Manav ane adhikaar in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | માંગ અને અધિકાર

Featured Books
Categories
Share

માંગ અને અધિકાર

એકાંત અને શાંતિના પ્રતીક સમાન એક ઘનઘોર જંગલ. પ્રકૃતિના અમી છાંટણા વચ્ચે, જ્યાં માત્ર પંખીઓનો કલરવ અને પવિત્ર વાયુનો અહેસાસ થતો હતો, ત્યાં એક મહાત્મા આંખો બંધ કરીને પરમાત્માના ધ્યાનમાં લીન હતા. બાહ્ય જગતના કોલાહલથી બેખબર, તે સંત પોતાની ભીતરની દુનિયામાં પરમ શાંતિનો અનુભવ કરી રહ્યા હતા.


 

જ્યારે મન સ્થિર થાય છે, ત્યારે જ આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે.

 

તે જ સમયે, નગરનો એક અત્યંત પ્રતિષ્ઠિત અને ધનાઢ્ય શેઠ તે રસ્તેથી પસાર થયો. તેની નજર ધ્યાનમાં બેઠેલા તે તેજસ્વી સંત પર પડી. સંતના ચહેરા પરનું અલૌકિક તેજ જોઈને શેઠ અભિભૂત થઈ ગયો. તેના મનમાં સંત પ્રત્યે અપાર શ્રદ્ધા જાગી. થોડીવાર પછી જ્યારે સંતે પોતાની આંખો ખોલી, ત્યારે શેઠ વિનમ્રભાવે હાથ જોડીને તેમની સમક્ષ ઊભો રહી ગયો.

 

શેઠે પોતાના કિંમતી થેલામાંથી એક હજાર સોનાના સિક્કા બહાર કાઢ્યા અને અત્યંત આદરપૂર્વક બોલ્યો, "હે મહારાજ! આપના પ્રત્યેની શ્રદ્ધાથી પ્રભાવિત થઈને હું આ ભેટ આપું છું. કૃપા કરીને મારી આ ભેટ સ્વીકારો. મને પૂરો વિશ્વાસ છે કે આપ આનો ઉપયોગ લોકકલ્યાણ અને સત્કાર્યોમાં જ કરશો."

 

આ દ્રશ્ય જોઈને સંતના હોઠો પર એક મંદ મધુર સ્મિત રેલાઈ ગયું. સંતે શાંત સ્વરે પૂછ્યું, "હે શેઠ! શું તું ખરેખર ધનિક છે?"

 

શેઠે ગર્વભેર ઉત્તર આપ્યો, "જી હા મહારાજ, આપની કૃપાથી હું ધનિક છું."

 

સંતે ફરી પ્રશ્ન કર્યો, "શું તારી પાસે આનાથી પણ વધારે ધન છે?"

 

શેઠ બોલ્યો, "હા મહારાજ, મારા ઘરમાં આના કરતાંય અસંખ્ય ધન-સંપત્તિ છે. હું નગરના સૌથી શ્રીમંત વ્યાપારીઓમાં ગણના પામું છું."

 

સંતે સ્મિત કરતાં આગળ પૂછ્યું, "તો શું તારી આ તૃપ્તિ થઈ ગઈ છે કે તું હજુ પણ વધુ ધનવાન બનવા ઈચ્છે છે?"

 

શેઠ ઉત્સાહમાં આવીને બોલી ઊઠ્યો, "અરે મહારાજ! હજુ વધારે? હું તો રોજ સવારે ઉઠીને ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે હે પ્રભુ! મને હજુ વધારે ધન આપો, જેથી મારી સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થતો રહે."

 

શેઠની આ વાત સાંભળતાં જ સંતના મુખ પરનું સ્મિત અદૃશ્ય થઈ ગયું અને તેમના સ્વરમાં એક અદભુત ગંભીરતા આવી ગઈ. તેમણે તરત જ સોનાના સિક્કાનો થેલો પાછો આપતા કહ્યું, "જા, તારું આ ધન તારી પાસે પાછું લઈ જા. હું ક્યારેય કોઈ ભિખારી પાસેથી ભિક્ષા સ્વીકારતો નથી!"

 

પોતાના માન-સન્માન પર ઠેસ વાગતા શેઠ ક્રોધથી લાલચોળ થઈ ગયો. તેનો અહમ ઘવાયો અને તે ગુસ્સામાં બોલી ઊઠ્યો, "મહારાજ! આપ આ શું બોલી રહ્યા છો? હું આ નગરનો પ્રતિષ્ઠિત શેઠ છું, કોઈ ભિખારી નથી! આપ મારું અપમાન કરી રહ્યા છો."

 

સંતે અત્યંત શાંતિથી અને દ્રઢતાપૂર્વક કહ્યું, "હે શેઠ! ક્રોધ ન કર, સત્ય સ્વીકાર. હું પરમાત્માનો સાચો ભક્ત છું. ઈશ્વરે મને સર્વપૂર્ણ બનાવ્યો છે. મારી પાસે સંતોષ રૂપી મહાસંપત્તિ છે, તેથી મને ભૌતિક સંસારની કોઈ જ ચીજની અપેક્ષા કે જરૂર નથી. પરંતુ તું વિચાર કર—તું રોજ સવારે ઈશ્વરના દરબારમાં હાથ ફેલાવીને ધન માંગે છે, ભીખ માંગે છે. અર્થાત્, તું રોજ ભીખ માંગનાર એક ભિખારી છે. આ સંસારમાં સાચો ધનિક તો હું છું, કારણ કે મને કશું જ જોઈતું નથી; જ્યારે તું માંગનાર હોવાથી અસલી ભિખારી છે!"

 

આ સાંભળીને શેઠના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે વાણી શૂન્ય બની ગયો.

 

સંતે શેઠની આંખો ખોલતા જીવનનું એક શાશ્વ ત સત્ય સમજાવ્યું:

 

"મંદિરમાં જઈને જરા જો, ત્યાં બધા ભિખારીઓની જેમ જ આવે છે. કોઈને ધન જોઈએ છે, કોઈને મોંઘી ગાડી જોઈએ છે, કોઈ સંતાનની કામના કરે છે તો કોઈ પોતાની મનોકામનાઓની લાંબી યાદી લઈને ઊભું રહે છે. બસ... માંગવું, માંગવું અને માત્ર માંગવું!

 

ક્યારેય કોઈપણ સત્કાર્ય કે પુરુષાર્થ કર્યા વગર માત્ર હાથ ફેલાવીને માંગવું એટલે ભિખારી બનવું. પરંતુ, જો તું ઈશ્વરના સંતાન તરીકે તેમનું કોઈ ઉત્તમ કાર્ય કરે, જગતની સેવા કરે, અને પછી પિતા પાસે પોતાના હકથી માંગે, તો તું ભિખારી નહીં પરંતુ પ્રભુનો વ્હાલો પુત્ર બનીને હકથી બધું પ્રાપ્ત કરી શકે છે. બસ, આ બે વચ્ચે આટલો જ મોટો ફરક છે!"

 

સંતની આ વાણી સાંભળીને શેઠનું અંતઃકરણ હચમચી ગયું. તેને સમજાયું કે આજદિન સુધી તે માત્ર ભિખારી બનીને જીવતો હતો.


 

 

सन्तुतोष एव पुरुषस्य परं निधानम्॥

સંતોષ જ માણસ માટે સૌથી મોટો ખજાનો છે.    ભર્તુહરિ નીતિશતક

 

જગતમાં ભીખ માંગવી એ તો છે રીત નબળી,

પરিশ્રમ વિનાની આશા એ છે બુદ્ધિ ડબળી.

જો બનવું હોય સાચો તો ઈશ્વરનો તું લાડકો બન,

કર્મને તું ધર્મ માનીને મહેનતથી તું મહેકાવ તારું મન!

 

આજે શેઠની આંખોમાંથી અજ્ઞાનતાના પડદા હટી ગયા. તેને જીવનનું સાચું ગણિત સમજાયું—કે માત્ર માંગવું નહીં, પણ કર્મના માર્ગે ચાલીને પરમાત્માનો લાડકો પુત્ર બનીને જીવવું. તે જ ક્ષણે શેઠે ભિખારી બનવાનો માર્ગ છોડી દીધો અને પ્રભુના સાચા પુત્ર બનવાના પંથ પર ડગ માંડ્યા. કહેવત છે ને કે— "મેહેનત વગરનું મોતી પણ માટી સમાન છે."