Dharmendra Pradhan: Hata3, Chhe ane Raheshe! in Gujarati Comedy stories by Anmol Anil Saraiya books and stories PDF | ધર્મેન્દ્ર પ્રધાન: હતા, છે અને રહેશે!

Featured Books
Categories
Share

ધર્મેન્દ્ર પ્રધાન: હતા, છે અને રહેશે!

હમણાં દેશના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો.

'કોક્રોચ જનતા પાર્ટી'ના કાર્યકરો દ્વારા કરાયેલા ઉગ્ર વિરોધ અને લાંબા ઉપવાસ આંદોલનનો આખરે વિજય થયો. ચોતરફથી દબાણ વધતા, હાઈકમાન્ડના આદેશથી આખરે ધર્મેન્દ્ર પ્રધાને ભારે હૈયે પોતાનું રાજીનામું વડાપ્રધાનને સોંપવું પડ્યું! ટીવીની બધી જ ન્યૂઝ ચેનલો બ્રેકિંગ ન્યૂઝના નામે આ ગરમાગરમ સમાચારથી ઊભરાઈ ગઈ હતી.

સાંજના સમયે અમારા પાનના ગલ્લે મિત્રમંડળીની કાયમી બેઠક જામી હતી અને આ જ મુદ્દા પર ચર્ચાની ચાકડે ચડી રહી હતી.
"કોણ કહે છે કે અમારી પાર્ટીમાં રાજીનામાની પ્રથા નથી? જુઓ, આખરે આપવું પડ્યું ને રાજીનામું!" એક જેન-ઝી (Gen-Z) યુવાને છાતી કાઢીને ગર્વથી કહ્યું.
ત્યાં જ અમારા પત્રકાર મિત્ર 'હરખચંદ હોલીવુડ' બોલી ઊઠ્યા, "અરે ગમે તે હોય ભાઈ! પણ ધર્મેન્દ્ર પ્રધાન હતા, છે અને હંમેશાં રહેશે! કોઈ ગમે તેટલા આંદોલનો કરે કે માથું પછાડે, પણ તે પ્રધાન જ રહેશે."
"કેમ ભાઈ? તેમણે રાજીનામું આપી દીધું છે અને તે સ્વીકારાઈ પણ ગયું છે. એટલે હવે તે પ્રધાન નથી, નથી ને નથી જ!" પેલો યુવાન થોડો અકળાયો.
"હજી છે, છે ને રહેશે જ!" હરખચંદે પણ મક્કમતાથી પોતાની વાત પકડી રાખી.
આમ ઝઘડો વધતો જોઈને 'કાકા કહેવતીશંકરે' ન્યાયાધીશની અદાથી વચ્ચે પડતા કહ્યું, "અરે ઉતાવળે આંબા ન પાકે જુવાનિયાઓ! એમ અધીરા ન થાઓ. હરખચંદ, આખી દુનિયા જાણે છે કે તે હવે પ્રધાન નથી રહ્યા. 'રાઈનો પર્વત' કર્યા વિના હવે તારે જે કહેવું હોય તે તું શાંતિથી અને તર્ક સાથે કહે. બાકી આ વખતે તું સ્પષ્ટપણે ખોટો દેખાઈ રહ્યો છે."
"ભલે, તો સાંભળો. હું વિગતવાર મારી વાત તમારી સમક્ષ રજૂ કરું છું." હરખચંદે ગળું ખંખેર્યું, "આપણા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રભાઈ જ્યારે પહેલી વાર પ્રધાન બન્યા, ત્યારે હું જ તેમનો ઇન્ટરવ્યુ લેવા ગયો હતો. આમ તો હું ફિલ્મ સ્ટાર્સના જ ઇન્ટરવ્યુ લઉં છું, પણ તે દિવસે અમારો રાજકીય પંડિત રજા પર હતો, એટલે ચેનલે મને દોડાવ્યો હતો."
"હવે નવા-નવા મિનિસ્ટર બન્યા હોય, એટલે અમારા જેવા પત્રકારોને સામેથી બોલાવીને હોંશે-હોંશે ઇન્ટરવ્યુ આપે. મેં તેમને પૂછ્યું, 'સાહેબ, તમે પ્રધાન થઈ ગયા! તેની તમને ખૂબ જ ખુશી થઈ હશે, ખરું ને?'"
"તેમણે એકદમ સહજતાથી જવાબ આપ્યો, 'ના, ના... એવું બધું કંઈ નથી. અમે તો હંમેશાં ખુશ જ હોઈએ છીએ.'"
"મેં ફરી કૂદકો મારતા પૂછ્યું, 'તોય સાહેબ, પ્રધાન પદ મળવાનો આનંદ તો હોય જ ને?' ત્યારે તેમણે મોકળાશથી હસીને કહ્યું, 'હા, એ આનંદ તો છે, પણ બાકી અમે તો જન્મથી જ પ્રધાન છીએ!'"
"હું તો ચોંકી ગયો. મેં પૂછ્યું, 'એટલે?'"
"ત્યારે ધર્મેન્દ્રભાઈએ ખુલાસો કર્યો, 'એટલે એમ કે... અમારા ઘરમાં બધા પ્રધાન જ છે. અમે જન્મથી જ પ્રધાન છીએ.'"
"મેં આશ્ચર્યથી આંખો ફાડીને પૂછ્યું, 'ઓહ! એટલે તમારા ઘરમાં બધા જ જન્મથી પ્રધાન છે, એમ ને?'"
"ત્યારે તેમણે થોડી ગંભીરતાથી કહ્યું, 'ના, એવું પણ સાવ નથી.'"
"મેં પૂછ્યું, 'તો?'"
"તેમણે એકદમ હળવાશથી કહ્યું, 'મારી પત્ની... એ લગ્નથી પ્રધાન બની છે!'"
હરખચંદે એવી ગંભીરતાથી આ વાત કહી કે ગલ્લે ઊભેલા બધા જ ખડખડાટ હસી પડ્યા.
ગલ્લા પર છવાયેલા હાસ્ય વચ્ચે હરખચંદે છેલ્લો ફટકો મારતા કહ્યું, "હવે તમે જ કહો કે, આ ધર્મેન્દ્ર પ્રધાનને તમે પ્રધાન જ કહેશો કે બીજું કંઈ? જો કોઈ તેમને પૂછશે કે 'હજુ તમે પ્રધાન છો, એવો કંઈ આધાર પુરાવો છે ખરો?' તો તે સાહેબ ખિસ્સામાંથી પોતાનું આધાર કાર્ડ કાઢીને આપશે, પાન કાર્ડ આપશે, અરે પાસપોર્ટ પણ બતાવશે! એટલે હું દાવા સાથે કહું છું કે તે પ્રધાન હતા, છે અને હંમેશાં રહેશે. બોલો, હવે તમે શું કહો છો?"
અને પેલા જેન-ઝી યુવાન સહિત આખો ગલ્લો ફરી એકવાર હસી પડ્યો.