अन्नं ब्रह्मेति व्यजानात्। अन्नाद्ध्येव खल्विमानि भूतानि जायन्ते।
अन्नेन जातानि जीवन्ति। अन्नं प्रयन्त्यभिसंविशन्तीति॥
અન્નને બ્રહ્મરૂપ જાણવું જોઈએ; કારણ કે અન્નમાંથી જ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, અન્નથી જ જીવન ટકે છે અને અંતે જીવન અન્નમાં જ વિલીન થાય છે.
સાંજ ઢળતી હતી અને પ્રકૃતિ પોતાની ડાખળીઓ સંકેલીને વિશ્રામ તરફ આગળ વધી રહી હતી. સંસારના કોલાહલથી દૂર, પ્રભુના નામનું સ્મરણ કરતા એક તેજસ્વી સાધુ મહારાજ અજાણ્યા માર્ગે આગળ વધી રહ્યા હતા. ચારેય બાજુ ઘેરો અંધકાર છવાતો જતો હતો અને રાત્રિ પોતાના ભયાનક સ્વરૂપમાં દેખાઈ રહી હતી. તે જ સમયે આશ્રય ની શોધમાં રહેલા સાધુએ એક ઘર જોયું અને ત્યાં રાત્રિ રોકાણ માટે પહોંચ્યા.
તે ઘર એક ચોરનું હતું, જે એકલો રહેતો હતો. જોકે, અજાણ સાધુ માટે તેનું હૃદય આદરથી ભરેલું હતું. ચોરે સાધુ મહારાજને દેવદૂત સમાન ગણીને આવકાર્યા અને સાચા ભાવથી આશ્રય આપ્યો. બંને વચ્ચે થયેલી વાર્તાલાપમાં ચોરે નિખાલસતાપૂર્વક સ્વીકાર્યું કે તે પેટ ભરવા માટે ચોરી કરે છે.
यत्किञ्चित् पापयुक्तं स्याद् द्रव्यं भुज्येत यैर्नरैः।
तेषां मतिर्विपद्येत कामलोभवशं गताः॥
જે લોકો પાપ કે અન્યાયની કમાણીનું અન્ન ખાય છે, કામ અને લોભના વશમાં થઈને તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.
"જેવું અન્ન, તેવું મન."
(મનુષ્ય જેવો ખોરાક ખાય છે, તેના વિચારો અને બુદ્ધિ પણ તેવા જ બને છે.)
ચોરે પ્રેમથી પોતાના ભાગનું ભોજન સાધુ મહારાજને જમાડ્યું. સાધુએ અતિથિ ધર્મ અને ભોજનની મર્યાદા જાળવીને તે ભોજન ગ્રહણ કર્યું, પરંતુ તેઓ અજાણ હતા કે તે ભોજન પાપની અને ચોરીની કમાણીથી બનેલું હતું.
કોળિયો એક લીધો, મનમાં વાવ્યું બીજ,
બીજમાંથી લોભ ઊગ્યો, બુદ્ધિ થઈ અધીર;
અન્નનો એક અણુ પણ કર્મની વાત કહે,
પેટ ભરે તે અન્ન છે, અંતર ભરે તે ફેર.
રાત્રિના ગાઢ અંધકારમાં જ્યારે ચારેય તરફ શાંતિ ફેલાયેલી હતી, ત્યારે સાધુની નજર રૂમના એક ખૂણા પર પડી જ્યાં નોટોના ઢેરબંધ બંડલ પડેલા હતા. દુનિયાની માયા અને તે પાપી અન્નનો પ્રભાવ એવો પ્રબળ નીકળ્યો કે જ્ઞાની અને તપસ્વી સાધુના મનમાં પણ લોભનો અંકુર ફૂટી નીકળ્યો.
यत्किञ्चित् पापयुक्तं स्याद् द्रव्यं भुज्येत यैर्नरैः।
तेषां मतिर्विपद्येत कामलोभवशं गताः॥
જે લોકો પાપ કે અન્યાયની કમાણીનું અન્ન ખાય છે, કામ અને લોભના વશમાં થઈને તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.
લોભના અતિવેગમાં આવીને સાધુ મહારાજે નોટોનો એક બંડલ ચોરી લીધો અને વહેલી સવારે કોઈને કહ્યા વગર ત્યાંથી નીકળી ગયા.
પોતાના આશ્રમે પહોંચ્યા પછી, જ્યારે અન્નનો નશો ઉતર્યો અને મન શાંત થયું, ત્યારે તેમને પોતાની આ ભયંકર ભૂલ સમજાઈ. આત્મા પર લાગેલા પાપના ડાઘથી તેમનું હૃદય ધ્રૂજી ઉઠ્યું. પસ્તાવા અને ગ્લાનિની આગમાં તેમનું મન સળગી રહ્યું હતું.
અરે રે! ક્ષણિક લોભમાં તપસ્યા મારી હારી ગઈ,
પવિત્રતાના શિખર પર આ કેવી કાલિમા છવાઈ ગઈ!
આત્માનો અરીસો આજે શરમથી ઝૂકી ગયો છે અહીં,
પાપના ભારથી શ્વાસ રૂંધાય છે હવે તો કાયાની સહી!
તેઓ તુરંત જ દોડતા તે ચોરના ઘરે પાછા ફર્યા, હાથમાં પેલો નોટોનો બંડલ ધ્રૂજતા હાથે ધરી દીધો અને પોતાની ભૂલનો એકાંતમાં સ્વીકાર કર્યો.
આશ્ચર્યચકિત થયેલા ચોરે પૂછ્યું, "મહારાજ! આપ તો મહાન સંત છો, આપનાથી આ ચોરી કેમ થઈ?"
સાધુ મહારાજે ગદ્ગદિત હૃદયે કહ્યું, "ભાઈ! મેં માત્ર એક જ દિવસ તારી ચોરીની કમાણીનું અન્ન ખાધું હતું, અને તેના પ્રભાવથી મારી વર્ષોની તપસ્યા ભ્રષ્ટ થઈ ગઈ અને મારાથી ચોરી થઈ ગઈ. વિચાર તો કર, જે માણસ જન્મથી મૃત્યુ સુધી આખી જિંદગી માત્ર ને માત્ર ચોરી અને પાપની જ કમાણી ખાતો હશે, તેની આખી જિંદગી અને આત્માની શું દશા થતી હશે!"
सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वम्।
निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवन्मुक्तिः॥
સત્સંગથી આસક્તિ છૂટે છે; આસક્તિ છૂટે તો મોહ ઓછો થાય છે; મોહ દૂર થાય તો મન સ્થિર થાય છે અને મન સ્થિર થતાં જીવનમાં મુક્તિનો અનુભવ થાય છે.
આ ક્રાંતિકારી સત્ય વચને તે ચોરનું હૃદય હચમચાવી નાખ્યું અને તેનું જીવન હંમેશ માટે બદલાઈ ગયું. લોઢા નો પારસનો સંગ થયો ને તે સોનું બની ગયું.
ચોર હવે પ્રમાણિક તાના રસ્તા પર ચાલવા લાગ્યો.
आहारशुद्धौ सत्त्वशुद्धिः सत्त्वशुद्धौ ध्रुवा स्मृतिः।
स्मृतिलम्भे सर्वग्रन्थीनां विप्रमोक्षः॥
આહાર શુદ્ધ હોય તો અંતઃકરણ શુદ્ધ થાય છે; અંતઃકરણ શુદ્ધ થાય તો સ્મૃતિ સ્થિર બને છે અને સ્મૃતિ સ્થિર થાય ત્યારે જીવનની આંતરિક ગાંઠો છૂટવા લાગે છે.