bhav bhari krutagnata in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | ભાવભરી કૃતજ્ઞતા

Featured Books
Categories
Share

ભાવભરી કૃતજ્ઞતા

શાંત, સમૃદ્ધ અને સુજલામ-સુફલામ એવા 'ધર્મપુર' રાજ્યના મહારાજ વિક્રમાદિત્ય કેવળ સિંહાસનના સમ્રાટ નહોતા, પરંતુ પોતાની પ્રજાના હૃદયના ધબકારા સાંભળનારા એક સાચા લોકસેવક અને પરોપકારી નરેશ હતા. તેમનું ન્યાયપ્રેમ અને પ્રજાવાત્સલ્ય ચારેય દિશામાં કિર્તીમાન હતું. પ્રજા પણ પોતાના રાજાને ઈશ્વરતુલ્ય માનતી અને રાજાના એક પલકારા પર સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તત્પર રહેતી.

 

प्रजासुखे सुखं राज्ञः प्रजानां च हिते हितम्।

नात्मप्रियं हितं राज्ञः प्रजानां तु प्रियं हितम्।।   कौटिलीय अर्थशास्त्र

પ્રજાના સુખમાં જ રાજાનું સુખ છે અને પ્રજાના હિતમાં જ તેનું હિત છે. રાજાને પોતાની પ્રિય બાબતોમાં રસ ન હોવો જોઈએ, પરંતુ પ્રજાને જે પ્રિય અને હિતકારી હોય તે જ રાજાનું હિત છે.

 

એક દિવસ સંધ્યાકાળની શીતળ પવનની લહરીઓ વહી રહી હતી. મહારાજ વિક્રમાદિત્ય પ્રજાના મનની અંદર ડોકિયું કરવા અને તેમની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સાધારણ પ્રજાજનનો વેશ ધારણ કરી, ગુપ્તચરની જેમ નગરચર્યાએ નીકળ્યા. નગરના સીમાડે આવેલા એક રમણીય માર્ગ પરથી પસાર થતી વખતે તેમણે એક દ્રશ્ય જોયું—એક વૃદ્ધ ખેડૂત, જેમના શરીર પર સમયની કરચલીઓ સ્પષ્ટ દેખાતી હતી અને જેમના શ્વેત વાળ પવિત્રતાની સાક્ષી પૂરતા હતા, તે અત્યંત ઉત્સાહથી એક નાનો છોડ જમીનમાં રોપી રહ્યા હતા. તેમના ધ્રુજતા હાથ અને શરીર પરથી ખબર પડી જતી જતી હતી કે વૃદ્ધ વધુ દિવસ નહિ કાઢી શકે.

 

રાજાની જિજ્ઞાસા જાગી. અદભુત કુતૂહલવશ મહારાજ તેમની પાસે ગયા અને અત્યંત વિનમ્ર સ્વરે પૂછ્યું, “હે તાત! આ કયા છોડનું રોપણ થઈ રહ્યું છે અને આ વૃદ્ધાવસ્થામાં આપ આટલી મહેનત શા માટે કરી રહ્યા છો?”

 

વૃદ્ધે ધીમા, પરંતુ અડગ અને ગંભીર સ્વરે ઉત્તર આપ્યો, “આ આમ્રવૃક્ષ કેરીનો છોડ છે, બેટા!”

 

આ સાંભળીને રાજાએ ગણિત માંડ્યું. તેમણે વિચાર્યું કે આ છોડને મોટો થવામાં વર્ષો લાગશે, તેના પર ફળ બેસવામાં ઘણો લાંબો સમય વીતી જશે. મહારાજના ચહેરા પર ચિંતા અને આશ્ચર્યની રેખાઓ ઉપસી આવી. તેમણે દુખી  સ્વરે કહ્યું, “દાદા! આ છોડને વટવૃક્ષ બનતા અને ફળ આપતા લાંબો સમય વીતી જશે, ત્યારે શું આપ આ સંસારમાં જીવિત હશો?”

 

આ સવાલ પાછળ રાજાની માનવીય દયા હતી, પણ સાથેસાથે અજ્ઞાન પણ છુપાયેલું હતું કે જે ફળ પોતાને ન મળવાનું હોય તેના પાછળ પરસેવો પાડવો એ કેવળ નિરર્થક શ્રમ છે. રાજાના ચહેરા પરની એ નિરાશા વૃદ્ધ ખેડૂતે પારખી લીધી. તેમણે પોતાની કુદાળી જમીન પર મૂકી, ઊભા થયા અને રાજાની આંખોમાં આંખ પરોવીને એક દાર્શનિક મુસ્કાન સાથે કહ્યું:

 

“હે રાજન્! આપને કદાચ એમ લાગતું હશે કે હું એક અર્થહીન અને પાયાવિહોણું કામ કરી રહ્યો છું. મનુષ્ય જે કર્મનું ફળ સ્વયં ન ભોગવી શકે, તેના પર સમય વેડફવો એ મૂર્ખતા છે—આપના મનમાં કદાચ આ જ વિચાર ચાલે છે ને? પરંતુ જરા ઊંડાણપૂર્વક વિચારો કે આ વૃદ્ધે પોતાના જીવનકાળમાં અગાઉના અજાણ્યા લોકો દ્વારા રોપાયેલા વૃક્ષોના કેટલાય મીઠા ફળોનો સ્વાદ માણ્યો છે! અન્યોના પરસેવાથી સીંચાયેલી છાંયડાની શીતળતા માણી છે. તો શું જગતની આ મહાન પરંપરા પ્રત્યેનું આપણું ઋણ ચૂકવવા માટે આપણે કંઈ ન કરવું જોઈએ? જે માનવી કેવળ પોતાના સ્વાર્થ અને પોતાના જ પેટ ખાતર જીવે છે, તેનું જીવન પશુ સમાન છે.”

 

આ સચોટ અને હૃદયસ્પર્શી દલીલ સાંભળીને રાજા વિક્રમાદિત્ય સ્તબ્ધ થઈ ગયા.. તે સમજી ગયા કે પરોપકાર એ જ માનવતાનું સાચું આભૂષણ છે. રાજા વિક્રમાદિત્ય ને ખુબ ખુશી થઇ કે આવા પ્રજાજનો મારા રાજ્ય માં છે એજ મારી સમૃદ્ધિ છે.

अयं निजः परो वेति गणना लघुचेतसाम्।

उदारचरितानां तु वसुधैव कुटुंबकम्।।

 

આ આપણો છે અને આ પારકો છે એવી ગણના નાના મનવાળા લોકો કરે છે; પરંતુ ઉદાર ચરિત્રવાળા મહાપુરુષો માટે તો સમગ્ર ધરતી જ પોતાનું પરિવાર છે.


પરોપકાર કાજે જગમાં ધરે છે દેહ નરનાર,

વહે જે નદીઓ પારકા અર્થે, ઝરે અમૃતની ધાર;

ન મૂકે સ્વાર્થની આશા, કરે જગતનું કલ્યાણ જે,

અમર થઈ જાય ઇતિહાસમાં એ સાચા માનવી આજ એ!

 

सिंहासनगता राजानः प्रजापालनतत्पराः।

कल्याणकारी गुणैर्युक्ता भवन्ति जगतीतले।।

સિંહોસન પર બેઠેલા રાજાઓ જો પ્રજાના પાલનમાં તત્પર રહે અને કલ્યાણકારી ગુણોથી યુક્ત હોય, તો જ તેઓ પૃથ્વી પર પૂજનીય બને છે.

 

જે વાવે તે લણે." વૃદ્ધે ભવિષ્યની પેઢી માટે વાવેલું આ સદ્કર્મ એ કોઈ સામાન્ય છોડ નહોતો, પરંતુ સમગ્ર માનવજાતિ માટે પ્રેમ અને પરોપકારનો શાશ્વત સંદેશ હતો. રાજાએ  તે વૃદ્ધને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાના રાજમહેલમાં પરત ફરીને પ્રજા કલ્યાણના નવા અધ્યાયો શરૂ કર્યા.

परोपकारिणां सतां विभूतयः भवन्ति।

સજ્જનોની સંપત્તિ અને વૈભવ હંમેશાં પરોપકાર માટે જ હોય છે.