સાંજ ધીમે ધીમે કાસીપુરના બગીચા-મકાન પર ઊતરી રહી હતી. આકાશમાં સૂર્યનો કેસરી રંગ ફેલાયો હતો. વૃક્ષોની ડાળીઓમાંથી પસાર થતી પવનની લહેરો જાણે કોઈ અજાણી વિદાયની વાત કરતી હતી. આખું વાતાવરણ શાંત હતું, પરંતુ એ શાંતિની અંદર એક અસહ્ય વેદના છુપાયેલી હતી. કાસીપુરના એ મકાનમાં એક મહાન આત્મા પોતાના જીવનના અંતિમ દિવસો જીવી રહ્યો હતો. તેઓ હતા—શ્રીરામકૃષ્ણ પરમહંસ.
यत्र तु न पश्यति न शृणोति न विजानाति किञ्चित् स भूमा।
यत्र तु पश्यत्यन्यत् शृणोत्यन्यद् विजानात्यन्यत् तदल्पम्॥
જ્યાં પ્રેમમાં ભેદભાવ મટી જાય છે અને બધું એકરૂપ લાગે છે, તે જ મહાન પ્રેમ છે. જ્યાં માત્ર ભિન્નતા અને સ્વાર્થ દેખાય છે, તે પ્રેમ બહુ ટૂંકો કે ક્ષુલ્લક હોય છે.
વર્ષોથી ભક્તોને ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ બતાવનાર, માતા કાળીના પરમ ઉપાસક અને પોતાના જીવનથી આધ્યાત્મિકતાની જીવંત અનુભૂતિ કરાવનાર આ સંતનું શરીર હવે ગંભીર રોગથી ઘેરાઈ ગયું હતું. ગળાનો રોગ વધતો જતો હતો. બોલવામાં તકલીફ પડતી હતી. ખાવું મુશ્કેલ બનતું હતું. શરીર દિવસે ને દિવસે ક્ષીણ થતું હતું. ચિકિત્સકો પોતાની શક્તિ મુજબ પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ અંત નજીક આવી રહ્યો હતો.
શ્રીરામકૃષ્ણના અંતિમ દિવસોમાં શ્રી શારદા દેવી તેમની સેવા કરતી હતી. તેઓ માત્ર પત્ની તરીકે નહીં, પરંતુ એક નિઃશબ્દ સેવિકા, સહધર્મચારિણી અને આધ્યાત્મિક સાથી તરીકે તેમની પાસે હતી. રામકૃષ્ણ અને શારદા દેવીનો સંબંધ સામાન્ય દાંપત્યજીવનની પરિભાષામાં બંધાતો ન હતો. 1872માં રામકૃષ્ણે શારદા દેવીની ‘ષોડશી પૂજા’ કરી તેમને દિવ્ય માતાના સ્વરૂપે પૂજ્યા હતા; બંનેનું જીવન અત્યંત આધ્યાત્મિક અને બ્રહ્મચર્યપૂર્ણ હતું.
तद् दम्पत्योः समं प्रेमा यत्रैकं हृदयं द्वयोः।
शरीरं भिन्नतामेति भावः समरस भवेत्॥
સાચું દાંપત્ય પ્રેમ તે છે જ્યાં બે શરીર હોવા છતાં બંનેના હૃદય એક જ હોય. ભલે શરીર અલગ-અલગ હોય, પરંતુ વિચારો અને ભાવનાઓમાં એકરૂપતા હોય.
પરંતુ આ બધાની વચ્ચે એક માનવીય સંબંધ પણ હતો—એકબીજા પ્રત્યેનો નિર્મળ પ્રેમ, એકબીજાની નિઃશબ્દ સમજ અને હવે એ જ સંબંધ સામે ઊભેલું મૃત્યુ.
એક દિવસ શારદા દેવીનું મન ભારે થઈ ગયું. તેમને અંદરથી જાણે કંઈક સમજાઈ ગયું હતું. તેઓ રડી પડ્યાં. તેમની આંખોમાંથી વહેતાં આંસુ માત્ર પતિને ગુમાવવાના નહોતા. જાણે પોતાના સમગ્ર આધ્યાત્મિક જીવનના એક આધારને ગુમાવવાનો ભય હતો.
પરંપરાગત જીવનચરિત્રોમાં રામકૃષ્ણના અંતિમ દિવસો અને શારદા દેવી સાથેના તેમના સંવાદના અનેક પ્રસંગો મળે છે. તેમાં એક મુખ્ય ભાવ વારંવાર પ્રગટ થાય છે—શરીર નાશ પામે છે, પરંતુ જે સત્ય છે તે નાશ પામતું નથી.
રામકૃષ્ણ જાણે તેમને સમજાવતા હોય તેમ કહેતા હોય: “તું કોને પ્રેમ કરે છે, શારદા? આ શરીરને? કે આ શરીરની અંદર રહેલા મને?” આ પ્રશ્ન માત્ર શારદા દેવી માટે નહોતો. આ પ્રશ્ન સમગ્ર માનવજાત માટે હતો—આપણે જેને પ્રેમ કરીએ છીએ, તેને ખરેખર પ્રેમ કરીએ છીએ કે તેના શરીર, રૂપ અને ઉપસ્થિતિને?
જો પ્રેમ માત્ર શરીર સાથે હોય, તો શરીર જતાં પ્રેમ પણ જતો રહે. પરંતુ જો પ્રેમ ચેતના (ગુણો) સાથે હોય, તો શરીરનો અંત પ્રેમનો અંત કેવી રીતે બની શકે?
અને અંતે એ દિવસ આવ્યો—16 ઑગસ્ટ 1886. કાસીપુરના બગીચા-મકાનમાં શ્રીરામકૃષ્ણે પોતાનું નશ્વર શરીર છોડ્યું. તેમના અંતિમ સમયનું વર્ણન કરનારા રામકૃષ્ણ પરંપરાના સ્ત્રોતોમાં મધરાત પછીનો સમય, ભક્તોની ઉપસ્થિતિ અને લાંબી સમાધિ જેવી અવસ્થાનો ઉલ્લેખ મળે છે. અંતે તેમના શરીરને કાસીપુરના ગંગાકિનારે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો.
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि॥ — શ્રીમદ્ ભગવદ્ ગીતા ૨.૨૭
જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ થયું છે તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. તેથી જે બાબત અનિવાર્ય છે, તેના માટે શોક કરવો યોગ્ય નથી.
ઘરમાં શોક છવાઈ ગયો. ભક્તોની આંખોમાં આંસુ હતાં. જે ગુરુની આસપાસ તેઓ વર્ષોથી ભેગા થતા હતા, તે ગુરુનું શરીર હવે તેમની આંખો સામે નહોતું. પરંતુ શારદા દેવી માટે આ ક્ષણ કંઈક બીજી જ હતી. તે શોકમાં હતી, પરંતુ તેના શોકની અંદર એક અજાણી આધ્યાત્મિક શાંતિ પણ જન્મી રહી હતી. તે રડી, પરંતુ તે રડવું અંતનું નહોતું. તેમાં વિયોગ હતો, પરંતુ વિનાશ નહોતો.
પતિના અવસાન પછી તે સમયની સામાજિક-ધાર્મિક પરંપરા મુજબ વિધવા સ્ત્રી પોતાના સૌભાગ્ય નાં ચિહ્નો દૂર કરતી. શારદા દેવી પણ પોતાના શરીર પરથી આભૂષણો એક પછી એક ઉતારવા લાગી. એક પછી એક. પરંતુ જ્યારે હાથની સોનાની ચુડીઓ ઉતારવાનો સમય આવ્યો, ત્યારે જાણે સમય થંભી ગયો.
રામકૃષ્ણ પરંપરાના જીવનચરિત્રાત્મક વર્ણન મુજબ, એ ક્ષણે શારદા દેવીને રામકૃષ્ણનું દર્શન થયું. તેઓ રોગગ્રસ્ત અવસ્થામાં નહીં, પરંતુ પહેલાં જેવા સ્વસ્થ સ્વરૂપમાં દેખાયા અને જાણે પૂછ્યું: “શું હું મરી ગયો છું, જે તું વિધવા જેવી થઈ રહી છે?” અને પછી એ ભાવ—“હું ક્યાં ગયો છું? માત્ર એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું.”
શારદા દેવીના હાથ અટકી ગયા. બંગડીઓ ઉતરી નહીં. અને પછી તેમણે તેમને જીવનભર પહેરી રાખી.
કોઈ બહારથી જોશે તો તેને હાથમાં પહેરેલી સોનાની બંગડી ઓ જ દેખાશે. પરંતુ શારદા દેવી માટે એ બંગડીઓમાં આખું જીવન સમાયેલું હતું. એમાં રામકૃષ્ણ સાથે વિતાવેલી ક્ષણો હતી. એમાં તેમની સેવા હતી. એમાં આધ્યાત્મિક સાધના હતી. એમાં પતિ-પત્નીનો નિર્મળ સ્નેહ હતો. અને સૌથી ઉપર—એમાં મૃત્યુ સામે પ્રેમનો વિશ્વાસ હતો.
શારદા દેવી જાણે કહી રહી હતી: “જે વ્યક્તિને મેં પ્રેમ કર્યો હતો, તે માત્ર આ શરીર નહોતું. શરીર તો બદલાય છે. પરંતુ જેને મેં પોતાના હૃદયથી ઓળખ્યો છે, તે મારા માટે ક્યાં ગયા છે ?”
પ્રશ્ન એ નથી કે પ્રેમ કરનાર પાગલ છે કે નહીં. પ્રશ્ન એ છે કે—આપણી આંખો પ્રેમને જોવાની ક્ષમતા ધરાવે છે કે નહીં?
રામકૃષ્ણનું શરીર ગયું, પરંતુ શારદા દેવીનું જીવન ત્યાં અટક્યું નહીં. વાસ્તવમાં ત્યાંથી તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો. રામકૃષ્ણના શિષ્યો માટે તેઓ ધીમે ધીમે માત્ર ગુરુની પત્ની ન રહ્યાં. તેઓ ‘માતા’ બની ગયા.
રામકૃષ્ણના અવસાન પછી તેમણે તીર્થયાત્રા કરી, કામારપુકુરમાં મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન વિતાવ્યું અને પછી ધીમે ધીમે રામકૃષ્ણ પરંપરાના આધ્યાત્મિક જીવનમાં કેન્દ્રસ્થાન મેળવ્યું.
જે પ્રેમ પહેલાં એક વ્યક્તિ માટે હતો, તે હવે અનેક લોકો સુધી વિસ્તર્યો. જે હાથ રામકૃષ્ણની સેવા કરતા હતા, એ જ હાથ ભક્તો માટે રસોઈ બનાવતા હતા. જે હૃદય એક વ્યક્તિના વિયોગમાં તૂટ્યું હતું, એ જ હૃદય પછી હજારો લોકો માટે આશ્રય બન્યું.
આ જ શારદા દેવીની મહાનતા હતી. તેમણે પોતાના દુઃખને પોતાનું જીવન બનવા દીધું નહીં. તેમણે પોતાના પ્રેમને જીવન બનાવી દીધું.
મૃત્યુ શરીરને જીતી શકે છે. સમય રૂપને બદલી શકે છે. વર્ષો સ્મૃતિને ધૂંધળી કરી શકે છે. પરંતુ સાચો પ્રેમ માણસના જીવનની દિશા બદલી નાખે છે.
આ તો એક સ્ત્રીના આંતરિક પરિવર્તનની કથા છે—પત્નીમાંથી શિષ્યા, શિષ્યામાંથી સાધિકા, સાધિકામાંથી માતા અને અંતે એક વ્યક્તિગત પ્રેમમાંથી સર્વવ્યાપી કરુણાની યાત્રા. અને પ્રેમ કદાચ કંઈ નહીં કહે. તે માત્ર શારદા દેવીના હાથ તરફ જોશે. ત્યાં આજે પણ કલ્પનામાં એ ચુડીઓની ધ્વનિ સંભળાશે.
છણ... છણ... છણ...
જાણે કોઈ કહી રહ્યું હોય—
“દેહ ગયો છે, પ્રેમ નહીં.”