manani sthirata in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | મનની સ્થિરતા

Featured Books
Categories
Share

મનની સ્થિરતા

જ્યારે હિમાલયના હિંસક વાનરો સામે અડગ ઊભા રહીને સ્વામી વિવેકાનંદે બાજી પલટી નાખી; વાંચો મન નામના વાનરને જીતવાની તેમની એ રોમાંચક અને સત્ય ઘટના!

 

 

 

હિમાલયની એ પવિત્ર અને ઉત્તુંગ ગિરિમાળાઓ, જ્યાં પ્રકૃતિ પોતાનું અલૌકિક સૌંદર્ય પાથરીને બેઠી છે. ચારેય તરફ બરફથી આચ્છાદિત શિખરો, ગળાડૂબ શાંતિ અને દેવદારના વૃક્ષોમાંથી નીતરીને  આવતો શીતળ પવન. આવા જ એક પરમ શાંત વાતાવરણમાં યુવાન સંન્યાસી સ્વામી વિવેકાનંદ પોતાની પ્રથમ હિમાલય યાત્રા દરમિયાન એક સાંકડા પહાડી રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. તેમના તન પર સંન્યાસના પ્રતીક સમાન ગૈરિક (ભગવા) વસ્ત્રો શોભી રહ્યા હતા. મુખ પર આધ્યાત્મિક તેજ હતું અને હૃદયમાં પરમાત્માનું ચિંતન.

પરંતુ, પ્રકૃતિનો નિયમ છે કે જ્યાં પરમ શાંતિ હોય, ત્યાં જ ક્યારેક અણધાર્યો કોલાહલ પણ સર્જાય છે. તે પહાડી માર્ગ પર વાનરોનું એક મોટું ટોળું વસતું હતું. સનાતન સંસ્કૃતિમાં વાનરોની ચંચળતા અને માનવ મનની સમાનતા વિશે ભર્તૃહરિએ નીતિશતક માં બહુ સુંદર વાત કહી છે:

 

दुर्जनः परिहर्तव्यो विद्यया अलंकृतोऽपि सन् ।

मणिना भूषितः सर्पः किमसौ न भयंकरः ॥

વિદ્યાથી સુશોભિત હોવા છતાં પણ દુર્જનનો ત્યાગ કરવો જોઈએ. શું મણિથી વિભૂષિત હોવા છતાં પણ સાપ ભયંકર નથી હોતો? (વાનરોનો સ્વભાવ પણ આવો જ અણધાર્યો અને તોફાની હોય છે.

 

તે ભગવા વસ્ત્રોધારી સંન્યાસી સ્વામી વિવેકાનંદને જોઈને થોડા વાનરોને ન જાણે શું મસ્તી સૂઝી! તેઓ વાનરવેડા  કરવા લાગ્યા અને સ્વામીજીને ચીડવવા લાગ્યા. વાનરોનો તો સ્વભાવ જ એવો હોય છે—ચંચળ અને તોફાની. મનની જેમ જ તેમનું વર્તન હોય છે, એટલે જ તો આપણા શાસ્ત્રોમાં મનને 'મર્કટ' (વાનર) સાથે સરખાવવામાં આવ્યું છે.

 

શરૂઆતમાં સ્વામી વિવેકાનંદે તેમને અવગણ્યા, પરંતુ વાનરોની સંખ્યા ધીમે-ધીમે વધવા લાગી. વીસ-પચ્ચીસ વાનરોનું ટોળું તેમની પાછળ પડી ગયું. સ્વામી વિવેકાનંદ આમ તો લોખંડી મનોબળ અને મજબૂત બાંધાના માણસ હતા, પણ ગમે તેટલો બળવાન માણસ હોય, જ્યારે હિંસક બનેલા પચીસ વાનરો એકસાથે પાછળ પડે ત્યારે ભય સ્વાભાવિક છે. વાનરો હવે માત્ર અવાજ નહોતા કરી રહ્યા, તેઓ ખીજાયા હતા, દાંત કીચકીચાવતા હતા અને કૂદાકૂદ કરીને કંકર-પથ્થર પણ ફેંકવા લાગ્યા હતા.

 

 "ભય ત્યાં જ ભૂત, અને ભાગે તેની પાછળ કૂતરાં."

 

પરિસ્થિતિ વણસતી જોઈને સ્વામી વિવેકાનંદે ત્યાંથી ઝડપથી ભાગવાનું શરૂ કર્યું. અને જેવા સન્યાસી ભાગ્ય, વૃક્ષો પર બેઠેલા બીજા વાનરોને પણ જાણે રસ પડી ગયો! એક પછી એક બધા વાનરો નીચે ઉતરવા લાગ્યા. ચારેય તરફથી ઘેરાવ થઈ ગયો. સ્વામી વિવેકાનંદને સમજાયું કે આ રીતે ભાગવાથી બચી શકાશે નહીં. જો આમ જ ભાગતો રહીશ, તો આ હિંસક બનેલા વાનરો મારા શરીરના લીરેલીરા કરી નાખશે.

આ કટોકટીની પળે, શ્રીમદ્ ભગવદ્ગીતાનો એ શ્લોક જાણે તેમના અંતરમાં ગુંજી ઉઠ્યો જે અર્જુનને સ્થિર થવાનો સંદેશ આપે છે:

 

क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते ।

क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परंतप ॥

હે અર્જુન! નપુંસકતાને પ્રાપ્ત ન થા, તારા જેવા વીર પુરુષ માટે આ યોગ્ય નથી. હે શત્રુઓને તપાવનારા! હૃદયની આ તુચ્છ નબળાઈને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા.

 

 

 

સ્વામી વિવેકાનંદ એકાએક થંભી ગયા. તેઓ દ્રઢતાથી પથ્થરની જેમ અડગ ઊભા રહી ગયા. જેવા એ ઉભા રહ્યા, કે તરત જ પેલા વાનરો પણ આશ્ચર્યથી ઊભા રહી ગયા! આખરે તો તેઓ વાનર જ હતા ને! જ્યારે સ્વામી વિવેકાનંદે જોયું કે મારા રોકાવાથી આ ટોળું પણ રોકાઈ ગયું છે, ત્યારે તેમણે હિંમત ભેગી કરી, પાછા વળ્યા અને વાનરોની આંખોમાં આંખો પરોવીને ઘૂરીને જોયું.

સ્વામી વિવેકાનંદનો આ રૌદ્ર અને નીડર અવતાર જોઈને વાનરો થોડા સહમ્યા, અને બે ડગલાં પાછળ હટ્યા. તક ઝડપીને સ્વામી વિવેકાનંદ ડરવાના બદલે પેલા વાનરો તરફ પૂરા વેગથી દોડ્યા! ચિત્ર પલટાઈ ગયું. જે વાનરો શિકારી બનીને પાછળ પડ્યા હતા, તેઓ હવે જીવ બચાવવા ભાગ્યા અને ચીસાચીસ કરતા સીધા વૃક્ષો પર ચડી ગયા!

તે દિવસે પ્રકૃતિના આ જ અડગતાનો મહિમા ગવાયો છે:

 

दुर्भिक्षे राष्ट्रविप्लवे च राजद्वारे श्मशाने च ।

यस्तिष्ठति स बांधवः ॥ ચાણક્ય

 

જે સંકટમાં, દુકાળમાં, રાષ્ટ્રના વિપ્લવમાં, રાજદ્વારે અને શ્મશાનમાં અડગ ઊભો રહે છે, તે જ સાચો મિત્ર કે વીર છે. (અહીં સ્વામીજી પોતાના જ આત્મવિશ્વાસના સાચા મિત્ર બન્યા.)

સ્વામી વિવેકાનંદે પાછળથી પોતાના સંસ્મરણોમાં લખ્યું કે, તે દિવસે મને મનની પ્રકૃતિનું એક બહુ મોટું રહસ્ય સમજાયું. આપણા મનની હાલત પણ બરાબર આ પહાડી વાનરો જેવી જ છે.

 

જેટલો તું ભાગશે, એ એટલું ડરાવશે,

મન તણું એ વાનરું, તને બહુ સતાવશે;

પણ થંભીને તું આંખમાં જો આંખ પરોવી એકવાર,

પૂંછડી દબાવીને એ ખુદ, શરણમાં આવી જશે.

 

જ્યાં સુધી તમે તમારા મનની નકારાત્મક વિચારો, વાસનાઓ અને ભયથી ડરીને ભાગશો, તેની ગુલામી કરશો, ત્યાં સુધી એ તમને વધુ ને વધુ પજવશે. પણ જે ક્ષણે તમે અડગ થઈને ઊભા રહી જશો, સ્થિર થઈને તેને ઘૂરીને જોશો, તેને પડકાર ફેંકશો કે—"તારે જે કરવું હોય તે કરી લે, હું અહીંથી હલવાનો નથી!"—તે જ ક્ષણે એ મન નમ્ર થઈને તમારી સામે પૂંછડી પટપટાવવા લાગશે. મન પર વિજય મેળવવાનો આ જ એકમાત્ર રાજમાર્ગ છે.