bimb pratibimb in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | બિંબ પ્રતિબિંબ

Featured Books
Categories
Share

બિંબ પ્રતિબિંબ

આખી દુનિયા જીતનારો સમ્રાટ જ્યારે એક ફકીરના સસ્તા અરીસા સામે ઊભો રહ્યો, ત્યારે તેને સમજાયું કે જગતમાં પોતાની જાતને ઓળખવા જેવો બીજો કોઈ મોટો વિજય નથી.

 

 

 

 
 

સુવર્ણનગરી સમી ઉજ્જયિની નગરીમાં આજે એક અનોખી સંધ્યા ખીલી હતી. પશ્ચિમ દિશામાં સૂર્યનારાયણ વિદાય લઈ રહ્યા હતા અને નગરીના માર્ગો લાખો દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યા હતા. સમગ્ર નગર કોઈ નવવધૂની જેમ શણગારાયેલું હતું. માર્ગો પર અબાલ-વૃદ્ધ સૌની ભીડ જામી હતી. નગરના પ્રચંડ પ્રવેશદ્વાર પર દેશના પ્રતાપી સમ્રાટ વિક્રમસેન પોતે વ્યાકુળ ચિત્તે કોઈની પ્રતીક્ષામાં ઊભા હતા. કોઈ દિગ્વિજયી સેનાપતિ કે અન્ય રાષ્ટ્રના રાજાની નહીં, પરંતુ એક સાધારણ સંન્યાસીની પ્રતીક્ષા થઈ રહી હતી.

આ એ જ સંન્યાસી હતો, જે સમ્રાટ વિક્રમસેનના બાળપણનો પરમ સખા હતો, સિદ્ધાર્થ. વર્ષો પહેલાં જેણે રાજસી વૈભવનો ત્યાગ કરી સત્યની શોધમાં પ્રવજ્યા લીધી હતી. આજે સિદ્ધાર્થની કીર્તિ, તેના જ્ઞાનની સુવાસ અને તેનો યશ દિગંતમાં ફેલાઈ ચૂક્યો હતો. પૃથ્વીના ખૂણે-ખૂણે તેના નામનો ડંકો વાગતો હતો. જ્યારે આવો મહાન આત્મા પોતાના જ વતનમાં પાછો ફરી રહ્યો હોય, ત્યારે પ્રજાનો ઉત્સાહ આકાશને આંબે તે સ્વાભાવિક હતું.

ચોઘડિયાં નો સમય થઇ ગયો, શંખનાદ થયો અને શ્વેત વસ્ત્રોમાં સજ્જ, શાંત મુખમંડળ અને આંખોમાં કરુણાનો સાગર લઈને સિદ્ધાર્થે નગરમાં પ્રવેશ કર્યો. સમ્રાટ વિક્રમસેને દોડીને પોતાના બાળસખાને આલિંગન આપ્યું. આંખોમાંથી હર્ષના આંસુ વહી નીકળ્યા. આ દ્રશ્ય જોઈને આખી નગરી જયઘોષથી ગુંજી ઉઠી.

સંન્યાસીને અત્યંત આદરપૂર્વક રાજમહેલમાં લાવવામાં આવ્યા. રત્નજડિત સિંહાસન પર બેસાડી સમ્રાટે તેમના કુશળ સમાચાર પૂછ્યા. ઔપચારિક વાતો પછી, વિક્રમસેનની જિજ્ઞાસા વધી. તેણે હસીને પૂછ્યું, "મિત્ર સિદ્ધાર્થ! તું તો સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરીને પાછો ફર્યો છે. જમીન-આસમાનના ભેદ જાણીને આવ્યો છે. તો મારા જેવા માટે તું શું ભેટ લાવ્યો છે? મારી માટે કોઈ વિશેષ ઉપહાર?"

આ સાંભળી સંન્યાસી સિદ્ધાર્થ મધુર હસ્યો. તેની આંખોમાં ગહન ગંભીરતા ઉતરી આવી. તેણે કહ્યું, "રાજન! જ્યારે હું પૃથ્વી ભ્રમણ કરીને પાછો ફરી રહ્યો હતો, ત્યારે મને પણ વિચાર આવ્યો હતો કે તારા માટે કંઈક અદભુત લેતો જાઉં. મેં સોનું, ચાંદી, હીરા, મોતી, રત્નો... બધું જ જોયું. પણ દરેક વખતે મારો અંતરાત્મા કહી ઉઠતો કે તું તો અખંડ ભૂમંડળનો સ્વામી છે, તારી તિજોરીઓમાં જે સુંદર અને બહુમૂલ્ય છે તે પહેલેથી જ હાજર હશે. હું તો એક અકિંચન, સન્યાસી છું, હું તને કઈ ભૌતિક વસ્તુ આપીને રાજી કરી શકું?"

लुब्धमर्थेन गृह्णीयात्स्तब्धमञ्जलिकर्मणा ।

मूर्खं छन्दानुवृत्त्या च यथार्थत्वेन पण्डितम् ॥ પંચતંત્ર

 

લોભી માણસને ધન આપીને વશ કરી શકાય છે, અભિમાનીને હાથ જોડીને, મૂર્ખને તેની ઈચ્છા મુજબ વર્તીને અને જ્ઞાની/પંડિતને માત્ર સત્ય દ્વારા જ જીતી શકાય છે.

રાજાને ભેટ આપી રાજી કરી સકાય.

સિદ્ધાર્થે આગળ કહ્યું, "ખૂબ શોધખોળ પછી મને એક એવી વસ્તુ મળી, જે મને લાગ્યું કે આટલા મોટા સામ્રાજ્યના સ્વામી હોવા છતાં કદાચ તારી પાસે નહીં હોય."

સમ્રાટ વિક્રમસેન આશ્ચર્યચકિત થઈ ગયો. તેના વૈભવશાળી મહેલમાં કઈ વસ્તુની કમી હોઈ શકે? તેણે સંન્યાસીના ખભા પર લટકતી એક સાધારણ ચામડાની ઝોળી તરફ જોયું. આ નાની ઝોળીમાં વળી એવું તે શું હશે જે ત્રિલોકના વૈભવને ઝાંખો પાડે?

 

સાધારણ ઝોળીમાંથી બ્રહ્માંડનું રહસ્ય નીકળવાનું હતું!

સંન્યાસીએ ધીમેથી પોતાની ઝોળીમાં હાથ નાખ્યો અને એક અત્યંત સસ્તી, કાચની સામાન્ય ફ્રેમવાળો અરીસો (દર્પણ) બહાર કાઢ્યો. તેણે તે અરીસો સમ્રાટના હાથમાં મૂકતા કહ્યું, "મિત્ર, આ દર્પણ હું તારા માટે લાવ્યો છું, જેથી તું આમાં પોતાને જોઈ શકે."

વિક્રમસેન ખડખડાટ હસી પડ્યો. તેણે આજુબાજુ જોયું અને કહ્યું, "મિત્ર! તારી બુદ્ધિને શું થયું છે? મારા મહેલની દિવાલો બેલ્જિયમના મોંઘા અરીસાઓથી જડેલી છે. હું દિવસમાં સો વાર મારો ચહેરો જોઉં છું. આ કાચના ટુકડાની મારે શું જરૂર?"

ત્યારે સિદ્ધાર્થે સમ્રાટની આંખોમાં આંખ પરોવીને જે શબ્દો કહ્યા, તેણે કહ્યું, "રાજન! તારા મહેલમાં તારા શરીરને, તારા મુગટને અને તારા અહંકારને સજાવનારા અરીસાઓ હજાર હશે. પણ તે અરીસામાં તેં ક્યારેય તારા આત્માને, તારા સાચા સ્વરૂપને જોયો છે ખરો? તું આખી દુનિયા જીતીને આવ્યો છે, પણ તું તારી જાતથી અજાણ છે."

 

તારા માહેલાના આરીસાઓ કરતાં આ હાથ અરીસો તારા સ્વ નું  ચિંતન , સ્વ નો  સ્વાધ્યાય કરવા પ્રેરશે. આજ જીવનનું સત્ય છે. આપણે આખી દુનિયાને જોઈએ છીએ પણ આપણે સ્વ (પોતાને) ભૂલી જઈએ છીએ.  

 

स्वाध्यायान्मा प्रमदः ॥ (तैत्तिरीयोपनिषद् - १.११.१)

સ્વાધ્યાય (પોતાના આત્માનો અભ્યાસ, સતત જ્ઞાન મેળવવું અને સદ્ગ્રંથોનું પઠન કરવું) કરવામાં ક્યારેય પ્રમાદ (આળસ કે બેદરકારી) કરવો જોઈએ નહીં.

 

કારણ કે આ જીવ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે.

 

स्वाध्यायादिष्टदेवतासम्प्रयोगः ॥(पातञ्जलयोगसूत्रम् - २.४४)

સતત સ્વાધ્યાય (પવિત્ર ગ્રંથોનું પઠન, મંત્રજાપ અને આત્મ-ચિંતન) કરવાથી સાધકને તેના ઇષ્ટદેવનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કે મિલન થાય છે.

 

આખી દુનિયાને માપતો રહ્યો તું સદા,

પણ ભીતરના એક ડગલાનો હિસાબ ક્યાં ગયો?

કાચના ટુકડામાં ચહેરો તો ચમકી ગયો દોસ્ત,

પણ અંતરના અંધારાનો જવાબ ક્યાં ગયો?

 

बुधजन-नितरां धीर-निःस्पन्द-बुद्धेःकस्तूरिका-मृग इव स्ववपुः-सुगन्धम् ।

अन्तः-स्थितं शिवमविज्ञाय बहिः प्रयातिभ्रान्तो जनो जगति दुःख-परम्परासु ॥ ભર્તુહરિના વૈરાગ્ય શતક

 

"મહારાજ, જે આંખો આખી સૃષ્ટિને જુએ છે પણ પોતાની જાતને જોવામાં અસમર્થ છે, તે આંખો વાસ્તવમાં આંધળી છે. જેણે જગત જીત્યું પણ પોતાની જાતને ન જીતી, તેનો વિજય ફોગટ છે."

 

સમ્રાટ વિક્રમસેનના ભૌતિકતાના મોહભંગનો આ સર્વોચ્ચ ક્ષણો હતી. તેની આંખો સામેથી અજ્ઞાનનો પડદો હટી ગયો. તેને સમજાયું કે આ સાધારણ અરીસો નથી, પણ આત્મસાક્ષાત્કારનું સાધન છે. એક સાચા મિત્રએ તેને સંસારનો સૌથી મોંઘો ઉપદેશ આપ્યો હતો. સમ્રાટ સંન્યાસીના ચરણોમાં નમી પડ્યો. નગરીના દીવડા બહાર પ્રકાશતા હતા, પણ રાજાના હૃદયમાં જ્ઞાનનો અખંડ દીવો પ્રગટી ચૂક્યો હતો.