ્યાએ લગ્ન કરે છે, જ્યાં તેમના માટે નક્કી કરવામાં આવે છે. લગ્ન તો થઈ જાય છે. પરંતુ શું બે હૃદયો પણ જોડાય છે? આ પ્રશ્નનો જવાબ દરેક ઘરમાં એકસરખો હોતો નથી.

જ્યાં મનથી સ્વીકાર ન હોય, ત્યાં સંબંધો માત્ર જવાબદારી બની રહે છે. બહારથી બધું સુંદર દેખાતું હોય છે, પરંતુ અંદર ક્યાંક એક અધૂરાપણું ધીમે ધીમે ઘર કરવા લાગે છે. સમય જતાં એ અધૂરાપણું ફરિયાદમાં, ફરિયાદ અંતરમાં અને અંતર એક દિવસ સંબંધના અંતમાં ફેરવાઈ જાય છે.

પરંતુ દરેક પ્રેમકથા અધૂરી રહેતી નથી. અને દરેક ગોઠવાયેલું લગ્નજીવન પણ નિષ્ફળ જતું નથી.
સંબંધોનું સુખ માત્ર પ્રેમલગ્ન કે ગોઠવાયેલા લગ્ન પર આધારિત નથી; તે માણસના સ્વભાવ, સમજણ અને એકબીજા પ્રત્યેના આદર પર ટકેલું હોય છે.

પરંતુ, આ વાર્તા એવા સુખી સંબંધોની નથી. આ વાર્તા છે નિલાની. એક એવી યુવતી, જેણે ક્યારેય કોઈનું ખરાબ વિચાર્યું નહીં. જેણે પોતાના માતા-પિતાની ખુશીને પોતાની ખુશી માની. જેણે જીવનસાથીમાં માત્ર પ્રેમ નહીં, પરંતુ એક સાચા મિત્રની શોધ કરી હતી.

તેને ખબર નહોતી કે જીવન તેની સામે એવો ખેલ રમવાનું છે, જ્યાં દરેક ચાલ સાથે તેનો વિશ્વાસ તૂટતો જશે. એક નિર્ણયથી, સંબંધ અને એક આખું જીવન બદલાઈ જવાનું હતું...


 આખી વાર્તા પૂરી થયા પછી વાચકના મનમાં પણ એક જ પ્રશ્ન ગુંજશે,

"વાંક કોનો?"

- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રીયા'