રોનક શ્રીવાસ્તવ ઘરમાં પહોંચી ગયા પછી નવનીત ને ફોન કરે છે.
"નવનીત એક સીનીયર ઓફીસર તરીકે મારી વાત માનીશ?"
"શું સર?" નવનીત પુછે છે.
"આપણે ગમે તેટલા જરૂરી કામમાં કેમ ન હોઈએ પણ આપણે પરિવાર ને સમય આપવો જ જોઈએ. પરિવાર જ નોકરી પછી આપણે સાથે રહેવાનો. મને આજે મહેચ્છા ના ચહેરા પર ઉદાસી જોવા મળી." રોનક શ્રીવાસ્તવ કહે છે.
"જી સર હું સમજી ગયો. હમણાં જ ફોન કરું." નવનીત કહે છે.
આ તરફ મહેચ્છા ની તબિયત સારી હતી અને બીજા દિવસે સવારે જ તેને રજા આપવામાં આવશે એમ ડોક્ટર કહી ગયા હતા. મહેચ્છા તકિયા ના ટેકે બેસી મધુકર સાથે વાતચીત કરી રહી હતી.
"શું કરીએ પપ્પા? હું ખોટી જગ્યાએ તો પોતાની જાતને સંભાળી જ ન શકું. આજે જો સરપંચ પણ જેલમાં ગયો ને."
"હા પણ દીકરી તને કંઈ થયું હોય તો ? હમણાં જ સરિતા ના આઘાત થી કળ નથી વળી ત્યાં તારા આવા સમાચાર સાંભળી હું ગભરાઈ ગયો." મધુકર કહે છે.
"હું તો નવનીત પર ખુબ ગુસ્સે છું. એ જ ફોન કરી રહ્યો છે. પણ હું ઉપાડીશ જ નહીં." મહેચ્છા કહે છે.
"પણ દીકરી એ તને ખુબ પ્રેમ કરે છે. કોઈ મજબુરી જ હશે. બાકી એ આવી જ જાય." મધુકર કહે છે.
"પપ્પા એવી તો શું મજબૂરી? હમણાં હું ફોન માં તો હા કે ના માં જ જવાબ આપીશ. પણ એ આવશે ત્યારે જો એ મને સમજાવી ન શક્યો તો એ મારું બીજું રૂપ જોશે." મહેચ્છા કહે છે.
"ઠીક છે. હવે તો નવનીત સાથે વાતચીત કરી લે. " મધુકર ફોન મુકી દે છે.
મહેચ્છા ફોન મુકી પછી આરામ કરે છે. થોડીવાર પછી જ નવનીત ફોન કરે છે તો મહેચ્છા ફક્ત હા અને ના કહીને જ ફોન ટૂંકાવી દે છે. નવનીત સમજી તો જાય છે કે મહેચ્છા ખુબ ગુસ્સે હતી.
આ તરફ રાત્રે જ રોનક શ્રીવાસ્તવને એમ.એલ.એ નવનીત ની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવા માટે સમજાવે છે. રોનક શ્રીવાસ્તવ જ્યાં સુધી પોતે છે ત્યાં સુધી કોઈ ચિંતા ન કરવા માટે સમજાવે છે.
એ રાત્રે નવનીત ઉદયપુર જિલ્લાના નકશા સાથે પ્રીતમ સિંહ ના નકશા ને સરખાવી રહ્યો હતો. કઈ કઈ જમીન સરકારી તેમજ પ્રાઈવેટ છે એ તેણે ચકાસણી ચાલુ કરી તો અડધી રાત વીતી જાય છે.
ઉદયપુર આમતો મહારાણા પ્રતાપ નું ગામ હતું. ચારેય તરફ અરવલ્લી ગિરિમાળાઓ થી ઘેરાયેલું અને પ્રાચીન કિલ્લો કે જે મહારાણા પ્રતાપની વીરતા ની ગાથા રજુ કરતો હતો એ તેની શોભામાં વધારો કરતો હતો.
ઉદયપુર માં શહેરની વચ્ચેજ એક સરસ મજાનું તળાવ હતું. આ તળાવમાં સાંજ ના સમયે બોટિંગ તેમજ રાજસ્થાનના સુમધુર લોક સંગીત ની મજા લેવાની કંઈક અલગ જ મજા હતી.
પણ નવનીત જે જોવા આવ્યો હતો એ વાત જ કંઈક અલગ હતી. નવનીત સવારે વહેલો ઊઠીને હજી તો સરકારી જમીન અને ખાનગી જમીન એટલે કે પ્રાઈવેટ જમીન એમ વિભાજન કરી રહ્યો હતો ત્યારે જ તેનું ધ્યાન ઉદયપુર શહેરની બહાર જ નદીના કિનારે એક નવી જ મોટી પ્રોપર્ટી પર જાય છે.
નવનીત ને ખુબ આશ્ચર્ય થયું કે નદીના પટ નજીક ની જમીન તો ખુબ જ ફળદ્રુપ જમીન ગણાય છે એ જમીન કેવી રીતે બિન ખેતીવાડી જમીન તરીકે ગણવામાં આવી રહી છે અને કેવી રીતે આવડી મોટી જમીન એક જ મોટા બિઝનેસમેન ને પ્રોપર્ટી બનાવવા માટે સાવ જ પાણીના ભાવે વેચી દેવામાં આવી છે!!
નવનીત માટે તો આ પહેલું નિશાન હતું. નવનીત ના ઉદયપુર માં જ હોવાની વાત ત્યાંના કલેકટર ને ખબર પડી જતાં એ સવારે જ નવનીત ને મળવા માટે પોતાની ઓફીસમાં બોલાવી જે પણ જોઈતી મદદ જોઈએ એ કરવા માટે આશ્વાસન આપે છે. પણ નવનીત ગોળ ગોળ જવાબ આપે છે.
નવનીત પોતાના સિક્યોરિટી સ્ટાફ અને ડ્રાઈવર સાથે સવારે નાસ્તો કરી સર્કીટ હાઉસ થી સીધો જ ઉદયપુર શહેરની બહાર આવેલી એ પ્રોપર્ટી પર અચાનક જ પહોંચી જાય છે.
ઉદયપુર શહેરના કલેકટર ને પણ નવનીત ની આ વાત ખબર ન હતી. નવનીત કોઈ ને પણ ખબર ના પડે એ પહેલા જ આ પ્રોપર્ટી ને પોતાની આંખો થી જે રીતે છે એ રીતે જ જોવા માંગતો હતો.
નવનીત જેમ જ સાઈટ પર પહોંચી જાય છે તો એ હતપ્રભ બની જાય છે. શહેરની બહાર જ નદીના પટમાં તોતિંગ બોર્ડમાં પંદર માળ ના ત્રણ બિલ્ડિંગ ની જાહેરાત કરવામાં આવી હતી. આ જમીન ની બાજુ માં ખેતીલાયક જમીન ફક્ત જોવાથી જ ખબર પડી રહી હતી.
નવનીત પ્રોપર્ટી માં દાખલ થઈને જમીન ના અલગ અલગ જગ્યાએ ફરી ફરી ને નમુનાઓ એકત્રિત કરે છે. પછી પોતાના સ્ટાફ ને પ્રોપર્ટી ના ફોટા ખેંચવા માટે કહે છે. ત્યારે જ પ્રોપર્ટી નો સિક્યોરિટી ગાર્ડ પોતાની ઓફીસમાં કોઈ સરકારી અધિકારી ની સરપ્રાઈઝ વિઝિટ વિષે માહિતી આપે છે.
"શું કોને માહિતી આપી?" નવનીત સિક્યોરિટી ગાર્ડ પર ગુસ્સે થાય છે.
" અમારા માલિક ને .." સિક્યોરિટી ગાર્ડ કહે છે.
"એને કહેજે કે નવનીત, રેવન્યુ અધિકારી તરીકે સાઈટ વીઝિટ કરવા માટે આવ્યા છે. " નવનીત કહે છે. પછી પોતાના સ્ટાફ ને ફોટો ખેંચવા અને જમીન ના નમુનાઓ લેવા માટે સમજાવે છે.
એ જ પ્રોપર્ટી થી લગભગ બે કિલોમીટર દૂર જ એક ગામ હતું. ગામમાં લોકો પણ કોઈ સરકારી અધિકારી ની વિઝિટ છે એ બાતમી મળતાં જ દોડતા આવે છે. નવનીત તો જાણે આ જ રાહ જોતો હતો.
આ તરફ રોનક શ્રીવાસ્તવ પાસે નવનીત ની બાતમી પહોંચી જાય છે. રોનક શ્રીવાસ્તવ તરત જ ઉદયપુર ના કલેકટર ને બધા કામ છોડી નવનીત ને સાઈટ પર જ મળવા માટે સમજાવે છે.
સિરોહી થી સીધી જ માહિતી જયપુર સુધી પહોંચી જાય છે. આ પ્રોપર્ટી ના માલિક જે બિઝનેસમેન હતો એ રાજ્ય સરકાર નો ખાસ માણસ હતો. નવનીત ની આ અણધારી આફત તેને રાજય સરકાર ની નજરમાં અળખામણો બનાવી રહી હતી.
આ તરફ મહેચ્છા નો સવારે જ ચેકઅપ કરી લીધા પછી ડોક્ટર તેમને રજા આપવાનું કહી દે છે. અજય પરીખ અને રોહન શ્રીવાસ્તવ મીડિયા સાથે મહેચ્છા નું સ્વાગત કરવા તૈયાર હતા.
મહેચ્છા માથે પાટા ની સાથે જેમ જ હોસ્પિટલમાં થી બહાર આવી તો રોનક શ્રીવાસ્તવ મીડિયા ની સામે હાર પહેરાવી મહેચ્છા નું અભિવાદન કરે છે.
"તમે એક સમાજવાદી સરકારી અધિકારી છો. તમારી એક જ પહલ થી એ સરપંચ પર કાર્યવાહી કરી તેને જેલભેગો કરી દેવામાં આવ્યો છે.
ભગવાન ની કૃપાથી તમને કોઈ મોટી ઈજા નથી થઈ. હવે એક બે દિવસ આરામ કરી તમે સિરોહી ને વધુ ને વધુ આગળ વધારો એ જ મારી ઈચ્છા છે."
બધા ખુબ તાળીઓ પાડે છે. પણ તરત જ એક પત્રકાર પુછે છે:
" મેડમ આપ તો ખરેખર એક ખુબ જ સારા સરકારી અધિકારી છો. પણ આ આફત ના સમયે પણ આપના પતિ રેવન્યુ અધિકારી નવનીત સર આપને જોવા સુધ્ધાં ન આવ્યા?"