દ્રષ્ટિ અને સૃષ્ટિ
જગતના દોષો શોધતી આંખો જ્યારે પોતાની ભીતર ઝાંખે છે, ત્યારે જ મનુષ્ય પતનના અંધકારમાંથી નીકળીને પરમજ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરે છે! પોતાનો ઉત્કર્ષ જયારે માણસ પોતે પોતાની પાસે એકલો બેસે ત્યારે થાય છે.
સૃષ્ટિના પ્રારંભકાળે, જ્યારે પરમાત્માએ માનવ શરીરનું ઘડતર કર્યું, ત્યારે તેને માત્ર શ્વાસ જ ન આપ્યા, પણ જીવનજીવવાની એક અદ્ભુત ચાવી સમી બે પોટલીઓ આપી. એક પોટલી રેશમી દોરાથી બાંધીને છાતી પાસે આગળ લટકાવી અને બીજી ક્ષણભંગુર શણની પોટલી પીઠ પાછળ બાંધી આપી.
ઈશ્વરે માણસના મસ્તક પર હાથ મૂકીને કહ્યું, "હે માનવ! આ આગળની પોટલી પર સદા તારી દ્રષ્ટિ રાખજે. સ્વાધ્યાય ની આ પોટલીમાં સ્વ નો અભ્યાસ છે. આ તારી પોતાની ત્રુટિઓ, ખામીઓ અને સીમાઓની પોટલી છે. અને આ પીઠ પાછળની પોટલી સમગ્ર સંસારની કમીઓની છે, જેને તારે ક્યારેય ઉઘાડીને જોવાની જરૂર નથી."
दौरात्म्यं दूषणं चैव परदोषानुकीर्तनम् ।
आत्मनो दोषजातानि नात्मा वदति पण्डितः ॥
ડાહ્યો માણસ ક્યારેય બીજાના દોષોનું ગાન નથી કરતો, પરંતુ પોતાના દોષોને ઓળખીને તેને સુધારવાનો પ્રયત્ન કરે છે.
શરૂઆતમાં માણસે આ પરમ આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. તે નિરંતર પોતાની પોટલી તરફ જોતો, પોતાની ભૂલોમાંથી શીખતો અને રોજ વ્યક્તિત્વનો એક નવો આયામ ઘડતો. પોતાના
વાસના, ક્રોધ અને અહંકારને ઓળખીને તેને દૂર કરતો રહ્યો. પરિણામે, તે સફળતાના ઉચ્ચ શિખરો સર કરવા લાગ્યો. માનવજાત પ્રગતિના માર્ગે અવિરત આગળ વધતી રહી.
"પોતાનું ઢાંકણું ઉઘાડું રાખીને બીજાના વાસણમાં ઝાંખવું નકામું છે."
પરંતુ કાળનું ચક્ર ફરતું રહ્યું. એક દિવસ ગ્રીષ્મઋતુની બપોરે માણસ એક નિર્મળ સરોવરમાં સ્નાન કરવા ઉતર્યો. નદીના શીતળ જળમાં નાહીને જ્યારે તે બહાર આવ્યો, ત્યારે અજાણતાં જ પોટલીઓની અદલાબદલી થઈ ગઈ. જે પોટલી પીઠ પાછળ રાખવાની હતી તે આગળ આવી ગઈ અને પોતાની ખામીઓવાળી પોટલી પીઠ પાછળ જતી રહી!
અને બસ! ત્યાંથી જ માનવ ચેતનાનો વિનાશ શરૂ થયો.
હવે તેની દ્રષ્ટિ સામે માત્ર જગતની ખામીઓ જ તરવરવા લાગી. તેને પોતાના સંતાનો ઉદ્દંડ લાગવા માંડ્યા, પડોશીઓ દોષિત દેખાવા લાગ્યા, સમાજ અને શાસકો નકામા લાગવા લાગ્યા. પોતાના પોતે સૌથી સારો અને આખી સૃષ્ટિ તેને વાંકડી દેખાવા લાગી. બીજાના દોષો શોધવામાં તે એટલો લીન થઈ ગયો કે પોતાની ભીતર પાંગરતા અહંકાર અને અજ્ઞાનને તે જોઈ જ ન શક્યો.
परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं।
निजहृदि विकसन्तः सन्तः सन्तः कियन्तः॥ (भर्तृहरि — नीतिशतकम्)
બીજાના રાઈ જેવા નાના ગુણોને પણ પર્વત જેવો મોટો કરીને જોવા અને પોતાના મનમાં સદા પ્રસન્ન રહેવું—આવા મહાપુરુષો આ દુનિયામાં કેટલા વિરલ છે!
તેને હમેશ એમ જ લાગતું હતું કે પોતે સાચો છે. સ્વ નો અભ્યાસ છુટી ગયો. આમ જેમ જેમ માણસ બીજા પર આંગળી ચિંધતો ગયો, તેમ તેમ તેનું પોતાનું પતન થવા લાગ્યું. ઘરમાં કલેશ, સમાજમાં વૈમનસ્ય અને મનમાં અશાંતિ વ્યાપી ગઈ. તે વિચારવા લાગ્યો, "હું તો સવળા માર્ગે ચાલું છું, બધાને સુધારવાનો પ્રયત્ન કરું છું, છતાં મારું પતન કેમ થઈ રહ્યું છે?"
માણસ નો પોતાનો ચહેરો ગંદો હતો ને રોજ તે આરીસો સાફ કરતો રહ્યો.
હારેલો, થાકેલો અને વિષાદગ્રસ્ત માણસ પુનઃ ઈશ્વરના શરણમાં પહોંચ્યો. ઈશ્વરે હળવું સ્મિત કરીને તેની બંને પોટલીઓ તરફ ઈશારો કર્યો અને કહ્યું, "હે માનવ! તું બહારની સૃષ્ટિ બદલવા નીકળ્યો છે, પણ તારી પોતાની 'દ્રષ્ટિ' બદલાઈ ગઈ છે. જ્યારે તારી નજર તારી પોતાની કમીઓ પર હતી, ત્યારે તું રોજેરોજ શ્રેષ્ઠ બનતો હતો. પણ જે ક્ષણે તું બીજામાં મીન-મેખ કાઢવા લાગ્યો, ત્યાંથી જ તારા વિનાશનો પાયો નંખાઈ ગયો."
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः॥ (श्रीमद्भगवद्गीता — ६.५)
મનુષ્યે પોતાના દ્વારા જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, પોતાનું પતન ન થવા દેવું જોઈએ. કારણ કે મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે.
માનવને પોતાની ભૂલ સમજાઈ ગઈ. જગતને સુધારવાનો અહંકાર ઓગળી ગયો. તેને સમજાઈ ગયું કે બીજાને સુધારવાની મથામણ એ પવન સાથે કુશ્તી લડવા જેવી વ્યર્થ છે.
દ્રષ્ટિ બદલો તો સૃષ્ટિ બદલાશે,
પોતાને જ્ઞાનના દીપકે પ્રગટાવો;
બીજાના દોષો ગણવાનું છોડી દો,
પોતાના હૃદયને પાવન બનાવો.
ગુજરાતીમાં પણ કહેવાયું છે કે: "આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય" અને "આપણે સુધરશું તો જગત સુધરશે." આપણે ઘણીવાર સમગ્ર વિશ્વમાં શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ પોતાના મનની અશાંતિ દૂર કરવાનો પ્રયાસ નથી કરતા. શાંતિનો માર્ગ બહાર નહીં, પણ ભીતર તરફ જાય છે.