"કેમ!? કેમ તને રોજ મોડું થાય છે!?"
"હજી તો પ્રોજેક્ટ શરૂ થવાનો છે. પણ,...! સાઇટ ઘણી બધી દૂર છે. અને વારંવાર અર્બન ડેવલપમેન્ટના ઓફિસર અને અમારી કંપની વિચારો બદલાવી રહી છે. જમીનની માપણી ફરી ફરી કરવી પડે છે અને પ્રપોઝલ બનાવવાની હજુ બાકી છે."
"ગામના છેડા પર ઘર બનાવવાની શું જરૂર છે? શું જરૂર છે ત્યાં ફન પાર્ક બનાવવાની?."
"ત્યાં અમે તો ઘર બનાવવાના જ નથી તે માત્ર ફન પાર્ક બનશે. તે પણ બે કિલોમીટરના એરિયામાં જેમ નાના નાના ઘણા બધા બગીચાઓ હશે છુટા છવાયા અને વચ્ચે વચ્ચે ફન માટેની અલગ અલગ રાઇડ્સ હશે સાથે સાથે અલગ અલગ કલા કારીગરી પણ અને શોપિંગ કોમ્પલેક્ષ પણ હશે."
"પણ દૂર!..., ચેતના તને આ બધું વ્યાજબી લાગે છે!?"
"મારા વ્યાજબી લાગવા ન લાગવાનો પ્રશ્ન જ નથી વેદાંત. હું નોકરી કરું છું અને પગાર મેળવું છું એ બધાની ઈચ્છા ને અનુરૂપ મારે કામ કરવાનું હોય છે."
"અરે તું ક્યાં મજાક કરે છે!!!, એ તો તારો બાળપણ નો મિત્ર છે અને આ ફન પાર્ક એનું બાળપણનું સપનું છે. તું જરા ટપારીને કહીશ એટલે માની જશે જગ્યા બદલાવી નાખશે પોતાના સપના ઉગાડવાની."
"એવું જરા પણ નથી એ મિત્ર છે એટલું જ અને એ પણ એને હમણાં યાદ આવ્યું. હું નોકરીમાં પહેલા જોઈન્ટ થઇ અને એ હમણાં જ અમેરિકાથી આવ્યો છે. મને તો યાદ પણ ન હતું કે એ કોણ છે અને તું બહુ ઘણી બધી કલ્પનાઓ કરી દે છે.
બિઝનેસની રીતે જોવા જઈએ તો આ ફન શહેરની બહાર હોય એ વધારે સારું છે. લોકો એકની એક જગ્યાથી કંટાળી જાય છે કંઈક નવું જોઈએ છીએ રોજ બહાર ન જઈ શકે પણ મહિનામાં એક વખત બાર તેર કિલોમીટર દૂર જઈ શકે છે. પાછા કંપનીવાળા બસો પણ ચાલુ કરવાના છે.
જુના સમયમાં પણ આવા મેળાઓ થતા હતા. અને તે શહેરની બહાર જ થતા હતા. તને તો યાદ જ હશે તું તારા ગામની વાત કરે તો પાદરમાં જ મેળો ભરાતો હતો. હું શહેરમાં મોટી થઈ એટલે એ બધું જોઈ નથી શકી."
વેદાંતના ચહેરા પર થોડો ગુસ્સો તરવરી ગયો. પણ તરત જ હુંફાળું સ્મિત તેણે ચહેરા પર ગોઠવી દીધું હતું.
"એ બધી વાત તો ઠીક ચેતના 9:30 થઈ ગયા છે અને આજે આપણી રસોઈ બનાવવા વાળો ભાઈ પણ નથી આવ્યો તો આજે બારે જમી આવીએ."
"હા તને ઠીક લાગે તો એમ નહીં તો જમવાનું ફટાફટ બનાવી દઉં મમ્મી પપ્પા નું જમવાનું પણ બાકી જ હશે ને."
"હા એ પણ બિચારા શું કરે તેમની દીકરાની વાઈફ કમાવવા માટે બહાર જાય છે તો સમયસર રસોઈ કોણ બનાવવાનું છે?"
"હા પણ બે બે કામવાળી રાખે છે. રસોઈયા રાખ્યા છે તો સ્વાભાવિક છે સમયસર રસોઈ બનવાની જ છે પરંતુ નવાઈ છે કે આજે બંને નથી આવ્યા. એટલે હું એમને ફોન કરી જોઉં."
"ફોન કરીને સમય શા માટે બગાડે છે. ચાલ આપણે ફટાફટ બધા ભેગા થઈને જમી આવી એ એટલે આરામથી પછી સુઈ પણ શકાય."
ચેતના મનોમન સમજી ગઈ ફરી પાછું કોઈ તુત થવાનું હતું. વેદાંત કે તેના માતા પિતામાંથી કોઈએ ત્રણે હાઉસ હેલ્પર ને ના પાડી હશે.
ઉંડો શ્વાસ લઈને તે ફટાફટ તૈયાર થઈ ગઈ તેણે પોતાના સાસુ સસરાને પણ તૈયાર થવામાં મદદ કરી. આમ તો બંને શારીરિક રીતે તંદુરસ્ત જ હતા પરંતુ ઉંમરને કારણે નબળાઈ ચોક્કસ હતી. વેદાંત પણ પોતાના કેમેરા અને સેલ્ફી સ્ટિક સાથે તૈયાર થઈ ગયો હતો.
પાછલી સીટમાં ચેતના અને તેના સાસુ ગોઠવાઈ ગયાં અને આગળ કાર ચલાવવાની જવાબદારી વેદાંત લીધી. વેદાંતની બાજુની સીટમાં સસરા ગોઠવાયા અને પહેલેથી સીટ પર પડેલી ઢીંગલી ચું ચુ... અવાજ કરી ઉઠી.
"આ ઢીંગલી!? કોની ઢીંગલી!?"
"કોઈ ઓફિસરની દીકરીની છે તે અહીં ભૂલી ગઈ છે હું પછી તેને દઈ દેવાની છું."
"સાઇટ પર છોકરાં પણ આવતા થઈ ગયા."
સસરા એ ઢીંગલી જોરથી ચેતનાના ખોળામાં ફેંકી. કપડાની ઢીંગલી હતી એટલું સારું હતું નહીં તો ચેતનાને સરખું વાગત. રેસ્ટોરન્ટ તરફ જતા જતા પણ મોગમમાં સંભળાવાતા મેણા ચેતના કોળીયે કોળીયે પેટમાં ઉતારી રહી હતી.
વેદાંત જમવાની, કારમાં બેસવાની અને માતાપિતાની સંભાળ લેવાની રિલ બનાવી સોશિયલ મીડીયા પર અપલોડ કરતો જતો હતો.
ઘરે પહોંચવા સુધી લાઈવ કેમેરા પર મીઠી મીઠી વાતો અને એકબીજા માટે નર્યું વહાલ જ વરસાવ્યું.
ઘરે આવીને કોઈ બીજી વાતો વગર ઊંઘને હવાલે થઇ ગયા..
સવાર પડતાં એલાર્મ ના અવાજ સાથે ચેતના ઘર ના કામમાં મશીનનો ભાગ ભજવવા લાગી ગઈ. સાત સુધી બધું જ પતાવી બહાર નીકળતી હતી ત્યાં હજી તાજા જાગેલા વેદાંતની બૂમો સંભળાઈ
"આવું કેમ થાય!? ન બને ન જ બને."
ચેતના દોડીને રૂમમાં પહોંચી પ્રશ્નાર્થ સાથે વેદાંત સામે જોયું.
"ચેતના જો આ બધા જ ફોટામાં પેલી ઢીંગલી છે જ્યારે આપણે તો એ ઢીંગલીને કારમાં છોડી દીધી હતી મને બરાબર યાદ છે પપ્પાએ એ ઢીંગલી તારા તરફ ફેંકી હતી અને તે એને પાછળ ખૂણામાં બેસાડી દીધી હતી.
તો પછી એ ઢીંગલી બધા જ ફોટામાં, રીલમાં કેવી રીતે છે?"
"વેદાંત જ્યારે જમ્યા પહેલા આપણે કારમાં જ રીલ બનાવી હતી તો સાથે સાથે ઢીંગલી પણ આવી ગઈ હશે અને હાથમાં રહી ગઇ હશે તો ટેબલ સુધી પણ આવી ગઈ હશે. એમાં આટલું બધું વિચારવાનું શું હોય!?"
"ના મને બરાબર યાદ છે એ ઢીંગલી કારમાં જ હતી. એને એને..."
"વેદાંત મને મોડું થાય છે હું નીકળું છું."
વેદાંતની વાત અધૂરી છોડી ચેતના ફટાફટ ઘર બહાર નીકળી ગઈ. કાર સ્ટાર્ટ કરવા પહેલાં તેને પાછલી સીટમાં ઢીંગલી પર નજર કરી એ ત્યાં જ બેઠી હતી જ્યાં તેણે પોતે બેસાડી હતી.
મનમાંથી વિચારો ખંખેરી તે ઓફિસ તરફ કાર દોડાવવા લાગી. અને પાછળ બેઠેલી પેલી બ્લ્યુ કલરના ફ્રોક વાળી છોકરી પોતાની ઢીંગલી સાથે રમવા લાગી.