samay no sanket in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | સમયનો સંકેત

Featured Books
Categories
Share

સમયનો સંકેત

સમયનો સંકેત

 

એક તૂટેલી બુદ્ધમૂર્તિએ એક બાળકને એવું જીવનસૂત્ર શીખવ્યું કે પછી મૃત્યુ, વિયોગ અને દુઃખ પણ તેને તોડી શક્યાં નહીં.
વસ્તુઓ અને સંબંધો જ્યારે હાથમાંથી સરકી જાય ત્યારે રડવું સહજ છે—પણ તેમને શાંતિથી વિદાય આપવી એ જ જીવનનું સાચું જ્ઞાન છે.
 

 

 

 

 

પ્રભાતની સોનેરી કિરણો આશ્રમની શાંત પર્ણકુટીર પર પથરાઈ રહી હતી. ઝેન પરંપરાના દિવ્ય તેજસ્વી સંત બોકોજુ હજુ તો બાલ્યાવસ્થામાં હતા અને ગુરુદેવના ચરણોમાં રહીને સેવાધર્મને જ સાચો યોગ માનતા હતા. તેમનું દૈનિક કાર્ય ગુરુદેવના એકાંત ખંડની સફાઈ કરવાનું હતું. તે ઓરડામાં એક અદ્વિતીય, ભાવનીય એવી ભગવાન બુદ્ધની પ્રાચીન પ્રતિમા બિરાજમાન હતી. એ કેવળ પથ્થર કે ધાતુ નહોતી; પેઢી દર પેઢી ગુરુ-પરંપરાથી વારસામાં ઉતરી આવેલી અતિ મૂલ્યવાન ધરોહર હતી. ગુરુદેવનો જીવ જાણે એ મૂર્તિમાં વસતો હતો. નિત્ય સવારે ભાવવિભોર થઈને એના ચરણોમાં બે તાજા પુષ્પો અર્પણ કરવા એ એમની સાધનાનું અભિન્ન અંગ હતું.

 

એક પ્રભાતે સાવરણી ફેરવતાં અજાણતાં જ બાળકનો હાથ એ મૂર્તિને અડકી ગયો. ક્ષણના છઠ્ઠા ભાગમાં તો એ સદીઓ પુરાણી મૂર્તિ હાથમાંથી છટકી, પત્થર ની ભૂમિ પર અથડાઈ અને જોતજોતામાં ખંડ ખંડ ખંડિત થઈ ગઈ.

 

બાળકના પગ નીચેથી ધરતી સરકી ગઈ. છાતીના ધબકારા થંભી ગયા. મનમાં ભયનો દાવાનળ અને તોફાન શરુ થઇ ગયું. સમગ્ર આકાશ જ માથે તૂટી પડ્યું હતું. ગુરુજીનો મૂર્તિ પરનો અસીમ પ્રેમ અને આ અતૂટ વારસો ક્ષણવારમાં ધૂળધાણી થઈ ગયા.

कालो हि दुरतिक्रमः।

સમયનું અતિક્રમણ કરવું કે કાળના પ્રવાહને રોકવો અસંભવ છે.

 

 

વિચારોનું વંટોળ શમે તે પહેલાં જ ઓરડાના ઉંબરે પરિચિત પગરવ સંભળાયા. ગુરુદેવ અંદર પ્રવેશી રહ્યા હતા. બાળકે ક્ષણિક ચાતુર્ય વાપરી તૂટેલા ટુકડા પોતાની પાછળ છુપાવી દીધા. કાયા થથરતી હતી. ગુરુદેવ કંઈ પૂછે તે પહેલાં જ નતમસ્તક થઈને તેણે ધીમા અવાજે પૂછ્યું, "ગુરુદેવ, જ્યારે કોઈ મનુષ્ય કે પ્રાણી આ સંસારમાંથી વિદાય લે છે—મૃત્યુ પામે છે, ત્યારે તે શા માટે મરે છે?"

 

ગુરુદેવે કરુણાસભર સ્મિત વેરતાં વત્સલ ભાવે કહ્યું, "વત્સ, જેનો સમય પૂર્ણ થાય છે, તે આ માટીની કાયા છોડી દે છે. જન્મ અને મૃત્યુ વચ્ચે કેવળ નિયત સમયનો જ ફેરો છે."

 

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।

तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि॥   શ્રીમદ્ ભગવદ્ ગીતામાં

જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. તેથી આ અનિવાર્ય સત્ય પર શોક કરવો ઉચિત નથી.

 

ગુરુદેવના શબ્દો વાયુમંડળમાં પડઘાતા હતા ત્યાં જ બાળકે પાછળ સંતાડેલા હાથ આગળ ધર્યા. હાથમાં બુદ્ધ પ્રતિમાના વિખરાયેલા ટુકડા હતા. આંખોમાં નિર્દોષ ગંભીરતા સાથે બાળકે કહ્યું, "તો ગુરુદેવ, આપણી આ પવિત્ર મૂર્તિનો પણ આજે સમય આવી ગયો હતો!"

 

ખંડમાં ક્ષણભર માટે સોપો પડી ગયો. ગુરુદેવ દિગ્મૂઢ થઈને શિષ્યના પ્રાયશ્ચિતભરેલા  મુખારવિંદ સામે તાકી રહ્યા. પછી તેમના હોઠ પર ગહન, બ્રહ્મજ્ઞાનયુક્ત હાસ્ય રેલાઈ ગયું. બાળકની પીઠ પર વહાલભર્યો હાથ મૂકતાં તેમણે કહ્યું, "વત્સ! તેં માત્ર મૂર્તિ નથી તોડી, પણ મને સંસારની ક્ષણભંગુરતાનું દર્શન કરાવ્યું છે. પણ યાદ રાખજે, આજે જે જ્ઞાન તેં મને આપ્યું છે, એ જ તારા જીવનની સૌથી મોટી કસોટી બનશે. તારા આયુષ્યમાં હજુ અગણિત ‘મૂર્તિઓ’ તૂટશે. જ્યારે જ્યારે કોઈ પ્રિય વસ્તુ કે સંબંધ તૂટે, ત્યારે હૃદયમાં આ જ સત્ય જગાડી રાખજે કે—તેનો સમય આવી ગયો હતો."


માટીના મહેલો સદા રહેવાના નથી,

વહેતા આ શ્વાસો કદી રોકાવાના નથી;

જે તૂટી ગયું એને સમયની ભેટ ગણી લે,

કાળના નિયમો કદી બદલાવાના નથી.

 

આ સામાન્ય ઘટના નહોતી, એક મહાન ઋષિચેતનાના પુનર્જન્મની ક્ષણ હતી. આ બોધ બોકોજુના સમગ્ર જીવનનું મહામંત્ર બની ગયો. ‘જે રામ રાખે તેમ રહીએ’ એ કહેવત તેમના જીવનમાં સાક્ષાત વણાઈ ગઈ. વર્ષો વીતતાં ગયાં. જે વસ્તુઓ નાશ પામી, એમણે સ્વીકારી લીધું કે એમનો સમય પૂરો થયો હતો. જે સાથીઓ અધવચ્ચેથી સાથ છોડી ગયા, જે સ્નેહીજનો કાળના મુખમાં સમાઈ ગયા, જે સ્વજનો રિસાઈને દૂર ચાલ્યા ગયા—એ બધા માટે તેમના અંતરમાંથી એક જ અનાસક્ત ધ્વનિ ગૂંજતો રહ્યો: ‘સમય આવી ગયો હતો.’

 


माटी कहे कुम्हार से, तू क्या रोंदे मोय।

एक दिन ऐसा आएगा, मैं रोंदूंगी तोय॥

માટી કુંભારને કહે છે કે આજે તું મને પગ નીચે રોંદે છે, પણ એક દિવસ એવો આવશે જ્યારે તું મારામાં વિલીન થઈ જઈશ અને હું તને રોંદીશ.

 

મૂર્તિના વિસર્જનમાંથી જન્મેલા એ બોધે બોકોજુને સુખ-દુઃખ, માન-અપમાન અને સંયોગ-વિયોગના તમામ દ્વંદ્વોથી પર કરી દીધા. સંસારની કોઈ પણ આપત્તિ કે વિયોગ તેમને કદી શોકાતુર ન કરી શક્યા. તેઓ સ્થિતપ્રજ્ઞ સંત બનીને સમયના પ્રવાહને માત્ર એક સાક્ષીભાવે નિહાળતા રહ્યા.

વસ્તુનો ઉપયોગ કરો, પરંતુ વસ્તુને તમારા અસ્તિત્વનો આધાર ન બનાવો.
સંબંધને પ્રેમ કરો, પરંતુ તેને કાયમ માટે પકડી રાખવાની જિદ્દ ન કરો.

હાથમાંથી છૂટીને રણકી ઊઠેલા એક પાષાણના ટુકડાએ જ્યારે મૃત્યુનું રહસ્ય ખોલ્યું, ત્યારે તૂટેલી મૂર્તિના ખંડેરમાંથી જન્મી અનાસક્તિની એક એવી અમર જીવનગાથા જેણે સામાન્ય બાળકના અંતરમાં પરમ મુક્ત સંતને ઢાળી દીધા.

यस्य न सविधे सुहृदो न च ज्ञातयः।
तस्य किं दुःखं यत्र न कोऽपि शोचति॥ ભર્તુહરિ

જેની પાસે ન મિત્ર છે ન સગા, તેને દુઃખ શું? જ્યાં કોઈ શોક કરતું નથી ત્યાં દુઃખનું અસ્તિત્વ જ નથી.