કાંટો કાઢ્યો 1
"માલુ તે ક્યારેય સુરસિંગની ગાને જોઈ છે"
નથુએ હથેળીમા તમાકુ સાથે ચુનો મસળતા પોતાની વહુ માલાને પૂછ્યુ.
જવાબમાં માલાએ કીધુ.
"હા ભારે જબરી છે હો.અલમસ્ત સાક્ષાત કામધેનુ જ જોઈ લો.દાડે દસ બાર લિટર દૂધ તો આપતી જ હશે?"
"અલી તું દૂધની ક્યાં કરે સો.એની ખાલ જો હાથ લાગી જાય ને તો બેડો પાર થઈ જાય હો."
નથુની વાત સાંભળીને માલા ચોકી ગઈ.
"એલા સુ બોલેસો કાંઈ ભાન બાન સે કે નય?આપણે ચમાર ખરા ચામડા ચુથવાનુ આપણું કામે ય ખરું.પણ જીવતી ગાને મારીને એની ખાલ ઊતડીએ તો પાપ લાગે અને સાત જન્મે ય છુટકારો નો થાય."
"પણ મેં ક્યાં એને મારવાની વાત કરી સે?"
"તે હમણાં કોણે ખાલની વાત કરી હેં?"
"એ તો એવું સે ને માલુ જેમાં જીવ હોય એ ક્યારેક મરે તો ખરું ને?કોક દી તો હાહરી મરશે ને?હું તે દીના સપના જોઉં છું."
નથુએ ફોડ પાડ્યો.
તો માલુ છણકો કરતા બોલી.
"તો ઠીક અત્યારથી જોયા રાખ સપના."
"સુરસિંગ.હવે બહુ થયું તારા વના હવે જીવવું આકરૂ લાગે છે ભલો થઈને કંઈક કર."
કાશીએ સુરસીંગના ભરાવદાર બાવડાને પોતાની નાજુક હથેળીથી પંપાળતા કહ્યુ.
જવાબમા સુરસિંગે કાશીના કપાળ પર વિખરાયેલી વાળની લટોને પોતાની આંગળીથી હડસેલીને કપાળ ઉપર ચુંબન કરતા કહ્યુ.
"આકરુ તો મને ય ઘણું લાગે છે કાશી.પણ તું જ કે હું શું કરું?"
"અલ્યા મરદ જેવો મરદ થઈને મને સુ પુસે સે?તારે મને પ્રેમ તો કરવો સે પણ પ્રેમની વચાળે આવતા કાંટાને આઘો નથી કરી શકતો."
કાશીએ સુરસીંગના મર્મસ્થાને ઘા કર્યો. અને એ એને બરાબર લાગ્યો ય ખરો.એક ઝાટકે ઉભો થતા એ બોલ્યો.
"તયે ઠીક છે કાશી.હવે તો એ કાંટાને તારી અને મારી વેચાળેથી કાઢી ને જ તેને પ્રેમ કરવા આવીશ.તું જોતી રેજે કે હું એને કઈ રીતે આપણે વચાળેથી કાઢું સુ."
આમ કહીને સુરસિંગ કાશીની વંડી ઠેકીને પોતાના વાડામાં પડ્યો.
ઘરે આવીને સુરસિંગ વચારે ચડી ગયો કે કઈ રીતે હું એ કાંટાને મારી અને કાશીની વચમાંથી દૂર કરૂ.
અને વિચારતા વિચારતા એક આઈડિયા એના દિમાગમાં આવ્યો.
અને એ આઇડિયાને એણે તરત અમલમા મૂક્યો.
સવારે ઊઠતા વેંત એણે મોટેથી પોક મૂકી.
"એ..એ.મારી ગા.ઓ મારી ગા મરી ગઈ રે.ઓ માડી..મારી ગાને કોક ભરખી ગયું રે..."
સુરસીંગના રોકકળના અવાજથી આજુબાજુ માંથી માણસો ભેગા થઈ ગયા.
"અલ્યા શું થયું તારી ગાને?કાલે તો હાજી હારી હતી ને?"
એક જણાએ ખરખરો કરતા પૂછ્યુ.
જવાબમાં સુરસિંગે કીધુ.
"હા ભાઈ હા.રાત લગણ તો હાવ હાજી હારી હતી.અને મારી ગાને તો નખમા ય રોગ નોતો.રાતે મેં ઘાસ નિર્યું ત્યારે તો નાના બાળની જેમ મારી હારે ગેલ કરતી કરતી ઘાસ ખાતી તી.અને અત્યારે જોઉં છું તો મરેલી પડી સે."
રોતા રોતા સુરસિંગે વાત કરી તો એક બીજા ભાઈ આશ્વાસન આપતા બોલ્યા.
"ધીરજ રાખો સુરસીંગભાઇ.જેવી ભગવાનની મરજી."
"કેવી રીતે ધીરજ રાખુ?મેં હગી માની જેમ એની ચાકરી કરી સે.અને એ ય બદલામાં ટકે દસ શેર દૂધ દેતી તી."
હીબકા ભરતા સુરસિંગે કહ્યું.
"પણ હવે હું થાય જ્યારે એમાં જીવ જ ન રયો.જેવી પ્રભુની ઈચ્છા હવે કોઈકને કયો તો ચમારને બર્કી આવે એ જ આને લઈ જાહે."
ચમારને બોલાવવાની સલાહ સંભાળીને સુરસીંગથી રાડ પડાઈ ગઈ.
"ના ભાઈ ના.એવું તો બોલશો જ મા.આ તો તમારા હાટુ ગા હતી પણ મારા માટે તો મારી મા હતી મા.એના ચામડા હું કોઈને ચૂથવા નય દવ.એની લાશને હું જંગલમાં લઈ જઈને દાટવાનો.તમે કોક મારી મદદ કરશો?"
એણે ભેગા થયેલા ટોળાને પૂછ્યું.
તો ચાર પાંચ જણા એની હારે જવા તૈયાર થઈ ગયા.
ગાયને ગાડામાં નાખી એ લોકો જંગલમાં દુર સુધી લઈ ગયા.ત્યાં ખાડો ખોદીને ગાયને દાટી દીધી.
અને બધા ઘર ભેગા થયા.
સુરસિંગ અને એની હારે આવેલા બધા જેવા જંગલથી દૂર ગયા કે તરત ત્યાં આઘેરેક સંતાઈને ઉભેલો નથૂ પાવડો. ત્રિકમ.અને ચામડું ઉતડવાની છરી લઈને એ જગ્યાએ આવ્યો જ્યા ઘડીક પહેલા સુરસિંગ બીજા ચાર પાંચ જુવાનોની મદદથી ગાયને દાટી ગયો હતો.
(શુ થયુ હતુ ગાયને? ચામડાની લાલચે ક્યાંક નથૂએ તો નોતી પતાવી દીધીને? વાંચો નેક્સ્ટ એપિસોડ)