Consciousness in Gujarati Thriller by Shesha Rana Mankad books and stories PDF | ચેતના

Featured Books
Categories
Share

ચેતના

(આ મારી કલ્પના કથા છે. માત્ર કલ્પના જ. કોઈ પણ બાબત, ઘટના કે વ્યક્તિ સાથે રચનાનો કોઈ ભાગ કે આખી રચના મળતી આવે તો એ માત્ર એક સંયોગ હશે. આ રચનાના બધાજ પ્રકારના હક માત્ર લેખકના રહેશે. એટલે નાનો સરખો અંશ પણ લેખકની રજા મંજૂરી વગર ઉપયોગમાં લઈ શકાશે નહી.)

રચના કૉપિરાઇટ કરાવેલી છે. એટલે પ્લીઝ કોપી કરશો નહિ. 

*****

રાતનો સમય અને ચંદ્રનો થોડો થોડો પ્રકાશ. હાઇવે પર જતી કારો ટ્રકોનો જમેલો ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હતો. આવતા જતા વાહનો રાતના દસ વાગ્યા પછી આ રસ્તેથી ખૂબ ઓછા નીકળતા. આમ તો શહેરના બાજુમાંથી જ પસાર થતો રસ્તો હતો અને પાછો હાઇવે પણ ખરો પરંતુ રાતના એકલદોકલ વાહનો જ અહીંથી પસાર થતા હતા. રસ્તાના બંને બાજુઓ પર ગાઢ જાળી ઝાંખરા હતા. અમુક અમુક જગ્યાએ ખેતરો પણ હતા. દસ કિલોમીટરનો આ ફોરલેન રસ્તો રાતના સાવ સુનો થઈ જતો.

આ રસ્તા પર એક કાર પોતાની મધ્યમ લયમાં પસાર થઈ રહી હતી અંદર બેઠેલા પરિવાર આપસમાં મજાક મસ્તી કરવામાં વ્યસ્ત હતું. ગરમી હતી એસી કારમાં બારીઓ બંધ હતી. 

ત્યાં અચાનક એક જોરદાર અવાજ આવ્યો. અથડાવાનો. અંધારામાં ખાસ કશું દેખાઈ શકે તેમ ન હતું. પણ થોડી ચીસો સંભળાઈ... અને પછી બધું જ શાંત થઈ ગયું. હસતું રમતું પરિવાર બિલકુલ શાંત થઈ ગયું.

ફરી પાછો એ જ અંધારો રસ્તો અને રસ્તા પરના સફેદ પટ્ટા વચ્ચે વચ્ચે ચમકી જતા હતા. કોણ જાણે કેટલાયે પીડા ભરેલા ચિત્કારોનો સાક્ષી હતો આ રસ્તો.

આ હાઇવે પર પસાર થવું ખૂબ જોખમી ગણાતું હતું. ધીરે ધીરે હાઈવે પર દિવસે જ લોકો પસાર થવા લાગ્યા. રાત્રે જ નહિ દિવસે પણ રસ્તો ભેંકાર થવા લાગ્યો... વિકસતા શહેરમાં બે થી પણ વધારે ગામો ને જોડતો રસ્તો. કે મોટા શહેરો તરફ પહોંચાડતો રસ્તો વેરાન રહે એ કેમ ચાલે?... પણ વેરાન બનતો ગયો.

****
ચેતના પોતાની ઓફિસને મળેલા પ્રોજેક્ટ માટે સાઇટ જોવા આવી હતી. તે એકલી ન હતી તેની ટીમના સભ્યો તેમજ અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટના કેટલાક અધિકારીઓ પણ હતા.  એક ખ્યાતિ પામેલી કંપનીમાં ડિઝાઇન એન્જિનિયર હતી. 

સવારથી છેક સાંજ થઈ ગઈ હતી આ સાઈટ પર. શહેરના બહારના વિસ્તારમાં અન્ય શહેરોને જોડતા હાઇવે પાસે એક મોટા વિસ્તારમાં અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ એક મોટું ફન સેન્ટર બની રહ્યું હતું. જેના માટે તેઓ જમીન જોવા આવ્યા હતા. આમ તો જમીન સરકારી નક્કી જ હતી. બસ તેનું માપ નક્કી કરી એક નકશો તૈયાર કરવાનો હતો. 

સાંજ ઢળવા આવતાં જ બધાં પોતપોતાના રસ્તે આગળ વધ્યાં. ચેતના પોતાનું કામ પતાવી પોતાની નાનકડી કારમાં ઘર તરફ રવાના થઈ રહી હતી. અંધારું બસ થવાનું જ હતું. બ્લ્યુ કલરની કારમાં તે ધીમી ગતિએ ગીતો સાંભળતી આગળ વધી રહી હતી. 

ડ્રાઈવિંગની સ્પીડ તેને ખૂબ ઓછી પસંદ હતી. ધીમી ચાલતી કાર સાથે ધીમા ગીતો અને મનમાં ચાલતા વિચારો માણવા તેને ગમતા. આ સમય જ તો તેને માટે હતો. બાકીના સમયમાં તેણે આંખ ખોલવાથી લઈને આંખ બંધ કરવા સુધી રોબોટને પણ શરમાવે તેટલું કામ કરવાનું હોય છે. ત્યાં આ કાર ડ્રાઈવિંગનો સમય તેનો ગમતીલો હતો.

સાઈટ પરથી તે ધીમી ગતિએ આગળ વધી રહી હતી ત્યાં અચાનક જ તેનું ધ્યાન તેના પોતાના હાથ પર ગયું. તેના હાથમાંનું સોનાનું બ્રેસ્લેટ ગાયબ હતું. 'સાઇટ પર જ પડી ગયું હશે.' મનોમન વિચારી લીધું. હજી સાવ અંધારું ઘેરાયું ન હતું. તેણે નક્કી કર્યું તે પાછી જશે અને સાઇટ પર જોઈને પોતાનું બ્રેસલેટ શોધશે. ખૂબ ઝડપથી તે ટર્ન લઈને સીધી પોતાની સાઈટ પર પહોંચી ગઈ ત્યાં આજુબાજુ બધે જ અને જ્યાં કાર ઉભી રાખી હતી ત્યાં બ્રેસલેટ શોધવાનો પ્રયત્ન કર્યો. ઘણી મહેનત કર્યા પછી રોડની ધાર પરથી બ્રેસલેટ મળી પણ ગયું. 

બ્રેસલેટ જોઈ તેના ચહેરા પર નિરાંત પથરાઈ ગઈ. હજી થોડા મહિના પહેલાં જ તો વેદાંત લગ્ન તિથિ નિમિતે ભેટ રૂપે લાવ્યો હતો. આપતાં પહેલાં સોશિયલ મીડિયાના પોતાના બધાં પ્લેટફોર્મ પર એનો ફોટો પણ વેદાંતે જ શેર કર્યો હતો.

એક ઊંડો નિઃશ્વાસ લઈ તે પાછી કારમાં ગોઠવાઈ. કાર સ્ટાર્ટ કરી ટર્ન લીધો. આજુબાજુ સૂનકાર હતો. અને અંધારું પણ ઉતરી આવ્યું હતું. તે ફરી ધીમી ગતિએ આગળવધી ત્યાં જ તેના કાને અવિરત ચીસો સંભળાવા લાગી. આપોઆપ ચેતનાના પગ બ્રેક પર દબાઈ ગયા. કાર ઊભી રહી ગઈ. ભયનું લખલખું શરીરમાંથી પસાર થઈ ગયું. બ્રેક લાગતાં કાર પણ ચીસ પાડી ઉઠી હતી. 

ધમણની જેમ ચાલતા શ્વાસ સાથે ઊભી રહી ગયેલી કારમાં બેસીને ચેતના બહાર જોઈ રહી હતી. અને એના પોતાના જ ધબકારા તેને ડરાવી રહ્યા હતા. થોડી હિંમત કરી તે કારમાંથી ઉતરી.  તેં ડરથી ધ્રુજી રહી હતી. થોડું ચાલી એ રસ્તા વચ્ચે આવી ગઇ.

કદાચ ક્યાંક એક્સિડન્ટ હશે માની તેણે ચારે બાજુ નજર કરી પણ બધે જ ભય સાથેની શાંતિ અને ધુમ્મસ હતું. તે ડરી..., ઉતાવળે પગલાં ભરતી કાર પાસે આવી ગઈ. એક નજર આજુબાજુ નાખી તે કારમાં ગોઠવાઈ ગઈ. 

તેનો મદદગાર સ્વભાવ તેને રોડ પર તપાસ કરવાનું કહેતો હતો. અને એના મનનો જ એક બચાવ પક્ષ પોતાની સુરક્ષા ધ્યાનમાં રાખી ભાગી જવાનું કહેતો હતો. 

આખરે પોતાના ભય ને માન આપી તે પોતાના ઘર તરફ કાર દોડાવી ગઈ.