Incomplete Breath in Gujarati Drama by Ashish Dalal books and stories PDF | અધૂરા શ્વાસ - ભાગ ૨

Featured Books
Categories
Share

અધૂરા શ્વાસ - ભાગ ૨

અધૂરા શ્વાસ - ભાગ ૨

બીજી સવારે ઘરમાં નિત્યક્રમ શરૂ થયો, પણ વાતાવરણમાં એક કડવાશ ભરેલું મૌન છવાયેલું હતું. રસોડામાં બા ચૂપચાપ ચા બનાવી રહ્યાં હતાં. અભયે આવીને મદદ કરવાનું કહ્યું તો બાએ આંસુ છુપાવી કહ્યું, “ના દીકરા, તું ઓફિસ માટે તૈયાર થઈ જા.”

રૂમમાં સિયા સૂટ પહેરીને મોબાઈલની ખાલી સ્ક્રીન સામે તાકી રહી હતી. અભયે કહ્યું, “હું ઓફિસ જાઉં છું, કંઈ જોઈતું હોય તો કહેજે.” સિયાએ મોં ફેરવીને કહ્યું, “મને કોઈ ચીજની જરૂર નથી.” જતાં જતાં અભયે પાછળ જોયું, પણ સિયા પથ્થરની જેમ બેસી રહી.

ઓફિસમાં પણ અભયનું મન ચોંટતું નહોતું. મિત્રો લગ્નની મજાક કરતા હતા ત્યારે અભયનું દિલ અંદરથી રડી રહ્યું હતું. ઘરમાં સિયા સોફા પર બેઠી હતી. દીવાલ પર લટકતી ફેમિલી ફોટોફ્રેમમાં પોતાની તસવીર જોઈ એણે સ્વગત કહ્યું, “હું આ પરિવારનો હિસ્સો નથી... હું નહીં તૂટું.”

બપોરે બાએ જમવા માટે બોલાવી ત્યારે સિયાએ ઉદ્ધતાઈથી કહ્યું, “મને ભૂખ નથી.” 

બાએ કહ્યું, “આ ઘર છે, કોઈ હોટલ નથી.” 

સિયા તાડૂકી, “તો મને અહીં રહેવા મજબૂર ન કરો. હું અહીં માત્ર એટલે છું કારણ કે મારી પાસે જવા માટે બીજી કોઈ જગ્યા નથી.” 

બાએ પૂછ્યું, “તો અમારું શું? અમે તારા માટે કંઈ જ નથી?” સિયાએ કઠોરતાથી કહ્યું, “ના.”

સાંજે અભય ઘરે આવ્યો ત્યારે બા રડી રહ્યાં હતાં. રૂમમાં જઈ અભયે સિયાને પૂછ્યું ત્યારે સિયાએ કહ્યું, “મેં બાને સાચું કહી દીધું કે હું આ ઘરને મારું નથી માનતી.” 

અભયે કહ્યું, “મેં તારી પાસે કોઈ આશા ન રાખી, પણ મારા પરિવારનું અપમાન ન કર. જો આ સંબંધમાં રહેવું હોય તો થોડું માન આપવું પડશે.” સિયાએ સામો પડકાર કર્યો, “અને જો ન આપું તો?”

અભયે ઊંડો શ્વાસ લઈ કહ્યું, “તો કદાચ આપણે આ સંબંધ અહીં જ ખતમ કરી દેવો જોઈએ...” સિયા ક્ષણભર ડરી ગઈ પણ તરત અહંકાર ઓઢી બોલી, “મને કોઈ ફર્ક નથી પડતો.” 

રાત્રે અભય અગાસી પર બેસી તૂટતા સંબંધની વેદના સહી રહ્યો હતો, જ્યારે સિયા પોતાના રૂમમાં ફોનનો જૂનો નંબર જોઈને અંદર ઊઠેલા વાવાઝોડા સામે લડી રહી હતી.

xxxxx

સવારનો તડકો ઓરડામાં પથરાયો પણ મનનો અંધકાર હજુ એવો જ હતો. અભય વહેલો ઊઠીને તૈયાર થવા લાગ્યો. એ સાવચેતી રાખતો હતો કે કોઈ અવાજ ન થાય અને ટકરાવ ટળે. પલંગ પર આંખો મીંચીને પડેલી સિયાએ મનમાં વિચાર્યું, ‘આટલો શાંત કેમ રહે છે આ માણસ? કંઈ બોલતો કેમ નથી?’

અભયે કહ્યું, “હું નીચે જાઉં છું, નાસ્તો તૈયાર છે.” 

સિયાએ તાણો માર્યો, “મને દરેક નાની વાત જણાવવાની જરૂર નથી, હું મારી જાતને સંભાળી શકું છું.” અભય કશું બોલ્યા વગર નીચે ગયો.

રસોડામાં બાએ અભયને કહ્યું કે વહુને ઘરની રીતભાત સમજાવવી પડશે. સિયા નીચે આવી, સીધી ફ્રિજમાંથી પાણી પીવા લાગી. બાએ કહ્યું, “વહુ, પહેલાં ભગવાનને દીવો તો કરાય.” 

સિયાએ કહ્યું, “હું આ બધું નથી માનતી, તમારે કરવું હોય તો કરો.” 

ટેબલ પર અભયે નાસ્તો પીરસ્યો તો સિયાએ કહ્યું, “આટલું તેલવાળું હું નથી ખાતી.” 

બાએ કહ્યું, “તો કહી દેવું હતું ને, બીજું બનાવી દેત.” સિયાએ કટાક્ષ કર્યો, “તમે આટલી જલ્દી બદલાઈ જશો?”

બપોરે બાએ સિયાને જમવા આગ્રહ કર્યો તો સિયા ફરી ગુસ્સે થઈ ગઈ. બાએ શાંતિથી કહ્યું, “તું પોતે પણ નથી જાણતી કે તારે શું જોઈએ છે. તું પોતાની જાતથી ભાગી રહી છે.” આ વાતે સિયાના મર્મને વીંધી નાખ્યો. એની આંખો ભીની થઈ ગઈ, પણ એણે કઠોર બની બાને રૂમમાંથી જવા કહ્યું.

સાંજે અભય પાછો ફર્યો. સિયાએ એને પૂછ્યું, “તું આટલો શાંત કેમ રહે છે? હું તને વારંવાર ઉશ્કેરું છું, મેણાં મારું છું, છતાં તું કેમ ચૂપ રહે છે?” 

અભયે શાંતિથી કહ્યું, “કારણ કે દરેક વાતનો જવાબ ગુસ્સાથી આપવો જરૂરી નથી હોતો. હું ઝઘડો વધારવા નથી માંગતો.” 

સિયાએ પૂછ્યું, “તું મને સમજે છે શું?” અભયે કહ્યું, “એક એવી વ્યક્તિ... જે પોતાની જ ભીતર લડી રહી છે.” સિયા સ્તબ્ધ થઈ ગઈ. એણે મોં ફેરવી લીધું, “તું કંઈ નથી જાણતો... અને જો હું કહીશ તો કદાચ હું મારી જાતને પણ નહીં સમજી શકું.” તે રાત્રે બંને વચ્ચેનું મૌન સવાલોથી ભરેલું હતું.