Kaalratri - 2 in Gujarati Spiritual Stories by Alpaba Sarvaiya books and stories PDF | કાલરાત્રી - 2

Featured Books
Categories
Share

કાલરાત્રી - 2




"શું વિચારી રહી છે બેટા? "
"હં... કંઈ નહીં પપ્પા, બસ એમ જ હું તો... "
"બહુ મગજ પર જોર નહીં આપવાનું બેટા.. હું છું હજુ, તારે કોઈ ચિંતાની જરૂર નથી. તમારી ઉંમર હજુ બધું સમજી શકવા માટે સક્ષમ નથી હોતી.. માઇન્ડ પર પ્રેશર આપવાથી આવી નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.. "
"હું સમજું છું પપ્પા. અને તમે છો એટલે જ મને કોઈ ચિંતા નથી. પણ તમને નથી લાગતું આજની જનરેશન બહુ જ ફાસ્ટ છે! એમનું મગજ બહુ જ ડેવલોપ થયેલું હોય છે. નાનામાં નાની વસ્તુ અને તેની બારીકાઈને સમજી શકવા માટે આજના સમયના પાંચ વર્ષના બાળકનું મગજ ૨૫ વર્ષના માણસ જેવું વિચારી શકે છે? "
"Right! I agree with you. આજનું બાળક અને તેમનું મગજ બહુ જ ડેવલોપ થયેલું હોય છે.. પણ જરૂરી નથી કે એ મગજ બધી જ દિશામાં એકસમાન કાર્યગત નીવડે.. ઘણીવાર અમુક સ્થિતિ સમજેલા માણસને પણ નાસમજ બનાવી દેતી હોય છે.. એનો મતલબ એ નથી કે તે સમજી શકતો નથી.. પણ સ્થિતિ આગળ તે હારી ગયો હોય.. હવે તારી અંદર શું છે એ મને તું જ્યાં સુધી જણાવીશ નહીં, ત્યાં સુધી હું કઈ રીતે જાણી શકીશ કે તું કઈ સ્થિતિને ફેસ કરી રહી છે? અને જ્યારે પોતાના સંતાનોની અંદર ચાલતા યુદ્ધને માતા-પિતા સમજી ના શકે ત્યારે એકમાત્ર ઉપાય રહી જાય છે એમને સારા કાઉન્સેલર પાસે જઈને યોગ્ય રીતે કાઉન્સેલિંગ કરાવવું.."
રુદ્રી સુનિલભાઈની વાતને ધ્યાનપૂર્વક સાંભળી રહી હતી.. તેની અંદર તો ઘણું બધું હતું.. એક કાયમી રહેતો અજંપો જેને તે સમજી શકતી નહોતી.. એક ચીસ, તેનું હૃદય ચીરીને બહાર આવતી હતી એ પણ મૌન સાથે... અને એક સવાલ જેનો જવાબ કદાચ રુદ્રીના કાઉન્સેલર પાસે પણ નહીં હોય..
પણ પિતાની ઈચ્છાનું માન રાખી તેણે કાઉન્સેલિંગ માટે હા પાડી દીધી. પણ અંદરથી એ પણ જાણતી જ હતી કે, આખરે સરવાળે તો શૂન્ય જ છે.. સન્ડે હોવાથી હાફ ડે માટે ડૉ. દલાલ મળી રહેવાના હતા એટલે તરત જ સુનિલભાઈ અને મીનાબહેન રુદ્રીને લઈને નીકળી ગયા.. એપોઈન્ટમેન્ટ પહેલા જ લઈ રાખી હોવાથી બહુ રાહ ના જોવી પડી. તરત જ એમનું નામ એનાઉન્સ થતાં તેઓ સીધા ડૉ. દલાલની ઓફિસમાં ગયા.
ડૉ. દલાલે ત્રણેય સામે નજર નાખી પોતાના ચશ્મા સરખા કરતાં બેસવાનો ઈશારો કરતા બોલ્યા, "બોલો, શું તકલીફ છે?"
"ડૉક્ટર, આ મારી દીકરી રુદ્રી છે.. તેની સાથે થોડી અજીબ ઘટનાઓ થઈ રહી છે.. "
"હં.. તો શું તમે મને સ્પષ્ટ રીતે સમજાવી શકશો? "
"સર, રુદ્રીને નાનપણથી સપનાઓ ડરાવે છે. શરૂઆતમાં તો બાળક દિવસભર રમતું હોય અને એના લીધે ઘણીવાર રમત-રમતમાં બાળકો એવું કરતા હોય કે સપનામાં આવી રમતો દેખાય એ સ્વાભાવિક હોય એમ સમજી અમે નજરઅંદાજ કરતા આવ્યા. પણ જેમ જેમ રુદ્રી મોટી થતી ગઈ તેમ તેમ તેના સપનાઓમાં વધારો થવા લાગ્યો અને હવે તો એવી હાલત છે કે તે રાતે સુખેથી સૂઈ પણ નથી શકતી. "
"બરાબર.. હવે હું થોડા સવાલો તમારી પુત્રી સાથે કરીશ. આપણે મગજનો એક્સ-રે (X-ray) કરવો જોઈશે.. ત્યારબાદ જ હું તમને કંઈ સલાહ આપી શકું છું.!"
"તમારું નામ જાણી શકું છું? "
"જી, રુદ્રી. "
"તમારો અભ્યાસ, હૉબીઝ, ગમો-અણગમો વિશે જણાવી શકશો?"
"હું કોલેજના બીજા વર્ષમાં છું. સિંગિંગ, ડાન્સિંગ, ડ્રોઈંગ, વાંચન અને લેખન વગેરે કલાત્મક પ્રવૃત્તિઓ કરવી ગમે છે.."
"વાહ સરસ! મતલબ તમે મલ્ટી-ટેલેન્ટેડ છો.. કલાપ્રેમી જીવ છે.. હવે તમે જણાવી શકો છો તમને કયા પ્રકારના સપનાઓ આવે છે? "
રુદ્રીએ તેના મમ્મી-પપ્પા સામે જોયું.. સુનિલભાઈ સમજી ગયા કે દીકરી પોતાની હાજરીમાં ખુલ્લા મને ડૉક્ટર સાથે વાત નહીં કરી શકે એટલે તેમણે મીનાબહેનને બહાર જવાનો ઈશારો કર્યો અને તેઓ બંને બહાર નીકળી ગયા..
"હવે તમે મને ખુલ્લા મને કહી શકો છો.. "
"હા, હકીકતમાં આ સપના મને બાળપણથી આવે છે. શરૂઆતમાં હું સમજી નહોતી શકતી અને ડરના માર્યા રડ્યા કરતી.. પણ ત્યારે કોઈ દ્રશ્યો સ્પષ્ટ નહોતા થતાં, ધૂંધળા અને અસ્પષ્ટ, જેમાં હું ફક્ત ડરી જતી. ધીરે ધીરે હું મોટી થઈ તેમ સપનામાં દ્રશ્યો સ્પષ્ટ થતાં જણાયા.. પણ હજુ હું એને સમજી ના શકું એવો પડદો તો ખરો જ.. મેં મમ્મી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે સપનું તો દરેક માણસને આવે એમાં કંઈ ચિંતા જેવું ના કહેવાય."
"હા, એમની વાત સાચી છે.. ૧૦ માંથી ૮ નોર્મલ વ્યક્તિને પણ સપના આવે છે.. એ આખા દિવસની કલ્પના હોઈ શકે, કંઈક વિસરાઈ ગયેલી વાત હોઈ શકે, કે પછી કોઈકને યાદ કરતા હો અને એ દૂર હોય તો અચાનક સપનામાં આવી શકે છે. "
"હું સમજું છું ડૉક્ટર, સપનું આવવું એ તદ્દન સામાન્ય અને નોર્મલ વાત છે.. પણ મારાં સપના એક જ પ્રકારના હોય છે અને ફક્ત એ પૂર્ણિમાની રાતે જ આવે છે.. "
"ઓહ..!" હવે ડૉક્ટર સહેજ મુંઝાયા હોય એવું લાગ્યું.
"લાગ્યો ને આંચકો! પણ આ જ હકીકત છે, મને રોજ સપના નથી આવતા પણ પૂનમની રાતે જ મને સપના આવે છે અને સપનું કાયમ માટે એક જ હોય છે.. બાકી તમે જણાવ્યું એમ દરેક વ્યક્તિને સપનું આવે એ સ્વાભાવિક છે પણ, સપનામાં એક જ દ્રશ્યને વારંવાર જોવું એ સામાન્ય ના કહી શકાય ને?!"
"આ તો ખરેખર નવાઈ પમાડે એવું છે! તમને સપનામાં શું દેખાય છે? "
"એ જ હું સમજી નથી શકતી. કોઈ સ્પષ્ટ ચહેરો નથી દેખાતો, પણ મને તેમની આકૃતિઓ સ્પષ્ટ દેખાય છે. એક સ્ત્રી હોય છે અને બે પુરુષ હોય છે. જેમાંથી એક પુરુષ, સ્ત્રી અને બીજા પુરુષને મારી નાખે છે અને પોતે જાણે હારી ગયો હોય, થાકી ગયો હોય એવી રીતે ત્યાં જ ફસડાઈ પડે છે.. તેમની બોડી લેન્ગવેજ પરથી એવું લાગે છે. ત્યાં જ હું જાગી જાઉં છું... મને ખૂબ ડર લાગે છે. હું ચીખી ઉઠું છું.. અને ત્યારબાદ ફરીથી એ જ સપનું આવે છે, એ જ પૂર્ણિમાની રાતે.. "
"કંઈ નહીં, હું તમારા જરૂરી રિપોર્ટ્સ કરીશ.. તમે તમારા મમ્મી કે પપ્પાને હવે અંદર બોલાવી શકો છો... "
ડૉ. દલાલના કહેવા મુજબ સુનિલભાઈ અને મીનાબહેન અંદર આવ્યા અને બંને પાસેથી પરમિશન લઈને રુદ્રીના અમુક ટેસ્ટ કરવા માટે લઈ ગયા...
અમુક કલાકો બાદ રિપોર્ટ આવી ગયા. રુદ્રીએ તેના મમ્મીને બહાર બેસવાનું કહી સુનિલભાઈને પોતાની સાથે અંદર મોકલ્યા.
"સુનિલભાઈ, રિપોર્ટ આવી ગયા છે.. અને જણાવતા મને આનંદ થાય છે કે તમારી દીકરીને કોઈ જાતની બીમારી નથી, એમનું મગજ એકદમ પરફેક્ટ છે.. પણ હા, એટલું અવશ્ય કહીશ કે એ નાની ઉંમરથી કંઈક માથે લઈને ફરી રહી છે, જેનો ભાર હવે તેની અંગત જિંદગીમાં દખલ કરી રહ્યો છે અને એના લીધે એનું માઇન્ડ અપસેટ છે."
"હું કંઈ સમજ્યો નહીં ડૉક્ટર.. "
"જુઓ સુનિલભાઈ, આમ કહું તો તમારી દીકરી એકદમ સ્વસ્થ છે.. એને કોઈ જાતની માનસિક બીમારી નથી, એ હું નહીં પણ આ રિપોર્ટ કહી રહ્યા છે.. પણ.."
"પણ શું..?"
"પણ એ જ કે તમારી દીકરી સાથે કોઈ ઘટના જોડાયેલી છે, જેના લીધે એ ઘટના તેના મગજમાં ઘર કરી ગઈ છે અને એ ઘટનાને યાદ કરી તે 'હેલ્યુસિનેશન' (Hallucination) પેદા કરે છે.."
"હેલ્યુસિનેશન એટલે? "
"હેલ્યુસિનેશન એટલે... સામાન્ય રીતે મતિભ્રમ! જેમાં માણસ દોરડાને સાપ સમજી બેસે છે... જે ના હોય પણ તેનું મગજ જે વિચારે એવું જ એની આંખો સામે દ્રશ્ય દેખાય છે.. "
"પણ તમે તો કહ્યું કે મારી દીકરીને કોઈ સમસ્યા નથી?! "
"હા, એ તો હજુ પણ હું કહી રહ્યો છું, પણ સાથે હું એ પણ કહી રહ્યો છું કે એ રિપોર્ટ કહે છે, હું નહીં.."

To be continue..