Love at first sight in Gujarati Love Stories by Sanjay Sheth books and stories PDF | સ્નેહ ની ઝલક - 31

Featured Books
Categories
Share

સ્નેહ ની ઝલક - 31

પ્રેમ જ્યારે આત્માને સ્પર્શે છે

સાંજના સૂર્યના છેલ્લાં કિરણો આકાશને કેસરી રંગથી રંગી રહ્યા હતા. મંદિરમાં વાગતી ઘંટડીઓનો મધુર નાદ વાતાવરણને પવિત્ર બનાવી રહ્યો હતો. અગ્નિની સાક્ષીએ આર્યન અને નિશાએ સાત ફેરા લીધા.

ફેરા દરમિયાન પુરોહિતે કહ્યું હતું,

"આજથી તમે માત્ર પતિ-પત્ની નહીં, પરંતુ જીવનના દરેક સુખ અને દુઃખના સહયાત્રી છો."

તે સમયે બંનેએ એકબીજાની આંખોમાં જોઈને સ્મિત કર્યું હતું. બંનેને લાગ્યું હતું કે આ તો માત્ર વિધિનો એક ભાગ છે. જીવનમાં બધું જ સુંદર રહેશે, તો દુઃખનો પ્રશ્ન જ ક્યાં ઊભો થશે?

લગ્ન પછીનું જીવન જાણે કોઈ સુંદર સ્વપ્ન જેવું હતું.

નિશા અત્યંત સંસ્કારી, મૃદુભાષી અને હંમેશા બીજાના સુખમાં પોતાનું સુખ શોધનારી યુવતી હતી. તે આર્યન માટે પત્ની કરતાં પણ વધુ એક સાચી મિત્ર હતી.

ઓફિસમાં કોઈ મુશ્કેલી આવે તો આર્યન સૌથી પહેલાં નિશા સાથે વાત કરતો. કોઈ સફળતા મળે તો સૌથી પહેલો ફોન પણ તેને જ કરતો.

ઘરમાં બંને વચ્ચે હાસ્ય, પ્રેમ અને વિશ્વાસનો એવો માહોલ હતો કે બહારના લોકોને પણ તેમની જોડી જોઈને આનંદ થતો.

દરેક રવિવારે બંને એક નિયમ પાળતા.

મોબાઇલ બંધ...

કોઈ સોશિયલ મીડિયા નહીં...

કોઈ ઓફિસ નહીં...

ફક્ત બંને અને તેમનો સમય.

ક્યારેક દરિયાકિનારે કલાકો સુધી બેસી રહેતા. ક્યારેક વરસાદમાં ભીના થતા. તો ક્યારેક એક જ કપ ચા પીતા-પીતા ભવિષ્યના સપનાઓ ગૂંથતા.

એક દિવસ નિશાએ મજાકમાં પૂછ્યું,

"જો ક્યારેય હું પહેલાં જેવી ન રહું તો પણ મને આટલો જ પ્રેમ કરશો?"

આર્યન હસ્યો.
"આવો મૂર્ખામીભર્યો પ્રશ્ન કેમ?"

"એમ જ... જવાબ આપો ને."

આર્યને તેનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું,

"હું તને પ્રેમ કરું છું એટલે તું સુંદર લાગે છે. એવું નથી કે તું સુંદર છે એટલે પ્રેમ કરું છું."

નિશાએ તરત જ કહ્યું,
"બસ... ફિલ્મી ડાયલોગ!"

"ના... આ મારી જિંદગીનો ડાયલોગ છે."

બંને હસી પડ્યા.

સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો.

લગ્નને પાંચ વર્ષ થઈ ગયા.

ઘરમાં હજુ પણ પ્રેમ ઓછો નહોતો થયો. ઊલટું, બંને વચ્ચેનું બંધન દિવસેને દિવસે વધુ ગાઢ બનતું ગયું.

પરંતુ કદાચ જીવનને હંમેશા સીધી લીટીમાં ચાલવું ગમતું નથી.

એક સાંજે નિશાને અચાનક અસહ્ય પેટનો દુખાવો શરૂ થયો.

શરૂઆતમાં સામાન્ય સારવાર થઈ. પછી એક પછી એક તપાસો...

બ્લડ ટેસ્ટ...
સ્કેન...
એમ.આર.આઈ....
અને આખરે બાયોપ્સી.

દરેક રિપોર્ટ પછી ડૉક્ટરનો ચહેરો થોડો વધુ ગંભીર થતો ગયો.

એક દિવસ હોસ્પિટલમાંથી ફોન આવ્યો.

"તમારે બંનેએ સાથે આવવું પડશે."

નિશાના મનમાં અચાનક અજાણી ગભરાટ છવાઈ ગઈ.

ડૉક્ટરના કેબિનમાં અસામાન્ય શાંતિ હતી.
ફાઇલ બંધ કરીને ડૉક્ટરે ધીમા અવાજે કહ્યું,
"મારે તમને એક મુશ્કેલ વાત જણાવવી છે..."

થોડી ક્ષણ મૌન રહ્યું.
"તમને એક દુર્લભ અને અસાધ્ય બીમારી છે. દવાઓથી તેને નિયંત્રિત રાખી શકાય છે, પરંતુ સંપૂર્ણ સાજી થવાની શક્યતા નથી."

નિશાના હાથ કંપી ઊઠ્યા.
તેના હોઠ સૂકાઈ ગયા.

ડૉક્ટરે આગળ કહ્યું,
"એક વાત ખાસ યાદ રાખજો..."
"તમારા શરીરને હવે ખૂબ સાવધાનીની જરૂર છે."

થોડી ક્ષણ પછી તેમણે ગંભીર સ્વરે ઉમેર્યું,
"લગ્નજીવનના શારીરિક સંબંધો પણ તમારા માટે જોખમકારક બની શકે છે. એ બાબતમાં અત્યંત સંયમ રાખવો પડશે."

જાણે આખો સમય અટકી ગયો.

નિશાને લાગ્યું કે કોઈએ તેના જીવનના બધા રંગ એક જ ક્ષણે છીનવી લીધા.

તેની નજર આર્યન તરફ ગઈ.
તે વિચારી રહી હતી...

"હવે શું?"
"શું તેના જીવનની ખુશીઓ મેં છીનવી લીધી?"
"શું હવે તે મારી સાથે ખુશ રહી શકશે?"

આર્યન એક પણ શબ્દ બોલ્યો નહીં.
તેણે ફક્ત ધીમેથી નિશાનો હાથ પકડી લીધો.
હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા પછી આખો રસ્તો બંને મૌન રહ્યા.

ઘરે પહોંચીને નિશા સીધી પોતાના રૂમમાં ગઈ.
આઈનાની સામે ઊભી રહી.
પોતાની જાતને જોઈને ધીમે બોલી,
"આજથી હું માત્ર એક દર્દી નથી બની...
હું કદાચ મારા પતિની અધૂરી પત્ની બની ગઈ..."

દરવાજાની બહાર ઊભેલા આર્યને આ શબ્દો સાંભળ્યા.
તેની આંખોમાં પહેલીવાર આંસુ આવ્યા...

પણ એ આંસુ પોતાના માટે નહોતા.
એ તો એ સ્ત્રી માટે હતા, જે બીમારી કરતાં વધુ પોતાના પતિના સુખ માટે રડી રહી હતી.

અને એ જ ક્ષણે આર્યને પોતાના મનમાં એક મૌન સંકલ્પ કર્યો...
"આજે પછી મારા પ્રેમની સાચી પરીક્ષા શરૂ થાય છે. હવે હું તેને સાબિત કરીને બતાવીશ કે લગ્ન માત્ર શરીરોનું મિલન નથી... આત્માઓનો અખૂટ સંબંધ છે."

ડૉક્ટર સાથેની મુલાકાતને લગભગ ત્રણ મહિના વીતી ગયા હતા.

દવાઓ શરૂ થઈ ગઈ હતી. નિયમિત તપાસો, સમયસર દવા, સાવચેતી અને આરામ હવે નિશાના જીવનનો ભાગ બની ગયા હતા.

પરંતુ એક એવી બીમારી હતી જેની કોઈ દવા નહોતી...
તે હતી મનની વેદના.

આર્યન આજે પણ પહેલાની જેમ જ વર્તતો હતો. સવારે ઓફિસ જતાં પહેલાં તેના કપાળ પર પ્રેમથી હાથ ફેરવતો, સાંજે ઘરે આવીને પૂછતો, "આજે કેમ છે મારી મિત્ર?" અને રાત્રે બંને કલાકો સુધી વાતો કરતા.

પરંતુ નિશાને લાગવા લાગ્યું કે આ બધું માત્ર તેને દુઃખ ન થાય એટલા માટે છે.

ઘણી વખત તે અડધી રાત્રે જાગી જતી. આર્યન નિરાંતે સૂતો હોય, ત્યારે તે તેના ચહેરા તરફ કલાકો સુધી જોઈ રહેતી.

તેના મનમાં એક જ પ્રશ્ન ગુંજતો...
"શું હું તેનું જીવન અધૂરું બનાવી રહી છું?"

એક દિવસ તે પોતાની જૂની ડાયરી વાંચી રહી હતી.
એક પાનાં પર લખેલું હતું...
"લગ્ન એટલે બે વ્યક્તિઓનું એકબીજાને સંપૂર્ણ સુખ આપવાનું વચન."

આ વાક્ય વાંચતાં જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
તે ધીમેથી બોલી,
"હું તો હવે એ વચન જ પૂર્ણ કરી શકતી નથી..."

એ દિવસે તેણે પહેલીવાર પોતાની જાતને પત્ની તરીકે નહીં, પરંતુ પતિ પરના એક ભાર તરીકે અનુભવ્યો.

થોડા દિવસ પછી આર્યન ઓફિસ ગયો હતો.

નિશા અલમારી ગોઠવી રહી હતી. એક ફાઇલ નીચે પડી.
તેમાં લગ્નના ફોટોગ્રાફ હતા.
એક ફોટામાં બંને ખડખડાટ હસી રહ્યા હતા.
બીજા ફોટામાં આર્યન તેની તરફ એવી નજરે જોઈ રહ્યો હતો, જાણે દુનિયામાં તેનાથી સુંદર કંઈ જ ન હોય.

ફોટા છાતી સાથે ચાંપીને નિશા રડી પડી.
"ભગવાન... મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું. તો પછી મારા કારણે જ મારા પતિનું જીવન કેમ બદલાઈ ગયું?"

એ સાંજે આર્યન ઘરે આવ્યો.
ઘરમાં અસામાન્ય શાંતિ હતી.
નિશા બારી પાસે ઊભી હતી.

આર્યને પાછળથી આવીને પૂછ્યું,
"શું વિચારે છે?"

નિશાએ જવાબ ન આપ્યો.
થોડી ક્ષણ પછી ધીમેથી બોલી,
"મારે તારી પાસે એક વાત કહેવાની છે."

"કહે ને."

તેની આંખો ભીની હતી.
"તું મને એક વચન આપશે?"

આર્યન હસ્યો.
"પહેલા વાત તો કહે."

નિશાએ હિંમત ભેગી કરી.
"જો હું કંઈ ખોટું કહું તો ગુસ્સો નહીં કરતો."

"ક્યારેય નહીં."

થોડી ક્ષણ મૌન...
અને પછી એવા શબ્દો બહાર આવ્યા, જેણે બંનેના જીવનને એક નવા વળાંક પર લાવી દીધું.
"આર્યન..."
"તું... બીજાં લગ્ન કરી લે."

આર્યનને લાગ્યું કે કદાચ તેણે ખોટું સાંભળ્યું.
"શું કહ્યું તે?"


"હું સાચું જ કહું છું."
"મારી ચિંતા ન કર."
"હું તને રોકીશ નહીં."
"હું જ તને મુક્ત કરું છું."

રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ.
આર્યન ધીમેથી તેની સામે જઈને ઊભો રહ્યો.
"તું જાણે છે, તું શું બોલી રહી છે?"

નિશાએ આંખો નીચે કરી દીધી.
"હા."
"હું તને એ સુખ આપી શકતી નથી જે દરેક પત્ની પોતાના પતિને આપે છે."
"હું નથી ઇચ્છતી કે મારી બીમારીની સજા તને આખી જિંદગી મળે."
"તું હજુ યુવાન છે."
"તારે સંપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે."
તેના દરેક શબ્દ સાથે તેનો અવાજ વધુ કંપતો જતો હતો.
"હું તને પ્રેમ કરું છું..."
"એટલે જ તને છોડી દેવા તૈયાર છું."

આર્યન ઘણા સમય સુધી કંઈ બોલ્યો નહીં.
પછી તેણે ધીમેથી નિશાના બંને હાથ પોતાના હાથમાં લીધા.
"એક પ્રશ્ન પૂછું?"

નિશાએ માથું હલાવ્યું.
"આપણા લગ્ન વખતે મેં શું કહ્યું હતું, યાદ છે?"

"ઘણું બધું કહ્યું હતું."

"ના... એક ખાસ વાત."

થોડી ક્ષણ વિચાર્યા પછી નિશાએ ના પાડી.

આર્યને સ્મિત સાથે કહ્યું,
"મેં કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું એટલે તું સુંદર લાગે છે."

"અને આજે હું એક વાત વધુ ઉમેરું છું..."
"હું તારા શરીરને પ્રેમ કરીને તારી પાસે આવ્યો નહોતો."
"મેં તો તારા હૃદય સુધી પહોંચવા માટે તારો હાથ પકડ્યો હતો."

નિશાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.
પણ આર્યન હજુ અટક્યો નહીં.
"તું કહે છે કે તું મને સંપૂર્ણ સુખ આપી શકતી નથી."
"પણ મને કહૈ..."

"જ્યારે હું થાકી જાઉં છું ત્યારે મારા માટે ચા કોણ બનાવે છે?"
"મારી ચિંતા કોણ કરે છે?"
"મારા દુઃખ પહેલાં કોણ સમજી જાય છે?"
"મારી દરેક સફળતામાં મારા કરતાં વધુ ખુશ કોણ થાય છે?"
"મારી દરેક નિષ્ફળતામાં મારી બાજુમાં ઊભું કોણ રહે છે?"

નિશા નિઃશબ્દ હતી.

આર્યનનો અવાજ હવે ખૂબ જ શાંત હતો.
"જો આ બધું પ્રેમ નથી..."
"તો પછી પ્રેમ શું છે?"

તે આગળ બોલ્યો...
"લગ્નમાં શરીરનું સ્થાન છે, હું એ નકારતો નથી."
"પણ જો આખું લગ્નજીવન માત્ર શરીર પર જ ટકતું હોત, તો વૃદ્ધાવસ્થામાં કોઈ દંપતી એકબીજાનો હાથ પકડીને જીવતું જ ન હોત."

"સાચો પ્રેમ સમય સાથે બદલાય છે."
"પહેલા તે આકર્ષણ હોય છે..."
"પછી લાગણી બને છે..."
"અને અંતે આત્માનો સંબંધ બની જાય છે."

તેની આંખોમાં આંખો મિલાવીને તેણે કહ્યું,
"નિશા... મને શારીરિક સંબંધો નહીં, જીવનસાથી જોઈએ છે. અને જીવનસાથી તરીકે તારી જગ્યા કોઈ બીજી વ્યક્તિ ક્યારેય લઈ જ શકશે નહીં."

નિશા ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.
વર્ષો પછી પહેલીવાર તેને લાગ્યું કે કદાચ...
ભગવાને તેની પાસેથી ઘણું લીધું હશે...

પણ તેને એવો માણસ આપ્યો છે, જે પ્રેમનો અર્થ દુનિયાથી અલગ રીતે સમજે છે.

એ રાત્રે બંને ઘણું રડ્યાં...
પરંતુ એ આંસુ દુઃખના નહોતા...
એ એક એવા પ્રેમના સાક્ષી હતા, જે શરીરની સીમાઓ પાર કરીને આત્મા સુધી પહોંચી ગયો હતો.

પરંતુ નિશાના મનમાં હજુ એક છેલ્લો પ્રશ્ન જીવતો હતો...

"શું ખરેખર આખી જિંદગી કોઈ માણસ આટલો નિઃસ્વાર્થ પ્રેમ કરી શકે?"

આ પ્રશ્નનો જવાબ તેને થોડા જ દિવસોમાં મળવાનો હતો...

(ક્રમશ:)