Sarkari Prem in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 51

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 51

"આપ આ શું કહી રહ્યા છો?" મહેચ્છા હતપ્રભ બની જાય છે.

એકવીસમી સદીમાં આવું પણ કોઈ ગામ હોઈ શકે એ તેની કલ્પનાશક્તિ થી ઉપર હતું.મહેચ્છા ઈચ્છે છે કે મહિલાઓ પણ તેની સાથે વાતચીત કરે. 

" જો આપ એક મોટા અને શક્તિશાળી મહિલા અધિકારી છો. પણ આ ગામ અમારું છે. તમે જે સમજાવવા આવ્યા છો એ સમજાવી પછી આરામ થી જતા રહો. અંહી શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નથી." સરપંચ કહે છે.

"જી આપ સમજી નથી રહ્યા. હું શક્તિ પ્રદર્શન નહીં પણ યુવતીઓ અને મહિલાઓ વચ્ચે જાગૃતિ લાવવા માટે અંહી આવી છું." મહેચ્છા કહે છે.

"આપ સમજી નથી રહ્યા. ખુબ મુશ્કેલી થી મેં આ બધા ગામવાસીઓને તમારી વાતો સાંભળવા માટે સમજાવ્યા છે. આ મારું ગામ છે." સરપંચ કહે છે.

"મેડમ આ ગામમાં વાતાવરણ ઠીક નથી. શું કામ આપણે કોઈ જાતનું જોખમ લેવું જોઈએ?" મહેચ્છા ની સ્ટાફ કહે છે.

મહેચ્છા પણ આ વાતને હળવેકથી લેવા માટે તૈયાર ન હતી. મહેચ્છા એમ જ સમજી રહી હતી કે જો તે‌ અત્યારે એક ડગલું પાછળ ખસી જાય છે તો એ ખુબ મોટી ભૂલ હશે. 

"હું તો મારી રીતે જાહેરાત કરીશ. જો તમે સૌ પુરુષો જ સાંભળવા માંગતા હો તો કોઈ તકલીફ નથી. ઘરમાં જઈને તમારી પત્ની કે બહેનને જરૂર કહેજો."મહેચ્છા કહે છે.

"હા તો કહો." સરપંચ માની જાય છે.

મહેચ્છા તો સ્ત્રીઓ વિશે અને પ્રજનનની જરૂરિયાત તેમજ સ્ત્રીઓ ની સમસ્યાઓ વિષે વાતચીત કરતા કરતા વચ્ચે વચ્ચે પુરુષો ને પ્રશ્નો પુછે છે. પુરુષો આવા વ્યવહાર થી ડઘાઈ જાય છે. સરપંચ પોતે પણ આવા કોઈ વ્યવહાર ની અપેક્ષા રાખતા ન હતા.

"આ બધી શું અશ્લીલ વાતચીત છે?" સરપંચ પુછે છે.

"મેં તો પહેલા જ કહ્યું કે આ બધી સ્ત્રીઓને જ લાગુ પડતી વાતચીત છે. જો તમને ખબર હોય તો જવાબ આપો અથવા તમારા ઘરની સ્ત્રીઓ ને બહાર આવવા દો. એમને જ જવાબ આપવા દો." મહેચ્છા કહે છે.

"અમે‌ હજી શહેર જેવા નથી થયા. અમુક જવાબો તો સ્ત્રીઓ જ આપે." સરપંચ ઈશારો કરી બધી સ્ત્રીઓને બહાર આવવા માટે સમજાવે છે.

મહેચ્છા ની યુક્તિ કામ કરી જાય છે. એક પછી એક જાણે પિંજરામાં થી કેદ થયેલા પક્ષીઓ આઝાદી પામે છે એમ સ્ત્રીઓ ભલે ઘુંઘટ તાણીને પણ‌ બહાર આવે જ છે.મહેચ્છા ને ભલે ને ધીમે ધીમે પણ પોતાની વાતો સમજાવવા માટે યોગ્ય શ્રોતાઓ મળી જાય છે.

જ્યારે બધી વાતચીત પુરી થઈ જાય છે ત્યારે એક સગર્ભા યુવતી મહેચ્છા સમક્ષ પહોંચી જાય છે.એ મહેચ્છા ને કાનમાં કંઈક કહે છે. મહેચ્છા ધીમે ધીમે હસી પડી.

"સ્ટાફ રેકોર્ડ કરો. આ યુવતી સગર્ભા છે. જો આ યુવતી ને કોઈ પણ‌ પ્રકારની તકલીફ‌‌ થાય તો ગામના સરપંચ ને જવાબદાર ગણવામાં આવશે." મહેચ્છા કહે છે.

ગામનો સરપંચ હતપ્રભ બની જાય છે. અચાનક જ આવી વાતચીત થી તે કંઈ પણ કહી ન શકે એ પરિસ્થિતિમાં મુકાઇ જાય છે.

"હવે પોતાની સગર્ભાવસ્થા ની મજા લો. તમારી સુરક્ષા એ સરપંચ ની જવાબદારી છે." મહેચ્છા યુવતી ના માથે હાથ મૂકીને નીકળી જાય છે.

બધી જ સ્ત્રીઓ તાળીઓ સાથે મહેચ્છા ને વિદાય આપે છે. સરપંચ સમસમીને રહી જાય છે.મહેચ્છા જીપમાં ‌બેસીને રાહત નો શ્વાસ લે છે. આજે મહેચ્છા માટે ખુબ જ અઘરી પરિક્ષા હતી.

જીપમાં મહેચ્છા નો લેડિઝ સ્ટાફ તાળીઓ પાડી મહેચ્છા નું અભિવાદન કરે છે.

"મેડમ‌‌ તમે તો આજે ગજબની કમાલ કરી. એમ લાગ્યું કે આજે તો સ્ત્રીઓ ની પીછેહઠ થવાની જ છે. પણ‌ જે હાજરજવાબી અને કોઠા‌સુઝ વાપરી તમે આખી પરિસ્થિતિનો સામનો કર્યો છે એ ખરેખર પ્રશંસનીય છે.
એ યુવતી કોણ હતી?" 

"આપ સૌનો ખુબ આભાર. આપ સૌની પ્રેરણા જ મને આગળ વધારે છે. એ યુવતી સરપંચ ની જ છોકરા ની પત્ની હતી. તેણે મને કાનમાં આવીને કહ્યું કે મારું ગર્ભ પરીક્ષણ કરવાની તૈયારી છે. એટલે જ મેં બધા ની વચ્ચે આ વાત બહાર કઢાવી સરપંચ ને જ ફસાવી દીધો." મહેચ્છા કહે છે.

"રોનક શ્રીવાસ્તવ સર ને આ ગામ વિષે માહિતી નહીં હોય?" સ્ટાફ પુછે છે.

"તમે બધા શું વાત કરો‌ છો? એક કલેકટર પોતાના જીલ્લા ને સૌથી વધુ ઓળખે છે. આ આપણી બધાની એક પરિક્ષા હતી. પણ એ સરપંચ ને તો હું કઢાવીને જ રહીશ." મહેચ્છા કહે છે.

"આપણી પાસે સમય ખુબ ઓછો છે. હજી ૮૦ થી વધારે અંતરિયાળ વિસ્તારોમાં જ્ઞાન કોષ યોજનાના લાભાર્થીઓ ને શોધવાના છે. સરકારી લાભો સાચી પ્રજા સુધી પહોંચી શકે એ જ મારી જવાબદારી છે." મહેચ્છા કહે છે.

આ તરફ રોનક શ્રીવાસ્તવ ને એમ.એલ.એ પોતાની પાસે મળવા માટે બોલાવે છે. રોનક શ્રીવાસ્તવ આજે ખુબ ખુશ હતો. કારણકે મહેચ્છા ને સૌથી અઘરી કસોટી આપવામાં આવી હતી.

"રોનક શું ખબર છે?" એમ.એલ.એ પુછે છે.
"સર બધું યોગ્ય જ ચાલે છે. મહેચ્છા ને સામાજિક સંસ્થાઓ સાથે લગાડી દીધી છે. નવનીત તો જાતે જ પ્રસિદ્ધ થયો છે. એ આપણી માટે હુકમ નો એક્કો છે." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"મેં સાંભળ્યું છે કે નવનીત આખા રાજ્યમાં જમીન નો સર્વ કરવા જવાનો છે." એમ.એલ.એ કહે છે.

"શું એ રિતેશ ની રાહ પર જ આગળ વધી રહ્યો છે?"‌રોનક શ્રીવાસ્તવ પુછે છે.

"હા પણ એ મુર્ખ નથી. એ ચક્રવ્યૂહમાં ઘુસી ગયો છે. પણ‌ એ સમજી નથી રહ્યો કે કેન્દ્ર સરકાર પણ આ તરફ જ ધ્યાન રાખી બેઠી છે.

નાણામંત્રી અને નાણાં સચિવને બાંહેધરી આપી નવનીત ફસાઈ ગયો છે." એમ.એલ.એ કહે છે.

"રિતેશ તો લાગણીઓ થી ભરપુર હતો. નવનીત સાવ નફ્ફટ છે." રોનક શ્રીવાસ્તવ હસે છે.

"જો આપણી બન્ને ની પાસે આઠ મહિના જ છે. તારી બદલી થઈ જશે.અંહી ચુંટણી પણ છે. ચુંટણી પછી નું સમિકરણ કોઈને પણ ખબર નથી. 

નવનીત ને દરેક જિલ્લામાં સર્વે કરતા છ થી આઠ મહિના લાગશે. " એમ.એલ.એ હસી પડ્યા.

"ચલો સર. મહેચ્છા નો આવવાનો સમય થઈ ગયો." રોનક શ્રીવાસ્તવ કહે છે.

આ તરફ નવનીત પ્રીતમ સિંહ સાથે બેસીને રાજ્ય માં જિલ્લા પ્રમાણે જમીન ની માહિતી જોઈ રહ્યો હતો. ત્યારે જ એણે કોમ્પ્યુટરમાં રિતેશ નામથી કોઈ ફાઈલ જોઈ ‌પણ‌ એ ખુલતી નથી.

પ્રીતમ સિંહ ને બીજા કોઈ કામમાં વ્યસ્ત કરી નવનીત પછી ફરીથી એ જ ફાઈલ શોધે છે પણ એ ફાઈલ ખુલતી જ નથી. એ ફાઈલ ગુપ્ત અથવા બીજા કોઈ પાથ એટલે કે રસ્તા પર હતી.

નવનીત ગુગલ પર ગુપ્ત ફાઈલ કેવી રીતે ખોલવી એ વિષે શોધ કરે છે પણ એને જે જે પગલાં મળે છે એ બધા અત્યારે પ્રીતમ સિંહ ની સામે તો ન જ કરાય. જોકે આ ફાઈલ રિતેશ ના આપઘાત ના એક દિવસ પહેલા જ બનાવવામાં આવી હતી.

હવે નવનીત યોગ્ય સમય ની રાહ જોવે છે જ્યારે એ એકલો હોય અને આ ફાઈલ ગમે તેમ ખોલી શકે. પ્રીતમ સિંહ નવનીત ને ચિંતામાં જોઈ પુછે છે:
"સર રાત પડી ગઈ છે. ઘરે નથી જવું?"