Bhagyabi bharya in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | ભાગ્યની ભાર્યા

Featured Books
Categories
Share

ભાગ્યની ભાર્યા

મગરમચ્છોના તળાવમાંથી કૂદીને ૫ કરોડ જીતનારા પતિને જ્યારે ખબર પડી કે તેની સફળતા પાછળ પત્નીનો 'ધક્કો' હતો, ત્યારે ખબર પડી કે ખરી પાવરફુલ તો ઘરમાં બેઠેલી કોડી જ હોય છે! વાચો એક રમુજી વાર્તા.

 

 
 

 

 

જીવન પણ એક મજાનો મેળો છે—જ્યાં માણસની હિંમત કરતાં તેની પત્નીનો 'ધક્કો' વધારે કામ કરી જાય છે!

થાઇલેન્ડના એક મનોરમ્ય કિનારે આવેલી આલીશાન હોટેલમાં એક દિવસ ભારે ધમાલ મચી. હોટેલના કરોડપતિ માલિકને પોતાની હોટલ ની પ્રસદ્ધિ માટે વિચિત્ર ખુજલી ઉપાડી અને તેણે બધા પ્રવાસીઓ સામે એક ગજબની શરત મૂકી: “સામે દેખાતા આ વિશાળ તળાવમાં સેંકડો ભૂખ્યા અને વિકરાળ મગરમચ્છો આંટા મારે છે. જે સૂરમો આ તળાવમાં કૂદીને સામા કાંઠે જીવતો નીકળશે, તેને હું ૫ કરોડ રૂપિયા રોકડા આપીશ! અને... જો મગરમચ્છ તેને ગપચાવી જશે, તો તેના પરિવારને ૨ કરોડ રૂપિયા ચૂકવીશ!”

 

આ સાંભળીને આખી ભીડના હોશ ઊડી ગયા. ૫ કરોડનો મોહ તો સખત હતો, પણ સામે સેંકડો મગરમચ્છ જડબાં ફાડીને રાહ જોતા હતા! જીવ રહે તો પૈસા કામના ને?

 

सर्वे गुणाः काञ्चनमाश्रयन्ति ॥ ચાણક્યનીતિ

દુનિયાના તમામ ગુણો અને આકાંક્ષાઓ સુવર્ણ એટલે કે ધનની પાછળ જ દોડે છે (પણ જીવનો જોખમે નહીં!).

 

સૌ એકબીજાના મોં તાકી રહ્યા હતા. કોઈની છત્રીસ ની છાતી ન હતી કે તળાવના પાણીમાં પગ પણ બોળે! હજી તો લોકો હિસાબ-કિતાબ માંડી રહ્યા હતા, ત્યાં જ... ‘છપાપાપપ...!’ એક જોરદાર ધડાકો થયો!

લોકોના મોંમાંથી ચીસ નીકળી ગઈ—"અરે રે! કોઈ મૂરખ તળાવમાં ખાબક્યો!"

બધાની શ્વાસ અધ્ધર થઈ ગઈ. તળાવમાં એ ભાઈ પૂરી તાકાતથી પેડલ મારી રહ્યા હતા. વિજળીની ઝડપે તેના હાથ-પગ ચાલી રહ્યા હતા—જાણે ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા નીકળ્યા હોય! પાછળ ભૂખ્યા મગરમચ્છોનું આખું ઝુંડ લાળ ટપકાવતું ધસી રહ્યું હતું.

 

क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वयि उपपद्यते ॥ ગીતાજી

હે પાર્થ! હિંમત ન હાર, કાયર ન બન! અત્યારે કાયરતા તારા માટે યોગ્ય નથી, દોડવા માંડ!

 

તે માણસ આજે જીવનની સૌથી ફાસ્ટ રેસ દોડી રહ્યો હતો. મગરમચ્છના તીક્ષ્ણ દાંત તેના ચડ્ડાને અડુ-અડુ થઈ રહ્યા હતા, પણ ભાઈએ હિંમત ન હારી. પાણીને ચીરીને તે આગળ જ ભાગતો રહ્યો! અંતે, મગરમચ્છોને માત આપીને ભાઈ સામા કિનારે ફેંકાયા! તેના શ્વાસ ચડી ગયા હતા, આંખો બહાર આવી ગઈ હતી અને આખું શરીર થરથર કાંપતું હતું.

 

લોકો દોડતા ત્યાં પહોંચ્યા અને તાળીઓનો ગડગડાટ શરૂ થયો! "વાહ વીરા વાહ! તું તો સુપરમેન નીકળ્યો! અરે, તું તો પ કરોડનો માલિક બની ગયો!"

 

થોડી વારે જ્યારે ભાઈના જીવમાં જીવ આવ્યો અને તેને ભાન થયું કે તે કરોડપતિ બની ગયો છે, ત્યારે તેના મોંમાંથી ખુશીના બદલે પેહલો કરુણ અવાજ નીકળ્યો:

"અરે એ પ કરોડ ને ઈનામ તો ભાઈ પછી આપજો... પેહલાં એ કહો કે મને પાછળથી આ તળાવમાં ધક્કો કોણે માર્યો 'તો?!"

 

આખી ભીડમાં સન્નાટો છવાઈ ગયો. ત્યારે ભીડમાંથી એક મોટા બહેન બહુ જ શાંતિથી, પોપકોર્ન ખાતા ખાતા આગળ આવ્યા! તે બીજું કોઈ નહીં, પણ એ જ 'વીર પુરુષ'ના ધર્મપત્ની હતા!

તેણે અત્યંત નિર્દોષતાથી હસીને કહ્યું: "જો સ્વામીનાથ! તમે ઘરમાં નવરાબેસીને રોટલા તોડતા હતા, કંઈ કામના તો હતા નહીં! જો બચીને નીકળી ગયા તો ૫ કરોડ આવવાના જ હતા, અને જો મગરમચ્છ ખાઈ ગયા હોત તોપણ આપણને ૨ કરોડ મળવાના જ હતા! આમાં ખોટનો તો કોઈ ધંધો જ નહોતો ને!"

 

આ સાંભળીને આખી સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું! લોકો હસી-હસીને બેવડ વળી ગયા. જીએ સ્ત્રીબુદ્ધિ વિશે બહુ સાચું કહ્યું છે:

 

स्त्रीणां द्विगुण आहारो बुद्धिश्चापि चतुर्गुणा।

साहसं षड्गुणं चैव कामश्चाष्टगुणः स्मृतः॥ ચાણક્ય

 

ગુજરાતી અર્થ: પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનો આહાર બમણો, બુદ્ધિ ચોગણી, સાહસ છ ગણું અને ગણતરી અદભુત હોય છે!

 

આ ઘટના પછી જ દુનિયામાં નવી કહેવત પ્રચલિત થઈ:

"દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે... (તળાવમાં ધક્કો મારવા માટે!)"

 

પતિ વિચારે જીવ બચાવું, મગરમચ્છથી ભાગું,

પત્ની વિચારે કરોડ રૂપિયાનું ગણિત હું સાધું!

બચે તો પાંચ કરોડ ને મરે તો બે કરોડ રોકડા,

સ્ત્રીની ગણતરી આગળ પતિના પાસા પડ્યા  અવળા !

 

આમ, પતિ માટે જે જીવ સટોસટનો ખેલ હતો, તે પત્ની માટે તો મસ્ત 'નો-રિસ્ક, હાઈ-રિટર્ન' મ્યુચ્યુઅલ ફંડ જેવી સ્કીમ હતી!