3. મેળાપ
હું સૂર્યાસ્ત પછી તરતનાં ઘોર અંધારામાં આસામ મેઘાલય આસપાસનાં ગાઢ જંગલની ઝાડીઓ વચ્ચે અટવાઈ ગયો હતો. મારી ચારે બાજુ ઊંચાઊંચા ડુંગરાઓ કોઈ ભુતાવળ જેવા બિહામણા ભાસતા હતા. ઉગતો ચંદ્ર જાણે મારી સામે જોતો 'કાં, ભૂલો પડ્યો ને? ભટક હવે.' કહી ઘડીમાં જાણે મારી મઝાક કરતો હતો તો ઘડીમાં 'ચાલતો રહે, હું છું ને માર્ગ બતાવવા?' કહી મને આશ્વાસન અને હિંમત આપતો હતો.
હું સુસવાટા મારતા પવનો સાથે ક્યાંક દૂર દૂર ઊંચેથી પડી રહેલા કોઈ વિશાળ ધોધની ગર્જના સાંભળી શકતો હતો. અહીં ભૂમિ થોડી થોડી વારે પહાડો અને ખીણ સાથે વચ્ચે સમથળ પણ આવતી હોઈ અને ચોમાસું સારું રહેતું હોઈ વચ્ચે વચ્ચે નદીઓ વહે છે જે આવી જગ્યાએ ખૂબ ઊંચેથી ધોધ રૂપે પડે છે. તેનો અવાજ ગર્જના કરતો, આવી રાત્રે તો બિહામણો લાગે છે.
ક્યાંક નજીકમાં કોઈ સ્ત્રીનાં મોટેથી રૂદન જેવી જંગલી પક્ષીઓની કીકીયારીઓ ખુબ ડરાવણો અવાજ કરતી હતી. બાકી હતું તે થોડી વાર માટે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડયો. ઝાડ ઝાંખરાંમાંથી આવતા પ્રકાશને આધારે હું કોઈ ખડક ગોતી તેની નીચે દોડી એક વિશાળ વૃક્ષ નીચે છુપાઈ રહ્યો. વરસાદ બંધ થતાં મંદિરના ઘંટ જેવડો મોટો જંગલી તમરાંઓનો અવાજ આવી રહ્યો હતો. વાતાવરણ કોઈને પણ ભય લાગે તેવું હતું.
એમાં આ સાપ વીંટળાઈ વળ્યો.
મેં પુરી તાકાતથી બૂમ પાડી - ના. પડાઈ ગઈ. 'બચાવો.. મરી ગયો.. સાપ.. કોઈ છેએએ … '
જાણે પર્વતોએ હકારમાં જવાબ આપ્યો- 'છે.. છે..'
ઓચિંતું ક્યાંકથી, જાણે શૂન્યાવકાશમાંથી આગીયાઓનું એક ટોળું આવી ચડ્યું, તે આગના તણખાઓ જાણે એકત્રિત થવા લાગ્યા અને મારાથી થોડે જ દૂર અટકી ગયા. તે પ્રકાશપુંજમાંથી આંખના પલકારામાં એક મનુષ્ય આકૃતિ રચાઈ ગઈ. એકદમ તે એ ભયંકર સાપની સામે ત્રાટક કરી કોઈ મંત્ર અસ્પષ્ટ ઉચ્ચારોમાં બોલી. તેણે તે સાપનું મોઢું મુઠીમાં પકડી હળવેથી તેને ખેંચ્યો અને મારા પગ છુટા કરી તે સાપ ઉંચકીને નજીક ઝાડી પાસે હળવેથી ફેંક્યો. સાપ જતો રહ્યો. હવે એ મનુષ્યાકૃતિએ મારી સામે ત્રાટક કર્યું. મારી દ્રષ્ટિ તેની સામે સ્થિર થઈ. તે એક એકદમ કાળી, પેલા સાપ જેવી જ કાળી, સંપૂર્ણ નગ્ન યુવાન સ્ત્રી હતી. તેનું શરીર એકદમ ઘાટીલું હતું. તેના વાળ છુટા અને ખૂબ લાંબા, લગભગ તેની પાનીઓ સુધી પહોંચતા હતા. તેણે મારા અપાર આશ્ચર્ય વચ્ચે પહેલાં હાથ ઊંચો કરતાં કહ્યું, 'સાંબ સાંબ સદા શિવ'. તે આગળ વધી અને મારી ગુજરાતીમાં જ એક જ શબ્દ ઉચ્ચાર્યો - "ચાલ્યા આવો."
મારું હ્રદય થોડા ધબકારા ચૂકી ગયું. આવી જગ્યાએ ગુજરાતીમાં બોલતી સ્ત્રી!
એ માયા ન હતી. જીવતી જાગતી યુવતી હતી. તે પોતે કશાથી બચવા ભાગતી હોય એમ લાગ્યું. અત્યારે તો તેણે મને બચાવેલો.
તે પોતે પણ દોડતી લાગી પણ ખૂબ સાચવીને. તેના પગનો અવાજ પાંદડાંઓ પર ન થાય તેવી રીતે. કદાચ તે પાંદડાંવાળી જમીન આવે એટલે એડી પર ભાગતી હતી.
તે પોતે આટલી સાવચેતી સાથે અને આટલી ઝડપે કેમ જતી હતી?
કશું પણ વધુ બોલ્યા વિના તે મારી આગળ થઈ એકદમ ઝડપથી ચાલવા લાગી. તેણીએ તેની હથેળીનાં આંગળાં હલાવી મને પોતાની પાછળપાછળ ચાલતા રહેવા ઈશારો કર્યો. મારે તેને અનુસર્યા સિવાય છૂટકો ન હતો.
પ્રકાશિત ચંદ્રના અજવાળામાં મારૂં ધ્યાન તેની તરફ પડ્યું. તે યુવાન હતી. સંપૂર્ણ નગ્ન અવસ્થામાં હતી. તેની ત્વચા એટલી તો કાળી હતી કે જો પૂર્ણ ચંદ્રનો પ્રકાશ ન હોત તો મને કદાચ તે દેખાતી પણ ન હોત. કદાચ તે એટલી કાળી નહીં હોય. બળી ગયેલું ઝાડ કે પ્યોર કોલસો કદાચ આની નજીક કાળો હોઈ શકે. કોઈ માણસ તો એટલું કાળું ન હોઈ શકે. ચંદ્રનો પ્રકાશ તેની ઉપર પડતાં મને ખ્યાલ આવ્યો. તેણે કોઈ કાળો લેપ આખા શરીરે કરેલો. હું તેની ઘાટીલી સુંદર પીઠ, પાતળા અને લાંબા પગ, નિતંબો ઢાંકી ઘૂંટણો સુધી પહોંચતા ઘટ્ટ વાળ, પાતળી અને લાંબી ડોક અને પાતળી કમર જોઈ રહ્યો. આવા ભય વચ્ચે પણ મને એ સંપૂર્ણ સુંદર વળાંકોની કિનારો ચંદ્રપ્રકાશમાં જોઈ ક્ષણિક ઉત્તેજના વ્યાપી ગઈ. તેણે મોટાં પર્ણો અને મોટા ધતુરા જેવાં જંગલી સફેદ ફૂલોનો હાર પહેર્યો હતો. તેની કમર આસપાસનું શરીર ખાખરાથી પણ મોટાં પાનથી ઢાંકેલ હતું. અમે અડાબીડ જંગલમાંથી ઘોર અંધકારમાં આગળ ને આગળ જઈ રહ્યાં હતાં. તે આગળ અને હું પાછળ.
તેણે ઝાડીઓમાંથી રસ્તો કાઢવા એક સફેદ લાકડી હલાવવા માંડી. રસ્તો દેખાતો થતાં અમે તીવ્ર ઢાળ ઉતરવા લાગ્યાં. હવે અકીક કે ચકમક જેવા ચમકતા સફેદ પથ્થરોથી જ ભરેલો નાની કેડી જેવો રસ્તો આવ્યો. તેને સમાંતર એક ખૂબ જ પહોળી નદી વહેતી હતી. લપસીને પડી જવાય તેવું હતું. તેણે મારો હાથ મજબૂતાઈથી પકડ્યો જેથી હું આ પથરાળ લપસણા રસ્તે પડી ન જાઉં.
મારાથી તેને પુછાઈ ગયું, "તું કોણ છે? તું કેવી રીતે ઓચિંતી પ્રગટ થઈ? આ જંગલમાં આટલી રાત્રે શું કરે છે?"
તેણે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં. માત્ર પાછળ આવવા ઈશારો કર્યો. અમે આગળ ઝુકીને સાવ સીધો ઢાળ ઉતરી એક ખીણ તરફ જવા લાગ્યાં. તેના ગળામાં લટકતો પાન અને સફેદ ફૂલો વાળો હાર નીચે ઝૂલ્યો અને કોઈ સફેદ, એકદમ મોટી ચીજ તેમાં પેન્ડન્ટની જેમ ઝોલો ખાઈ રહી. ચંદ્રપ્રકાશમાં મેં તે ચીજ તરફ જોયું અને એક ક્ષણ મારા શ્વાસ થંભી ગયા. તે એક માનવ ખોપરી હતી!
તેણે મારી તરફ જોયું. તેનો ચહેરો આકર્ષક નાક-નકશી વાળો અને ઘાટીલો હતો. એકદમ નમણો. કોઈ પણ આચ્છાદન વગરનાં એકદમ ઉન્મત્ત સ્તનમંડળો હતાં. અવતાર ફિલ્મમાં પરગ્રહની સ્ત્રી જોઈ છે? આ સ્ત્રી એનાથી પણ વધુ ઘાટીલી હતી.
ઓહ, તેણે પેલી સફેદ લાકડી ઊંચી કરી. તે આશરે અઢી ફૂટ લાંબું કોઈ હાડકું હતું. મેં તેની આંખોમાં આંખો પરોવવા પ્રયત્ન કર્યો. હું તેમ કરી શક્યો નહીં. તેની આંખો અંધકારમાં પણ આગના તણખાઓ જેવી દેખાતી હતી. લાલઘુમ, જાણે આગ ઓકતી હતી. એ આંખો કોઈ શિકાર કરવા તરાપ મારવા તૈયાર થયેલાં જંગલી પશુ જેવી ચમકતી હતી.
તેણે મને એક પથ્થર પર બેસી જવા ઈશારો કર્યો. મારે ખભે તાકાત ભર્યો હાથ મૂકી મને બેસાડી દીધો. જાણે સિંહ કે વાઘનો પંજો હોય તેવું જોર મને એ પંજાની તાકાતમાં લાગ્યું.
તેણે મને ચૂપ રહેવા ઈશારો કર્યો. શું આ કોઈ રાક્ષસી હતી અને મારો ભક્ષ્ય કરવા માંગતી હતી? મને કમકમા આવી ગયાં.
તે પોતે એ પથ્થરની શીલા પાછળ છુપાઈ ગઈ. તેણે પોતે આવી હતી તે ટેકરીના ઢાળ તરફ ઈશારો કર્યો. કોઈ માનવ આકૃતિઓના પડછાયા, ના, અંધારામાં દેખાતા ઓળા અમારી તરફ વેગથી ધસી રહ્યા હતા.
તે નજીકમાં પડેલું ઘાસ કે તૂટેલું શ્રબ કહીએ તેવું જાળું ઓઢીને ગોઠણીએ પડી સૂઈ ગઈ.
પેલા ઓળાઓ અમારી નજીક આવી પહોંચ્યા. તે નગ્ન પુરુષો હતા. બે બે ની ત્રણ ટુકડીમાં એટલે છ. આગળ એકદમ પઠ્ઠા શરીર વાળો, ઘટ્ટ દાઢી વાળો ઊંચો, નગ્ન, ભયંકર લાગતો પુરુષ હતો.
તે સહુએ મને જોઈ બિહામણી ચિચિયારીઓ પાડી. એકે પોતાના હાથમાંથી સળગતી લાકડી મારી તરફ ફેંકી.
ક્રમશ