મહેચ્છા બહાર નીકળી જાય છે. મીડિયા કવરેજ સાથે સરપંચ જાણે મહેચ્છા ને જ ખલનાયિકા તરીકે ચીતરવા માંગી રહ્યો હતો.
મહેચ્છા ને જોઈ ટોળું શાંત થઈ જાય છે. સરપંચ પોતાના સાથે બે ત્રણ મળતિયાઓને લઈને જાણે કે કોઈ જંગ જીતી ગયો હોય એમ મહેચ્છા તરફ આગળ વધે છે.
"કેમ છો મેડમ કલેકટર? આજે તમારી ઓફીસ ની આગળ જ આવી ગયો. તમે જે મીડિયા સામે મને ઊભો કર્યો હતો એ જ મીડિયા તમારી સામે છે." સરપંચ કહે છે.
"તમે શું સમજો છો કે મીડિયા બતાવી મને ડરાવશો. હું તો સત્ય જ બોલવાની છું." મહેચ્છા કહે છે.
" આજે જ સસ્પેન્ડ થઈ જશો." સરપંચ હસી પડ્યો.
અચાનક જ મીડિયા મહેચ્છા ને ઘેરી વળે છે.
આ તરફ રોનક શ્રીવાસ્તવ અને અમિત પારેખ કેબિનમાં થી બહાર નો નજારો જોઈ રહ્યા હતા. અમિત પારેખ ના પુરુષ અહં ને ઘણી શાંતિ મળી રહી હતી. રોનક શ્રીવાસ્તવ પણ મહેચ્છા ને હડધૂત થતાં જોવા માંગતો હતો.
"આપ પર અશ્લીલ ભાષણો આપવાનો આરોપ છે. શું એ સત્ય છે?" મીડિયા પુછે છે.
" જો એક સ્ત્રી તરીકે અને ડેપ્યુટી કલેકટર તરીકે તમે કોઈ ગામમાં જાવ અને શ્રોતા વર્ગ તરીકે ફક્ત પુરુષો જ હોય તો?
ચલો એ પણ ઠીક છે. મારી જવાબદારી તો જ્ઞાન કોષ યોજનાના લાભાર્થી માટેની છે. સ્ત્રીઓ ને પ્રસુતિ દરમ્યાન થતા જુદી જુદી તકલીફો વિષે માહિતી આપવાને જો તમે અશ્લીલતા કહેતા હો તો હા મેં અશ્લીલ ભાષણ આપ્યું." મહેચ્છા કહે છે.
"પણ સરપંચ તો આ આખી વાત ને જ અશ્લીલ માને છે?" મીડિયા પુછે છે.
" જે ગામમાં સ્ત્રીઓ ને બહાર જ આવવાની મનાઈ હોય. ગર્ભ પરીક્ષણ કરવામાં આવે. જો દીકરી હોય તો મારી નાખવામાં આવે એ ગામનો સરપંચ જ સ્ત્રી પ્રસુતિ ની વાતો ને અશ્લીલ કહી શકે.
આપણે દેશમાં એક તરફ તો સેક્સ એજ્યુકેશન વિષે મોકળાશ થી વાતચીત કરવાની જરૂર છે એમ બણગાં ફુંકી નવી પેઢીને આગળ વધારવા માટે કહીએ છીએ તો બીજી તરફ પ્રસુતિ ની વાતો અશ્લીલ છે!!" મહેચ્છા કહે છે.
અચાનક જ વાતાવરણ પલટાયું જોતા સરપંચ સાથે લોકો નું ટોળું ફરીથી " મહેચ્છા મુર્દાબાદ.. મહેચ્છા મુર્દાબાદ.." એમ કહીને મીડિયા ને પોતાની તરફ કરવા માટે પ્રયત્ન કરે છે.
"શું આપ સરપંચ ની માફી માંગી આ મામલો બંધ કરવા માંગો છો?" મીડિયા પુછે છે.
" હું આ નોકરી છોડી દઈશ પણ સરપંચ ની માફી કોઈ દિવસ નથી માંગવાની.એક મહિલા પત્રકાર તરીકે તમને જ આ પ્રશ્ન પુછતા શરમ આવવી જોઈએ. ક્યાં સુધી આવા પુરુષોને છાવરવામાં આવશે?" મહેચ્છા હજી તો વળી જ હતી.મહિલા પત્રકાર પણ શરમાઈ જાય છે અને સરપંચ ને ખખડાવી નાખે છે.
મહેચ્છા જેવી જ પાછી વળે છે એક પથ્થર તેના માથે જોર થી અથડાય છે.મહેચ્છા ના માથેથી લોહી નીકળવા લાગે છે. અચાનક જ સિક્યોરિટી ગાર્ડ મહેચ્છા ને ઘેરી વળે છે.
અમિત પારેખ તરત જ રોનક શ્રીવાસ્તવ ને માહિતી આપે છે. મહેચ્છા માથા પર પથ્થર વાગવાથી બેભાન થઈ જાય છે. તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.
આ ઘટના વખતે મીડિયા પણ હાજર હોવાથી સરપંચ અને તેના ખાસ સાગરિતો ની પોલીસ તરત અટકાયત કરી દે છે. નવનીત આ તરફ હજી ઉદયપુર પહોંચી જ ગયો હતો ત્યારે તેને રોનક શ્રીવાસ્તવ મહેચ્છા ઉપર થયેલા હુમલા વિશે માહિતી આપવા ફોન કરે છે.
"શું કહી રહ્યા છો?" નવનીત ને તો વિશ્વાસ જ નથી થતો.
" હા મહેચ્છા પર પથ્થર થી હુમલો થયો છે. એ ખતરા થી બહાર છે. પણ હજી બેભાન છે. એ થોડીવાર પછી જ ભાનમાં આવી જશે. " રોનક શ્રીવાસ્તવ કહે છે.
"પણ મહેચ્છા પર હુમલો કેમ થયો?" નવનીત સમજી નથી શકતો.
"તમે તો જાણો જ છો કે ઘણીવાર જો માફી માંગી હોય તો પરિસ્થિતિ થાળે પડી જાય પણ મહેચ્છા મારી વાત માની નહીં. ટોળું ઉશ્કેરાઈ ગયું અને કોઈએ તેને પથ્થર મારી દીધો. " રોનક શ્રીવાસ્તવ કહે છે.
"હું એને કેટલી વખત સમજાવી ચૂક્યો છું કે આ બધા સમાજ સેવા ના કામ છોડી દે. પણ એ માનતી જ નથી. હું પણ કાલે જ આવી શકીશ. " નવનીત કહે છે.
"પણ હમણાં મહેચ્છા ને તમારી હુંફ ની જરૂર છે. " રોનક શ્રીવાસ્તવ કહે છે.
"હા પણ એ ધારે ત્યારે હું નવરો ન હોઉં ને? એને કહેજો કે હું કાલે જ આવીશ." નવનીત કહે છે.
" ઠીક છે." રોનક શ્રીવાસ્તવ કહે છે.
આ તરફ રાજસ્થાન ના મીડિયા પર ડેપ્યુટી કલેકટર ને પથ્થર વાગ્યો હોવાની ઘટના આગ ની જેમ ફેલાય જાય છે. રોનક શ્રીવાસ્તવ ને એક કમિટી બનાવી આ મામલો થાળે પાડવા માટે સુચના આપવામાં આવે છે.
રાજસ્થાન ના નારીવાદી સંગઠનો મહેચ્છા ના પક્ષમાં તરત જ આવી જાય છે.એ લોકો સરપંચ ને તાત્કાલિક સજા આપવા માટે રોનક શ્રીવાસ્તવ પર દબાણ કરે છે.
"અરે સર આ તો બાજી પલટાઈ ગઈ." અમિત પારેખ કહે છે.
"હા યાર. આ છોકરીમાં દમ છે. ગમે તેવી પરિસ્થિતિ પોતાની તરફ વાળી દે છે. હવે એ સરપંચ અને તેના સાગરીતો ને થોડા દિવસ માટે આ મામલો ઠંડો પડે ત્યાં સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દો. " રોનક શ્રીવાસ્તવ કહે છે.
"સર એ સરપંચ ધમકી આપી રહ્યો હતો કે પોલીસ ને જણાવશે કે આ બધું તમારી સાથે વાતચીત કર્યા પછી જ પ્લાન કરવામાં આવ્યું. " અમિત પારેખ કહે છે.
" પથ્થર મારવા માટે મેં કહ્યું હતું?" રોનક શ્રીવાસ્તવ ગુસ્સે થયો.
" એને સમજાવી દો કે ગામમાં જેટલા ગર્ભ જાતિ પરિક્ષણ થયા છે એ બધી વિગતો મીડિયા ને મળી જશે તો આખી જીંદગી જેલમાં રહેવું પડશે. એ કરતા થોડા દિવસ રહીને પાછો જાય એ વધુ સારું." રોનક શ્રીવાસ્તવ કહે છે.
રોનક શ્રીવાસ્તવ અને અમિત પારેખ હસી પડે છે. આ તરફ મહેચ્છા ભાનમાં આવી તો તેને કંઈ યાદ નથી હોતું. માથા ના પાછળ ની બાજુ પર હજી તેને ઘણો દુખાવો હતો.
મહેચ્છા ની આંખો નવનીત ને શોધી રહી હતી પણ નવનીત તો હતો જ નહીં. ડોક્ટર રોનક શ્રીવાસ્તવ ને મહેચ્છા ભાનમાં આવી એ માહિતી આપે છે.
રોનક શ્રીવાસ્તવ અને અમિત પારેખ પણ તરત જ હોસ્પિટલમાં પહોંચી જાય છે. મહેચ્છા રોનક શ્રીવાસ્તવ ને જોઈ બે હાથ જોડીને નમસ્કાર કરે છે.
"તમે આરામ કરો. બહું મોટી આફત થી બચી ગયા." રોનક શ્રીવાસ્તવ કહે છે.
"સર નવનીત ક્યાં છે?" મહેચ્છા પુછે છે.
" મેં નવનીત ને બધી જ વાતચીત કરી. પણ એ ક્યાંક વ્યસ્ત છે. કાલ સુધી પહોંચી જશે. ત્યાં સુધી તમને આરામ કરવા કહ્યું છે." રોનક શ્રીવાસ્તવ કહે છે.
"નવનીત.. શું કહેવું?" મહેચ્છા નિરાશ થઈ જાય છે.
રોનક શ્રીવાસ્તવ મહેચ્છા ના ચહેરા પર ની નિરાશા વાંચી લે છે.
"કોઈ પણ જરૂર હોય તો આપણા સ્ટાફના બે વ્યક્તિ અને સિક્યોરિટી પણ બહાર છે. હું હવે રજા લઉ."રોનક શ્રીવાસ્તવ કહે છે.