Mind game in Gujarati Motivational Stories by Hitesh Bhalodia books and stories PDF | મનનો ખેલ

Featured Books
Categories
Share

મનનો ખેલ

મનનો ખેલ,

આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે બધો જ મનનો ખેલ છે. આપણી અંદર જે લાગણીઓ આવે છે, જે ગમો અણગમો આવે છે કે વિષાદ આવે છે એ બધું આપણા મનને આભારી છે. તો આ મનના ખેલને આપણી કાબુમા કેવીરીતે કરવો? સાદી ભાષામાં કહીએ તો આપણા માઈન્ડસેટને પોઝિટિવ કરીને એને આપણી કાબુમા કેમ લેવું? જો આપણે આપણા મન ઉપર વિજય મેળવી લઈએ તો આ જગત ઉપર વિજય મેળવ્યો છે એ બરાબર છે. મુશ્કેલ છે પરંતુ અઘરું નથી! મોટા અને મહાન પુરુષો પણ આવું નથી કરી શક્યા તો આપણે કેવીરીતે કરી શકીએ? આપણું મન જ એવું છે જે આપણને અંદરથી મજબૂત બનાવે છે કે અંદરથી નબળા બનાવે છે. મન જો નબળું થયું તો જીતેલો માણસ પણ હારી જાય છે.

તમે તમારી આજુબાજુ અવલોક કર્યું હશે અને જો ના કર્યું હોય તો હવે કરજો, ઘણા એવા લોકો હશે જે કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહીને એનું જીવન જીવતા હોય છે અને ઘણા એવા લોકો પણ હોય છે જે નાની નાની બાબતોમાં નાસીપાસ થઈ જાય છે અને શુષ્ક બાબતોને મોટું સ્વરૂપ આપીને હંમેશા તણાવમાં જીવતા હોય છે. ઘણા લોકો સફળ થાય તો પણ સ્થિર હોઈ છે અને ઘણા લોકો છકી જાય છે. આ બધો જ આપણા મનનો ખેલ છે. મનની અંદર તમે જેવું વાવો છો એવું લણો છો. તમારા મનને તમે કેવી રીતે લો છો એના ઉપર આ બધાનો આધાર છે.

તમારું જીવન હંમેશા અંદરથી જ બદલાય છે, ક્યારેય બહારથી નથી બદલાતું. તમે તમારા મનમાં કેવા વિચારો કરો છો, તમે તમારા મનને કઈ દિશામાં હંકારો છો અને અને તમે તમારા મનમાં કેવા સ્મરણો સંઘરીને ચાલો છો એની ઉપરથી તમારા જીવનની દિશા નક્કી થાય છે. જ્યારે તમે તમારા મનની અંદર વિચારો બદલો છો અને મનથી જોવાની દૃષ્ટિ બદલો છો ત્યાંથી દુનિયા તમને બદલાતી દેખાય છે. તમારી સામેવાળાને તમારે કઈ રીતે જોવો છે એ તમારું મન નક્કી કરે છે. તમે કોઈ વિશે ખરાબ ધારણા બાંધો છો ત્યારે તમને એ ખરાબ જ લાગે છે અને જો તમે એના વિશે કોઈ સારી ધારણા બાંધો છો તો એ તમને સારો જ લાગવાનો છે.

તમારા મનની વિચારસરણી ઉપર તમારી આજુબાજુ કેવા લોકો રહે છે અને એની પાસેથી તમે કેવું ગ્રહણ કરો છો એની ઉપર પણ રહે છે. તમારી આજુબાજુ રહેતા લોકો જ જો નેગેટિવ હોય અને તમને સતત નેગેટિવિટીમાં જ રાખતા હોય ત્યારે તમારા મનમાં નેગેટિવિટી જ આવશે! ક્યારેય તમારું મન પોઝિટિવ થશે નહીં. જ્યારે તમને એવું લાગે કે તમારી આજુબાજુની વ્યક્તિ તમારે લાયક નથી કે એનાથી તમારા જીવનમાં નેગેટિવિટી આવે છે તો તરત એનાથી દૂર થઈ જાવ અને જો તરત ના થવાય તો ધીરે ધીરે દૂર થાવ. જો એ વ્યક્તિ એવી હોય કે એનાથી દૂર થવાય એમ ના હોય ત્યારે એનાથી આઇસોલેશન લઈ લો. ફિઝિકલ ડિસ્ટન્સ વધારી દો, એના વિચારો લેવાનું બંધ કરી દો.

તમે ઘણીવાર અનુભવતા હશો કે તમે જેવું વિચારો છો એવું તમારી સાથે થાય છે. તમારી આજુબાજુ રહેલી પ્રકૃતિ તમારું મન વાંચતી હોઈ છે. તમે જે મનમાં ધારો છો કે ફિલ કરો છો એવું તમારી સાથે થાય છે. મારી સાથે નોકરીમાં એક સાહેબ છે એ હંમેશા નેગેટિવ પહેલા વિચારતા હોય છે અને પછી થોડું સારું વિચારતા હોય છે અને ખરેખર એ જેવું વિચારતા હોય છે એવું કઈ ને કઈ થતું રહે છે. એટલે કોઈ પણ પરિસ્થિતિ વિશે પહેલા પોઝિટિવ વિચારો પછી એના નેગેટિવ પાસાને હાથમાં લો.

આપણે હંમેશા આપણા મનને એક સવાલ પૂછતા રહેવું જોઈએ, “મન તું મારું મિત્ર છે કે દુશ્મન?” તમે તમારા મનને સવાલ કર્યો એનો મતલબ એવો થાય કે તમે તમારી જાતને સવાલ કર્યો છે. આપણે આપણી જાતના દુશ્મન ક્યારેય બનવાના નથી માટે આપણે આ સવાલ જો આપણા મનને કરીશું ત્યારે આપણું મન આપણું દુશ્મન બનવા ક્યારેય તૈયાર નહીં થાય, એ હંમેશા આપણું મિત્ર બનીને રહેશે અને આપણી સાથે એક મિત્ર તરીકે કામ કરશે. માટે તમારા મનને તમારું દુશ્મન નહીં મિત્ર બનાવો. જ્યારે મન તમારું મિત્ર બને છે ત્યારે એ બીજાનું સાંભળવા કરતા તમારા હિતનું જ હશે એ વધારે સાંભળશે અને તમારી અંદર બહારની નેગેટિવિટી પ્રવેશવા નહીં દે.

તમારા મનને એવી શક્તિ આપો કે મન તમારો સાચો સાથી બનીને રહે. તમે જ્યારે સવારે ઉઠો છો ત્યારે મન એક કોરા ખેતર જેવું હોય છે, સવાર સવારમાં એમાં જે વાવો છો એવું તમને આખો દિવસ મળે છે. જો તમે એમાં બાવળ વાવશો તો તમને એમાંથી ક્યારેય ફૂલ નહીં મળે. આપણે અત્યારના સમયમાં શેનાથી વધારે પરેશાન છીએ? આપણા વિચારોથી જ! પહેલા ફક્ત આપણી આપણી આજુબાજુવાળા અને આપણા મિત્રો જ હતા પરંતુ અત્યારે સોશિયલ મીડિયા નામનું એક રમકડું આપણા હાથમાં આવી ગયું છે. આપણી સવાર હવે આ રમકડાંથી થાય છે અને આ રમકડાની અલ્ગોરીધમ એવી છે કે તમે એકવાર જે જુવો છો એજ દેખાય છે. માટે અત્યારના જમાનામાં આપણા મનને સાવધ રાખવું વધારે જરૂરી છે.

આપણને શારીરિક થાક લાગે છે એના કરતા માનસિક થાક વધારે લાગે છે. શરીર થાકે છે એના કરતા મન વધારે થાકે છે. શારીરિક શ્રમ કરીએ છીએ ત્યારે જે ઊર્જાની જરૂર પડે છે એના કરતા વધારે ઊર્જાની જરૂર માનસિક શ્રમ વખતે વધારે પડે છે. શરીરનો થાક તો આરામ કરવાથી ઊતરી જાય છે પરંતુ મનનો થાક આરામ કરવાથી પણ ઊતરતો નથી! જેવું મન જાગરૂક થાય છે એવું જૂની ચિંતાઓ, સંતાપો અને બીજી ઘણી બાબતોમાં ફરી કાર્યરત થઈ જાય છે. મન ના થાકે એના માટે મનને તમારે મજબૂત બનાવવું પડશે, જો એ નબળું હશે તો નાની નાની બાબતોમાં થાકી જશે. મનને મજબૂત બનાવવા તમે બહારથી કેવું લો છો એની ઉપર છે. બહારથી સારું ગ્રહણ કરો તો મન આપોઆપ મજબૂત થશે.

આપણે હંમેશા આપણી તુલના બીજા સાથે કરતા રહેતા હોઈએ છીએ. જ્યારે આપણે આપણી તુલના બીજા સાથે કરીએ છીએ ત્યારે આપણા મનને એની સારી બાબતો પહેલા દેખાશે અને એની તુલના આપણી ખરાબ બાબતો સાથે કરશે. જ્યારે મનમાં આવું થાય છે ત્યારે એ હીનતાની ભાવના મહેસૂસ કરે છે. જેને લીધે તુલના કરતું આપણું મન જ અશાંત થઈ જાય છે. સામેની વ્યક્તિની સારી લાગતી બાબતો આપણા માટે ખરાબ પણ હોઈ શકે અને આપણી આપણા મનને લાગતી ખરાબ બાબતો સામેની વ્યક્તિ માટે સારી પણ હોઈ શકે. માટે આપણા મનને કોઈની તુલના કરતા રોકો. આપણે જે રીતે છીએ એ સારા જ છીએ એવું માનવા આપણા મનને પ્રેરો. પ્રકૃતિમાં જેવી રીતે દરેક વસ્તુઓ એની જગ્યાએ યોગ્ય છે એમ આપણે પણ આપણી જગ્યાએ યોગ્ય જ છીએ. બીજા ભલે ગમે તે હોય આપણે પણ કઈ ઉતરતા નથી.

બે માણસ એક જ પરિસ્થિતિમાં હોય છે અને બંનેને નિષ્ફળતા મળે છે ત્યારે બંનેની વિચારસરણી અલગ હોય ત્યારે પાછળથી બંનેનું ભવિષ્ય અલગ થઈ જાય છે. એક એવું વિચારે કે હું છું જ એવો, મારી કિસ્મત જ છે એવી જેથી મને નિષ્ફળતા મળી અને બીજો પોતાની ભૂલ સ્વીકારીને વિચારશે કે મેં ભૂલ કરી છે એટલે મને નિષ્ફળતા મળી છે હવે પછી હું એને સુધારી લઈશ! એક જ પરિસ્થિતિમાં રહેલા આ બંને માણસ આગળ જતા અલગ અલગ દિશામાં જશે અને અલગ અલગ પરિણામ મેળવશે.

જેવી રીતે શરીર ભોજનથી બને છે એમ મન વિચારોથી બને છે. તમે તમારા મનને કેવું લો છો એની ઉપર બધો આધાર રહે છે. મન ફક્ત શબ્દોથી નથી બદલતું પરંતુ આપણી આદતોથી પણ બદલે છે. તમે ફરિયાદી બનશો તો તમારું મન પણ ફરિયાદ કરતું થઈ જશે, તમે ગુસ્સે થઈ અશાંત થશો તો તમારું મન પણ અશાંત થશે અને જો તમારામાં ધીરજ હશે તો તમારું મન ધૈર્યથી વિચારશે અને મજબૂત બનશે. તમારે તમારા મનને બદલવું હોય તો તમારી નાની નાની આદતોને બદલો. જેને નાની નાની બાબતોમાં સારું સારું દેખાય છે એનું મન હંમેશા તરોતાજા રહે છે.


અસ્તુ.