"સર હવે તમને ખાતરી થઈ ગઈ ને? મારી ટીકીટ તો પાકી ને?" એમ.એલ.એ પુછે છે.
"તમે આ બધી વાતો ફોનમાં શું કરો છો?" ફોન કપાઈ જાય છે.
એમ.એલ.એ નવનીત પર ખુબ ગુસ્સે હતો. નવનીત તેના આખા પ્લાનને બગાડવા માટે બાજી ગોઠવી ચુક્યો હતો. મુખ્યમંત્રીએ ચોવીસ કલાકમાં જ નવનીત ને કાબુમાં રાખવા માટે સુચના આપી હતી અને એમ.એલ.એ પોતાની રીતે આ ગેમ જીતી ચુક્યો હતો.
આ તરફ મહેચ્છા બીજા દિવસે પ્રીતમ સિંહ ને મળવા માટે વિચાર કરે છે. એ જ રાત્રે મધુકર પણ મહેચ્છા ને ફોન કરી હિંમત રાખવા માટે સમજાવે છે.
નવનીત ને રાત્રે જ સિરોહી પોલીસ સ્ટેશનમાં હાજર કરી પોલીસ અધિકારીઓ જેલભેગા કરી દે છે.નવનીત તો સાવ ચુપચાપ જ બની ગયો હતો.
"સર કલેકટર સાહેબ છે ધ્યાન રાખવું જોઈએ. આ નેતાઓની રમતમાં ક્યારે રાજા રંક અને રંક રાજા બની જાય છે એ ખબર જ નથી પડતી." પોલીસ ઇન્સ્પેક્ટર કહે છે.
"પણ તને ખબર છે કે આ નવનીત સર જે કંઈ પણ ગેરરીતિઓ વિષે માહિતી આપે એ બધા જ સાચા કેસ હતા. પણ તેમણે શું કામ આ ભુલ કરી એ સમજાતું નથી." બીજો પોલીસ કર્મચારી કહે છે.
"હા યાર. આપણે શું? કાલે સવારે કોર્ટમાં રજૂ કરવાના છે." પોલીસ ઇન્સ્પેક્ટર કહે છે.
"ઉપર થી મેસેજ પ્રમાણે નવનીતને કોઈ સાથે મળવાની પરવાનગી આપવામાં આવવાની નથી. સામાન્ય કેદીની જેમ જ વ્યવહાર કરવામાં આવશે." બીજો કર્મચારી કહે છે.
એ રાત્રે નવનીત કદાચ પોતાની જીંદગી ની પહેલી રાત જેલમાં કાઢી રહ્યો હતો. નવનીત મહેચ્છા થી કોઈ પણ મદદની અપેક્ષા રાખી રહ્યો ન હતો કારણકે મહેચ્છા તેની વાત સમજી શકે એ પહેલાં જ પોલીસ તેને પકડી ગઈ હતી.
નવનીત પોતાના જીવનમાં બની ચૂકેલ ઘટનાઓ ને મનમાં યાદ કરે છે તો નાનપણમાં પણ તોફાન કરતા મમ્મી પપ્પા તેને રૂમમાં પુરી દેતા એવી યાદ આવે છે પણ અંહી તો કૌભાંડના આરોપી તરીકે નવનીત ને જેલમાં પુરવામાં આવ્યો હતો.
મહેચ્છા પણ તેને સમજી ન શકી કારણકે છે મહિના પહેલાં જ બન્ને જણા એકબીજાની પ્રોફેશનલ લાઈફ ને ઘરની બહાર જ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી મહેચ્છા તેના કામમાં પુછપરછ કરતી ન હતી.
નવનીત ને વારંવાર રિતેશની યાદ આવી રહી હતી. રિતેશ આવી જ હતાશાની અવસ્થામાં આત્મહત્યા કરી બેઠો. પણ શું હું? નવનીત આટલી સરળતાથી હાર માને તેમ ન હતો.
રોનક શ્રીવાસ્તવ તો મહેચ્છા કલેકટર બની એજ દિવસે દિલ્હી રવાના થઈ ગયો હતો. પણ અમિત પારેખ ઓફીસ ના કામકાજ પુરા કરી બીજા દિવસે જયપુર જવાનો હતો. મહેચ્છા ને વારંવાર પેલા કબાટ વિષે ઉત્કંઠા થઈ રહી હતી કે જે રોનક શ્રીવાસ્તવ અને અમિત પારેખ બન્ને કોઈ વખત પણ ચર્ચામાં લાવતા ન હતા.
બીજા દિવસે સમાચારપત્રો ના મુખ્ય સમાચાર તરીકે નવનીત ની ધરપકડ હતી અને નવનીત દ્વારા બનાવાયેલ રિપોર્ટ પર કેન્દ્ર સરકાર ના જ મંત્રીઓ દ્વારા અવિશ્વાસ વ્યકત કરતો હોવાથી આ રિપોર્ટ પાછો ખેંચી લેવા માટે દબાણ હતું.
એમ.એલ.એ સાહેબ તો હવે ખુબ ખુશ હતા. એ દિવસે સવારે જ મુખ્યમંત્રી ને મળવા માટે તેઓ જયપુર જવા નીકળી જાય છે. મહેચ્છા સવારે ઊઠીને પ્રભુ સ્મરણ કરીને જેમ જ સમાચાર પત્ર હાથમાં લઈને વાંચે છે તો એ સમજી જાય છે કે નવનીત રાજનૈતિક ષડયંત્ર નું ભોગ બની ચુક્યો છે.
મહેચ્છા આજે અમિત પારેખ ના ઓફીસ પહોંચવા ની પહેલા જ પોતે ઓફીસ પહોંચી એ કબાટમાં શું હશે એ જાણવા માટે ઉત્સુક હતી. આ તરફ નવનીત સવારે જેલમાં ઊઠીને સામાન્ય કેદીની જેમ જ પોતાના નિત્યક્રમ પતાવી પછી પોલીસ કર્મચારી પાસેથી ન્યુઝ પેપર માગે છે.
"તમે કોઈ વી. આઈ. પી કેદીની જેમ વર્તન નથી કરી રહ્યા. બાકી કોઈ મોટા નેતા કે અભિનેતા ને જેલમાં નાખ્યો હોય તો એના નખરા કેવા હોય?" પોલીસ કર્મચારી કહે છે.
"હું તો સામાન્ય માણસ છું. હા પણ પરિસ્થિતિ નો શિકાર છું. " નવનીત કહે છે.
પોલીસ કર્મચારી નવનીત ને પેપર આપે છે. જ્યાં સુધી આરોપ ન ઘડાય ત્યાં સુધી પોલીસ નવનીત ને આરોપો મુજબ પુછપરછ ન કરી શકે એ નવનીત જાણતો હતો. સમાચાર પત્રો માં નવનીત ની રિપોર્ટ ની વિશ્વસનીયતા વિષે સવાલો પુછવામાં આવતા નવનીત સમજી જાય છે કે તેણે કોર્ટમાં હવે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવી ખુબ જરૂરી બનશે.
મહેચ્છા રોજ ના સમય કરતાં એક કલાક વહેલા ઓફીસ માં પહોચી જાય છે. મહેચ્છા પોતાની ઓફીસ અંદરથી બંધ કરી પછી એ નાનકડા કબાટ ને ખોલવા માટે પ્રયત્ન કરે છે પણ એ ખુલતો જ નથી.
મહેચ્છા પોતાની પાસે જેટલી ચાવીઓ હતી એ બધી જ વાપરી ચેક કરે છે પણ કબાટ નથી ખુલતો. પછી મહેચ્છા નું ધ્યાન અમિત પારેખ ના ટેબલ પર જાય છે. એ દરવાજો ખોલી અમિત પારેખ નું ટેબલ ચેક કરે છે. આ તરફ અમિત પારેખ ને પણ મહેચ્છા ઓફીસ માં વહેલી પહોંચી કંઈક શોધખોળ કરી રહી હોવાની બાતમી મળતાં એ પણ ફટાફટ ઓફીસ આવા નીકળી જાય છે.
મહેચ્છા પોતાની ચાતક નજરે જોતા તેને કોમ્પ્યુટર કી બોર્ડ ની નીચે એક સાવ નાની ચાવી દેખાય છે. ચાવીઓ હંમેશા તો ટેબલ ના ખાનામાં જ હોય છે. આ ચાવી જ અલગ હતી. મહેચ્છા ચુપચાપ એ ચાવી લઈ લે છે. પછી કબાટ ખોલે છે તો અંદર કંઈ નથી હોતું.
તે પછી ખુબ જ ધ્યાનથી જોતાં તેને એક નાની ડાયરી દેખાય છે જે મુળ રીતે તો ખાના ના રંગની જ હતી. મહેચ્છા ચુપચાપ જ ડાયરી લઈ લે છે. પછી ફરીથી જ ચાવી અમિત પારેખ ની જગ્યાએ જ મુકી દે છે. હવે મહેચ્છા સાવ જ સામાન્ય બનીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.
થોડીવાર પછી જ અમિત પારેખ નું પ્રવેશ થાય છે. અમિત પારેખ ચુપચાપ કોઈની નજર ન પડે એમ ચાવી લઈ મહેચ્છા પોતાની ઓફીસમાં થી બહાર જાય એ સમય ની રાહ જોવે છે.
"અરે અમિત પારેખ જી આજે અંહી ક્યાંથી? જયપુર જઈને નોકરી ચાલુ નથી કરવી." મહેચ્છા કહે છે.
"મારે થોડું કામ હતું." અમિત પારેખ કહે છે.
"હા બોલો શું કામ છે?" મહેચ્છા પુછે છે.
"એ તો નવા સચિવ નું જ કામ છે. હું આપ મીટિંગ કરશો એ વખતે જ કરીશ." અમિત પારેખ કહે છે.
મહેચ્છા પોતાની જાતને સંભાળી પછી સીધી મીટિંગ કરવા માટે નીકળી જાય છે. પણ મહેચ્છા ખુબ જ મગજ લગાવી કામ કરી રહી હતી. એ અચાનક જ મીટિંગ ની વચ્ચેથી ફોન આવ્યો છે એમ કહીને પોતાની ઓફીસમાં આવે છે તો અમિત પારેખ કલેકટર ઓફીસ માં બધી ફાઇલો ઉથલાવીને કંઈક શોધખોળ કરી રહ્યો હતો.
"અરે અમિત પારેખ આ શું કરો છો?" મહેચ્છા થોડા ગુસ્સા થી પુછે છે.
"ફાઈલ શોધી રહ્યો છું." અમિત પારેખ કહે છે.
"આ તારી બાપની ઓફીસ નથી. તું અંહી નો સચિવ નથી. ગેટ આઉટ.." મહેચ્છા બગડી જાય છે.
"કાલ સુધી ડેપ્યુટી કલેકટર હતી અને આજે આટલો બધો રૂવાબ? "અમિત પારેખ કહે છે.