Sarkari Prem in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 50

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 50



પણ‌ તું કેવી રીતે આવીશ? હું ચાર્ટર્ડ પ્લેન ની વ્યવસ્થા કરી આપું?" નવનીત પુછે છે.

"ના. હું રોનક સર સાથે વાતચીત કરી આવતી રહીશ." મહેચ્છા કહે છે.

"ચલો‌ ઠીક છે." નવનીત કહે છે.

દિલ્હી 
આ તરફ દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર ના એક ભવનમાં વાતચીત ચાલી રહી હતી. મુખ્ય નાણાં સચિવને કેન્દ્ર  સરકારના નાણામંત્રી બોલાવે છે.

"આ બધું શું ચાલી રહ્યું છે? તમારા કેન્દ્ર સરકાર ના રેવન્યુ અધિકારી રાજય સરકાર ની વાતો સાંભળી રહ્યા છે? શું થયું?" 

"સર મને પણ આછી પાતળી માહિતી જ છે. પણ એ સાવ નવો આઈ.એ.એસ ઓફીસર છે. હજી સુધી તેણે કોઈ કાગળ સહી નથી કર્યો તેથી તેના પર કોઈ કાર્યવાહી કરી ન શકાય. પણ હું તેને સમજાવી આપીશ." મુખ્ય નાણાં સચિવ કહે છે.

"મીડિયા થી એને ઉઘાડો પાડી દો." નાણામંત્રી કહે છે.

"સર એ હજી બાળક છે. નોકરશાહી અને રાજનૈતિક ચળવળ સમજ્યો નથી. એક આઈ.એ.એસ અધિકારી હમણાં જ આપઘાત કરી ચુક્યો છે. આજકાલ ની પેઢી નિરાશા સહન નથી કરી શકતી. થોડો‌ સમય આપો. જો નહીં સુધરે તો હું જોઈ લઈશ." મુખ્ય નાણાં સચિવ કહે છે.

જયપુર, રાજસ્થાન 
રાજય સરકાર ના નાણામંત્રી નવનીત સાથે બેઠક યોજી રોયલ્ટી અને ટેકસ‌ ના પૈસા પર રાજ્ય ને વધુ રાહત આપવા માટે દબાણ કરે છે. પણ‌ નવનીત હજી સુધી કંઈ ચકાસણી નથી કરી એમ કહીને વાત ઉડાડી દે છે. 

નવનીત પ્રીતમ સિંહ ને પણ જમીન વિષે ની ફાઈલ જલ્દી થી તૈયાર કરી પોતે જાતે દરેક જિલ્લામાં જઈને ચકાસણી કરશે એમ સમજાવે છે.

નવનીત હવે સમજી રહ્યો હતો કે અજાણતા જ તેણે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એક જંગ ચાલુ કરી હતી. ત્યારે જ મીડિયામાં એક રિપોર્ટ વાયરલ થયો.

"શું આપ સૌ જાણો છો કે આઈ.એ.એસ ઓફીસર નવનીત પોતાની જાતને શું કામ એવી રીતે ચીતરવા નીકળી પડ્યા છે?

પોતાના જ સાસુ સસરા સાથે તેમનો ખુબ જ ખરાબ સંબંધ હતો. પોતાની પત્ની મહેચ્છા સાથે કોર્ટ મેરેજ કરી તેમણે લગ્ન કર્યા હતા. તેમના સાસુ સસરા તેના લગ્ન થી ખુશ ન હતા.

નવનીત નીચી જાતિના હોવાથી એ ખુબ જ લઘુતાગ્રંથિ અનુભવે છે અને જે આચરણ કરવામાં આવ્યું એ તેનું જ પ્રતિબિંબ હતું. 

હવે તમે જ કહો ‌કે જે વ્યક્તિગત જીવનમાં જ આમ હોય તેઓ શું દેશસેવા કરવાના હતા?" 

મધુકર અને મહેચ્છા સમાચારો જોતા જ નવનીત પર ગુસ્સે થઈ જાય છે. વિરોધ પક્ષ દ્વારા નવનીત ની છબી ને ખરાબ કરવા માટે મહેચ્છા ના પરિવાર સાથે તેના સંબંધો વિષે રિપોર્ટ બનાવી લખવામાં આવ્યું હતું.

"હું તને કહી રહી હતી ને? " મહેચ્છા નવનીત ને ફોન કરે છે.

"શું થયું?" નવનીત પુછે છે.

" આ મીડિયા પર રિપોર્ટ જોઈ લે. મારા મમ્મી પપ્પા ક્યાં આવી ગયા આ બધા ની વચ્ચે.." મહેચ્છા કહે છે.

"તું ચિંતા ન કર. હું હમણાં જ જોઈ લઉ." નવનીત ગુસ્સે થાય છે.

"નવનીત નવનીત .." અચાનક જ મધુકર ફોન લે છે.

" તમે આવું કોઈ પણ કામ ન કરતા કે આપણા પરિવાર ની છબિ પર કોઈ પ્રભાવ પડે. તમે ગુસ્સા માં કોઈ ભુલ કરો એ જ મીડિયા ઈચ્છે છે. ફક્ત તમારી નોકરી કરો." મધુકર સમજાવે છે.

નવનીત ચુપચાપ બની જાય છે. પછી નવનીત મીડિયા રિપોર્ટ જોવે છે તો ખુબ ગુસ્સે થઈ જાય છે. પણ મહેચ્છા ને આપેલ વચન પ્રમાણે એ ચુપચાપ જ રહે છે.

બે દિવસ પછી 
મહેચ્છા આજે સિરોહી ખાતે પાછી પહોંચી જવાની હતી. એ સવારે પહોંચી નવનીત ને મળી પછી સીધી જ ઓફીસ જવાની હતી. નવનીત ને પણ આજે પ્રીતમ સિંહ રાજસ્થાન રાજ્યની જિલ્લા પ્રમાણે જમીન ની માહિતી આપવાના હતા. એ પછી નવનીત આગળ નું કામ કરવાનો હતો.

રોનક શ્રીવાસ્તવ આજે વહેલી સવારે જ ઓફીસ પહોંચી ગયા હતા. અમિત પારેખ પણ સાથે જ હતા.

"સર આજે મહેચ્છા મેડમ ‌જોઈન કરશે?" અમિત પારેખ પુછે છે.

"હા એ આજે જ નવા ગામમાં પાછી જશે. મારા ઓર્ડર પ્રમાણે એક ટાસ્ક ફોર્સ દરેક ગામમાં બાળકનું લિંગ પરિક્ષણ‌ રોકવા માટે બનાવવામાં આવી છે." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"પણ સર એમાં શું ખુશ થવાનું છે?" અમિત પારેખ પુછે છે.

"જો આ રાજ્યના જુનવાણી લોકોને આ આદેશ નથી ગમ્યો. એટલે જ આજે મહેચ્છા ને વિરોધ નો સામનો કરવાનો પણ ખબર પડશે. હું એ જ ઈચ્છતો હતો કે સરકારી નોકર તરીકે હંમેશા તમને પ્રેમ અને આદર જ મળે એમ નથી. ક્યારેક તિરસ્કાર અને વિરોધ નો પણ સામનો કરવો પડશે." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"આજે મજા આવશે." અમિત પારેખ હસે છે.

"મહેચ્છા ને આ જ બધા કામમાં વ્યસ્ત રાખી આપણે પોતાના કામ પુરા કરતા રહીશું. નવનીત તો‌ સામાન્ય રીતે જાતે જ ફસાઈ રહ્યો છે. એ ચક્રવ્યૂહમાં ઘુસી ગયો છે." રોનક શ્રીવાસ્તવ કહે છે.

મહેચ્છા પોતાના નિયત સમયે નવનીત ને મળી પછી ઓફીસ માટે નીકળી જાય છે. ત્રણ દિવસ નો‌ સતત દબાણ અને સરિતા ને ગુમાવ્યા નો અફસોસ આજે મહેચ્છા ને પહેલા કરતા થોડી વધારે ઉત્તેજિત બનાવી રહી હતી.

મહેચ્છા રોનક શ્રીવાસ્તવ ને મળવા જાય છે તો એ તેની માતા ની મૃત્યુ માટે અફસોસ પ્રકટ કરે છે. પણ બીજી જ ક્ષણે એક ગામ નું નામ આપી ત્યાં જવા માટે ઓર્ડર આપી દે છે. મહેચ્છા ને આજે જવાનો મુડ ન હતો પણ રોનક શ્રીવાસ્તવ ને કેવી રીતે સમજાવવાનું?

મહેચ્છા પોતાની ટીમ ની સાથે રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા એક ગામની મુલાકાત લેવા માટે નીકળી જાય છે. સિરોહી જિલ્લા ના મુખ્ય મથક થી લગભગ ૮૦ કિલોમીટર દૂર વેરાન જગ્યામાં આ ગામ આવેલું હતું.

ચારેય તરફ રેતી અને રણ ની વચ્ચે અંહી પીવાનું પાણી પણ માંડ મળી શકે એમ‌‌ હતું. ત્રણ કલાક ની મુસાફરી પછી મહેચ્છા આ ગામમાં પહોંચી જાય છે. ગામમાં લગભગ ચાલીસ થી પચાસ ઘર જ હશે. 

કોઈ મોટી સરકારી અધિકારી આવવાની છે એમ વિચાર કરી ગામના પુરુષો પોતાના બાળકોની સાથે બહાર જ ભેગા થયા હતા.મહેચ્છા તો આ બધી વાતચીત થી સાવ અજાણ હતી.એ બહાર નીકળી અને ગામના પુરુષ‌ સરપંચ સાથે વાતચીત કરી ચોકમાં પહોંચી જાય છે.

મહેચ્છા ની સાથે બે યુવતીઓ અને સિક્યોરિટી ગાર્ડ એમ લગભગ છ થી આઠ લોકો નો સ્ટાફ હતો. મહેચ્છા જોવે છે તો એના શ્રોતા વર્ગ ની અંદર બધા પુરુષો અથવા નાના બાળકો જ હતા.

મહેચ્છા ને આ વાતાવરણ ખુબ વિચિત્ર લાગે છે.એ ગામના સરપંચ ને પુછે છે:
" જ્ઞાન કોષ યોજનાના લાભાર્થીઓ તરીકે સ્ત્રીઓ જ‌ હોય છે. પણ આ ગામમાં તો સ્ત્રીઓ દેખાતી જ નથી. બધે પુરુષો જ છે. ગામની સ્ત્રીઓ ક્યાં છે?"

"તમારી શહેર ની હવા હજી આ ગામને લાગી નથી. અમારી સ્ત્રીઓ ઘરમાં જ રહે છે. જરૂર પડે પાણી ભરવા દૂર દૂર જવું પડે તો જ જાય. તમારી વાતો સાંભળી એ બગડી જાય. હું એમ નથી ઈચ્છતો." સરપંચ કહે છે.