લવ અને જૂહી બંને જણાં કારમાંથી નીચે ઉતર્યા અને અડાલજની વાવમાં પ્રવેશ્યા.લવે પ્રેમથી જૂહીનો હાથ પકડી લીધો હતો...વાવની અંદર રહેલી ઠંડક અને શાંતિ બંનેના હ્રદય અને મનને સ્પર્શી રહી હતી...આજે લવ કંઈક અલગ જ ખુશી મહેસૂસ કરી રહ્યો હતો તેની તેને પોતાને પણ જાણ નહોતી.. પણ હ્રદય અને મન બંને જાણે ખૂબ ખુશ હતા..તેને યાદ આવ્યું મોમ હંમેશા કહ્યા કરતી હતી કે કોલેજમાં આટલી બધી છોકરીઓ તારી ફ્રેન્ડ છે અને ઢગલો છોકરીઓ તારી આગળ પાછળ ફરે છે તો લવ તને એમાંથી એકેય નથી ગમતી કે પછી તું અમારાથી એ વાત છૂપાવે છે..? ત્યારે હું અકળાઇ જતો અને મોમને કહી દેતો કે, "આમાંથી મને એક પણ છોકરી ગમતી નથી અને અત્યારે મારા મનમાં એવો કોઈ વિચાર પણ નથી તો તમે મને શાંતિથી જીવવા દેશો..? પ્લીઝ મોમ.." અને હું જાણે મોમથી રિસાઈને મારી રૂમમાં ચાલ્યો જતો...પણ આ મને અહીં ઈન્ડિયામાં જૂહી મળવાની હશે અને એ મારા દિલ ઉપર રાજ કરવાની હશે એવી તો મેં કલ્પના શુધ્ધા નહોતી કરી.લવ પોતાની આગળ આગળ ચાલતી નાજુક નમણી જુહીને જોઈ રહ્યો હતો અને મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે ખરેખર જૂહી કેટલી બધી સુંદર લાગે છે અને કેટલી ઈનોસન્ટ..! વળી તેને ખબર છે કે હું તેને ખૂબ ચાહું છું અને તેની સાથે લગ્ન પણ કરવા માંગુ છું અને વળી હું કરોડપતિ બાપનો એક નો એક દિકરો છું તો પણ તેને મારા પૈસાની જરાપણ લાલચ નથી બાકી અત્યારના સમયમાં તો છોકરીઓ આવા કરોડપતિ બાપના એકના એક દિકરાને છોડતી હશે..?જૂહી ક્યારની લવને બૂમો પાડી રહી હતી પણ લવ પોતાના વિચારોમાં મગ્ન થઈ ગયો હતો જૂહીના શબ્દો તેના કાને અથડાઈને પાછા પડી રહ્યા હતા..એટલામાં જૂહી તેની બિલકુલ નજીક આવી ગઈ અને તેનો હાથ પકડીને તેને કહેવા લાગી, "એય મિસ્ટર ક્યાં ખોવાઈ ગયા છો આપણે વાવની અંદર પ્રવેશી ચૂક્યા છીએ એ વાતની તો તમને ખબર છે ને..?"લવ જાણે એકદમ ભાનમાં આવ્યો અને ખુશ થઈને જૂહીની સામે જોવા લાગ્યો અને બોલ્યો, "હા હા ચાલ જલ્દી.."અને બંને જણાં એકબીજાના હાથમાં હાથ પરોવીને વાવમાં નીચે ઉતરવા લાગ્યા...થોડી વારમાં બંનેએ આમતેમ ફરી લીધું અને થોડો થાક લાગ્યો એટલે બંને જણાં થાક ખાવા માટે એક સુંદર જગ્યા શોધીને બેસી ગયા...ત્યારે લવે જૂહીની સામે જોયું અને તેને પૂછવા લાગ્યો કે, "બોલ ને તને કેવો છોકરો ગમે..?""બાય ધ વે મિસ્ટર લવ આ વાત આપણે નક્કી થયા મુજબ પહેલા આપે આપની ચોઈસ મને બતાવવાની છે પછીથી મારો ટર્ન આવશે. ઓકે..?""અચ્છા આપણે એક કામ કરીએ આપણે કોઈન જ ઉછાળીએ અને તે પ્રમાણે જેનો નંબર આવે તે જ પહેલા પોતાની વાત જણાવશે..""ઓકે, તો લો આ કોઈન.." જૂહીએ પોતાના પર્સમાંથી એક ફાઈવ રુપીસનો કોઈન કાઢીને લવના હાથમાં મૂક્યો."મારો કિંગ.." લવ પહેલા જ બોલી ગયો."ઓકે તો મારો ક્રોસ.." જૂહી જરા મોં બગાડીને બોલી.લવે કોઈન ઉછાળ્યો... અને ઉછાળીને પોતાના હાથમાં કેચ કરી લીધો.તો પહેલા ક્રોસ જ આવ્યું...લવ તો ખુશ ખુશ થઈ ગયો...પણ જૂહી નું મોં પડી ગયું.પરંતુ હવે શર્ત પ્રમાણે જૂહીને પહેલા પોતાની વાત બતાવ્યા વગર છૂટકો પણ નહોતો!"ચાલ હવે જલ્દીથી બતાવ કે તને કેવો છોકરો ગમે છે.."જૂહી કોઈ ઊંડા ગહન વિચારોમાં ડૂબી ગઈ...લવ તેની સામે તાકીને જોઈ રહ્યો હતો...તેના ગુલાબી ગાલ, લાલ ચટ્ટાક ગુલાબની પાંદડીઓ જેવા હોઠ, અણિયાળી આંખો, મોટું કપાળ, સુંદર નાક અને સુડોળ શરીર... અને તેની બરાબર બાજુમાં પોતે બેઠો હતો જે તેને અનહદ ચાહવા લાગ્યો હતો...આ બધું તેને જાણે એક સ્વપ્ન જેવું લાગતું હતું.જૂહીએ બોલવાનું શરૂ કર્યું.. "લવ તને ખબર છે મને મારા મોમ અને ડેડનો પ્રેમ ક્યારેય નથી મળ્યો.. હું હંમેશા તેને માટે ઝંખતી રહી છું.. એટલે મારે એક એવું ઘર જોઈએ છે જેમાં મારા સાસુ સસરા.. મારા સાસુ અને સસરા બનીને નહીં પણ મારા મોમ અને ડેડ બનીને રહે અને મને તેમની લાડકી દીકરીની જેમ ચાહે.. હું પણ તેમને ખૂબજ પ્રેમ કરીશ અને માન પણ આપીશ.." આટલું બોલતાં બોલતાં જૂહીની આંખો ભરાઈ આવી .. પરંતુ તે પોતાના આંસુ રોકવાની કોશિશ કરવા લાગી.."બીજું મારો પતિ એવો હોવો જોઈએ જે સુખ અને દુઃખમાં હંમેશા મારી પડખે ઉભો રહે, કદાચ હું કોઈ ભૂલ કરું તો મારી સાથે પ્રેમથી તે વાતની ચર્ચા કરે અને મને સમજાવે કે મારી ક્યાં ભૂલ થઈ છે નહીં કે મારી ઉપર રોફ જમાવે અને મને તેનાથી નીચી સમજે... હું હંમેશા તેની સાથે ઉભી હોઈશ તેની દરેક પરિસ્થિતિમાં, પણ તે પણ મને જેટલો પ્રેમ કરે તેનાથી વધારે માન આપે... સ્ત્રી એટલે પગની જૂત્તી એવું સમજનારા પુરુષોને હું નફરત કરું છું અને મને ક્યારેય પણ એવું લાગશે કે મારો પતિ મને તેની સમોવડી નથી સમજતો ત્યારે હું તેને છોડી દેતાં વિચાર નહીં કરું.. હું સારું એવું કમાઈ લઉં છું મારું જીવન મારી રીતે જીવી શકું છું..."અને જૂહીએ એક ઉંડો શ્વાસ લીધો.અને લવની સામે જોયું.લવ પણ જૂહીની વાતોથી પ્રભાવિત થઈને તાળી પાડવા લાગ્યો અને બોલ્યો, "વાહ મેડમ તમે તો ગ્રેટ છો..! મેં તમને ધાર્યા હતાં તેનાથી તમે કંઈક અલગ જ છો..""તમે મને કેવી ધારી હતી તે હું જાણી શકું છું?""મને એમ કે તું એકલી રહેલી છે એટલે થોડી ડરપોક હોઈશ પણ તું તો જરાપણ ડરપોક નથી, અલબત્ત તું તો વાઘ છે વાઘ બીજા ને ડરાવી દે તેવી..""હા હવે ડરપોક બનીને જીવવાના જમાના ગયા હવે તો વાઘ બનીને જીવો તો જ તમારાથી આ દુનિયા ડરે.. નહીં તો તમને તે ક્યાંય ફેંકી દે.."અને જૂહી લવની સામે જોવા લાગી અને બોલી, "ચાલ હવે તારો ટર્ન આવ્યો હવે તારે કહેવાનું છે કે તને કેવી છોકરી ગમે છે..?"લવ હવે જૂહીને હેરાન કરવા માંગતો હતો તે ત્યાંથી ઉભો થઇ ગયો અને આગળ આગળ ચાલવા લાગ્યો અને સાથે સાથે બોલતો ગયો કે, "હું આ બાબતે કંઈજ બોલવાનો નથી.."જૂહી તેની પાછળ પાછળ દોડવા લાગી અને તેને કહેવા લાગી કે, "યુ ચીટર.. છેવટે તે ચીટીંગ જ કર્યું હેં ને..?"બંને વાવના એક થાંભલે થી બીજા થાંભલે સંતાકૂકડી રમી રહ્યા હતા.છેવટે થાકીને બંને હાંફતાં હાંફતાં પાછા હતાં ત્યાં ને ત્યાં જ બેસી ગયા.લવને જૂહીનો ફોટો લેવાનું મન થયું પરંતુ તે સીધી રીતે જૂહીને કહેશે તો જૂહી નહીં માને એમ વિચારીને તેણે જૂહીને પોતાનો ફોટો પાડવાનું કહ્યું અને જૂહીના હાથમાં પોતાનો કેમેરા આપ્યો..પરંતુ જૂહીને કેમેરા ઓપરેટ કરતાં આવડ્યું નહીં.લવ તેની નજીક ગયો અને તેના હાથ ઉપર પોતાના હાથ ગોઠવી દીધા અને તેની લગોલગ ઉભો રહીને તેને ફોટો પાડતાં શીખવવા લાગ્યો...ફોટો પાડતાં શીખવતાં શીખવતાં ક્યારે તેનાં ગાલ જૂહીના ગાલને સ્પર્શ કરી ગયા તેની તેને પણ ખબર ન રહી... બંને એકબીજાના સ્પર્શને, એકબીજાની નિકટતાને મહેસૂસ કરવા લાગ્યા... બંનેના શ્વાસ જાણે એકબીજાનામાં ભળી રહ્યા હતા..વાવમાં બિલકુલ એકાંત.. ખૂબજ શાંતિ અને અનેરી ઠંડક હતી...લવ જૂહીને પોતાની તરફ ખેંચી રહ્યો હતો અને જૂહી પોતાના દિમાગની મંજૂરી માંગ્યા વગર જ ચૂપચાપ લવના બાહુપાશમાં ખેંચાઈ રહી હતી બંને જણાં એક થાંભલા પાછળ પહોંચી ગયા..લવે કેમેરા પોતાના હાથમાં પકડી લીધો અને પોતાના હોઠ જૂહીના સુંદર ગુલાબી હોઠ ઉપર ગોઠવી દીધા... લવ જૂહીને એક ગાઢ ચુંબન કરી રહ્યો હતો અને આજે તેને જાણે છોડવા જ માંગતો નહોતો...જૂહી પણ આજે લવના એ ચુંબનમાં ખોવાઈ ગઈ હતી...વર્ષોથી બંને એકબીજાને ઓળખતા હોય અને એકબીજાને માટે જ સર્જાયા હોય તેમ બંને એકબીજાનામાં મસ્ત બની ગયા હતા...વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 10/8/26