Dhirgambhir in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ધીરગંભીર - ૧

Featured Books
Categories
Share

ધીરગંભીર - ૧

અમદાવાદ.. હા અમદાવાદના પોશ એરિયા સેટેલાઇટમાં દસ માળના ફલેટના ટોપ ફ્લોરની બાલ્કનીમાંથી દેખાતો સૂર્યોદય મોહિતના મનમાં કંઈક અલગ જ કુતૂહલ મચાવી રહ્યો હતો. સૂર્યના કિરણો આકાશને ચીરીને દરેક સ્થાન પર પોતાનું આગવું સ્થાન જન્માવી રહ્યા હતા. રૂમની બાલ્કની સામે એક સુંદર ગાર્ડન હતું. ગાર્ડનમાં રહેલ રંગબેરંગી સુંદર પુષ્પો અને વૃક્ષો પર મોહિતની નઝર સ્થિર હતી અને મન પોતાના જીવનમાં આવી રહેલ નવા બદલાવના વિચારમાં હતું. ખૂબ પુરુષાર્થ અને માતાના આશીર્વાદથી મળેલ આ નવા વળાંકને લીધે એ ખૂબ ઉત્સાહી હતો. એ જ્યારે પણ ઉત્સાહી થતો આમ જ પ્રકૃતિને મનભરીને નીરખતો, પોતાના મનના ભાવો મૌન રહી પ્રકૃતિને વ્યક્ત કરતો. એ આવો જ હતો. એકદમ સમજું અને ખપ પૂરતું જ બોલનાર છતાં દરેકને પોતાના વ્યક્તિત્વ હેઠળ મોહિત કરે એવો દેખાવડો પણ ખરો. જિંદગીથી મળેલ કડવા અનુભવોથી એ વધુ સમજુ તો બન્યો હતો પણ પોતાનું અમૂલ્ય બાળપણ માણવાનું ચૂકી ગયો હતો.

દીકરાને બાલ્કની પાસે એકચિત ઊભેલ જોઈને ચેતનાએ એની પાસે આવી હળવેકથી કહ્યું, "દીકરા શું થયું? તું કોઈ ચિંતામાં તો નથીને?? આજથી તો તારું નવજીવન શરૂ થઈ રહ્યું છે તે જે સપના જોયા હતા એ બધા હવે પૂરા કરવા તું સક્ષમ બનીશ અને તું આમ ગુમસૂમ અહીં ઊભો છે! ચાલ ચા અને નાસ્તો કરીએ, તને મોડું થઈ જશે."

મમ્મીનાં શબ્દો સંભળાતા મોહીતની તંદ્રા તૂટી. "હા મમ્મી!" ટૂંકમાં સહસ્મિત જવાબ આપ્યો.

બે બેડરૂમ અને સુંદર મોટો આકર્ષક બેઠકખંડ અને એ પૂર્ણ થતા જ લાકડાનું ડાઇનિંગ ટેબલ ગોઠવ્યું હતું . મોહિત અને તેના મમ્મી બંન્ને એ ટેબલ પાસે રહેલ ચેર પર ગોઠવાયા! ઘર બહુ મોટું ન્હોતું પણ બે જણાને જરૂરી બધું જ હતું. ટૂંકમાં કહીએ તો સામાન્ય પરિવારનો પુત્ર એટલે મોહિત.

મોહિત નાસ્તો કરી તેના મમ્મીને પગે લાગી બાઈકની ચાવી અને ટિફિન બેગ લઈ પોતાની નવી સફરને આવકારતો મનોમન પ્રભુને યાદ કરી ઘરની બહાર ઉત્સાહભેર નીકળ્યો.

******************************

"અરે રે! ચેતના... સમજ જરા!! આટલા જોરદાર વરસાદ અને પવનના ઠંડા સૂસવાટા વાળા ભયંકર તોફાનમાં તારા દસ વર્ષના બાળકને લઈને ત્રણ દિવસથી આ તળાવની પાળે જ બેઠી છે! આખો પરિવાર છે છતાં તું શું જીદ પકડી બેઠી છે. તું તો હેરાન થાય છે, આ કુમળા છોડ જેવા બાળકને પણ હેરાન કરે છે!!! ચેતના..  એ ચેતના.. તારા શરીરે કીડા પડ્યા છે, શરીર ક્ષીણ થઈ ગયું છે અને પીડાના લીધે આવા ઠંડા વાતાવરણમાં પણ ધગધગતા લાવા જેમ તું ગરમ છે! અરે તું મરીશ તો આ બાળકનું કોણ ?? કંઈક તો વિચાર કર!!" જોરજોરથી ફુંકાતા પવનમાં પોતાનો અવાજ ચેતનાના કાનમાં પ્રવેશે એ હેતુથી રીતસર બરડા પાડતા રતનબા બોલ્યા.

પણ... ચેતના કોઈ જ જાતના ચેતન વગર એમ જ ગુમસુમ ભીની ફાટેલી ચાદર ઓઢીને સૂતી હતી. વરસાદમાં ધસી આવેલા કચરા, પ્લાસ્ટિક, અને સૂકા પાન ચાદરને અડકી રહ્યા હતા. પાળ પર પાણી પહોંચી જ ગયું હતું. આજુબાજુ બધું જ જળબંબાકાર હતું. સાંજના છ વાગ્યે પણ અંધકારે ચોતરફ એની ચાદર પાથરવાની શરૂ કરી લીધી હતી.  ચેતનાની બાજુમાં બેઠેલું બાળક રડીને સોજી ગયેલી કોરીકટ આંખે રતનબા સામે જોઈ રહ્યો રહ્યું. એના હોઠ આટલા વરસાદમાં પણ તરસ્યા દર્શાય રહ્યા હતા.

આજ રતનબાના મનમાં મમતા જાગી હતી કે, બાળકને જોઈને માનવતા સળવળી હતી એ રામ જાણે પણ હવે એમનાથી આમ બાળકની કરુણ સ્થિતિ જોવાતી ન્હોતી. તેઓ બાળક પાસે ગયા અને એમણે એને એક સૂકો રોટલાનો કટકો આપ્યો જે ઝભલું ભીનું થવાથી સેજ ભીનો થઈ ગયો હતો. બાળકને કહ્યું, " લે ખાઇ લે!! તારી મા ક્યારે ઊભી થશે અને તું ક્યારે ખાઈશ!!" આવા વાવાઝોડામાં કોણ ભીખ આપવા પણ અહીં આવે!" આટલા વરસાદમાં પણ રતનબાની આંખના આંસુ એ બાળક સ્પષ્ટ જોઈ શકતો હતો. એ ઊઠ્યો અને એની મમ્મીને ઉઠાડતા એ બોલ્યો, "મમ્મી ઉઠને! ચાલ આપણે રોટલો ખાઈએ! મા ખૂબ ભૂખ લાગી છે. પણ તારા વગર હું નહી ખાઉં. ઉઠને મમ્મી!" બાળક ઝંઝોરતું રહ્યું અને ચેતના એમ જ સુધબુધ વિના સૂતી હતી તે સૂતી જ રહી!!

જોરદાર વીજળી ચમકી, વીજળી ક્યાંક પડી હોય એવો કાનના પડદા ધ્રુજાવતો અવાજ આવ્યો અને ધરા પણ ધણધણી , જાણે કુદરત પણ ચેતનાને જગાડવા મથતી ન હોય!!

ચેતના સહેજ સળવળી, હાથમાં સડી ગયેલ ગુમડાંની પીડાથી અજાણ એણે માંડ માંડ પોતાની આંખ સહેજ ચોળી અને ખોલવાનો પ્રયત્ન કર્યો. અર્ધખુલ્લી આંખે પોતાના વહાલસોયા પુત્ર મોહિતને જોઈને આંખ સફાળી ખુલી ગઈ, ઊભા થવા હાથનો ટેકો લીધો પણ ક્ષીણ શરીરમાં એટલી તાકાત જ નહોતી કે એ ઊભી થઈ શકે!! જેટલો ઉભો થવા પ્રયત્ન કર્યો એની બમણી ઝડપે પડી. પડવાથી પાણીમાં રહેલ ગંદકી એના ચહેરે પણ ઉડી અને પાનની આડસમાં આંખ ફરી બિડાઈ ગઈ. મોહિતના મુખે મમ્મી નામની ચીસ ફાટી નીકળી. અત્યારસુધી એણે રોકી રાખેલું રૂદન એકા એક ફાટી નીકળ્યું અને આખું વાતાવરણ એના રૂદનથી ગુંજી ઉઠ્યું.

******************************

મોહિતે પોતાની બાઈક પર ટિફિનબેગ ને ગોઠવી અને પોતાની જોબ માટે નીકળ્યો. મોહિતનું એન્જિનિયરિંગ પૂર્ણ થયું અને એને તરત જ એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ હતી. કોલેજ દરમિયાન કેમ્પસ ઇન્ટરવ્યુ વખતે જ જોબ માટે એ સિલેક્ટ થઈ ગયો હતો. જોબનો પહેલો દિવસ એને ખૂબ ખુશી આપી રહ્યો હતો. પોતાના ઘરથી પંદર કિમી દૂર એક ઇન્ફોસિસ કંપનીના ગેટમાં એણે પ્રવેશ કર્યો. પોતાની બાઈક પાર્ક કરી અને એ કંપનીની અંદર પ્રવેશ્યો. જેમ જેમ એ અંદર પ્રવેશ્યો એમ એણે જોયું કે કંપની સુંદર અને સ્વચ્છ હતી.  પોતાની જે ઓફિસ હતી એ ઓફિસ સુધી જવા એણે લિફ્ટમાં પ્રવેશ કર્યો. લિફ્ટની અંદર રહેલ અરીસામાં એણે પોતાનો ચહેરો જોયો અને એણે પહેલી વખત જ્યારે લિફ્ટનો ઉપયોગ કર્યો હતો એ દિવસની યાદમાં અનાયસે સરી પડ્યો!

******************************

મામા, મામી અને પોતાના મમ્મી સાથે સરકારી હોસ્પિટલની લિફ્ટમાં મોહિતે પ્રવેશ કર્યો. અત્યંત ગભરાહટ અને મમ્મીની તકલીફની પીડા મોહિતના ચહેરા પર એના મામા સ્પષ્ટ જોઈ રહ્યા હતા. એમણે પ્રેમથી મોહિતના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, "ચિંતા ના કર દીકરા તારી મમ્મીને હું કઈ જ નહી થવા દઉં!" આટલા શબ્દો એના મામાના મુખેથી માંડ નીકળ્યાં અને બાકીના શબ્દો ગળે ડૂબો બાજી અટકી ગયા. મામી આ બધું જ દુઃખી હૃદયે જોઈ રહ્યા હતા એમને આ પરિસ્થિતિમાં શું કહેવું એજ સમજાતું નહોતું.

હવે બધા લિફ્ટમાથી બહાર નીકળી ડોક્ટરની કેબિનમાં પ્રવેશ્યા, ચેતના બેભાન જ હતી. ડોક્ટરે એને તપાસી જરૂરી રિપોર્ટ કઢાવવા કહ્યું. દર્દીની ખરી સ્થિતિ રિપોર્ટ આવે પછી ખ્યાલ આવે એમ કહી મામાને રિપોર્ટ કરાવવાનું કાગળ આપી ડોક્ટર જતા રહ્યા.

મોહિતનું મન હવે ખૂબ વ્યાકુળ થઈ ગયું હતું. એ નાનો હતો પણ એટલો પણ નહી કે ગંભીર પરિસ્થિતિ સમજી ન શકે!! એ મમ્મીને દાખલ કરેલ રૂમની અર્ધ ખુલ્લી બારી પાસે ઉભો રહ્યો.  બારીના કાચ સાથે મથામણ કરતી માખી પર એની નજર કેન્દ્રિત થઈ, માખી કાચની આસપાસ ઘુમરા મારતા ગણગણાટ ભર્યો અપ્રિય અવાજ કરી રહી હતી. એને કદાચ બહાર ખુલ્લી જગ્યામાં જવું હતું પણ બહાર જવાનો રસ્તો જડતો નહોતો!! મોહિતે બારી આખી ખોલી નાખી, જેવી માખી બહાર જતી રહી વાતાવરણ એકદમ શાંત થઈ ગયું અને કુદરતી કોઈ સંકેત મળ્યો હોય એમ મોહિતનું મન પણ.

નમસ્તે વાચકમિત્રો. મારી ધારાવાહિક "ધીરગંભીર" ને વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો. મોહિતના સફરમાં જોડાવવા માટે હું આપ સર્વનો દિલથી આભાર માનું છું. ફરી મળશું નવા પ્રકરણ સાથે. જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻