Dikarini Jasusi in Gujarati Detective stories by Rakesh Thakkar books and stories PDF | દીકરીની જાસૂસી - 3

Featured Books
Categories
Share

દીકરીની જાસૂસી - 3

દીકરીની જાસૂસી
-રાકેશ ઠક્કર
પ્રકરણ ૩
 
         બે દિવસ વીતી ગયા પછી નવનીતલાલના ફોનની ઘંટડી રણકી. સામે છેડેથી જ્ઞાનેશકુમારનો એ જ ઘેરો અને મક્કમ અવાજ સંભળાયો, ‘આજે બપોરે હું તમારા બંગલે આવું છું. તમે એવું આયોજન કરજો કે સ્નેહા પોતાના બેડરૂમમાં હોય પણ રૂમ અંદરથી લૉક ન કરેલો હોય અથવા તો એ ઘરની બહાર કોઈ કામસર ગઈ હોય એવો સમય યોગ્ય રહેશે.’
 
         નવનીતલાલે તરત જ સમય ગોઠવી દીધો કે બપોરે ત્રણ વાગ્યે સ્નેહા પોતાના કોલેજના કોઈ પ્રોજેક્ટ માટે બહાર જવાની છે અને એ વખતે આખો બંગલો ખાલી હશે.
 
        બરાબર બપોરે ત્રણ વાગે જ્ઞાનેશકુમાર નવનીતલાલના ભવ્ય અને આલીશાન બંગલાના દરવાજે આવીને ઊભા રહ્યા. બે દિવસ પહેલાં પાંચા પોળની પેલી ધૂળિયા અને ખખડધજ ઓફિસમાં બેઠેલા ભેરુમલ ઉર્ફે જ્ઞાનેશકુમાર અને અત્યારે સામે ઊભેલા જ્ઞાનેશકુમાર વચ્ચે જમીન-આસમાનનો ફરક હતો. એમણે શરીર પર એક ચોખ્ખો, ફિટિંગવાળો ગ્રે કલરનો કોટ-પેન્ટ પહેર્યા હતા, આંખો પર સ્ટાઇલિશ સનગ્લાસિસ હતા અને હાથમાં એક નાની બ્લેક લેધર બેગ હતી. એમનું આખું વ્યક્તિત્વ ટીવી પર આવતા પ્રખ્યાત જાસૂસ કરમચંદ કે વ્યોમકેશ બક્ષી કરતાં પણ વધુ ગંભીર, વધુ વિચારવંત અને ધારદાર લાગી રહ્યું હતું.
 
        નવનીતલાલ શેઠે દરવાજા પર જ એમનું સ્વાગત કર્યું અને કોઈને પણ ખબર ન પડે તે રીતે સીધા પહેલા માળે લઈ ગયા. પહેલા માળના કોરિડોરના છેડે સ્નેહાનો બેડરૂમ આવેલો હતો.
 
       દરવાજા પાસે પહોંચીને નવનીતલાલે ચાવી ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ અંદરથી બારણું લોક હતું.
 
        નવનીતલાલે ચિંતાતુર અવાજે કહ્યું, ‘અરે! સ્નેહા તો રૂમ બહારથી લોક કરીને ક્યારે નીકળી ગઈ એ ખબર જ ન પડી! હવે અંદર કેવી રીતે જઈશું?’
 
        જ્ઞાનેશકુમારે પોતાના ચહેરા પર સ્મિત લાવ્યા વગર લેધર બેગમાંથી એક પાતળી સ્ટીલની પટ્ટી અને વાયર જેવું સાધન બહાર કાઢ્યું. એ બોલ્યા, ‘ચિંતા ન કરો, શેઠ સાહેબ. ખાનગી જાસૂસ પાસે માસ્ટર કી કે આવી યુક્તિઓ ન હોય તો પછી એનું કામ શું?’
 
        માત્ર પચાસ સેકન્ડની અંદર જ ‘ક્લિક’નો અવાજ આવ્યો અને દરવાજો ખૂલી ગયો. જ્ઞાનેશકુમારે દરવાજો હળવેથી ખોલીને અંદર પગ મૂક્યો.
 
        સ્નેહાનો એ બેડરૂમ કોઈ સામાન્ય યુવતીના ઓરડા જેવો નહોતો. ઓરડામાં એક તરફ વિશાળ કિંગ સાઈઝ વોર્ડરોબ (કબાટ) હતો, બીજી દિશામાં આધુનિક બાથરૂમ-ટોઇલેટ હતું અને સામેની પાછલી દીવાલમાં એક મોટી, લાંબી અને પહોળી કાચની બારી હતી, જે બંગલાની બરાબર પાછળ આવેલા લીલાછમ ગાર્ડન તરફ ખુલતી હતી. ઓરડામાં ગુલાબી અને સફેદ રંગનું સંતુલન હતું, પણ હવામાં એક રહસ્યમય અને અણગમતી શાંતિ છવાયેલી હતી.
 
       જ્ઞાનેશકુમારે પોતાના બૂટનો અવાજ ન થાય તેમ હળવે પગલે રૂમમાં ફરવાનું શરૂ કર્યું. એમણે દીવાલો, પલંગની ચાદર, ડ્રેસિંગ ટેબલ અને ખૂણે-ખૂણે ખૂબ જ સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. નવનીતલાલ ચૂપચાપ શ્વાસ રોકીને એમને જોઈ રહ્યા હતા. જ્ઞાનેશકુમારની આંખો જાણે કોઈ હીરાની પરખ કરતી હોય તેમ એકેએક વસ્તુને બારીકાઈથી નોંધી રહી હતી.
 
      રૂમનું આખું નિરીક્ષણ કર્યા પછી જ્ઞાનેશકુમાર અટક્યા અને એમણે નવનીતલાલ સામે જોઇને એક એવો સવાલ પૂછ્યો જેનાથી શેઠ ચોંકી ઉઠ્યા: ‘નવનીતલાલ સાહેબ, શું હું તમારી દીકરીનો બાથરૂમ તપાસી શકું?’
 
       નવનીતલાલે સહેજ અણગમા અને આશ્ચર્ય સાથે જવાબ આપ્યો, ‘બાથરૂમ? તમને ત્યાં શું મળશે? ત્યાં સાબુ, શેમ્પુ, નેપકિન અને ટુવાલ સિવાય ચોથું શું હોઈ શકે? પણ ભલે, તમને સંતોષ થાય તો જોઈ લો.’
 
       જ્ઞાનેશકુમાર કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર સીધા બાથરૂમની અંદર દાખલ થયા અને પાંચેક મિનિટ સુધી અંદર જ રહ્યા. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે એમના ચહેરા પરની ગંભીર રેખાઓ વધુ ઘાટી બની ચૂકી હતી. એમણે એક પણ શબ્દ બોલ્યા વગર સીધા પેલા ગાર્ડન તરફ ખૂલતી મોટી બારી તરફ પગલાં માંડ્યાં અને બારી ખોલીને બહાર જોવા લાગ્યા.
 
       બારીની બહાર નીચે લાંબી, લીલીછમ ગ્રાસ-લોન ફેલાયેલી હતી અને લોનના છેડે એક નાનકડું રસોડા જેવું જૂનું મકાન આવેલું હતું. લોનની ચોતરફ ઘટાદાર વૃક્ષો અને રંગબેરંગી ફૂલ-છોડની હારમાળા હતી.
 
      જ્ઞાનેશકુમારે નીચે તરફ આંગળી ચીંધીને ટૂંકો અને મુદ્દાસરનો પ્રશ્ન પૂછ્યો, ‘પેલા નીચેના ઘરમાં કોણ રહે છે?’
 
       નવનીતલાલે ઝડપથી જવાબ આપ્યો, ‘ત્યાં રામુકાકા રહે છે. એ છેલ્લા ત્રીસ વર્ષથી અમારા પરિવાર સાથે જોડાયેલા છે. એને માળી કહો, વોચમેન કહો કે અમારો ડ્રાઇવર કહો— બધું એ જ છે. અને એની પત્ની અમારા બંગલામાં કપડાં ધોવાનું, વાસણ કરવાનું અને કચરા-પોતાંનું કામ સંભાળે છે.’
 
      નવનીતલાલ આગળ કંઈક કહેવા જતા હતા ત્યાં જ જ્ઞાનેશકુમારે હાથ ઊંચો કરીને એમને અધવચ્ચે જ અટકાવી દીધા અને એક એવો સવાલ પૂછ્યો જેણે નવનીતલાલના પગ નીચેથી જમીન સરકાવી દીધી:
 
      ‘રામુકાકાનો જુવાન દીકરો બહુ દેખાવડો છે ખરો?’
 

ક્રમશ: